10.21.2019

સિટી સરવે રેકર્ડ માં નામ ટ્રાન્સફર લેવી રીતે કરશો ?

સિટી સરવે રેકર્ડ માં નામ ટ્રાન્સફર લેવી રીતે કરશો ?

How to Get a Name Transfer in a City Survey Record?

સિટી સરવે/ ગામઠાણ સરવે હેઠળ મિલકતોના હક્કોની નોંધણી

જનતાને સિટી સરવે રેકર્ડની નિભાવણીથી શું લાભ મળે છે ?

સિટી સરવે/ગામઠાણ સરવે થયા પછી સિટી સરવેમાં મિલકતો ઉપરના હકોની ચોકસી કરવામાં આવે છે અને ત્યાર પછી પ્રોપર્ટી કાર્ડેાના રૂપમાં હકપત્રક (રેકર્ડ ઓફ રાઇટસ) તૈયાર થાય છે તેને મહેસૂલી પ્ર્રાંત અધિકારી પ્ર્રમાણિત કરે છે. તે પછી હક ચોકસી અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલી સનદો/સ્કેચો ખાનગી મિલકતોના માલિકોને સનદ ફી લઇને આપવામાં આવે છે. જે ગામો/શહેરોમાં જૂન-88 સુધીમાં સિટી સરવે થઇ રેકર્ડ ઓફ રાઇટસ તૈયાર થયેલ છે તેની યાદી પરિશિષ્ટ-9માં આપેલી છે.

આ ઉપરાંત મિલકતની હદ ક્ષેત્રફળ અને તે ઉપરના હકોમાં થતા રોજબરોજના ફેરફારો પ્રોપર્ટી કાર્ડોમાં તથા આનુષંગિક પત્રકોમાં નોંધીને સિટી સરવે/ગામઠાણ સરવેનું રેકર્ડ અદ્યતન રખાય છે. આવું અદ્યતન રેકર્ડ તેઓની મિલકતોની હદો અને ક્ષેત્રફળને ચોક્કસ રાખે છે અને તે ઉપરના હકોને સુરક્ષિત રાખે છે.

આ રેકર્ડનો નિભાવ મિલકત ધારણ કરનારાઓની તકરારોના નિકાલ લાવવામાં સહાયરૂપ બને છે. કોઇ વ્યેશ્રિતએ દબાણ કર્યું હોય અગર હકદાવો કર્યો હોય ત્યારે કોર્ટ-કચેરીમાં ઉપરોકત રેકર્ડને પુરાવારૂપે ગ્રાહ્ય રાખવામાં આવતું હોવાથી હકોને કાયદાકીય રક્ષણ પણ બક્ષે છે.

 સિટી સરવે કચેરી દ્વારા સિટી સરવેના રેકોર્ડને કેવી રીતે અદ્યતન રખાય છે ?

ઉપર જણાવ્યા મુજબ મિલકતોની હદો, ક્ષેત્રફળ અને તે ઉપરના હકોમાં વખતોવખત થતા ફેરફારો નોંધીને અદ્યતન રખાય છે.

 મિલકતોની હદો, ક્ષેત્રફળ અને તે ઉપરના હકોમાં અને બાંધકામમાં વખતો વખત થતા ફેરફારો સામાન્યત:: કેવા પ્રકારના હોય છે ?

