9.04.2022

જમીન મહેસૂલ કાયદામાં 'લેન્ડ ટાઈટલ' આપવાની જોગવાઈ કરવી જરૂરી

 

જમીન મહેસૂલ કાયદામાં 'લેન્ડ ટાઈટલ' આપવાની જોગવાઈ કરવી જરૂરી

- ભારત સરકારે સુચવેલ જમીન ઉપરનું ટાઈટલ આપતો કાયદો ઘડવો જરૂરી

- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

જમીન મહેસૂલ અધિનિયમ - ૧૮૭૯ જમીન અને જમીન મહેસૂલ નિયમન કરતો કાયદો છે, કાયદાના હાર્દ પ્રમાણે Fiscal Purpose નાણાંકીય (મહેસૂલ) હેતુ માટે છે એટલે જમીનના સર્વે અને સેટલમેન્ટ પ્રમાણે જમીનની પ્રત પ્રમાણે જમીન મહેસૂલ કેટલું લેવુ અને કોની પાસેથી લેવુ તે અંગે મહેસૂલ વિભાગનો વહીવટી ૧ થી ૧૮ નમુનાના માધ્યમથી થાય છે. જેમાં સામાન્ય પ્રજામાં ગામનો નમુનો નંબર-૬ (હક્કપત્રક) અને નમુના નં.૭/૧૨ પ્રચલિત છે અને તેનું મુખ્ય કારણ પણ એ છે કે ગામના નમુના નં.૬ કે જેનાં તમામ પ્રકારના વ્યવહાર, વેચાણ, તબદીલી કે મહેસૂલી અધિકારીઓના હુકમ થાય તેની પણ નોંધ ફેરફાર રજીસ્ટર તરીકે ઓળખાતા નમુના નં.૬માં થાય છે અને આ હક્કપત્રકમાં સબંધિત સર્વે નંબરમાં જે જે ફેરફારો થાય તે તમામ ફેરફાર નોંધોની વિગતોથી જમીન અંગેની જાણકારી મળે છે. જ્યારે નમુના નં.૭માં કબજેદાર તરીકે જમીનને લગતી તમામ માહિતી, ક્ષેત્રફળ, આકાર, કબજેદારનું નામ, જમીન નવી સત્તા પ્રકાર છે કે જૂની સત્તા પ્રકાર છે તેનો ખ્યાલ આવે છે. આમ આ બંને નમુના જમીન ધારકો માટે અગત્યના છે. બીજું કે હક્કપત્રકની નોંધોના ફેરફાર વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી માન્ય રાખવાના છે. (Unless Contrary Proved) અને આ ફેરફારો સબંધિત કોઈને તકરાર / વાંધો હોય તો કલેક્ટરથી શરૂ કરી - મામલતદાર કક્ષા સુધી અપીલ / રીવીઝન થઈ શકે છે અને સૌથી મહેસૂલી બાબતોમાં સર્વોચ્ચ અપીલીય / રીવીઝન ધરાવતી સરકારની સત્તા ભોગવતા તરીકે સચિવ (અપીલ્સ) મહેસૂલ વિભાગ છે. જ્યારે ગણોતધારો / સિલીંગ વિગેરે બાબતોમાં ગુજરાત જમીન મહેસૂલ પંચ છે. (GRT)

