5.14.2023

ભાગીદારી પેઢીના ભાગીદારોના હકક અને જવાબદારી શું હોય છે

 

પેઢીના ધંધાના હેતુઓ માટે પેઢીનો એજન્ટ ગણાતા ભાગીદારને ગર્ભિત અધિકાર મળેલાં છે



તમારી જમીન,  તમારી મિલકત

 > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

ભાગીદારોનાં હકકો અને જવાબદારીઓઃ (ક) પેઢીમાં ફેરફાર થયા પછીઃ કોઈ પેઢીની રચનામાં ફેરફાર થાય, ત્યારે ફરી રચાયેલી પેઢીના ભાગીદારોના પરસ્પર હકકો અને ફરજો, શક્ય હોય ત્યાં સુધી, ફેરફાર થયા પહેલાં તરત તેમનાં પરસ્પર જે હકકો અને જવાબદારીઓ હતી તે જ પ્રમાણે રહે છે, (ખ) પેઢીની મુદત પૂરી થયા પછી, અને નિયત મુદત માટે રચવામાં આવેલી પેઢી, તે મુદત પૂરી થયા પછી પોતાનો ધંધો ચાલુ રાખે, ત્યારે ઈચ્છાધીન ભાગીદારીના હકક બીજા સાથે સુસંગત હોય તેટલે અંશે ભાગીદારોના પરસ્પર હકક અને ફરજો સદરહુ મુદત પૂરી થયા પહેલાં તેમના પરસ્પર જે હકકો અને ફરજો હતા તે જ પ્રમાણે રહે છે, અને (ગ) જયારે બીજો ધંધો કરવામાં આવે ત્યારે, એક અથવા વધુ સાહસ અથવા ધંધા માટે રચવામાં આવેલી પેઢી બીજું સાહસ અથવા ધંધો કરે ત્યારે એવા બીજા સાહસ અથવા ધંધા અંગે ભાગીદારોના પરસ્પર હક્કો અને ફરજો મૃળ સાહસ તથા ધંધા અંગે તેમના પરસ્પર હકકો અને ફરજો હતાં તે જ રહે છે. 

ભાગીદારોના ત્રાહિત વ્યક્રિતિઓ સાથેના સંબંધો ભાગીદાર પેઢીનો એજન્ટ છેઃ

ભાગીદારી અધિનિયમની જોગવાઈઓને આધીન રહીને, ભાગીદાર પેઢીના ધંધાના હેતુઓ માટે પેઢીનો એજન્ટ ગણાય. પેઢીના એજન્ટ તરીકે ભાગીદારનો ગર્ભિત અધિકારઃ (૧) પેઢી કરતી હોય તેવા પ્રકારનો ધંધો રાબેતા મુજબ કરવા માટે કોઈ ભાગીદારે કરેલ કૃત્ય, પરંતુ કેટલીક જોગવાઈઓને આધિન રહીને બંધનકર્તા છે અને રહેશે. (૨) એથી વિરૃધ્ધની કોઈ વેપારી પ્રથા કે રૂઢિ ન હોય, તો ભાગીદારના ગર્ભિત અધિકારોથી તેને (ક) પેઢીના ધંધા સંબંધી તકરાર લવાદને સોંપવાની, (ખ) પેઢી વતી ખુદ પોતાના નામે બેન્કમાં ખાતુ ખોલવવાની, (ગ) પેઢીએ કરેલા કોઈ હક દાવાની અથવા તેના ભાગની પતાવટ કરવાની અથવા તે છોડી દેવાની, (ઘ) પેઢી વતી દાખલ કરેલો કોઈ દાવો અથવા કાર્યવાહી પાછી ખેંચી લેવાની, (ચ) પેઢી સામેના કોઈ દાવા અથવા કાર્યવાહીમાં કોઈ જવાબદારી સ્વીકારવાની, (છ) પેઢી વતી કોઈ મિલકત પ્રાપ્ત કરવાની, (જ) પેઢીની સ્થાવર મિલકત તબદિલ કરવાની, અથવા (ઝ) પેઢી વતી ભાગીદારીમાં સામેલ થવાની, સત્તા મળતી નથી. જે અંગે અન્ય ભાગીદારોની સંમતી જોઈએ.

