1.10.2024

મિલકતના ખરીદ-વેચાણના બેન્કચેક બાઉન્સ થાય તો શું કરવું?

 

નાણાંની વસુલાત કરવા માટે પક્ષકાર દ્વારા કાયદેસરની કેવા પ્રકારની કાર્યવાહીઓ કરવી પડે?


તમારી જમીન, તમારી મિલકત | 

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

આભારત દેશમાં સ્થાવર અને જંગમ મિલકતોના લેવડદેવડ/ખરીદ-વેચાણ તથા ધંધા-વેપારમાં રોજબરોજ નાણાંકીય વ્યવહારો બેન્ક ચેકોથી થતા આવ્યા છે. જે તે પક્ષકારો તરફથી જે ચેકો અન્ય પક્ષકારોને આપવામાં આવે છે તેવા કારણોસર પરત ફરે છે તેવા સંજોગોમાં પક્ષકારે આ કાયદા હેઠળ નામદાર કોર્ટ સુધી નાણાંની વસુલાત કરવા માટેની કાયદેસરની કાર્યવાહીઓ કરવી પડે છે જે વિષે આ લેખમાં જોઈશું.

ધી નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ-૧૮૮૧ ની ક્લમ-૧૩૮ હેઠળની નોટિસ, ફરિયાદ અને ટ્રાયલના તમામ તબક્કાઓ અંગે માર્ગદર્શન નોટિસ- # આરોપીએ આપેલ ચેક તેમાં જણાવ્યા મુજબની તારીખથી ૩ મહિનામાં ચેક જે નામે લખવામાં આવ્યો હોય તે નામના ખાતામાં બેન્કમાં જમા કરાવવો. આવો શેક અવધિના સમયગાળામાં આરોપીની બેન્કમાં વસૂલાત માટે પહોંચી જવો જોઈએ.

# ફરિયાદીએ ચેકનો અનાદર થયા અંગે ચુકવનાર બેન્કના રીટર્ન મેમો અથવા ફરિયાદીના બેન્કના એકનોલેજ લેટરની તારીખ, બન્ને પૈકી જે છેલ્લી હોય તે તારીખથી દિન ૩૦ માં ફરિયાદીએ સદર ચેક વગર સ્વીકારાયે પરત થયેલ હોઈ આરોપીને ડિમાન્ડ નોટિસ આપવી તથા નોટિસમાં માગણી કરેલા ચેકની રકમ નોટિસ મળે તે તારીખથી ૧૫ દિવસની અંદર ચુકવી આપવા બાબતે આરોપીને જણાવવું.

# જો આરોપી તેને નોટિસ મળે તે તારીખથી ૧૫ દિવસની અંદર ચેકમાં જણાવ્યા મુજબની રકમ ચુકવી આપે તો ફરિયાદ કરી શકાય નહીં.

જો આરોપી અંશતઃ રકમ ચુકવી આપે તો ચેકની પૂરી રકમ ઉપર ફરિયાદ કરી શકાય નહીં. માત્ર બાકી રહેલી રકમ માટે જ ફરિયાદ કરી શકાય. કોઈપણ ચેક વગર સ્વીકારાયે પરત આવવાની જાણ થયાના ૩૦ દિવસમાં આરોપીને નોટિસ આપી શકાય અને ફરિયાદી દ્વારા આરોપીને આવી આપવામાં આવેલી અને આરોપીને મળેલી પ્રથમ વખતની જ નોટિસ બજવણીના અનુસંધાને કોગ્નિઝન્સ લઈ શકાય. જો તે જ ચેક વગર સ્વીકારાયા સંબંધમાં એકથી વધુ વખત ચેક વારંવાર બેન્કમાં જમા કરાવી ફરિયાદી દ્વારા આરોપીને એકથી વધુ નોટિસ આપવામાં આવે અથવા પ્રથમ નોટિસમાં કોઈ ભૂલ કે ગુણદોષ રહી ગયેલો હોવાના કારણે સુધારણા નોટિસ તરીકે બીજી નોટિસ આપવામાં આવે તો પ્રથમ વખત આરોપીને ફરિયાદી દ્વારા નોટિસ આપવામાં આવી હોય તે સિવાયની પાછળથી અપાયેલ નોટિસોને ગણતરીમાં લઈ કોગ્નિઝન્સ લઈ શકાય નહીં.

