6.21.2023

ગણોતધારો : ખેતીમાં વચેટ હિતો ધરાવતા મધ્યસ્થીઓ(inter-mediary tenures)ની નાબૂદી માટેના કાયદા.

 ગણોતધારો : ખેતીમાં વચેટ હિતો ધરાવતા મધ્યસ્થીઓ(inter-mediary tenures)ની નાબૂદી માટેના કાયદા.



ખેતીની જમીન સંબંધે સ્વાધીનતા પહેલાં અને પછી વિચારાયેલી નીતિમાં ત્રણ બાબતો મુખ્ય હતી : (1) મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકારો નાબૂદ કરી બધા ખાતેદારોને રાજ્ય સાથેના સીધા કબજેદારો બનાવવા; (2) શોષણ પર આધારિત કે શોષણને પ્રોત્સાહિત કરતી ગણોતપ્રથા નાબૂદ કરવી અથવા તેનું નિયમન કરવું અને (3) એક ખેડૂત કુટુંબ ખેતીની વધુમાં વધુ કેટલી જમીનની માલિકી ધરાવી શકે તેનું પ્રમાણ નક્કી કરવું એટલે કે જમીનધારણની ટોચમર્યાદા નિર્ધારિત કરવી.

ભારતમાં મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકારો હિંદુ, મુસ્લિમ તથા મરાઠા રાજ્યવહીવટ દરમિયાન રાજકીય હેતુઓ માટે ઊભા કરાયા હતા. તેના પરિણામે જમીન ઉપરના હકોમાં મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકાર રાજ્ય અને ખેડૂત વચ્ચે અસ્તિત્વમાં હતા. સમગ્ર રાજ્યમાં ખેડૂતને રાજ્ય સાથે સીધા સંબંધ ધરાવતો બનાવવા આ પ્રકારોની નાબૂદી જરૂરી હતી અને તેથી જ્યારે ગુજરાત, મુંબઈ રાજ્યનું અંતર્ગત ભાગ હતું ત્યારે મુંબઈ રાજ્યે સમગ્ર રાજ્યમાં એક જ જમીનવહીવટ-પ્રથા અને પદ્ધતિ દાખલ થાય તે માટે આ જમીનધારણના પ્રકારોની નાબૂદી જરૂરી માની હતી. મુંબઈ રાજ્યે 1949થી 1960 દરમિયાન એટલે કે ગુજરાત રચાયું ત્યાં સુધીમાં મધ્યસ્થીઓ અંગેના ઘણાબધા જમીનધારણના પ્રકારો કાયદા દ્વારા નાબૂદ કર્યા. મે 1960માં ગુજરાતની રચના પછી તેણે પણ આ નાબૂદી કાર્યક્રમ ચાલુ રાખ્યો અને છેલ્લે 1969માં દેવસ્થાન સત્તાપ્રકાર નાબૂદી કાયદો ઘડી તેનો અમલ પણ શરૂ કર્યો.

મધ્યસ્થીઓ દ્વારા જમીનધારણ-વ્યવસ્થા નાબૂદ કરવા માટેના કાયદાની જે પદ્ધતિ મુંબઈ રાજ્યે અને ગુજરાતે અપનાવી તે મુજબ બધા નાબૂદી કાયદામાં —

(1) મધ્યસ્થીઓનો જે તે જમીનધારણ પ્રકાર નાબૂદ કરાયો. મધ્યસ્થી તરીકે જમીન ધરાવનાર પોતે ખેતીની જે જમીનનો કબજો ધરાવતો હોય તેના પૂરતો તેને તે જમીનના લૅન્ડ રેવન્યૂ કોડ મુજબનો કબજેદાર બનાવવો અને તેને પૂરું જમીનમહેસૂલ રાજ્યને ભરવા પાત્ર ઠરાવવો.

(2) મધ્યસ્થીઓનો તે પ્રકાર ધરાવનારા જે ગણોતિયા કે કનિષ્ઠ ખાતેદારો હોય તેમને પણ તેમના હસ્તકની જમીનના લૅન્ડ રેવન્યૂ કોડ મુજબના કબજેદાર બનાવી તેમને રાજ્ય સાથેના સીધા સંબંધમાં મૂકવા તથા મધ્યસ્થીઓ સાથેના તેમના સંબંધોનો અંત લાવવા તેમણે તેમની જમીનના આકારના ચોક્કસ પટ વળતર તરીકે મધ્યસ્થીઓને આપવાના ઠરાવ્યા. આ વળતર આકારના 3 પટ કે 6 પટ જેટલું હતું.

