3.29.2023

...તો ચાર મહિના જૂની જંત્રીનો લાભ!: 15મી એપ્રિલ પહેલાં સ્ટેમ્પ્સ ખરીદીને બંને પક્ષોની સહી હશે તો મિલકતમાં જૂની જંત્રી લાગુ થશે, ચાર મહિનામાં ગમે ત્યારે નોંધણી કરાવી શકાશે

 સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગુજરાત રાજય, ગાંધીનગર.

અખબારી યાદી

FOR GR CLIK HERE



ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩ર-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ના ભાવોમાં તા.૧૫/૦૪/૨૦૨૩ થી વધારો અમલમાં આવનાર છે. જેથી, તા.૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે.

(૧) તા.૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં (તા.૧૪/૦૪/૨૦૨૩ સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તેવા દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં, પરંતુ, તે પહેલાંના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજારકીંમત તથા સ્ટેમ્પ ડયુટી ગણવામાં આવશે.

(૨) તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં પક્ષકારો વચ્ચે મિલકતના વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરવામાં આવેલ હશે. અને તા.૧૫/૦૪/૨૦૨૩ પછી આવા બાનાખતમાં સમાવેશ થયેલ મિલકતનો તે જ પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરવામાં આવશે. તો તેવા કીસ્સામાં વેચાણ દસ્તાવેજ થયાની તારીખે અમલી જંત્રીના (એટલે કે વધારેલ) ભાવ મુજબ થતી મિલકતની બજારકીંમત મુજબની સ્ટેમ્પ ડયુટીની રકમમાંથી બાનાખત ઉપર રૂ।.૩૦૦/- થી વધુ રકમની વાપરેલ સ્ટેમ્પ ડયુટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી સ્ટેમ્પ ડયુટીની રકમમાં મજરે ગણવામાં આવશે.

(૩) રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણી કામગીરીના પ્રમાણ તથા જાહેર જનતાના હીતને ધ્યાનમાં રાખી તા.૦૪/૦૪/૨૦૨૩, તા.૦૭/૦૪/૨૦૨૩ તથા તા.૦૮/૦૪/૨૦૨૩ના જાહેર રજાના દિવસોએ રાજયની તમામ ૨૮૭ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે. જેથી, તા.૦૪/૦૪/૨૦૨૩, તા.૦૭/૦૪/૨૦૨૩ તથા તા.૦૮/૦૪/૨૦૨૩ના રોજ રાજયની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે નિયમિત દિવસની જેમ જ ઓન લાઇન એપોઈન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.

સ્થળઃ- ગાંધીનગર

તા.૨૯/૦૩/૨૦૨૩

સહી-

(જેનુ દેવન (I.A.S.)

સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક

3.27.2023

જમીનોના ખેતી માટે નિકાલ અંગેના નિયમો અને નવી શરતના નિયંત્રણોમાં છુટછાટ

 

1968 પહેલાં બિનખેતી હેતુ માટે તબદીલના કેસોમાં હાલની બજાર કિંમતના 50% રકમ ચાર્જ કરાય છે


તમારી જમીન,  તમારી મિલકત 

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 જમીનોના ખેતી માટે નિકાલ અંગેના નિયમો હેઠળ આપેલી જમીનોની નવી શરતના નિયંતણોમાં કેવી છૂટછાટ મળી શકતી હોય છે? આ છુટછાટ  મુકવા બાબત અગાઉ નીચેની વિગતે ઠરાવેલ હતું.

(૧) પટેલાઈની જમીન જે નવી અને અવિભાજય શરતે રીગ્રાન્ટ થયેલી હોય તેનું પ્રિમિયમ લેવાનું ધોરણઃ- સ્ટાઈપેન્ડરી પટેલાઈની જમીનો જે નવી શરતે ગ્રાન્ટ થયેલી છે તેવી જમીનોની ખેતી ઉપયોગ માટે કે બિનખેતી ઉપયોગ માટે તબદીલી અંગે પૂર્વ મંજુરી આપવાના કેસોમાં અગાઉ ઠરાવ્યા મુજબની જોગવાઈઓ લાગુ પાડી કેસોનો નિકાલ કરવો. આથી તે ફેરફાર કરેલી જોગવાઈઓને ધ્યાને લેવી.

(ર) અવેડા તળેની જમીન જે નવી શરતે રીગ્રાન્ટ થયેલ હોય તે અંગે પ્રિમિયમ લેવાનું ધોરણઃ અવેડા તળેની જે જમીનો નવી શરતે રીગ્રાન્ટ થયેલ છે તે જમીનો ખેતી ઉપયોગ માટે અથવા બીનખેતી ઉપયોગ માટે તબદીલી વગેરે અંગે પૂર્વ મંજુરી આપવાના કેસોમાં અગાઉ મુજબની જોગવાઈઓ લાગુ પાડી કેસોનો [નિકાલ કરવો. આથી તે ફેરફાર કરેલી જોગવાઈઓને ધ્યાને લેવી.

