4.03.2024

ગુજરાતમાં બિનખેડૂતોને ખેતીની જમીન ધારણ કરવા કાયદો સુધારવાની ચાલ કુઠારઘાત સાબિત થશે

 



 લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ-૫૪ યથાવત રાખવી ખેડૂતોના હિતમાં જરૂરી

માનવ જીવનના અસ્તિત્વ માટે અગત્યના અંગ તરીકે અન્ન-ખોરાક (Grain-Food) છે અને તે કૃષિ આધારિત છે. ખેતીનો ઉલ્લેખ ઋગવેદમાં પણ જોવા મળે છે. આપણો દેશ આજે પણ કૃષિપ્રધાન છે અને વિકાસની પ્રક્રિયા સાથે સાથે જમીનના ઉપયોગમાં બદલાવ આવી રહ્યો છે તેમ છતાં આજે પણ કુલ વસ્તીના ૬૫% વસ્તી આજે પણ ખેતી ઉપર નિર્ભર છે સર્વ સામાન્ય સિધ્ધાંત અનુસાર જમીનનો અગ્ર માલીક હક્ક સરકાર પાસે છે એટલે કે સાર્વભૌમત્વ સ્વર્તાપણ (Sovereign Title) શાસન પધ્ધતિ બદલાઈ તે પ્રમાણે ફેરફારો થાય તે સ્વાભાવિક પ્રક્રિયા છે. ઐતિહાસીક દ્રષ્ટિએ જોઈએ તો વૈદિક સમયકાળથી જુદી જુદી સાશન વ્યવસ્થામાં  (Dynasty Rules) જમીન અને તેના ઉપરનું ઉપાર્જન જીવન નિર્વાહ માટે અને જમીન મહેસુલ અગત્યનું રહ્યું છે અને આજે પણ પ્રસ્તુત છે. જમીન ઉપરનો સદ્રઢ વહિવટ શેરશાહ શુરીના સમયગાળા દરમ્યાન શરૂઆત થઈ તેવું માની શકાય, બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન નિયમનકારી વ્યવસ્થાતંત્ર ઉભું કરવામાં આવ્યું તેમાં સંસ્થાનવાદ વલણ (Colonialism) સાથે સામ્રાજ્યવાદની (Imperialism) બાબત કેન્દ્ર સ્થાને હતી. આપણી સમાજ વ્યવસ્થામાં સામંતશાહી (Feudalism) સાથે જમીનદાર વર્ગ હતો અને જમીન ખેડનારાઓના વર્ગને Serfs (ગુલામ) Tillers / Tenants  ખેડનારાઓ - ગણોતીયાઓ ગણાતા. અને આમાં મુખ્યત્વે રાજાઓ / સુબાઓ / જમીનદારો / અંગ્રેજોને જમીન ઉપરનો ભાગ Barter સ્વરૂપે / મહેસુલ સ્વરૂપે મુખ્ય ઉપાર્જન આ વર્ગને જતું અને જમીન ખેડનારાઓ શોશિત વર્ગ હતો અને જમીનનો માલીક ન હતો કે કાયમી કબજેદારના હક્ક ન હતા. અંગ્રેજોએ પણ સૌ પ્રથમ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની એટલે કે મહેસુલ વસુલ કરવાનો અધિકાર (Right to Collect Revenue) મેળવેલ અને ગાંધીજી દ્વારા સૌ પ્રથમ ચંપારણનો સત્યાગ્રહ ગળી ઉઘાડતા (Indigo) ખેડુતના શોષણનો આદર્શ નમુનો હતો. થોડા સમય પહેલાં ચંપારણ સત્યાગ્રહના વિજયની ગાથાની સ્મૃતિ યાદ કરી અને આઝાદી પહેલાં જે આંદોલન / સત્યાગ્રહ થયા તે ખેડુતોના શોષણ સામેના હતા. ચંપારણ, ખેડા, નાગપુર, બારડોલી વિગેરે.ખેતી અને ખેડુતો અંગે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની સ્થિતિ અંગે જાણીએ તો આ વિસ્તારના અંગ્રેજ વ્યવસ્થા દરમ્યાન મુંબઈ પ્રાન્ત (Bombay Province) ગણાતો અને જેમાં આજના મહારાષ્ટ્રનો, કર્ણાટકનો અમુક ભાગ, મધ્યપ્રદેશનો અમુક ભાગનો સમાવેશ થતો હતો અને બ્રિટીશ હકુમત વિસ્તારમાં જમીનની મહેસુલ પધ્ધતિ રૈયતવારી હતી. એટલે કે ખેડુતે રાજ્યને સીધે સીધું મહેસુલ આપવું. મુંબઈ પ્રાન્તમાં આઝાદી પહેલાં Bombay Tenancy Act-૧૯૩૮ હતો. આઝાદી બાદ Equitable distribution of wealth – Resources ના સિધ્ધાંત હેઠળ - સંપતિનું સપ્રમાણ વહેંચણી અને જમીન સુધારાઓના ભાગ રૂપે જમીન ઉપરના ગણોતીયા Tenants ને જમીન ઉપરના કબજા હક્ક / કાયમી હક્ક આપવા માટે મુંબઈ ખેતીની જમીન અને ગણોત હક્ક -૧૯૪૮ - Bombay Agriculture hand and Tenancy Act-૧૯૪૮ ઘડવામાં આવ્યો અને 'ખેડે તેની જમીન'ના સિધ્ધાંત અનુસાર ખેતીની જમીન ઉપર નિર્ભર કાયમી ગણોતીયા / સંરક્ષિત ગણોતીયાઓને Deemed Purchaser ગણી જમીનના કબજેદાર તરીકે ગણવાની કાયદાકીય જોગવાઈ કરવામાં આવી. સાથો સાથ જમીનદારી પધ્ધતિ નાબુદ કરવાના ભાગરૂપે ખેત જમીન ટોચ મર્યાદા (Agriculture Land Ceiling Act) લાવવામાં આવ્યો જેનાથી કોઈપણ જમીનનો માલીક રાજ્ય સરકારે ગામવાર જે મર્યાદિત ક્ષેત્રફળ નક્કી કર્યું તેનાથી વધારે જમીન ધારણ કરી શકે નહિ અને ફાજલ થતી જમીનો જમીન વિહોણા, ખેત મજુરો વિગેરે ફાળવવાની જોગવાઈ કરવામાં આવી.