(3) મધ્યસ્થી પોતે ખેતીની જમીન સિવાયની જે મિલકતો પોતાના મધ્યસ્થી તરીકેના બિરુદને કારણે જે તે ગામમાં ધરાવતો હોય તે મિલકતો; જેવી કે નદી, નાળાં, તળાવ, નહેરો, જાહેર કૂવા, રસ્તા, પડતર જમીન, ખરાબાની જમીન વગેરેમાંથી પણ મધ્યસ્થીઓની નાબૂદી થતાં રાજ્યને સંપ્રાપ્ત થાય. આ માટે જાહેર મિલકત સિવાયની મિલકતો માટે રાજ્યે નજીવું વળતર આપવાનું ઠરાવવામાં આવ્યું.

આ રીતે મધ્યસ્થીઓનાં હિતોની નાબૂદી થતાં તેઓ પોતે તથા તેમના હસ્તકના ખેડૂતો અને અન્ય જે તેમના તરફથી જમીન ધરાવતા હતા તે બધા સીધો ભોગવટો ધરાવતા કબજેદાર (occupants) ખેડૂતો બન્યા અને રાજ્ય સિવાય તેમને કોઈ સાથે કોઈ સંબંધ રહ્યો નહિ.

તળ ગુજરાતના વિસ્તાર ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આવા મધ્યસ્થીઓના પ્રકાર હતા તે માટે તે વિસ્તારોમાં જુદા કાયદા ઘડાયા અને અમલી બનાવાયા.

સૌરાષ્ટ્રમાં મધ્યસ્થીઓના દરેક પ્રકારનો ભોગવટો ધરાવનારા માટે જુદા જુદા કાયદા ઘડવાને બદલે માત્ર ત્રણ કાયદા ઘડાયા : એક કાયદો ત્યાંના ગરાસદારી પ્રકાર માટે ‘સૌરાષ્ટ્ર લૅન્ડ રીએન્ફોર્સમેન્ટ ઍક્ટ’ (1951) ઘડાયો અને બીજો કાયદો બારખલી સત્તાપ્રકાર ધરાવતા બારખલીદારો માટે ‘બારખલી ઍબોલિશન ઍક્ટ’ (1951) ઘડાયો. આ બંને કાયદામાં ખેતીની જમીન પરત્વે હકો આપવાની બાબત હતી; જ્યારે ત્રીજો કાયદો ગરાસદારો તથા બારખલીદારોની બિનખેતીની બાબતો સંપ્રાપ્ત કરવા માટે ‘સૌરાષ્ટ્ર જાગીર ઉપાર્જન કાયદો’ ઘડાયો. 1952ના આ કાયદાથી ગરાસદારો અને બારખલીદારોની ખેતી સિવાયની સંપત્તિ જેવી કે નદી, નાળાં, તળાવ, વૃક્ષો, રસ્તા વગેરે સંપ્રાપ્ત કરાઈ. આમાં જાહેર મિલકતો હોય તેના માટે કશું વળતર ન અપાયું. બીજી મિલકતો માટે આકારના પટના ધોરણે રાજ્ય તરફથી વળતર અપાયું.

સૌરાષ્ટ્રના કાયદાની ધ્યાન ખેંચે તેવી જોગવાઈ એ હતી કે તેમાં ગરાસદાર પાસે પોતાની જાતખેતી માટે જમીન ન હોય કે અપૂરતી હોય તો તેને ચોક્કસ ઠરાવેલ પ્રમાણમાં જમીન પહેલાં ગણોતિયા પાસેથી લેવામાં આવે તે પછી જ ગણોતિયો પોતાની બાકી રહેતી જમીન પરત્વે કબજેદાર બની શકતો. આમ ત્યાં આ કાયદો સમાન ભાગના સિદ્ધાંત ઉપર ઘડાયો અને પરિણામે ત્યાં નાબૂદીના કારણે ઓછો અસંતોષ થયો.