(૩) તારીખ ૧-૩-૧૯૬૦ પહેલાં આપેલી સરકારી જમીનો અંગે નવી શરતના નિયંતણમાં છૂટછાટ આપવા બાબતઃ આઝાદી પહેલાં બ્રિટીશ વહીવટ દરમિયાન અપાયેલી સરકારી પડતર જમીનો તેમજ આઝાદી પછી પણ તારીખ ૧-૩-૧૯૬૦ થી પહેલાં એટલે કે સરકારી પડતર જમીનોના નિયમો અમલમાં આવ્યા તે પહેલાં અપાયેલી સરકારી જમીનો અંગે નવી શરતના નિયંત્રણમાં નીચે મુજબ છૂટછાટ મુકવાનું સરકાર ઠરાવે છે.
(ક) આઝાદી પહેલાના સમયમાં અપાયેલ જમીનોની બાબતમાં બાર વર્ષની મુદત ગણવાની જરુર રહેશે નહીં.  (ખ) આઝાદી પછી પણ તારીખ ૧-૩-૧૯૦૦ પહેલાં એટલે કે સરકારી પડતર જમીનોના નિયમો અમલમાં આવે તે પહેલાં અપાયેલી સરકારી પડતર જમીનો માટે બાર વર્ષની મુદત ખરેખર ગ્રાન્ટની તારીખથી નહીં પણ તારીખ ૧ લી માર્ચ, ૧૯૬૦ થી ગણવાનો રહેશે.
(ગ) ઉપર (ક) અને (ખ) સિવાય અગાઉ મુજબની બાકીની જોગવાઈઓ લાગુ પડશે. આથી ફેરફારવાળી જોગવાઈઓને ધ્યાને લેવી.

(4) ગુજરાત પટેલ વતન નાબૂદી અધિનિયમ, ૧૯૬૧ હેઠળ રીગ્રાન્ટ થયેલી જમીનો બાબતઃ ગુજરાત પટેલ વતન નાબૂદી અધિનિયમ, ૧૯૦૧ મુજબ જયારે રીગ્રાન્ટ થયેલી જમીનો ખેતી વિષયક હેતુ માટે તબદીલ કરવા માટે પરવાનગી આપવામાં આવી ત્યારે આકારના ૨૦ પટ્ટા જેટલી રકમ પ્રિમિયમ તરીકે વસુલ લેવી જોઈએ અને આ જમીન ખેતી વિષયક હેતુ માટે જુની શરતની ગણાશે. આ જમીનોના જયારે બિનખેતીનો ઉપયોગ કરવા પરવાનગી આપવામાં આવે અથવા તે માટે તબદીલ કરવામાં આવે તો બિન ખેતી ઉપયોગ માટે ધોરણસરનું પ્રિમિયમ આપવું પડશે અને તે મુજબ પ્રિમિયમ ભરાયેથી આ જમીન બિનખેતીના ઉપયોગ માટે જુની શરતે ધારણ કરેલી ગણાશે. બિનખેતીની પરવાનગી આપતી વખતે આવી જમીનની બિનખેતીની જમીન તરીકેની બજાર કિંમત ગણીને તેમાંથી કબજેદારે ભરેલી કબજાહકકની રકમ તથા ખેતી વિષયક હેતુ માટે મુક્તિ મેળવવા ચૂકવેલી રકમ બાદ કરી આવતા તફાવતના પ્રવર્તમાન પ્રિમિયમની રકમ ભરવી પડશે. આથી તે ફેરફારવાળી જોગવાઈઓને ધ્યાને લેવી.

(5)માલધારી વસાહત યોજના હેઠળ નવી શરતે અપાયેલી જમીનોને નવી શરતના નિયંતણમાં છૂટછાટ આપવા બાબતઃ માલધારી વસાહત યોજના તળે જે જમીનો નવી શરતે સાંથવામાં આવેલ છે તે જમીનો ખેતી ઉપયોગ માટે કે બિન ખેતી ઉપયોગ માટે તબદીલી કરવા પૂર્વ મંજુરી આપવાના કેસોમાં અગાઉ નક્કી કર્યા મુજબની જોગવાઈઓ લાગુ પાડવાનું સરકારશ્રીએ ઠરાવેલ છે. 

(6) જે મહેસુલી વર્ષમાં દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું તેના ત્રણ વર્ષ પહેલાંથી જે ખાતેદારો ચોકક્સ મુદતના પટા સિવાય સરકારી જમીન ધારણ કરતા હતા તેમને અથવા તેમના વંશ વારસોને જુની મુંબઈ સરકારે કંઈ પણ કિંમત લીધા સિવાય “નવી અને અવિભાજય શરતે” સદરહુ જમીનના કબજા આપ્યા હતા. 