સૌરાષ્ટ્ર ૧૯૫૬ સુધી 'બી' કેટેગરીનું રાજ્ય હતું અને કચ્છ 'સી' કેટેગરીનું રાજ્ય હતું. સૌરાષ્ટ્રમાં ૫૬૫ દેશી રજવાડાઓ પૈકી ૨૨૨ રજવાડા હતા અને સૌરાષ્ટ્રની સામાજીક, આર્થિક પરિસ્થિતિ તદ્દન જુદી હતી. પરંતુ આઝાદી બાદ જે જમીન સુધારા કાયદાઓ યુ. એન. ઢેબર તત્કાલીન મુખ્યમંત્રીએ અમલમાં મુકેલ તે દેશના અન્ય રાજ્યો અને ગુજરાત સહિત કરતાં સૌથી શ્રેષ્ઠ હતા અને ખુબ જ ટુંકા ગાળામાં જમીનના કબજેદારોને કબજા હક્ક / માલીક હક્ક આપવામાં આવ્યા. જેમાં સૌરાષ્ટ્ર જમીન સુધારા કાયદો-૧૯૫૧, સૌરાષ્ટ્ર ઘરખેડ ઑર્ડીનન્સ-૧૯૪૯, બારખલી અધિનિયમ, એસ્ટેટ એક્વીઝીશન અને કચ્છ માટે કચ્છ/વિદર્ભ કાયદો અમલમાં મુકવામાં આવેલ. જેમ જણાવ્યું તેમ ૧૯૫૬ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અલગ રાજ્યો હતા. પરંતું રાજ્યોની પુનઃરચના ૧૯૫૬ Reorganization of States ૧૯૫૬ હેઠળ હાલના સૌરાષ્ટ્ર, કચ્છને મુંબઈ રાજ્યમાં ભેળવવામાં (Amalgamate) આવ્યું અને તે રીતે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ બન્યા. જે ફરીથી ૧૯૬૦માં મુંબઈ-ગુજરાત અલગ થતાં અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને રાજ્યની રચના સમયે આપણા સ્વતંત્ર કાયદા ન હતા અને રાજ્યોના વિષય અંગે જે કાયદાઓ મુંબઈ રાજ્યમાં અસ્તિત્વમાં હતા તે નવીન રાજ્યની રચનાના દિવસે ૧/૫/૧૯૬૦ના રોજ Bombay Adaptation of Laws and Concurrent Subject એવો કાયદો પસાર કર્યો જેનાથી મુંબઈ રાજ્યમાં જે કાયદાઓ અસ્તિત્વમાં હતા તે મૂળ સ્વરૂપે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યા. જેમાં મોટા ભાગે જમીન સબંધી કાયદાઓ હતા, કારણ કે આઝાદી મળ્યા બાદ જમીન સુધારા કાયદાઓ ઘડવામાં આવ્યા, જ્યારે તેના પહેલાનો કાયદો જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ કાયદો અમલમાં હતો.