(૧) કૌટુંબિક મૌખિક વહેંચણીથી, મોહમેડન લો અન્વયેની બક્ષિસથી તથા વેચાણ, વહેંચણ, રિલીઝ બક્ષિસ, ગીરો, શાનગીરો, શરતી વેચાણના રજિસ્ટાર્ડ દસ્તાવેજથી.
(ર) સિટી સરવે રેકર્ડમાં જે વ્યશ્રિતનું નામ ચાલતું હોય તે ગુજરી જવાથી, વારસાઇ હકથી અગર ગુજરનારના રજિસ્ટર્ડ કે અનરજીસ્ટર્ડ (છેલ્લા) વીલથી પ્ર્રાપ્ત કરનારાની અરજીથી.
(૩) કૌટુંબિક મૌખિક વહેંચણીથી, અરજી, વહેંચણ દસ્તાવેજથી કે રજિસ્ટર્ડ વેચાણ, કબજાગીરો દસ્તાવેજથી આખી મિલકત પૈકી અમુક ભાગનું વેચાણ થયું હોય ત્યારે તેવા હક મેળવનારાઓની અરજી પરથી પ્ર્રત્યાક્ષ કબજા મુજબ માપણી કરીને મિલકતના વિભાગ પાડી જે તે પ્ર્રાપ્ત કરનારને નામે વિભાગ નોંધીને.
(૪) સક્ષમ મહેસૂલી અધિકારીઓના હુકમો અન્વયે સરકારી જમીન કાયમી ધોરણે ખાનગી વ્યશ્રિત કે સ્થાનિક સંસ્થાને ગ્રાન્ટ થવાથી.
(પ) સરકારી જમીન લાંબી મુદતના કે ટૂંકી મુદતના પટેથી સક્ષમ મહેસૂલી અધિકારીઓના હુકમથી આપવાથી.
(૬) જાહેર હેતુ માગે ખાનગી જમીનો સંપાદન થવાથી.
(૭) જાહેર હેતુ માગે સરકારી જમીનો નીમ થવાથી.
(૮) સિટી સરવે લિમિટમાં સમાવિષ્ટ કરવામાં આવેલી ખેતીની જમીનમાં ખેતી સિવાયની પરવાનગીથી.
(૯) નિયમ મુજબની મિલકતોનું સ્થળ નિરીક્ષણ કરી તેનો ઉપયોગ/બાંધકામમાં થયેલ ફેરફારોથી.

 ખાનગી મિલકત ધરાવનારાએ તેના હકો નોંધાવવા કોનો સંપર્ક સાધવાનો હોય છે ?

જે તે શહેર/વિભાગના સિટી સરવે સુપ્રિન્ટેન્ડટન્ટનો સંપર્ક સાધવાનો રહે છે. ઉપરાંત દરેક સિટી સરવે કચેરીમાં જરૂરિયાત મુજબની સંખ્યાનો મેન્ટેનન્સ સરવેયર કામ કરતા હોય છે. તેઓને શહેરોમાં નિયત ધોરણે એક અગર વધુ વોર્ડની, અગર વિસ્તારના અમુક ભાગોની અગર નગરોનો આખા વિસ્તારનો નિભાવ સોંપવામાં આવ્યો હોય છે. તે જ રીતે નાનાં નગરો કે મોટા ગામોના કિસ્સાઓમાં એક સિટી સરવે સુપ્રિન્ટેન્ડન્ટના હવાલામાં આઠથી વીસ જેટલા નગરો/ગામો હોય છે. સિટી સરવે સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવાસમાં હોય અગર અન્ય‍ કામમાં રોકાયેલ હોય ત્યારે સંબંધિત મેન્ટેનન્સ સરવેયરનો સંપર્ક સાધી શકાય છે.

કૌટુંબિક મૌખિક વહેંચણ આધારે સિટી સરવે દફતરે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ કરાવવી હોય ત્યારે કેવી રીતે અરજી કરવાની હોય છે અને તે માટે કયા કયા પુરાવા રજૂ કરવા જરૂરી છે ?

સિટી સરવે દફતરે પ્રોપર્ટી કાર્ડમાં કોઇ મિલકત બે કે વધારે ભાઇઓના સંયુકત નામે ચાલતી હોય ત્યારે ભાઇઓએ સંયુકત નામે તેમની મિલકત જે વિસ્તારમાં આવી હોય તે વિસ્તારના સિટી સરવે સુપ્રિન્ટેન્ડન્ટને લેખિત અરજી આપી અંદરોઅંદરની મોઢાની વહેંચણ આધારે મિલકતનો અમુક એક દિશાનો ચોક્કસ ભાગ એક ભાઇને અને અમુક બીજી દિશાનો ચોક્કસ ભાગ બીજા ભાઇને ભાગે આવેલો છે અને તે મુજબ પ્રત્યક્ષ કબજા મુજબની વિભાગ માપણી કરી હિસ્સાની સનદ આપવા માટે લેખિત અરજી કરવાની રહે છે. આવી વહેંચણની બાબતમાં સામાન્યત: કોઇ પુરાવા રજૂ કરવાના રહેતા નથી.

આ અંગે કોઇ લેખિત અનરજિસ્ટર્ડ કરાર થયો હોય તે રજૂ કરી શકાય, પરંતુ તેમાં જો કોઇ નાણાંકીય લેવડદેવડનો પ્રકાર હોય તો તેવા કરારને રજિસ્ટર્ડ કરાવી લેવાનું ફરજિયાત છે. તેવી જ રીતે અમુક એકથી વધારે મિલકતો સંયુકત નામે ચાલતી હોય અને અંદરોઅંદરની મૌખિક વહેંચણીથી આખીને આખી મિલકતો વહેંચી લેવામાં આવી હોય તો તે પ્રમાણે જે તે મિલકત વહેંચણ આધારે પ્રાપ્ત કરનાર જે તે ભાઇના નામે દાખલ કરવા લેખિત અરજી આપવાની હોય છે.