 (7) જમીનની તબદીલી માટે પરવાનગી મેળવતી વખતે ખાતેદારોને પ્રિમિયમ ભરવું પડતું. આ ઉપર વિચારણા કરીને સરકારે અગાઉ ઠરાવેલ છે કે તારીખ ૧-૧૧-૧૯૭૦ થી આવી નવી શરતની જમીનોનું કંઈ પણ કિંમત લીધા સિવાય જુની શરતમાં રૂપાંતર કરી દેવું. આવી જમીનના ખાતેદારોએ જમીનની તબદીલીના પ્રસંગે કાંઈ પણ પ્રિમિયમ ભરવાનું રહેશે નહીં અને તેમના જુની શરતના અનિયંતિત હક્કોની નોંધ મામલતદારની સૂચનાથી તલાટી પોતાની મેળે હક્કપત્રકમાં કરશે. તલાટીએ તેના પોતાના તાબા અંદર આવતાં ગામોમાંના આવા ખાતેદારો અંગે મામલતદારને અહેવાલ મોકલી આ અંગેની ફેરફાર નોંધ પાડવા હુકમો મેળવવાના રહેશે. અગાઉ જે કેસોમાં પ્રિમિયમ લઈ જુની શરતમાં ફેરવવાના હુકમો થયા હોય તે કેસો ફરી ઉખેડવાના નથી પણ ઉપર જણાવેલ પ્રકારના ખાતેદારોના આખરી નિર્ણય થવા વિનાના બાકી કેસોમાં આ હુકમનો અનુલક્ષીને હુકમો કરવાના રહેશે.
આમ તારીખ ૨૪-૧૧-૧૯૭૦ થી આ બાબતની ફેરફાર નોંધોનો મોડામાં મોડા છ માસની અંદર [નિકાલ કરવા તથા આ કામગીરી નિયત સમયમાં થાય તેની પ્રાંત અધિકારીએ તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ.
(ક) કનિષ્ઠ ગામ નોકરો કે જે ચાકરીયાત ઈનામી જમીનો નવી અને અવિભાજ્ય શરતે ધારણ કરે છે. તેમના કિસ્સામાં જમીનનું જુની શરતમાં રૂપાંતર સામાન્ય રીતે કરી આપવું નહીં પરંતુ નીચેની શરતો સંતોષાતી હોય તેવા કિસ્સાઓમાં જ કરી આપવું : (૧) જો ખાતેદાર જમીન જાતે ખેડવા કાયમ માટે શારીરિક રીતે અશકત હોય. (૨) જો ખાતેદાર વિધવા હોય, (૩) જો ખેતીનો ધંધો છોડીને કાયમ માટે બીજો ધંધો કરતો હોય તો જમીન ખરેખરા ખેડતોને ગણોતધારા તથા ટોચમર્યાદા ધારાની જોગવાઈઓને અનુરૂપ રહીને આપવી અને વેચાણ કિંમતના ૫૦% જેટલી રકમ મૂળ જમીન ધારણ કરનારને આપવી અને ૫૦ % રકમ સરકારશ્રીમાં જમા કરાવવી.
(ખ) રૈયત ઉપયોગ ચાકરીયાત ઈનામી રીગ્રાન્ટ થયેલ હોય તેવી જમીનો અંગે સરકારશ્રીએ અગાઊ નીચે મુજબ ઠરાવેલું છે. (૧) ચાકરીયાત ઈનામી જમીનો ધારણ કરનારાઓને તેઓએ ધારણ કરેલી જમીન ખેતી વિષયક હેતુ માટે આકારના છ પટ કબજા હક્કની રકમ ભરપાઈ કર્યે બિન તબદીલીને પાત અને અવિભાજય શરતે રીગ્રાન્ટ કરવી. 
(૨) ચાકરીયાત ઈનામી જમીનો ધારણ કરનારાઓએ જમીનો રીગ્રાન્ટ થયા પહેલાં ખેતી વિષયક હેતુઓ માટે તબદીલ કરેલ હોય તો તેવા કિસ્સાઓમાં હાલના ધારણ કરનારાઓએ જમીનો ખેતી માટે જુની શરતમાં ફેરવવા માટે આકારના ૨૦ પટ ભરપાઈ કરવાના રહેશે. આ ૨૦ પટની રકમની રકમ જે તે કેસોમાં કબજા હક્કની ભરપાઈ કરવાની આકારના છ પટ યા ૩ પટ યા ૧૨ પટની અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૧૧-૬-૧૯૬૮ સુધીમાં વસુલ થયેલ ન હોય તેવા અથવા ભરપાઈ કરવામાં ન આવી હોય તેવી રકમ ઉપરાંતની ભરપાઈ કરવાની રકમ રહેશે. હાલના ધારણ કરનારાઓએ અનધિકૃત રીતે કરેલા વહેવાર બદલ રૂ.૫૦ થી વધુ નહીં તેટલી રકમ સુધીનો દંડ ભરવાનો રહેશે. 
(૩) (૧)ચાકરીયાત ઈનામી જમીનો ધારણ કરનારાઓએ જમીન રીગ્રાન્ટ થયા પછી ખેતી વિષયક હેતુ માટે તબદીલ કરેલ હોય તો તેવા કિસ્સાઓમાં હાલના ધારણ કરનારાઓએ જમીનો ખેતી માટે જુની શરતમાં ફેરવવા માટે આકારના ૨૦ પટ ભરપાઈ કરવાના રહેશે. તદઉપરાંત હાલના ધારણ કરનારાઓએ અનઅધિકૃત રીતે કરેલા વહેવાર બદલ રૂ.૨૫/- થી વધુ નહીં તેટલી રકમ સુધીનો દંડ ભરવાનો રહેશે. આ હુકમો અમલમાં આવતાં પહેલાં એટલે કે તા.૫-૮-૧૯૬૮ પહેલાં નિકાલ થયેલા કિસ્સાઓને ફરીથી આ હુકમોને કારણે ઊભા કરી શકાશે નહીં.
(૨) જમીન ખેતી વિષયક હેતુ માટે જુની શરતે રીગ્રાન્ટ કરવા માટે જે શખ્સો માગણી કરશે અથવા રીગ્રાન્ટ થયેલ જમીનને જુની શરતમાં ફેરવવા માગતા હશે તેઓએ આકારની ૨૦ પટની રકમ આવી ફેરબાદલી બદલ સરકારને આપવાની રહેશે.
(૩) જે કેસોમાં જમીન તા.૧૧-૦૬-૧૯૬૮ પહેલાં બિન ખેતી વિષયક હેતુ માટે તબદીલી કરવામાં આવી હોય અથવા હવે તબદીલ કરવાની હોય તો તેના તબદીલીના કેસો અથવા તેની પરવાનગી આપવાના કેસો નિયમબદ્ધ કરવા માટે તેવી જમીનની હાલની બજાર કિંમતના ૫૦% રકમ તેવા કેસોમાં ચાર્જ કરવી.