ભાગીદારનો ગર્ભિત અધિકાર વિસ્તૃત અથવા મર્યાદિત કરવા બાબતઃ પેઢીના ભાગીદારો પોતાની વચ્ચેના કરારથી કોઈ ભાગીદારનો ગર્ભિત અધિકાર વિસ્તૃત અથવા મર્યાદિત કરી શકશે. એવી કોઈ મર્યાદા હોવા છતાં, કોઈ ભાગીદાર પોતાના ગર્ભિત અધિકારમાં આવી જતું હોય એવું કોઈ કૃત્ય પેઢી વતી કરે, તો તે કૃત્ય પેઢીને બંધનકર્તા છે, સિવાય કે તે ભાગીદારને જેની સાથે વ્યવહાર કરતો હોય તે વ્યકિત એવી મર્યાદા વિશે જાણતી હોય અથવા તે ભાગીદાર, ભાગીદાર છે એવું તે વ્યકત જાણતી અથવા માનતી ન હોય.

ખાસ તાકીદના પ્રસંગે ભાગીદારનો અધિકારઃ તાકીદના પ્રસંગે, પેઢીને નુકસાનીમાંથી બચાવવા માટે, કોઈ સમજદાર વ્યકિત એવા જ સંજોગોમાં કામ કરતા પોતાને માટે કરે તેવાં તમામ કૃત્યો કરવાનો ભાગીદારને અધિકાર છે અને એવાં કૃત્યો પેઢીને બંધનકર્તા છે.  પેઢીને બંધનકર્તા થાય એવું કૃત્ય કરવાની રીતઃ પેઢી વતી કોઈ ભાગીદારે અથવા બીજી વ્યક્તિએ કરેલું કૃત્ય અથવા કરી આપેલો લેખ, પેઢીને બંધનકર્તા થવા માટે પેઢીના નામે, અથવા તે કૃત્ય કે લેખને
પેઢીને બંધનકર્તા કરવાનો ઈરાદો જેથી વ્યકિત કે સૂચિત થતો હોય એવી બીજી કોઈ રીતે કરેલું હોવું જોઈશે અથવા કરી આપેલો હોવો જોઈશે.
ભાગીદારે કરેલી સ્વીકૃતિઓની અસરઃ કોઈ ભાગીદારે પેઢીના કામકાજ સંબંધી કરેલી સ્વીકૃતિ અથવા રજૂઆત, ધંધાના સામાન્ય વ્યવહારમાં કરવામાં આવી હોય તો, તે પેઢી વિરુધ્ધનો પુરાવો છે.
સક્રિય ભાગીદારને નોટિસ આપ્યાની અસરઃ પેઢીના ધંધામાં હંમેશાં કામકાજ કરતો હોય એવા ભાગીદારને પેઢીના કામકાજ સંબંધી કોઈ બાબતની નોટિસ આપવામાં આવી હોય તો, તે નોટિસ પેઢીને આપ્યા બરાબર છે, સિવાય કે જયારે તે ભાગીદારે અથવા તેની સંમતિથી પેઢી સાથે કપટ કર્યું હોય.

પેઢીના કૃત્યો માટે ભાગીદારની જવાબદારીઃ દરેક ભાગીદાર પોતે ભાગીદાર હોય તે દરમિયાન કરવામાં આવેલા પેઢીના તમામ કૃત્યો માટે બીજા તમામ ભાગીદારો સાથે સંયુકત રીતે અને વ્યક્તિગત રીતે પણ જવાબદાર છે.
ભાગીદારના ગેરકાયદસર કૃત્યો માટે પેઢીની જવાબદારીઃ પેઢીના ધંધાના સામાન્ય વ્યવહારમાં અથવા પોતાના ભાગીદારોએ આપેલા અધિકારની રૂએ કામ કરતાં કોઈ ભાગીદારે કરેલા ગેરકાયદે કૃત્ય અથવા કાર્યલોપથી કોઈ ત્રાહિત પક્ષકારને નુક્સાન અથવા હાનિ થાય અથવા કોઈ દંડ ભરવો પડે ત્યારે સદરહુ ભાગીદાર જવાબદાર હોય એટલે અંશે તે માટે પેઢી જવાબદાર છે.