જેમનું નામ પ્રોપર્ટી કાર્ડમાં ચાલતું હોય તે મિલકતના માલિક ગુજરી ગયા હોય તો તેમના વારસોના નામ સિટી સરવે દફતરે પ્રોપર્ટી કાર્ડમાં વારસાઇથી દાખલ કરાવવા વારસદારોએ શું કાર્યવાહી કરવાની રહે ?

જો કોઇ મિલકતના માલિક ગુજરી ગયા હોય તો વારસાઇથી તેમની મિલકત પ્રાપ્ત કરનારા વારસદારોને તે મિલકત જે સિટી સરવે વિસ્તારમાં આવી હોય તે સિટી સરવે વિસ્તારના સિટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટ ને પરિશિષ્ટ નં. ૧, ર અથવા ૩માં દર્શાવેલ નમૂનામાં અરજી કરવાની હોય છે. અરજી સાથે મરણનો દાખલો સામેલ રાખવો.

વારસાઇથી હકો દાખલ કરવા બાબતની અરજી ઉપર હાલના નિયમો પ્રમાણે કોઇ કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાનો હોતો નથી.

અરજીમાં મિલકતના માલિક ગુજરી ગયાની તારીખ તથા તેમની વિધવા તથા તમામ દિકરા અને દીકરી વારસદારોના નામ જણાવવાં, હિન્દુ વારસા ધારો, 1956 અન્વયે તમામ વારસદારોને એટલે કે વિધવા પત્નીા, દિકરા, દિકરીઓને સરખે હિસ્સે, વારસાઇથી હક પ્રાપ્ત થાય છે તે ઘ્યાનમાં રાખવું.

વારસાઇથી ગુજરનારનું નામ કમી કરીને વારસદારોનાં નામ દખલ કરવા અંગે સિટી સરવે કચેરી દ્વારા આગળની શી કાર્યવાહી થાય છે ?

અરજી મળ્યા પછી જે તે મેન્ટેનન્સ સરવેયરને જરૂરી કાર્યવાહી માટે આપવામાં આવે છે. મેન્ટેનન્સ સરવેયર અરજદારના તમામ વારસદારો અને પંચકયાસ માટેના પંચો સહિત રૂબરૂ જવાબ માટે નિયત તારીખે હાજર રહેવા લેખિત પત્ર દ્વારા જાણ કરે છે. નિયત તારીખે વારસદારો હાજર થાય ત્યારે પ્રોપર્ટી કાર્ડ ઉપરથી કોના નામે મિલકત ચાલે છે તેની ખાતરી કરીને વારસદારોના જવાબ લે છે તેમાં ગુજરનારના પેઢીનામાની વિગતો, ગુજરનારે ગુજરતા અગાઉ કોઇ વીલ અગર વસિયતનામું કર્યું છે કે નહીં, મિલકત વારસદારોના પ્રત્યક્ષ કબજા ભોગવટામાં છે અને પેઢીનામામાં જણાવેલ વારસદારો સિવાયના કોઇ વારસદારો રહી જતા નથી. ઇત્યાદિ વિગતોને આવરી લેતાં રૂબરૂનો જવાબ નોંધે છે અને તે ઉપર વારસદારોની સહી મેળવે છે અને તેની નીચે મારી રૂબરૂ લખી તેની નીચે મેન્ટેનન્સ સરવેયર હોદ્દો બાંધી તારીખ સાથેની સહી કરે છે. જે વારસદારો પોતાને પ્રાપ્ત થયેલો હક અન્ય‍ વારસદારોની તરફેણમાં છોડી દેવા/જતાં કરવા માંગતા હોય તેમણે તેવા જવાબ માટે હાજર રહેવું.

ત્યાર પછી પંચકયાસ માટે ઉપસ્થિાત રહેલા પંચના સભ્યોનો જવાબ તે જવાબના સમર્થનમાં અને તેઓની પુરેપુરી જાણ મુજબ તેમાં લખાયેલ વિગત સાચી છે તેવી કબુલાત જવાબરૂપે મેળવી જવાબ પંચકયાસ ઉપર પંચોની સહી લેવામાં આવે છે અને તેની નીચે 'મારી રૂબરૂ' લખી તેની નીચે હોદ્દો બાંધી મેન્ટેનન્સ સરવેયર તારીખ સાથેની સહી કરે છે.