કચ્છમાં મધ્યસ્થીઓનો જે પ્રકાર હતો તે ઇનામદારી પ્રકાર કહેવાતો. એની નાબૂદી માટે કચ્છ ક્ષેત્રમાં ઇનામદારી નાબૂદ કરવા મુંબઈ રાજ્યે 1958નો કાયદો ઘડેલ. આની જોગવાઈઓ મુંબઈના જાગીરનાબૂદી કાયદા ઉપરથી ઘડાયેલ અને તેમાં પણ ઇનામદારોનો પ્રકાર નાબૂદ કરી તેમને તેમના કબજાની જમીનના કબજેદારો બનાવાયા અને તેમના ખેડૂતોને પણ આકારના 6 પટ જેવી રકમ ઠરાવી તે અપાયા બાદ કબજેદાર બનાવાયા. કચ્છના આ કાયદા અંગે ત્યાંના ઇનામદારોએ ઠીકઠીક સમય સુધી વિરોધ કરેલ; પરંતુ કાયદા બહાર થોડીક વાજબી છૂટછાટો આપી તેમનો વિરોધ શાંત પડાયો.

આમ ગુજરાતમાં હવે રાજ્ય અને ખેડૂત વચ્ચે મધ્યસ્થીઓનાં કોઈ હિતો રહેતાં નથી અને રાજ્ય ખેતી-બિનખેતીની જમીનોનો સીધો વહીવટ કરી શકે તેવી સ્થિતિ થઈ છે.

આ પછી (સમગ્ર ગુજરાતમાં) જમીન પરત્વે હવે મધ્યસ્થીઓનાં કોઈ હિતો રહેતાં નથી, બધા સરકાર પાસેથી જમીન ધરાવનારા કબજેદારો બની ગયા છે અને જમીનનો પૂરો આકાર ભરે છે.

મધ્યસ્થીઓની નાબૂદી અંગેના આ કાયદા ઉપરાંત ખેતીની જમીન પરત્વે સુધારાના જે કાયદા પસાર થયા છે તે આ મુજબ છે :

(1) મુંબઈનો ખેતીની જમીનોના ખંડવિભાજન અને ઉપવિભાજન અટકાવવા તથા જમીનનું એકત્રીકરણ કરવા બાબતોનો કાયદો, 1947; અમલ : તા. 8–4–48.

(2) ખેતીની જમીનોની ટોચમર્યાદાનો કાયદો, 1960; અમલ : તા. 1–9–61 થી.

આ બંને સત્તાપ્રકાર જમીનમાલિકીની નાબૂદી અંગેના કાયદા નથી પણ ખેતીની જમીનની વ્યવસ્થા તથા વહીવટ માટેના કાયદા છે અને તેનો અમલ ચાલે છે.