ફરિયાદ: જો આરોપી તેને નોટિસ મળે તે તારીખથી ૧૫ દિવસની અંદર ચેકમાં જણાવ્યા મુજબની રકમ ચુકવી ન આપે અથવા નોટિસનો જવાબ આપે ત્યારે આરોપીને નોટિસ બજ્યા તારીખથી ૧૫ દિવસ પછી (કોઝ-ઓફ-એક્શન-ફરિયાદનું કારણ ઉપસ્થિત થયેથી) આ કાયદાની કલમ-૧૩૮ હેઠળ સક્ષમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. (કલમ-૧૩૮(સી) આરોપીને નોટિસ બજયા તારીખથી ૧૫ દિવસ પછીથી દિવસ ગણવાનું શરૂ કરીને આવી ફરિયાદ ફાઈલ કરવાની વધુમાં વધુ મુદત ૩૦ દિવસની છે. (કલમ--૧૪૨(બી)) ૩૦ દિવસની આવી મુદતમાં કોઝ ઓફ એક્શન શરૂ થાય તે દિવસ ગણવામાં આવશે નહીં. એટલે કે નોટિસ બજવણી થયા પછીના ૪૫ મા દિવસ સુધીમાં ફરિયાદીએ પોતાની બેન્કની જે શાખામાં કિલયરિંગ માટે ચેક જમા કરાવેલ હોય તે બેન્કની તે શાખાની સ્થાનિક હકુમત ધરાવતી કોર્ટ સમક્ષ ફરિયાદ કરવાની રહેશે. ફરિયાદની સાથે સોગંદ ઉપર પોતાની સરતપાસ રજ કરશે અને તેની  સાથે ફરિયાદી પોતાની ફરિયાદના સમર્થનમાં લિસ્ટથી તમામ પુરાવાઓ રજૂ કરશે. (આ કાયદાની કલમ-૧૪૫(૧) મુજબ ફરિયાદી પોતાની સોગંદ ઉપરની (એફિડેવિટ) સરતપાસ લેખિતમાં આપી શકે છે.) આવી જુબાનીમાં તમામ દસ્તાવેજી પુરાવાઓને પુરવાર કરવામાં આવે તેવું વર્ણન હોવું જરૂરી છે. જો ફરિયાદ સમયમર્યાદા પછી ફાઈલ કરવામાં આવે તો તેણે ફરિયાદ દાખલ કરવામાં વિલંબ માટે લેખિતમાં વિલંબ માફી અરજી દ્વારા પૂરતું અને યોગ્ય કારણ આપવું જોઈએ અને કોર્ટને ફરિયાદીએ આપેલા કારણ અંગે સંતોષ થાય તો ફરિયાદ દાખલ કરવામાં થયેલ વિલંબ માફ કરી શકાશે. (કલમ-૧૪૨--બી) કોઈપણ કોર્ટ ફરિયાદી ઘ્વારા લેખિતમાં ફરિયાદ મળ્યા સિવાય કલમ- ૧૩૮ હેઠળ સજાને પાત્રગુનાનું કોગ્નિઝન્સ લેશે નહીં એટલે કે ફરિયાદ દાખલ થશે નહીં. (કલમ-૧૪૨-એ)

ફરિયાદીએ કોર્ટ સમક્ષ લેખિતમાં ફરિયાદ રજૂ કર્યેથી કોર્ટ ફરિયાદ બાબતે ફરિયાદીનું વેરિફિકેશન લેશે અને ફરિયાદીનું વેરિફિકેશન લીધા બાદ કોર્ટને ફરિયાદ માટે યોગ્ય અને પૃરતું કારણ જણાય તો કોર્ટ ફરિયાદીને પ્રોસેસ ફી ભરવા જણાવશે અને ફરિયાદીએ પ્રોસેસ ફી ભર્યેથી કોર્ટ નકકી કરે તે તારીખે આરોપીને હાજર થવા માટે પ્રોસેસ (સમન્સ) ઈસ્યુ કરવાનો હુકમ કરશે. આરોપીને સમન્સની બજવણી થતા સમન્સમાં જણાવેલી તારીખે અને સમયે આરોપી કોર્ટ સમક્ષ હાજર થશે ત્યારે કોર્ટ ફરિયાદની નકલ તથા સરતપાસની એફિડેવિટ તથા રજૂ કરેલા તમામ દસ્તાવેજી પુરાવાઓની નકલ આરોપીને આપશે આરોપીના વકીલશ્રી (બચાવપક્ષના વકીલ) આરોપી તરફે બચાવ કરવા માટે વકીલપત્ર કોર્ટ સમક્ષ રજ કરશે. પ્લી-રેકર્ડ નેગોશિએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૪૩ મુજબ આ કાયદા હેઠળની તમામ કાર્યવાહીઓ સંક્ષિપ્ત ઈન્સાફી કાર્યવાહીઓની રીતે ચલાવવામાં આવશે તથા તે અંગે કિ.પ્રો.કોડની કલમો ૨૦૦ થી ર૦૫ લાગુ પાડવામાં આવશે. આ પૈકી કિ.પ્રો.કોડની ક્લમ-ર૦૨ મુજબ સમન્સ કાર્યવાહીની રીતે આ કેસો ચલાવવામાં આવશે તથા સમન્સ કાર્યવાહીઓ અંગે કિ.પ્રો.કોડની કલમો ૨૫૧ થી ૨૫૬ હેઠળ કાર્યવાહીઓ ચલાવવાની રહેશે.

