6.01.2022

ખેતીની જમીનમાં કૌટુંમ્બિક વહેંચણીમાં તમામ હિત ધરાવતા પક્ષકારોની સંમતિ જરૂરી

 

ખેતીની જમીનમાં કૌટુંમ્બિક વહેંચણીમાં તમામ હિત ધરાવતા પક્ષકારોની સંમતિ જરૂરી

- ખેતીની જમીનમાં કૌટુંમ્બિક વહેંચણીના કિસ્સામાં ટુકડાધારાનું નિયંત્રણ રદ કરવું જરૂરી


- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

હિંદુ વારસા અધિનિયમમાં કુંટુમ્બની વ્યાખ્યા આપેલી છે અને તેમાં લોહીના સંબંધો (Congigual Relationship) અને કાયદેસરના વારસોની ઉતરતા ક્રમમાં (Descedant) વ્યાખ્યા આપવામાં આવેલ છે. જેથી વડીલોપાર્જીત મિલ્કતમાં કુંટુમ્બની વ્યાખ્યામાં આવતા કાયદેસરના વારસોને તેનો હક્ક હિસ્સો મળવાપાત્ર છે. આ જોગવાઈઓ જમીન મહેસૂલ અધિનિયમનાં પ્રકરણ - ૧૦એ ની હક્કપત્રકની જોગવાઈઓ પણ સૈધ્ધાંતિક રીતે લાગુ પાડવામાં આવે છે. સૌ પ્રથમ જમીનનું રેકર્ડ સર્વે સેટલમેન્ટ દ્વારા લખવામાં આવ્યું ત્યારે કાયમી ખરડામાં સર્વે નંબરના આધારે જે જમીન ઉપરના કબજેદાર હતા તેઓના હક્ક પ્રથમવાર જે રેકર્ડ પ્રમાણિત (Promulgation) જાહેરાત કરવામાં આવ્યું તેને Promulgation Entries કહેવામાં આવે છે. ત્યારબાદ વેચાણ, વારસાઈ વિગેરેને કારણે જે હક્કપત્રકમાં ફેરફાર થાય તેમાં સંબંધિત હિત ધરાવતા પક્ષકારોને જે કલમ-૧૩૫ ડી હેઠળ નોટીસ આપવામાં આવે છે તે ફેરફાર અંગેની સંમતિદર્શક નોટીસ છે અને જે સામે કોઈને વાંધો હોય તો સબંધિત પક્ષકાર તેની સામે વાંધો લઈ શકે છે અને હવે આવી તકરારી નોંધોનો (Disputed Entries) નિકાલ સંબંધિત પેટા વિભાગના નાયબ કલેકટર નિર્ણય લે છે. જો ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ કરવાની હોય ત્યારે પેઢીનામાંમાં તમામ સંબંધિત સીધી લીટીના વારસદારો દર્શાવતું પેઢીનામું તલાટી સમક્ષનું બનાવવામાં આવે છે.

હિંદુ સમાજની કૌંટુમ્બિક વ્યવસ્થા પ્રમાણે સંયુક્ત કુટુંમ્બના વડા એટલે કે 'કર્તા' તરીકે સૌથી જ્યેષ્ઠ પુત્રનું નામ ખેતીની જમીનમાં દાખલ કરવામાં આવતું અને રૂઢીપ્રણાલિકા મુજબ (Custom and Usage) એવું માનવામાં આવતું કે 'કર્તા' તરીકે ન્યાયપૂર્ણ સ્વરૂપે જમીનમાં સરખો હિસ્સો પોતાના ભાઈ / બહેનોને આપે અને મહદ્અંશે જ્યારે વડીલ ધારણકર્તાનું મૃત્યુ થાય ત્યારે વારસાઈ કરવામાં આવે ત્યારે તમામ સીધી લીટીના વારસદારોના નામ સંયુક્તપણામાં દાખલ કરવામાં આવે. હવે જ્યારે માનો કે સંયુક્ત કબજેદારની જમીનમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારોને વારસાઈ હક્કથી નામ દાખલ કરવાનું થાય ત્યારે મહેસૂલી રેકર્ડમાં નં-૭ના કબજેદારના કોલમમાં જેટલી વ્યક્તિઓના નામ હોય તેમની હક્કપત્રકના નિયમો મુજબ સંમતિની જરૂર હોય છે. આ પ્રક્રિયામાં તેમની જમીન / મિલ્કતમાં કેટલો હિસ્સો છે નક્કી થતું નથી. પરંતુ સંયુક્ત કબજેદાર તરીકે ગણાય છે.