3.19.2023

સરકારી પડતર જમીનો ની તબદીલી માટે ની નિયમો અને નિયંત્રણો કેવા હોય છે ?

ખાતેદારો આવી જમીન ના ફક્ત ખેડાણ હક્કો જ ભોગવી  શકે છે,માલિકી હક ભોગવી શકતા નથી 

 

3.14.2023

ભૂદાનની જમીનને ધારણ કરનાર તેને વેચી કે તબદીલ કરી શકે નહીં

 

ભૂદાનની જમીનનું વેચાણ કરાય તો ટ્રાન્સફર કે અન્ય ત્રાહિતના કબજે સોંપાતાં ચોકક્સપણે શરતનો ભંગ થાય


તમારી જમીન,  તમારી મિલકત

 > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

ભૂદાનમાં આપેલી જમીન અંગેની શરતો બાબતે આપેલી સૂચનાઓમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલું છે કે ” ભૂદાનની જમીન દાનમાં મેળવનાર વ્યક્તિ દાન આપનાર વ્યકિતને પ્રાપ્ત એવા તમામ અધિકારો તે જમીન ઉપર ધરાવી શકે છે. એટલે જો દાન આપનાર વ્યક્તિની જમીન મૂળ નવી અને અવિભાજ્ય શરતની હોય તો તેટલા જ મર્યાદિત હક્કો દાન મેળવનાર વ્યકિતને હોય અને અને પ્રાપ્ત થાય. વળી જો દાન આપનારની જમીન જૂની શરતની હોય તો દાન મેળવનાર વ્યકિત/પૂરા હક્કવાળી મેળવશે. વધુમાં ભૂદાનમાં આપવામાં/મેળવવામાં આવેલી જમીન ખાતેદારે જાતે ખેડવાની હોય છે. આ જમીન વેચવાની, ભાગે કે સાંથેથી આપવાની હોતી નથી તેમજ પડતર પણ રાખવી નહીં એવી શરતે અપાયેલી હોય છે. તે સંજોગોમાં આ જમીનનું વેચાણ કરવામાં આવે તો ટ્રાન્સફર કે અન્ય ત્રાહિતના કબજે સોંપવામાં આવે તો ચોકક્સપણે શરતનો ભંગ થાય. આમ ભૂદાનમાં મેળવવામાં આવેલ જમીન તેવા જમીન ધારણ કરનાર વેચી કે તબદીલ કરી શકે નહીં. તે સંજોગોમાં આ જમીન અંગે સત્તા પ્રકાર મૂળ જે હોય તે જ રહે છે. તેથી ભૂદાનમાં મેળવવામાં આવેલી જમીનને જે તે જમીન ધારણ કરનાર કોઈપણ સંજોગોમાં વેચી શકશે નર્હીં તેવી રેવન્યુ રેકર્ડમાં ફેરફાર એન્ટ્રી પાડવી જોઈએ અને બીજી જે પણ કાર્યવાહી કરવાની થાય તે પણ સરકારશ્રીએ આપેલી સૂચનાઓ મુજબનો અમલ ઠરવાનો રહેશે.