# ચાર્જરેમ અથવા તહોમતનામું. ત્યારબાદ કોર્ટ ફરમાવે તે તારીખે કોર્ટ આરોપીને ફરિયાદમાં જણાવેલ ગુનો કબુલ છે કે નહીં ? તેવો પ્રશ્ન પૂછશે (પ્લી-રેકર્ડ કરવામાં આવશે. કિ.પ્રો.કોડની કલમ-૨૫૧) 

આરોપી ઃ  જો આરોપી ગુનો કબુલ કરે તો કોર્ટ તેને થવા પાત્ર સજા અંગે સમજ આપશે તથા શક્ય હોય ત્યાં સુધી આરોપીના શબ્દોમાં ગુનાની નોંધ કરશે. (ક્રિ.પ્રો.કોડની કલમ--૨૫૨) આ રીતે પ્લી રેકર્ડ કરતા સમયે જો આરોપી ગુનો કબૂલ કરે તો કોર્ટ તેને સજા અંગે શું કહેવું છે તેમ પૂછશે. તે સમયે આરોપી ઓછામાં ઓછી સજા કરવા બાબતે અરજી આપી શકશે. (પ્લી-બારગેઈનિંગ કિ.પ્રોકોડની કલમ--૨૦૫(બી))

# જો આરોપી ગુનો કબૂલ ન કરે ત્યારે કોર્ટ તેની નોંધ કરશે. ત્યારબાદ ફરિયાદપક્ષે કોઈ વાજબી શંકા રહિત અને સચોટ પુરાવાઓથી પોતાની ફરિયાદ કોર્ટ સમક્ષ સાબિત કરવાની રહેશે. “નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની ક્લમ-૧૪૩(એ) હેઠળ ફરિયાદીને વચગાળાનું વળતર 

# ફરિયાદી દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો આરોપી કબૂલ ન કરે ત્યારે, નામદાર કોર્ટને યોગ્ય લાગે તો, તારીખઃ ૦૧-૦૯-૨૦૧૮ થી અમલી નેગો. ઈન્સ્ટુ. એક્ટમાં ઉમેરાયેલી નવી ક્લમ-૧૪૩(એ) હેઠળ વચગાળાના વળતરની રકમ પેટે ચેકની રકમના ૨૦ % થી વધુ ન હોય તેટલી રકમ વચગાળાના વળતર તરીકે તહોમતદાર ફરિયાદીને ચુકવી આપે તેવો હુકમ કરી શકશે. 

ફરિયાદ પક્ષનો પુરાવો ઃ # ફરિયાદીની સોગંદ ઉપરની સરતપાસ એફિડેવિટના અનુસંધાને આરોપી પક્ષે ફરિયાદીની ઉલટ તપાસ કરી ફરિયાદીની ફરિયાદ તથા યથાપ્રસંગ તેણે રજૂ કરેલા પુરાવાઓનું ખંડન કરવાનું રહેશે.

# ત્યારબાદ ફરિયાદીએ પોતાની ફરિયાદ નિઃશંક રીતે પુરવાર કરવા માટે ફરિયાદના સમર્થનમાં આરોપી સાથેની નાણાંકીય લેવડ-દેવડ અંગેના વ્યવહારથી માહિતગાર હોય તેવા સાક્ષીઓને કોર્ટ સમક્ષ જુબાની આપવા માટે કોર્ટમાં સંબંધિત દસ્તાવેજો (જો હોય તો) સહિત હાજર રહેવા કોર્ટને અરજી આપશે. કોર્ટ ફરમાવેલ તારીખે અને સમયે સાહેદોએ કોર્ટમાં હાજર રહી જુબાની આપવા માટે સમન્સ ફરમાવવામાં આવશે. સાહેદોને કોર્ટે ફરમાવેલ તારીખે અને સમયે સાહેદોએ કોર્ટમાં હાજર રહીને જુબાની આપવા માટે સમન્સની બજવણી થતાં જે તે તારીખે સાહેદે કોર્ટ સમક્ષ પોતાની સરતપાસ આપવાની રહેશે.

(નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૪૫(૨) મુજબ લેખિતમાં સોગંદ ઉપર સરતપાસ આપી શકશે) સરતપાસ સાથે ફરિયાદ પક્ષે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ તથા સરતપાસ અને ફરિયાદમાં ફરિયાદીએ જણાવેલી હકીકતોનું ઉલટતપાસથી ખંડન કરવાનું રહેશે. ફરિયાદીએ તમામ પુરાવાઓ તથા સાહેદો દ્વારા કોર્ટ સમક્ષ પોતાનો પુરાવો આપ્યા બાદ કલોઝીંગ પુરસીસ આપીને પોતાના તરફેનો પુરાવો પૂર્ણ થયાનું જાહેર કરશે. ત્યારબાદ બચાવપક્ષ તરફે આરોપીનો પુરાવો શરૂ થશે. એફ.એસ. કોર્ટ સમક્ષ આરોપી વધારાનું નિવેદન લેખિતમાં આપી શકે છે. (કિ.પો.કોડની કલમ-૩૧૩)  વધુ વિગતો હવે પછીના લેખમાં જોઈશું. 

નોંધ:-(જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

ચેક બાઉન્સના કેસોની સુનાવણી અંગે મહત્વની માર્ગદર્શિકા

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...