મુંબઈ રાજ્યનો ગણોતધારો : ખેતીની જમીનની વ્યવસ્થા માટે જૂના મુંબઈ ઇલાકામાં પસાર કરવામાં આવેલો મહત્ત્વનો કાયદો. બ્રિટિશ હકૂમત નીચેના મુંબઈ પ્રાંતમાં આમ તો ખેતીની જમીન બાબત આદર્શ ગણાતી પદ્ધતિ  – રૈયતવારી પદ્ધતિ અમલી હતી. આમ છતાં તે પદ્ધતિમાં કબજેદાર બનેલા લોકો પોતાની જમીન પોતે ખેડવાને બદલે બીજા પાસે ખેડાવી જમીનના ઉત્પન્નનો માતબર હિસ્સો ગણોત તરીકે વસૂલ લઈ વગર મહેનતે ઘેરબેઠાં જમીનની માલિકી ભોગવતા. આ ગણોતપદ્ધતિ માટે બ્રિટિશ તંત્રમાં કોઈ કાયદો ન હતો. જમીનના વહીવટ માટેનો મુંબઈનો 1879નો જમીનમહેસૂલ કાયદો હતો. રૈયતવારી પદ્ધતિ માટે આ કાયદો નમૂનેદાર હતો અને તે અત્યારે પણ અમલમાં છે; પરંતુ ગણોતિયાના ગણોત સંબંધની સ્પષ્ટતા તથા વાજબી ગણોત માટે તેમાં કોઈ જોગવાઈ ન હતી. આના પરિણામે ખરેખર જમીન ખેડનાર અને જમીન પાછળ મહેનત કરનારનો વર્ગ પછાત, ગરીબ અને કચડાયેલો જ રહ્યો હતો. 1939માં મુંબઈ રાજ્યમાં કૉંગ્રેસે શાસન સંભાળ્યું ત્યારે તેણે આ પ્રશ્ર્ન પરત્વે લક્ષ આપી ‘1939નો મુંબઈનો ગણોત કાયદો’ ઘડ્યો. બહુ જ ટૂંકો અને માત્ર 31 કલમ ધરાવતો આ કાયદો, તે વખતના સમગ્ર મુંબઈ રાજ્યમાં તા. 11–4–46થી અમલી બન્યો. તે પહેલાં તેને ગવર્નર-જનરલની મંજૂરી મળતાં તે તા. 2–4–40ના રોજ કાયદો બનેલો, પરંતુ તે વખતે તે મુંબઈ પ્રાંતના મર્યાદિત વિસ્તારને લાગુ કરાયેલો. આ વિસ્તારમાં હાલના ગુજરાતનો માત્ર સૂરત જિલ્લો આવતો હતો. 1942માં આ કાયદામાં લશ્કરી કર્મચારીઓ તેમની જમીન પેટાપટે આપે તો તે માટે તેમની હકાલપટ્ટી નહિ થઈ શકે તેવી જોગવાઈ થઈ. આ પછી વળી પાછી કાગ્રેસ પક્ષની સરકાર સત્તા ઉપર આવતાં આ કાયદો તા. 11–4–46થી સમગ્ર રાજ્યને લાગુ કરાયો. આ કાયદાનો મર્યાદિત સમયમાં જે અનુભવ થયો તે જોઈ 1946માં આ કાયદામાં સુધારા કરાયા અને સુધારેલો કાયદો તા. 8–11–46થી સમગ્ર રાજ્યને લાગુ કરાયો.

આ કાયદાની મહત્વની જોગવાઈ રૂપે સંરક્ષિત ગણોતિયાનો એક નવો વર્ગ ઊભો કરાયો. ચોક્કસ તારીખ પહેલાં 6 વર્ષથી જમીન ધરાવતા ગણોતિયાને આ વર્ગમાં મુકાયા. પરિણામે ગણોતિયાના 3 વર્ગો થયા : (1) કાયમી ગણોતિયા, (2) સંરક્ષિત ગણોતિયા અને (3) સામાન્ય ગણોતિયા. આ કાયદાથી ગણોતિયાને પહેલી જ વખતે તેમના ગણોત સંબંધ માટે સ્થિરતા મળી, ઉપરાંત જમીનમાલિકના ગણોત ઉપર મહત્તમ મર્યાદાનું એક નિયંત્રણ મુકાયું. તેમને તેમનાં ઘર, ખોરડાં તથા વાવેલ વૃક્ષો માટે હકો મળ્યા. ગણોતિયાની કેટલીક ઠરાવેલ કસૂરો સિવાય તેને જમીન ઉપરથી હટાવાય નહિ તેવી જોગવાઈ થઈ, પરંતુ જમીનમાલિકને જાતખેતી માટે જમીન મેળવવાની જોગવાઈ પણ તેમાં હતી.

1948નો મુંબઈ ગણોત અને ખેતીની જમીનના વહીવટનો કાયદો : 1939ના કાયદાના અમલથી ગણોતિયાનો પ્રશ્ન કે ગણોતપ્રથાનાં અનિષ્ટો દૂર નહિ થાય તેમ જણાતાં 1948માં મુંબઈનો ગણોત અને ખેતીની જમીનના વહીવટનો કાયદો ઘડાયો. આ કાયદામાં ગણોતિયાની બાબતો ઉપરાંત જમીનના કાર્યક્ષમ વહીવટ, જમીનદારોની જમીન ઉપર વહીવટ મૂકવાની તથા બિનખેડૂતને ખેતીની જમીન વેચવા ઉપર નિયંત્રણની અગત્યની બાબતો હોવાથી તે માત્ર ગણોત કાયદો ન રહેતાં ખેતીની જમીનના વહીવટનો કાયદો પણ બન્યો અને તે રીતે તે ખાલસા રૈયતવારી જમીન, જેના ઉપર ગણોતિયા ન હોય તેવા જમીન ધરાવનારાને પણ અસરકર્તા બન્યો.