ભૂદાનમાં પ્રાપ્ત થયેલી જમીનની રેકર્ડમાં નોંધ થવા બાબત :
વિનોબા ભાવે દ્વારા પ્રારંભ કરાયેલી ભૂદાનની ચળવળમાં રાજ્યમાં કેટલીક જમીનો પ્રાપ્ત થઇ હતી. આવી જમીન ભૂમિહીન ખેતમજૂરોને વહેંચવામાં આવી હતી.  આવી જમીન જેઓને આપવામાં આવી હતી, તેઓ આ જમીન ઉપર જાતે ખેતી કરીને તેમનો જીવન નિર્વાહ કરી શકે તેવો મુખ્ય ઉદ્દેશ રહેલો હતો. આ ઉદ્દેશમાં ક્યાંક ખામી જણાઈ આવતાં કેટલાક જિલ્લાઓમાંથી સરકારનું માર્ગદર્શન માગવામાં પણ આવ્યું હતું અને આ સંદર્ભમાં સરકાર તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેની જાણ સર્વે જિલ્લા ક્લેકટરશ્રીઓને પણ કરવામાં આવેલ છે તેમ છતાં આ બાબતમાં હજુ પણ સરકારશ્રીનું માર્ગદર્શન અને ખુલાસાઓ કરવામાં આવેલ છે. ભૂદાનની જમીન સંબંધમાં નીચે મુજબની સૂચનાઓનું ધ્યાન રાખવા સંબંધિત જિલ્લા ક્લેક્ટરશ્રીઓને તથા તેમના તાબાના

મહેસૂલી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.
(૧) ભૂદાનની જમીન દાનમાં મેળવનાર વ્યકિત, દાન આપનાર વ્યકિતને પ્રાપ્ત તેવા તમામ અધિકાર, તે જમીન ઉપર ધરાવી શકે છે. એટલે કે જો દાન આપનાર વ્યકિતની મૂળ નવી અને અવિભાજ્ય શરતની હોય તો તેટલા જ મર્યાદિત હકકો દાન મેળવનાર વ્યકિતને હોય અને જો દાન આપનારની જમીન જૂની શરતની હોય તો દાન મેળવનાર વ્યક્તિ પૂરા હક્ક વાળી જમીન મેળવશે.
(૨) ભૂદાનમાં આપવામાં આવેલી જમીન જાતે ખેડવાની રહે છે. આ જમીન વેચવાની, ભાગે અથવા સાંથે આપવાની હોતી નથી તેમજ પડતર પણ રાખવાની નથી, એવી શરતે અપાયેલી હોય છે.
(૩) દાન મેળવનાર વ્યક્તિ જાતે ખેતી કરતી ન હોય તો પ્રાથમિક રીતે કોઈ ખાતેદારની જમીન પરત્વે જે કાયદા પ્રમાણે કાર્યવાહી કરી શકાતી હોય તેવી જ કાર્યવાહી આ જમીન માટે પણ કરી શકાય એટલે કે જો ત્રાહિત વ્યક્તિ ગણોત હક્કથી જમીન ખેડે છે તેવું સાબિત થાય તો તે જમીન પરત્વે ગણોતિયાઓને કબજા હક્ક મેળવવાના અધિકારી રહે છે.
(૪) જે લોકોએ જમીન દાનમાં મેળવી છે, તે લોકો જમીન છોડીને ચાલ્યા ગયા હોય તો તેવી જમીન ઉપર પણ મૂળ દાન કરનારાઓ કોઈ હક્ક રહેતો નથી. તેવી જમીન છેવટે બિનવારસી જમીન તરીકે ગણી સરકાર ખાતે દાખલ કરી શકાય અને તેના યોગ્ય રીતે નિકાલ કરી શકાય. આવી જમીન બિનઅધિકૃત વ્યકિતના કબજામાં હોય તો તેની તપાસ કરાવવા તથા તેનો કબજો છોડાવવા સરકાર હેડે દાખલ કરવી.
(૫) સૌરાષ્ટ્રના કાયદા હેઠળના નિયમોમાં સ્પષ્ટ કર્યા પ્રમાણે જમીન જાતે ખેડ કરીને નિર્વાહ માટે ભુદાન સમિતિ ભૂમિહિન માણસોના દાનમાં જમીન આપે છે, તેથી અન્ય કોઈ તેવી જમીનોનો ઉપયોગ કરી શકે નહીં. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જો તેવી જમીન પટે આપવાનું જણાય તો પેટા પ્રતિબંધક કાયદા હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈ છે. રાજ્યના બાકી વિસ્તારોમાં ગણોત કાયદા નીચે કાર્યવાહી કરી શકાય.  
(૬) ભૂદાનમાં મેળવવામાં આવેલ જમીનના ગા.ન.નં. ૭/૧૨ માં મથાળે ” ભૂદાનથી પ્રાપ્ત થયેલી જમીન” અથવા ”ભૂદાન-જમીન” શબ્દો રાખવા જોઈએ. ભૂદાનની જમીન વેચી શકાતી ન હોય “નવી અને અવિભાજય સત્તા પ્રકાર” તેવા શબ્દો કમી કરવાનો પ્રશ્ન જ રહેતો નથી.
(૭) ઉપર દર્શાવ્યા મુજબ ભૂદાનથી પ્રાપ્ત થયેલી જમીન ઉપર જાતે ખેતી કરવાની હોય છે. તેનો અન્ય હેતુ માટે ઉપયોગ કરતાં પહેલાં સરકારશ્રીની મંજુરી મેળવીને અન્ય ઉપયોગ થઈ શકે છે.
પ્રશ્ન : મારી પિતાને કાકીના વિલથી ખેતીની જમીન મળેલી છે. રેવન્યુ રેકર્ડમાં પણ પિતાનું નામ દાખલ થયેલું છે. પરંતુ મારાં કાકીના કેટલાક વારસદારોએ કેટલીક જમીનમાં કબજો કરેલો છે. મારે મારા પિતાના કબજાવાળી જમીન ગામના નમુના નં. ૭-૧૨માં જુદી કરાવવી છે. પરંતુ મારા પિતરાઇ કરવા દેતા નથી અને નાણાંની માગણી કરે છે. આ બાબતે શું કરી શકાય? (પ્રશ્ન કર્તા: મહેશભાઇ ભોઇ)
જવાબ : તમારા પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે, ગામ નમુના નંબરઃ ૭/૧૨ ના ઉતારામાં તમારા પિતા અને તમારા પિતરાઈભાઈઓનું નામ ચાલતું આવેલ અને બન્ને પક્ષકારોના કબજામાં જેટલી જેટલી જમીન હોય તે મુજબ ડિસ્ટ્રિક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડને અરજી કરીને કબજા મુજબની માગણી કરાવી શકાય તેમજ KJP SR  કરાવીને હિસ્સા ફોર્મ મેળવીને તેને આધારે ખાતા મુજબ ગામ નમુના નંબરઃ ૭/૧૨ ના ઉતારા અલગ કરાવી શકાય. જો તમારા પિતરાઈ ભાઈઓ ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આનાકાની કરતા હોય તો પ્રાન્ત ઓફિસર (ડેપ્યુટી કલેકટર) ને ત્યાં અપીલ કરી હુકમ મેળવી જમીનની માપણી કરાવીને ગામ નમુના નંબરઃ ૭/૧૨ જુદા કરાવી શકાય. અન્યથા દીવાની કોર્ટમાં દાવો કરીને હુકમનામું મેળવીને તેનો અમલ કરાવી શકાય.
નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

