5.20.2023

મિલકત સંબંધી દસ્તાવેજોના ઊંડા અભ્યાસ દ્વારા સ્થળ-કાળનાં પગલાંની ભાળ

 મિલકત સંબંધી દસ્તાવેજોના ઊંડા અભ્યાસ દ્વારા સ્થળ-કાળનાં પગલાંની ભાળ

સંજય સ્વાતિ ભાવે :
‘ઈ.સ. 1862નો ઢાલગરવાડનો જમીનવેચાણનો દસ્તાવેજ’ બતાવે છે કે ‘ઢાલગરવાડથી જમાલપુર તરફ જવાનો મુખ્ય માર્ગ-રાજમાર્ગ છે.ત્યાં આ ખેતરની વાડ છે...આ ખેતરમાં લીમડા,ગુંદી, બોરડી,તાડ અને અરડુસી જેવાં વૃક્ષો છે.’
‘ઈ.સ.1867 નો કાલુ સંઘવીની પોળનો વહેંચણી બાબતનો દસ્તાવેજ’ બતાવે છે કે આ પોળ ‘ચકલે ઢીંકવાની હધમાં, ચંગ પોલના નાકાથી કાલુપુર જવાના રસ્તાથી દક્ષણ દિશા ત્રફ’ છે. ‘આજે આ પોળ કાળુશીની પોળના નામે ઓળખાય છે.અહીં દર્શાવેલ ઢીંકલા ચકલો તે આજની ઢીંકવા ચોકી. પણ ચંગ પોળ ક્યાં? રોડ બનતા લીમડા પોળ અને ચંગ પોળનું અસ્તિત્વ લોપ પામ્યું જણાય છે.’
‘ઈ.સ. 1911 નો શેખના પાડાનો મકાનવેચાણનો દસ્તાવેજ’ બતાવે છે કે ‘મકાન ત્રણ માળનું અને બેઢાલિયા છાપરાંવાળું છે. મેડે નળ લીધેલો છે એટલે પાણી ત્રીજે માળ ચઢે છે.’
મદાવાદના ઈતિહાસની આવી રસપ્રદ માહિતી રસીલાબહેન કડીઆના સંશોધન ગ્રંથ ‘દસ્તાવેજસંગ્રહ ભાગ 2’ માંથી મળે છે.‘બ્રિટિશકાળના અને અન્ય દસ્તાવેજો’ પેટાશીર્ષક ધરાવતાં આ પુસ્તકમાં ઇ.સ. 1862થી 1947 દરમિયાનના 51 મૂળ દસ્તાવેજોનો અભ્યાસ છે.
ગ્રંથમાં વિવિધ પ્રકારના ખતપત્રો છે: જમીન વેચાણખત, ગીરોખત, ભાડાચિઠ્ઠી, વહેંચણીપત્ર, ફારગતી, કબજા સાનખત, ભીંતલેખ, સનદ, નકશો અને સ્ટૅમ્પ પેપર્સ. ‘દસ્તાવેજસંગ્રહ ભાગ1’ 2016માં પ્રસિદ્ધ થયો. તેમાં ઈ. સ. 1586થી 1858 ના સમયગાળાના, એટલે કે મધ્યકાળ અને અર્વાચીન કાળના 33 દસ્તાવેજોનો અભ્યાસ છે.
એક દસ્તાવેજ ઉકેલવો પણ પડકાર હોય છે. રસીલાબહેને તો બંને ભાગમાં કુલ 84 દસ્તાવેજોમાંથી દરેક દસ્તાવેજનો પાઠ અત્યારની લિપિમાં આપ્યો છે. સાથે તેને લગતી તમામ માહિતી ઊંડા સંશોધનથી પૂરી પાડી છે. પરિશિષ્ટમાં દરેક દસ્તાવેજની વાંચી શકાય તેવી તસવીર પણ મળે છે. અત્યારે 82 વર્ષના રસીલાબહેને આ દુષ્કર અભ્યાસ કોરોના કાળ દરમિયાન કર્યો.
લેખિકાના સંશોધન વિષયની શુષ્કતાની વચ્ચે તેમના વ્યક્તિત્વની પ્રસન્નતા વધુ નિખરે છે. સહુથી પાયાની વાત તે દસ્તાવેજનો મૂળ પાઠ, જેની ગુજરાતી ભાષા કંઈક જુદી છે. એક દાખલા તરીકે ઇ.સ. 1899ના માણેકચોક તથા લાખા પટેલની પોળના એક વેચાણખતના મૂળ પાઠની શરૂઆત જોઈએ :
1. સંવત1955ના અશો સુદ 12 વાર શોમે તા. તા. 16મી અક્ટોબર 1899 અંગરેજી દીને માહાનંત હીરાદાસજી પંહમદાસજી કસબ ધરમ ઉપદેસનો,રહેવાસી 2. અમદાવાદમાં ખાડીઆમાં કબીરપંથીમંદીરના જોગ લી. પરી પુજાભાઈ મઆરામ કસબ સરાદીના રેહેવાસી અમદાવાદમાં શાંકડી સેરીમાં લાખા પ- ...