હવે પ્રવર્તમાન સમયમાં મહત્વની બાબત છે. સંયુક્ત ખાતેદારોની જમીનની વહેંચણીનો, પહેલાના જમાનામાં પેઢીઓ સુધી મુખ્યકર્તાનું નામ અથવા ભાઈઓના સંયુક્તપણામાં નામ ચાલતા હતા. અમો પ્રાન્ત ઓફિસર પાલનપુર અને સુરત હતા ત્યારે અને કલેકટર રાજકોટ તરીકેના કાર્યકાળ દરમ્યાન આ અંગેની વાસ્તવિક (Ground reality) પરિસ્થિતિ અને કૌંટુમ્બિક પ્રશ્નો ધ્યાનમાં આવતાં સરકાર સમક્ષ એ રજુઆતો કરવામાં આવી કે, ખેતીની જમીનમાં હક્કપત્રકમાં ફેરફાર ત્યારે થાય કે વેચાણ કે વારસાઈ થાય, પરંતુ હયાતીમાં જ ખેતીની જમીનમાં વહેંચણી, નામ કમી, અદલા બદલીમાં ૅજ્યારે વડીલોપાર્જીત મિલ્કતનું જ વ્યવસ્થાપન કરવાનું હોય ત્યારે વિધિવત રીતે રજીસ્ટર્ડ દસ્તાવેજ કરાવવાની જરૂર નથી અને આ બાબતને સરકારે હકારાત્મક સ્વરૂપે લઈને ખુબ જ મહત્વનો મહેસૂલ વિભાગનો પરિપત્ર તા-૧૪-૩-૨૦૧૬ - ક્રમાંક - હકપ - ૧૦૨૦૧૬ / ૧૦૧૭ / જ અન્વયે ખેતીની જમીનોમાં વડીલોપાર્જીત, સ્વપાર્જીત, મિલ્કતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્કદાખલ કરવાની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવી છે અને આ પધ્ધતિમાં હવે રૂ.૩૦૦/- ની સ્ટેમ્પ ડયુટી સાથેના એકરારનામાંથી આ પ્રકારના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. જો કોઈ કિસ્સામાં સમયગાળો વધુ થયો હોય અથવા બીજી કે ત્યારપછીના વ્યવહારો માટે જંત્રીના ટકાવારી મુજબની સ્ટેમ્પ ડયુટી ભરવાની છે.

હવે આ પરિપત્રમાં જે અડચણરૂપ બાબતો અંગે જાહેર જનતા તરીકે ખેડુત ખાતેદારોનું અને સરકારનું ધ્યાનએ દોરવાનું છે કે, જ્યારે રાજય સરકારે ટુકડાધારા અન્વયે જો એક ખાતેદારથી બીજા ખેડુત ખાતેદાર વચ્ચે મહેસૂલ વિભાગના પરિપત્ર મુજબ આખેઆખો ટુકડો જો પ્રમાણભુત વિસ્તાર ન હોય તો પણ વેચાણ તરીકે તબદિલી થતી હોય અને નોંધ પ્રમાણિત થતી હોય તો જ્યારે કૌટુંમ્બિક વહેંચણી થાય અને સ્વાભાવિક રીતે મોટાભાગના ખેડુત કુટુંમ્બોની જમીનો ૨ એકરથી ઓછી હોય તો તેવા કિસ્સામાં પણ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના તા.૧૪-૩-૨૦૧૬ના પરિપત્રમાં ટુકડાધારાના પ્રતિબંધમાં છૂટછાટ આપવી જરૂરી છે કારણ કે, વાસ્તવિક સ્વરૂપે જોવામાં આવે તો ખેડુત કુટુંમ્બો વડીલોપાર્જીત જમીનના આંતરિક વ્યવસ્થાથી વહેંચણી કરી દે છે અને તે મુજબ સ્થળે તે મુજબ અલગ રીતે જમીન ખેડે છે. ટુકડા પ્રતિબંધ ધારાનો મુળભુત ઉદ્દેશ એ હતો કે જમીનના ટુકડા કરવાને બદલે એકત્રિકરણ કરવામાં આવે તો ખેતી જમીનનો ઉત્પાદનની દ્રષ્ટિએ કાર્યસાધક ઉપયોગ થાય, વિભાવનાની દ્રષ્ટિએ આ અભિગમ સાચો છે પરંતુ વાસ્તવિક રીતે ભાઈઓ ભાગ કૌટુંમ્બિક વહેંચણીમાં મળતી પોતાના હક્કની જમીન અલગ રીતે ખેડવામાં આવે છે. બીજું કે પોતાના હક્કની જમીનમાં જ્યારે કોઈ ધીરાણ કે બેંકની લોન જોઈતી હોય તો તમામ પક્ષકારોની સંમતિની જરૂર પડે તેમજ બોજો નોંધાયેલ હોય તો અન્ય જમીન સંયુક્ત ધારકને તેવા હિસ્સા માટે લોન લેવી હોય તો ન મળે, સાથો સાથ પોતાની જમીનમાં કુવો હોય તો તેના ઉપર વીજળી કનેક્શન એક જ સર્વે નંબરમાં અન્ય સંયુક્ત કબજેદારોનો કુવો હોય તો અલગ ખેત વિષયક જોડાણ મળવાપાત્ર નથી. આ ઉપરાંત જ્યારે કૌટુંમ્બિક વહેંચણી થાય ત્યારે હવે ઈ-ધરા કેન્દ્રમાં હક્કપત્રકમાં નોંધ પાડવાની હોવાથી જે હક્કપત્રકના ઈ-ધરાના ફોર્મેટમાં કૌટુંમ્બિક વહેંચણી વિગેરેના સ્ટાન્ડર્ડ ફોર્મેટ ન હતા એટલે આવી નોંધો પાડવામાં આવતી ન હતી એટલે આ અંગે પણ મહેસૂલ વિભાગના તા.૫-૧-૨૦૧૬ના પરિપત્ર ક્રમાંક -  એલ.આર.સી. / ૧૦૨૦૧૬ / ૦૬ / એસ.એમ.સી.થી હક્ક કમી તથા વહેંચણીની ફેરફાર નોંધો દાખલ કરવાની સુચનાઓ આપી છે. આ જોગવાઈઓ વડીલોપાર્જીત ખેતીની જમીન ધરાવતા કુટુંમ્બો માટે વહેંચણી / હક્કદાખલ / હક્કકમી વિગેરે માટે અગત્યની હોઈ, મહેસૂલી અધિકારીઓ ખેડુતોના હિતમાં પાલન કરે તે જરૂરી છે.


IF YOU HAVE LIKED THE ARTICLE PLESAE SHARE IT

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...