 વારસદારોનો રૂબરૂ નો જવાબ અને પંચોનો જવાબ થયા પછી ક્યારે નામ દાખલ કરી દેવામાં આવે છે ?

સામાન્ય રીતે તેના તે દિવસે જ પ્રોપર્ટી કાર્ડમાં નોંધ કરી દેવાની હોય છે, પરંતુ કામના ભારણના કારણે મોડામાં મોડી એક અઠવાડિયામાં નોંધ કરી દેવાની હોય છે.

 સિટી સરવે વિસ્તારમાં આવેલી મિલકતોની બાબતમાં રજીસ્ટર્ડ થયેલા વેચાણ,વહેંચણ, રીલીઝ, ફારગતિ બક્ષિસ, શાનગીરો અને શરતી વેચાણના દસ્તાવેજોની નોંધ સિટી સરવે રેકર્ડમાં પ્રોપર્ટી કાર્ડમાં કરાવવા માટે શું કરવું પડે?

સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ એટલે કે રજિસ્ટર્ડ થયેલા વેચાણ, વહેંચણ, રિલીઝ, ફારગતિ, બક્ષિસ, શાનગીરો અને શરતી વેચાણના દસ્તા વેજો બાબતમાં સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી માસ દરમિયાન નોંધાયેલા દસ્તાવેજોના ઉતારા તે પછીના માસની પાંચમી તારીખ સુધીમાં (સંબંધિત સિટી સરવે કચેરીને સિટી સરવે રેકર્ડમાં સંબંધિત) મિલકતોનો પ્રોપટપ્ર કાર્ડમાં નોંધ કરવા મોકલવામાં આવે છે. આ ઉતારાઓ ઉપરથી સિટી સરવે કચેરીમાં સંબંધિત મિલકતના પ્રોપટપ્ર કાર્ડમાં તેની નોંધ કરવામાં આવે છે અને લેન્ડ રેવન્યુ કોડ(મુંબઇ)ની કલમ ૧૩પ(પ)(ર) અન્વયેની નોટીસ સંબંધકર્તાઓને બજાવી તે નોટીસની તારીખથી એક માસની મુદતમાં કોઇ વાંધા ન આવે તો તે નોંધ મંજૂર કરવામાં આવે છે અને નોંધ મંજૂર કર્યાની લેખિત જાણ મિલકત ઉપર હક્ક પ્રાપ્ત કરનારને કરવામાં આવે છે. આમ રજિસ્ટર્ડ થયેલા દસ્તાવેજોની બાબતમાં મિલકત ઉપર હક પ્રાપ્ત કરનારને કોઇ અરજી કરવાનું જરૂરી નથી.

 રજીસ્ટર્ડ દસ્તાવેજોની નોંધ સિટી સરવે કચેરીમાં બારોબાર સબ રજીસ્ટ્રેશન ઉતારા ઉપરથી થઇ જવી જોઇએ છતાં કેટલાક કિસ્સામાં તેની નોંધ કેમ થતી નથી ? તેવા કિસ્સામાં શુ કાર્યવાહી કરવી ?

(૧) દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવવામાં આવે ત્યારે જો સિટી સરવે રેકર્ડના પ્રોપટપ્ર કાર્ડ ઉપરથી વોર્ડ નંબર, ટીકા નંબર, સિટી સરવે નંબર, ક્ષેત્રફળની ખાતરી કર્યા વિના દસ્તાવેજ રજિસ્ટ્રડ કરવામાં આવે છે તેથી વોર્ડ નંબર, સિટી સરવે નંબર, ક્ષેત્રફળ વગેરે દસ્તાવેજમાં ખોટા દર્શાવેલા હોય તો નોંધ કરી શકાતી નથી.

(ર) કેટલાક કિસ્સાઓમાં દસ્તાવેજ કરી આપનારના નામો પ્રોપટપ્ર કાર્ડમાં ચાલતાં નામો કરતાં જુદા જ હોય છે તેથી પણ આવા દસ્તાવેજોની નોંધ કરી શકાતી નથી.

આવા કેસોમાં કડી ખૂટતી હોવાથી તેને 'ખૂટતી કડી'ના રજિસ્ટરમાં નોંધવામાં આવે છે અને દસ્તાવેજ કરી લેનારને ખૂટતી કડી પૂરી પાડવાનું લેખિત રીતે જણાવવામાં આવે છે.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...