1948ના આ કાયદાની તે વખતની 1956 પહેલાંની સ્થિતિએ નીચે મુજબની જોગવાઈઓ અગત્યની હતી : (1) જિરાયત જમીન માટે પાકમાં 1/3 અને સિંચાઈની જમીન માટે 1/4 ભાગ મહત્તમ ગણોત તરીકે લેવાની 1939ના કાયદાની જોગવાઈમાં સુધારો કરી આવા ગણોતમાં પણ ઓછું ગણોત ઠરાવી શકાય અને આકારના અમુક પટ જેટલું ગણોત રોકડમાં ઠરાવવાની જોગવાઈ થઈ. (2) મામલતદારોને વાજબી ગણોત ઠરાવવાના અધિકારો અપાયા. (3) ગણોતિયા પોતાની જમીન ઉપર પોતાના હક પૂરતો બોજો કરી શકે તેવો તેને હક અપાયો. (4) સંરક્ષિત ગણોતિયાને પોતે ધરાવતો હોય તે જમીન ખરીદવાનો હક અપાયો. (5) જમીનદારોની જમીનો ખેડૂતની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા તથા જમીનના કાર્યક્ષમ વહીવટ માટે સરકારી વહીવટમાં લેવાની જોગવાઈ થઈ. (6) જમીનમાલિકના જમીન વેચવાના હકો ઉપર નિયંત્રણ તરીકે, તે જમીન ગણોતિયાને વેચી શકે અથવા તો તે ખરીદવા તૈયાર ન થાય તો નજીકના ખેડૂતને જ વેચી શકે એવાં નિયંત્રણો મુકાયાં. (7) ખેતીની જમીનમાં જમીન જાતે ન ખેડનારા લોકો પ્રવેશ ન મેળવે એટલા માટે બિનખેડૂતને કલેક્ટરની રજા વિના જમીન વેચવા સામે પ્રતિબંધ મુકાયો. (8) કોઈ વાજબી કારણ વિના સતત બે વર્ષ સુધી વણખેડાયેલી રહેલી ખેતીની જમીનનો વહીવટ સરકાર હસ્તક લેવાની જોગવાઈ થઈ. (9) ગણોત કાયદાની કોઈ પણ બાબત માટે દીવાની કોર્ટની હકૂમત બાદ રખાઈ.