3.05.2023

મહેસુલી કાયદા હેઠળ ફેરફાર નોંધોના નિકાલની કાર્યવાહી સમયસર કરવી

 

તેને  માટે કેવી કાર્યપદ્ધતિ હોય છે? નોંધ ન પાડવાને કારણે જે તે માલિક એડવર્સ પઝેશન કે માલિકીનો હક્કદાવો કરી શકે છે


તમારી જમીન,  તમારી મિલકત

 > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 રેવન્યુ રેકર્ડમાં પડેલ એન્ટ્રી તપાસવાની કાર્યવાહી અધિકૃત અધિકારીએ કરવાની રહે છે. આ કાર્યવાહી જેટલી સમયસર કે વિના વિલંબે થાય તે પક્ષકારોના હિતમાં હોય છે. મહેસુલી કાયદા હેઠળ ફેરફાર નોંધોના નિકાલની કેવી કાર્યપદ્ધતિ હોય છે તે વિષે જોઇશું:

(૧) કલમ ૧૩૫ - ડી નોટીસ તમામ હિત ધરાવતા પક્ષકારોને મોકલી આપી છે કેમ ? તેની ખાતરી કરવી.

(૨) કોઈપણ તબદીલીનો વ્યવહાર જુદા જુદા કાયદાઓ જેવા કે ખેતીની જમીન ટોચમર્યાદા કાયદો, ગણોત કાયદો, ટુકડા ધારો, નવી શરતની જમીન વગેરે બાબતો અંગે અને પરવાનગીઓ મેળવેલી છે તેની ખાતરી કરવી. જો એક કે એથી વધુ કાયદાનો ભંગ થતો હોવાનું માલુમ પડે તો એન્ટ્રી રિવિઝનમાં લેવા દરખાસ્ત મોકલવાની કાર્યવાહી એન્ટ્રી અંગે નિર્ણય લેનાર અધિકારીએ કરી છે કે કેમ તે જોવું. વાજબી સમયમર્યાદામાં પગલાં લેવાય તેમ પણ કરવું, નહિંતર સરકારશ્રી પોતાનો પક્ષ ગુમાવે તેવું બને, જેથી રેવન્યુ રેકર્ડમાં ઈ-ધરા કેન્દ્રમાં તપાસણી કરી યોગ્ય લાગે તેવી એન્ટ્રીઓ સમયસર અને વિના વિલંબે રિવિઝનમાં લેવા કાર્યવાહી કરવી.