જ્યારે જમીન / મિલ્કત અંગે માલિકીપણાનો વિવાદ થાય ત્યારે માલિકીહક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને છે. આમ જમીન મહેસૂલનું રેકર્ડ કબજેદારના હક્ક નક્કી કરતું વ્યવસ્થાતંત્ર છે. હવે જમીન મહેસૂલના ટાઈટલના કાયદેસરના હક્કના મુદ્દા ઉપર આવીએ તો સરકારે આજકાલ મોટાભાગના વ્યવહારો કોમ્પ્યુટરાઈઝેશન કરવાના ભાગરૂપે ઓનલાઈન પધ્ધતિ અપનાવવામાં આવી છે. જેમાં જમીન / મિલ્કતના વ્યવહારો માટે 'ઈ ધરા' કેન્દ્રમાં ફેરફારની અરજી કરવી પડે છે તે સાથે સરકારે બિનખેતી / શરતફેરની પરવાનગી, 'ખેડુત ખરાઈ પ્રમાણપત્ર' મેળવવા માટે 'ઓનલાઈન' પધ્ધતિ કરવામાં આવી છે. આ ઓનલાઈન પધ્ધતિમાં તમામ પ્રકારના પુરાવા રજૂ કરવાની અને સાબિત કરવાની જવાબદારી અરજદાર / કબજેદાર ઉપર છે અને તે ઉપરાંત મારી સમક્ષ જે મોટાપાયે રજૂઆતો થઈ છે તેમાં વડીલોપાર્જીત ખેડૂત હોવા છતાં પેઢીનામામાં જણાવ્યા છતાં ઉત્તરોત્તર લોહીના સબંધો હોવા છતાં, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર સરળતાથી મળતાં નથી. આ તમામ પ્રકારની નોંધો તેમજ અગઉની નોંધો મહેસૂલીતંત્ર દ્વારા પ્રમાણિત કર્યા હોવા છતાં, પાછલા તબક્કે નોંધો રીવીઝનમાં લેવાનું કારણ બતાવીને નામંજૂર કરવામાં આવે છે. આજ રીતે બિનખેતીના કિસ્સામાં ૧૯૫૧થી એટલે કે મહેસૂલી રેકર્ડની નોંધો રજૂ કરવાનું જણાવવામાં આવે છે અને ઓનલાઈન પધ્ધતિમાં અરજી કરવાની જોગવાઈ કરી હોવા છતાં પાછળથી હાર્ડ કોપી પણ રજૂ કરવા જણાવવામાં આવે છે અને બિનખેતીની પરવાનગીઓ ક્ષેત્રફળમાં ફેરફાર, સીલીંગ કેસ, સ્ટેમ્પ ડયુટી, બિનખેડુત / ખેડુત હોવાની નોંધોની ચકાસણી વિગેરે બાબતો રજૂ કરીને બિનખેતીની પરવાનગીઓ નામંજૂર કરવામાં આવે છે. આમ એકબાજુ સરળીકરણ કરવાની વાતો કરવામાં આવે છે. જ્યારે વાસ્તવિક રીતે જોવામાં આવે તો ઉપર જણાવેલ સ્થિતિ પ્રવર્તે છે અને મહેસૂલી રેકર્ડ, મહેસૂલ વિભાગના અધિકારીઓની કસ્ટડીમાં તેમજ મહેસૂલીતંત્ર દ્વારા જે નોંધો / હુકમો કરવામાં આવે છે તેઓ દ્વારા પાછળથી જ્યારે બિનખેતી કરાવવાના તબક્કે કે હેતુફેર / નવી શરતની જમીનોમાં મંજૂરી માંગવામાં આવે છે ત્યારે જુદા જુદા મુદ્દા ઉભી કરીને નામંજૂર કરવામાં આવે છે.

ઉપર્યુક્ત પરિપ્રેક્ષ્યમાં ભારત સરકારે પણ ઘણા વર્ષો પહેલાં 'Right to Land Title' કાયદો ઘડવા જણાવેલ છે. આ અંગે રાજસ્થાન, આંધ્રપ્રદેશ તેમજ અન્ય રાજ્યોએ આવા કાયદા ઘડીને લેન્ડ ઉપરનું ટાઈટલ આપવાનો અધિકારી આપેલ છે. અત્યારે આપણે કોઈ એડવોકેટ કે RERAની પરવાનગી મેળવતી વખતે એડવોકેટનું ટાઈટલ સર્ટિફીકેટ રજૂ કરવું પડે છે અને આ મેળવવામાં અરજદારે ખર્ચ / ફી ચૂકવવી પડે છે અને જ્યારે રાજ્ય સરકાર ૧૯૫૧થી મહેસૂલી રેકર્ડની ઉતારા રજૂ કરવાનું અરજદારને જણાવે અને જ્યારે આ રેકર્ડ મહેસૂલી તંત્ર પાસે રેકર્ડ નિભાવવાના ભાગરૂપે છે ત્યારે સરળતાથી સાચા કબજેદારો / ખેડૂત ખાતેદારાનો કિસ્સામાં 'લેન્ડ ટાઈટલ' આપવાની જોગવાઈ કરતો કાયદો હાલના જમીન મહેસૂલ કાયદામાં હક્કપત્રકના ચેપ્ટર-૧૦માં જ કરી શકાય તેમ છે અને આ ઉપરાંત જમીન મહેસૂલ કાયદામાં જ ખેડૂત ખાતેદારને ખાતાવહી આપતી કાયદાકીય જોગવાઈ છે અને આ ખાતાવહી 'જમીનના ટાઈટલ' જેવી જ ગરજ સારે તેમ છે પરંતુ રાજ્ય સરકારનો મહેસૂલ વિભાગ ખેડૂતોને ખાતાવહી આપવાની કામગીરી કરતી નથી, જો આ કરવામા આવે તો રાજ્ય સરકાર જે મહેસૂલીતંત્રમાં લોકાભિમુખ વહીવટના ભાગરૂપે સરળીકરણ કરવા માંગે છે તે સાચા આર્થમાં થશે બાકી હાલ મારી પાસે જે જાણકારી છે તે મુજબ હાલ ઉપર્યુક્ત વર્ણવેલ કિસ્સાઓમાં બિનખેતીની પરવાનગી અને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવામાં વધારે મુશ્કેલીઓ પડે છે અને સરકારે મહેસૂલી રેકર્ડની જવાબદારી લેવાના બદલે અરજદાર ઉપર જવાબદારી (Onus) નાખવામાં આવે છે. જેથી 'Right to Land Title' કાયદો ઘડવાથી મહેસૂલી વહીવટ લોકભાગ્ય બનશે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...