આમ જમીન સુધારા કાયદાઓમાં મુંબઈ ખેતીની જમીનના વહિવટ અને ગણોત કાયદો-૧૯૪૮, ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ, સૌરાષ્ટ્ર જમીન સુધારા કાયદાઓ - સૌરાષ્ટ્ર ઘરખેડ અને કચ્છ વિદર્ભ કાયદો - આ તમામ જમીન સુધારા કાયદાઓ હાલ પણ અસ્તિત્વમાં અને અમલમાં છે આ તમામ કાયદાઓ બંધારણની અનુસુચિ હેઠળ ઘડાયેલ છે અને આ કાયદાઓને ભારતના બંધારણીય પીઠબળ છે એટલે કોઈપણ કોર્ટમાં પડકારી શકાય તેમ નથી અર્થઘટન સિવાય, કારણ કે મુળ ઉદ્દેશ ખેતી ઉપર નિર્ભર ખેડુતોને જીવન નિર્વાહ સાથે ખેત ઉત્પાદન કાર્યસાધક થાય અને દેશને અન્ન ક્ષેત્રે સ્વાવલંબી (Self-reliant) કરવાનો હતો. ગણોત કાયદો-૧૯૪૮માં કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદામાં કલમ-૫૪ હેઠળ બિનખેડુત વ્યક્તિને કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરવાનો હક્ક નથી. જમીન તે રાજ્યનો વિષય હોવાથી દેશના જુદા જુદા રાજ્યોમાં ખેતીની જમીન ધારણ કરવાની જુદી જુદી જોગવાઈઓ છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં કયા કારણોસર કલમ-૬૩ અને કલમ-૫૪ના નિયંત્રણો છે તેની પાછળ ઉદાત પરિબળો છે અને બંધારણીય પીઠબળ છે જો તેમાં આંશિક ફેરફાર કરવામાં આવે તો મૂળભુત હેતુ નિષ્ફળ જાય અને અસલ ખેતી ઉપર નિર્ભર જીવન નિર્વાહનું સાધન ઝુંટવાઈ જાય. આ અંગે બંધારણીય જોગવાઈઓ, કાયદાના નિયંત્રણો અંગે આગામી લેખમાં વિવરણ કરીશું.                    (ક્રમશઃ)


મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...