(૩) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓથી પ્રસ્થાપિત થયું છે કે રેવન્યુ રેકર્ડમાં નોંધ પડે ત્યારથી સરકારશ્રીને જે તે કાયદેસરના તેમજ ગેરકાયદેસરના વ્યવહારની જાણ થઈ છે એવું ગણવામાં આવે છે. તેથી એન્ટ્રીની તારીખથી જો એક વર્ષમાં સરકાર દ્વારા જે તે કાયદાના ભંગ અંગે કાર્યવાહી હાથ ધરવામાં ન આવે તો વાજબી સમયમર્યાદા પછી શરતભંગની કે કોઈ કાયદા નીચેની સુઓમોટો આપમેમળે કાર્યવાહી હાથ ધરી શકાશે નહી અસંખ્ય તેવા ચુકાદાઓ આવેલા છે. આથી એન્ટ્રી મંજુર કે નામંજુર કરનાર અધિકારીએ અગર ઉપલા અધિકારીશ્રી દ્વારા જે તે કાયદા નીચેની કાર્યવાહી સમયમર્યાદામાં હાથ ધરવામાં આવે તે જોવાની ફરજ અને જવાબદારી છે.

(૪) એન્ટ્રી તપાસતી વખતે જે તે કાયદાઓનો ભંગ થયેલો હોવાનું માલુમ પડે ત્યારે તેવી એન્ટ્રી બાબતે સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી કરવા સક્ષમ અધિકારીને કાગળો કાર્યવાહી માટે મોકલી આપવા જોઈએ.

(૫) કોઈપણ હુકમની એન્ટ્રીની નોંધ સામે કોઈ વાંધા અરજી આવે તો તે એન્ટ્રી તકરારી રજિસ્ટરે ચડાવવી નહીં પરંતુ જે તે હુકમ અન્વયે નોંધ પાડવામાં આવી હોય તે હુકમ સામે યોગ્ય સક્ષમ અધિકારીને અપીલ/રિવિઝન કરવા લેખિત જાણ કરી, હુકમની એન્ટ્રી પ્રમાણિત કરવી. આમ સરકારી કોઈપણ હુકમની એન્ટ્રી નામંજુર કરી શકાય નહીં.

(૬) બિનખેડુતને ખેતીની જમીનનું વેચાણ, નવી શરતની જમીનનું ગેરકાયદે વેચાણ, ટોચમર્યાદાના કેસ પેન્ડિંગ હોવા છતાં જમીન માલીક દ્વારા જમીનનું વેચાણ તથા ટુકડા ભંગનું વેચાણ, લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬પ નો ભંગ કરીને બિનખેતી કૃત્ય, ચોકક્સ હેતુ માટે વેચાણ કે પટેથી આપેલી જમીનમાં હેતુફેર કે શરતભંગનું કૃત્ય વગેરે પ્રકારની તમામ બાબતો સરકારી અધિકારી તરીકે ધ્યાનમાં આવે કે તુરંત જ જે તે કાયદા નીચે કાર્યવાહી હાથ ધરવા કાયદેસર રીતે પગલાં લેવાં. આવા કિસ્સાઓમાં પણ નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા વાજબી સમયમર્યાદામાં પગલાં લેવામાં આવેલ નથી તેવું કારણ આપીને નીચેની કોર્ટોના હુકમો રદ થતા હોય છે. તેથી સમયમર્યાદામાં કાયદેસરની કાર્યવાહી કરવાની તકેદારી રાખવી.

(૭) સક્ષમ અધિકારીના દરેક હુકમની તથા રજિસ્ટર્ડ દસ્તાવેજની ગામ દફતરે એન્ટ્રી અવશ્ય પાડવી. જમીન સંપાદન થયેલી હોવા છતાં/ સરકાર પ્રાપ્ત થયેલી હોવા છતાં નોંધ ન પાડવાને કારણે જે તે માલિક એડવર્સ પઝેશન કે માલિકીનો હક્કદાવો કરતા હોય છે, જેથી આ બાબતે ચોકસાઈ રાખવી. હક્કપત્રકની ફેરફાર નોંધો સંબંધમાં જમીન મહેસુલ અધિનિયમ/નેયમો તથા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો અને સૂચનાઓ તથા કેસના ગુણદોષ ધ્યાને લઈ હુકમ કરવાના હોય છે. ફેરફાર નોંધનો નિર્ણય સરકારના હિતને નુકસાનકર્તા બાબત બનતી હોય ત્યાં અચુકપણે ઊંડાણપૂર્વક અને ગંભીરતાથી વિચારવું જોઈએ. પક્ષકારો વચ્ચેની બાબતમાં કાયદો અને સરકારી સૂચનાઓને અનુસરવી જરૂરી બને છે. નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમકોર્ટના ચુકાદા સંબંધિત કેસને અનુલક્ષીને હોય છે એટલે જાણકારીના હેતુથી ઉપયોગી નીવડે પરંતુ સર્વસામાન્ય બાબત તરીકે પ્રાંત અધિકારીશ્રી સમક્ષ ચાલતા કેસની પ્રક્રિયામાં સરકારશ્રીની સ્થાયી સૂચનાઓને ઉલ્લંઘનકર્તા હોય તો સરકારી હિત વિરુદ્ધ નિર્ણય લઈ શકાય નહીં. મંદિરના ટ્રસ્ટની જમીન વહિવટકર્તા તરફથી વેચાણ કરવા અંગે પબ્લીક ટ્રસ્ટ અધિનિયમ હેઠળ તેમજ જમીન મહેસુલ કાયદા અને નિયમોની જોગવાઈ લાગુ પડે તે અંગેના તકરારી કેસમાં હુકમની બાબતો-વિગતો ટુંકમાં જોઈએ.