બધા દસ્તાવેજો આવા પ્રકારની ગુજરાતી ભાષામાં છે. સબરજિસ્ટ્રારની સહી તથા રબર સ્ટૅમ્પનું લખાણ બહુધા અંગ્રેજીમાં છે. સંશોધકે દરેક દસ્તાવેજના સ્થળકાળ ઉપરાંત પણ તેને લગતી વિગતો આપી છે. તેમાંથી કેટલીક આ મુજબ: દસ્તાવેજની સામગ્રી (કાપડ/કાગળ),તેની સ્થિતિ, ભાષા, લિપિ, લખાવટ, પાનાં અને લીટીની સંખ્યા, દસ્તાવેજમાં માહિતીની ગોઠવણ, આરંભ, સ્વસ્તિવચન, દસ્તાવેજનો વિષય, મિલકતનું વર્ણન, નાણાકીય બાબત, મતુ-સાક્ષી.
બાહ્ય વિગતો આપ્યા પછી સંશોધક દસ્તાવેજનો સાર તેમ જ સમજૂતી આપીને તેની વિશિષ્ટતા કે મહત્તા નોંધે છે. જેમ કે, ઈ. સ.1900નો મોરબીનો લજાઈ ગામનો જમીનનો ગીરો બતાવતો દસ્તાવેજ’ એ ‘છપ્પનિયા દુકાળની ખેડૂતના જીવનની આર્થિક હાડમારીના ઉદાહરણારૂપ’ છે.
ચારસો વીસ પાનાંનાં, મોટા કદના અને પાકા પૂંઠાના આ પુસ્તકના પહેલા પ્રકરણમાં અમદાવાદ શહેર સિવાયના 11 દસ્તાવેજો છે. તેમાં વડોદરા, મોરબી, સરખેજ ગામ, જામનગર અને ઉમરેઠનો છે. પછીનાં બે પ્રકરણમાં અમદાવાદના 35 દસ્તાવેજો છે. તેમાં ઢાલગરવાડ, કાલુ સંઘવીની પોળ, મહૂરત પોળ, શેખનો પાડો, લાખિયાની પોળ, લુણસાવાડા, ધનાસુથારની પોળ અને દેવસાના પાડામાં થયેલા મિલકત-દસ્તાવેજો છે.
પાંચ વિશિષ્ટ દસ્તાવેજોના ત્રીજા પ્રકરણમાં આ મુજબના દસ્તાવેજો છે: ઈ. સ. 1585નો અમદાવાદના રખિયાલનો શિવમંદિરનો ભીંતલેખવાળો દસ્તાવેજ, ઈ. સ. 1682નો ઉકેલવામાં કઠિન ગીરોખત, ઈ. સ. 1887નો લુણસાવાડાની જમીનની સનદ, ઈ. સ. 1881નો સેજકપુરની સીમના ખેતરના શેઢાના નકશો.
પુસ્તકનાં રસપ્રદ પરિશિષ્ટો છે: દસ્તાવેજ શબ્દકોશ, જૂના સમયના નાણાં તેમ જ માપ બાબતના કોષ્ટકો, વિવિધ સંશોધન સામયિકોમાં પ્રકાશિત દસ્તાવેજોની યાદી. એક મહત્ત્વનું ટેબલ છે જેમાં દસ્તાવેજ અંગેની આ બાબતોનો નિર્દેશ હોય- ક્રમ, સંવત, ઈસવીસન, સ્થળ, કિંમત, લીટી, સંખ્યા અને પ્રકાર. ગુજરાતી ભાષા-સાહિત્યના પૂર્વ અધ્યાપક અને વિવેચક ડૉ. રસીલાબહેને પુરોવચનમાં જણાવ્યું છે કે દસ્તાવેજોનો એક ગ્રંથ પર પાડ્યા પછી ‘ફરીથી આવું મોટું સંશોધનકાર્ય હું કરી શકીશ તેની મને કલ્પના સુધ્ધાં ન હતી’. તેનું નિમિત્ત બનેલી ‘એક નાનીશી ઘટના’નું વર્ણન તેઓ આપે છે. તદુપરાંત તેમને દસ્તાવેજો પૂરાં પાડનાર અને સંશોધનમાં મદદ કરનાર વ્યક્તિઓનો તે વિગતવાર આભાર માને છે. પુસ્તકના નિવેદનમાં રસીલાબહેનને ‘ધૂળધોયાનું કામ કર્યું છે’ એવી પ્રશસ્તિ સાથે તેમના પરિશ્રમ અને તેમને પડેલી મુશ્કેલીની નોંધ લેવામાં આવી છે. દસ્તાવેજોના આ અભ્યાસમાં મુઘલ, મરાઠા અને બ્રિટિશ સમયની રાજકીય, ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, ભાષાકીય, કાયદાકીય તેમ જ નાણાકીય બાબતોનું મહત્ત્વ ઉજાગર થાય છે. આ ગ્રંથ આ તમામ વિદ્યાશાખાઓ માટે તેમ જ ઇતિહાસના પૂરક લેખે, તથા ભાવિ સંશોધકો માટે અત્યંત ઉપયોગી છે. પદ-પ્રતિષ્ઠાથી દૂર રહીને રસીલાબહેને કરેલું સંશોધન આપણા આત્યારના વિદ્યાકીય માહોલમાં વિરલ છે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...