ભાગીદારોએ કરેલા ગેરઉપયોગ માટે પેઢીની જવાબદારીઃ (ક) જયારે કોઈ ભાગીદાર પોતાના પ્રત્યક્ષ અધિકારની રૂએ કામ કરતા કોઈ ત્રાહિત વ્યકિત પાસેથી નાણાં અથવા મિલક્ત મેળવે અને તેનો ગેરઉપયોગ કરે, અથવા (ખ) કોઈ પેઢી પોતાના ધંધા દરમિયાન કોઈ ત્રાહિત વ્યક્તિ પાસેથી નાણાં અથવા મિલકત મેળવે અને નાણાં અથવા મિલકત પેઢીના હવાલામાં હોય તે દરમિયાન, કોઈપણ ભાગીદાર તેનો ગેરઉપયોગ કરે, ત્યારે તે પેઢી, નુકસાની ભરી આપવા માટે જવાબદાર છે. 
ખોટી ઓળખ આપવા બાબતઃ (૧) કોઈ વ્યકિત વાણી, લખાણ કે વર્તનથી પોતાને કોઈ પેઢીના ભાગીદાર તરીકે ઓળખાવે અથવા જાણી જોઈને ઓળખાવવા દે અને તેની એવી ઓળખ ઉપર વિશ્વાસ મૂકી કોઈ વ્યકિતએ પેઢીને ધિરાણ કર્યું હોય ત્યારે, એ રીતે ધિરાણ કરનાર વ્યકિતને પોતાની એવી ઓળખ અપાયા વિશે ભાગીદાર તરીકે ઓળખાવનાર અથવા ઓળખાવા દેનાર વ્યકિતને જાણ હોય કે ન હોય તો પણ, સદરહુ વ્યકિત, ધિરાણ કરનારને સદરહુ પેઢીના ભાગીદાર તરીકે જવાબદાર છે. (૨) કોઈ ભાગીદારના મૃત્યુ પછી જેની પેઢીના નામે ધંધો ચાલુ રાખવામાં આવે ત્યારે સદરહૂ નામ અથવા તેના ભાગરૂપે મૃત્યુ પામેલા ભાગીદારનું નામ વાપરવાનું ચાલુ રાખવામાં આવે તે જ કારણે, તે ભાગીદારના મૃત્યુ પછી કરેલા પેઢીના કોઈ કૃત્ય માટે તેનો કાયદેસરનો પ્રતિનિધિ અથવા તેની એસ્ટેટ જવાબદાર થશે નહીં.

કોઈ ભાગીદારનું હિત તબદિલ કરાવી લેનારના હકકઃ (૧) કોઈ ભાગીદારો પેઢીમાંનું પોતાનું હિત સદંતર તબદિલ કરવાથી અથવા ગીરોથી અથવા એવા હિત ઉપર બોજો ઉત્પન્ન કરીને તબદિલ કરવાથી તે હિત તબદિલ કરાવી લેનાર વ્યકિત, તે પેઢી ચાલુ રહે તે દરયિમાન, પેઢીના ધંધાના સંચાલનમાં દખલગીરી કરવા અથવા તેના હિસાબો માગવા કે ચોપડા તપાસવા હકકદાર થતી નથી, પરંતુ તબદિલ કરાવી લેનાર તબદિલ કરી આપનાર ભાગીદારના નફાનો હિસ્સો મેળવવા માટે જ હકકદાર થાય છે, અને તેણે ભાગીદારોએ મંજુર રાખેલો નફાનો હિસાબ સ્વીકારવો જોઈશે.

(ર) પેઢીનું વિસર્જન કરવામાં આવે અથવા તબદિલ કરી આપનાર ભાગીદાર, ભાગીદાર તરીકે ન રહે તો તબદિલ કરાવી લેનાર બાકીના ભાગીદારોને સંબંધ હોય ત્યાં સુધી તેમના વિરૃધ્ધ તબદિલ કરનાર ભાગીદાર પેઢીની અસ્ક્યામતોનો જે હિસ્સો મેળવવા માટે હકકદાર હોય, તે હિસ્સો અને તે નકકી કરવા માટે વિસર્જનની તારીખ પછીનો હિસાબ બાકીના ભાગીદારો પાસેથી મેળવવા માટે હકકદાર થાય છે.

નોંધ:-(જમીન/મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...