(૮) જમીન રેવન્યુ રેકર્ડમાં મંદિરના પુજારીના ખાતે આવેલ-ચાલતી હતી. તેઓએ આ જમીન રજિસ્ટર્ડ દસ્તાવેજથી વેચાણ કરતાં વેચાણની ફેરફાર નોંધ પડીને મંજુર પણ થયેલ ત્યારબાદ ઉત્તરોત્તર વેચાણો પણ થવા પામેલ, જે વેચાણની નોંધો પડીને મંજુર થયેલ તેવી નોંધો સામે નાયબ ક્લેક્ટરશ્રી, સમક્ષ અપીલ/અરજી થતાં નાયબ કલેક્ટરશ્રીએ વિવાદ અરજી નામંજુર કરી હતી. જેની સામે પક્ષકારોએ કલેકટરશ્રીને રીવીઝન અરજી કરતા કલેક્ટરશ્રી, અમદાવાદએ પોતાના હુકમથી રિવિઝન અરજી મંજુર કરી વેચાણની નોંધ રદ કરી હતી. કલેક્ટરના હુકમ વિરુદ્ધ ખાસ સચિવ (મહેસુલ વિભાગ(અપીલ્સ) અમદાવાદ સમક્ષ થયેલ રિવિઝન અરજી નામંજુર કરવામાં આવી હતી  તથા કલેક્ટરશ્રીનો હુકમ કાયમ રાખવામાં આવ્યો હતો.

(૯) એસ.એસ.આર.ડી.ના ટુંકમાં તારણ અને હુકમ નીચે મુજબની વિગતે કરવામાં આવ્યો હતો. વાદવાળી જમીન મુંબઈ સાર્વજનિક ટસટ અધિનિયમ ૧૯૫૦ અન્વયે નાયબ ચેરીટી કમિશ્નરશ્રી સમક્ષ મંદિર ટ્રસ્ટ નોંધાયેલું હોય અને તેના પૂજારી તરીકે વ્યકિતનું નામ રેકર્ડમાં અગાઉ દાખલ કરવામાં આવેલ છે. સદર મિલકત ટ્રસ્ટની મિલકત તરીકે નોંધાયેલી છે તેમ છતાં પણ વાદવાળી જમીનનું વેચાણ કરતાં પહેલાં ચેરીટી કમિશ્નરશ્રીની ટસ્ટના કાયદાની કલમ-૩૬ હેઠળ ફરજિયાત મેળવવાની થતી મંજુરી મેળવી નથી. પુજારી તે વહિવટદાર પગારદાર છે જેથી જમીનના માલીક કે ખેડૂતના હક્ક મળતા નથી. જેથી ટ્રસ્ટની માલિકીની જમીનની તબદીલી/વેચાણ ચેરીટી કમિશ્નરની પરવાનગી વગર કરી શકે નહીં. મંદિર ટ્રસ્ટના પુજારીને વ્યકિતની હેસિયતથી ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત થતો નથી. આથી જમીન વેચાણ, તબદીલી, ગીરો કે બક્ષીસ કરવાના હકકો વ્યક્તિગતને પ્રાપ્ત થતા નથી અને જમીનના કબજેદાર ધાર્મિક સંસ્થા અગર સખાવતી સંસ્થાએ ગણવાના રહે છે.

(૧૦) સરકારશ્રીની સ્થાયી સૂચના હુકમો મુજબ મંદિરના પુજારી તબદીલ, ગીરો, બક્ષિસ કે અન્ય તબદીલી કરી શકે નહીં. મુંબઈ સાર્વજનિક ટ્રસ્‍ટ અધિનિયમની કલમ-૩૬ મુજબ ચેરીટી કમિશ્નરશ્રીની પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય વેચાણ પણ કરી શકાય નહીં. આમ ટ્રસ્ટની નોંધાયેલ મિલકતનું ચેરીટી કમિશ્નરશ્રીની મંજુરી વિના થયેલું વેચાણ માન્ય રાખી શકાય તેમ ન હોવાથી કલેક્ટરશ્રીએ અગાઉ નાયબ ક્લેક્ટરશ્રીનો હુકમ રદબાતલ ઠરાવવા જે હુકમ કરેલ તે યોગ્ય જણાતો હોવાથી ક્લેક્ટરશ્રીનો હુકમ કાયમ રાખેલ છે. ઉપરની વિગતે તારણો આપીને એસ.એસ.આર.ડી.એ હુકમ કરેલ હતો.

નોંધ:-(જમીન/મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...