આ વિસ્તૃત જોગવાઈઓથી આ કાયદો જમીનમાલિકો તથા ગણોતિયાના સંબંધો અંગે એક મહત્વનો પ્રગતિશીલ કાયદો બન્યો; પરંતુ તેનો અમલ જોતાં સંરક્ષિત ગણોતિયાને જમીન ખરીદવાના હક મળ્યા છતાં માત્ર 2 % ગણોતિયાઓએ એ હકનો ઉપયોગ કર્યો. મુંબઈ રાજ્યની કૃષિનીતિ ખરેખર ખેડનારને જમીનના માલિક બનાવવાની હતી. તે નીતિ આ સ્વૈચ્છિક ખરીદીની જોગવાઈથી હાંસલ નહિ થઈ શકે તેમ જણાતાં આ કાયદામાં સુધારા કરવા એક નવો ખરડો તા. 15–6–55ના રોજ પ્રસિદ્ધ થયો. 27 ઑગસ્ટ, 1955ના રોજ આ ખરડો પ્રવર સમિતિને સોંપાયો. પ્રવર સમિતિની ભલામણો સાથે 14 સપ્ટેમ્બર, 1955ના રોજ તે ધારાસભામાં રજૂ થયો. 24 સપ્ટેમ્બર, 1955ના રોજ આ ખરડો ધારાસભામાં ત્રણે વાચનમાંથી પસાર થયો. તા. 16–3–56થી તેને રાષ્ટ્રપતિની અનુમતિ મળી અને તા. 1–8–56થી તે અમલમાં મુકાયો. ‘ખેડે તેની જમીન’ની જોગવાઈ સમાવતો આ કાયદો એક ક્રાન્તિકારી નમૂનેદાર કાયદો ગણાયો છે. તા. 1–4–57ના દિવસે કાયદેસર રીતે જમીન ખેડતા હોય તે બધા ગણોતિયાને થોડાક અપવાદ સિવાય આ કાયદાની જોગવાઈથી ખરીદહક, કશી અરજી કે લખાણ વિના આપોઆપ મળી ગયા. આ કાયદાને ‘ખરીદો કે ખાલી કરો (purchase or quit)’ કાયદો કહેવાય છે, કેમ કે તેમાં ગણોતિયો જમીન ખરીદવા ઇચ્છા ન બતાવે તો તેને જમીન છોડી દેવી પડે તે સિવાય તેને કોઈ વિકલ્પ ન હતો. તા. 1–4–57થી આપોઆપ કાયદાના બળથી ખરીદનાર બની ગયેલ ગણોતિયાને પછી મામલતદાર પાસે માત્ર ખરીદકિંમત ઠરાવવા પૂરતું જવાનું રહે. ત્યાં જો તે જમીન ખરીદ કરવા અનિચ્છા બતાવે તો જમીન કલેક્ટરને હવાલે જાય અને તે પછી તે તેનો નિકાલ કરે એવી જોગવાઈ દાખલ થઈ. આ નિકાલમાં પણ જો ગણોતિયા આગળ આવે તો તેને જમીન ખરીદવામાં અગ્રતા મળે. તે તૈયાર ન થાય તો જમીનનો નિકાલ કરવા માટે અગ્રતાવાળા વર્ગના લોકો, જેમાં જમીનવિહોણા ખેતમજૂરો વગેરેનો સમાવેશ થાય છે, તેને પસંદગી અપાય છે.

ગુજરાતે તેની સ્થાપના થઈ (1960) ત્યારપછી આ કાયદામાં લગભગ 28 વખત સુધારા કર્યા છે; જેમાં 1960, 1965 અને 1973ના સુધારા મહત્વના છે. બધા સુધારાનો ઉદ્દેશ ગણોતપ્રથા સદંતર નિર્મૂળ કરવાનો હતો. જાતખેતીની વ્યાખ્યા ગણોતપ્રથાનું મૂળ છે; તેમાં ગુજરાતે દેખરેખ રાખી જાતખેતી કરનારે ખેતીની મોસમ વખતે પોતાની જમીનના 15 કિલોમીટર વિસ્તારમાં રહેવું પડે તેવું ઠરાવી દૂર બેસી જાતખેતી કરવાનું મુશ્કેલ બનાવ્યું છે. વળી બિનખેડૂતનો પ્રવેશ અટકાવવા ખેડૂતને પણ પોતાની જમીનથી 8 કિમી. દૂર જમીન ખરીદવા માટે બિનખેડૂત ગણી કલેક્ટરની રજા લેવાનું ઠરાવેલું છે. આનાથી સ્થળ પર રહી જાતખેતી કરવાનું લગભગ ફરજિયાત બને છે. જુદે જુદે સ્થળે જમીન ધરાવવાનું પણ આ રીતે અટકાવાયું છે.

ગણોતિયાઓને પ્રલોભન આપી તે જમીન ખરીદવાની અનિચ્છા બતાવે તે બાબત બંધ કરવા તેવી જમીનો જમીનમાલિકને ન મળે તેવી જોગવાઈ કાયદામાં છે. રાજીનામાની જમીન પણ સરકારને મળે અને ગણોતિયો ખરીદકિંમતના હપતા ભરવાનું ચૂકે તે જમીન પણ જમીનમાલિકને ન જાય એટલા માટે સરકાર મોટા પાયા ઉપર ધિરાણ કરી ખરીદકિંમતની ચૂક રોકે છે. કેટલાક નાના ગણોતિયા માટે સરકાર પોતે ખરીદકિંમત ભરી પછી તે ગણોતિયા પાસેથી વસૂલ લે છે. આમ ગુજરાતમાં ‘ખેડે તેની જમીન’(‘land to the tiller’)નો સિદ્ધાંત ચુસ્તપણે અપનાવી અમલી બનાવેલ છે; આમ છતાં એક અંદાજ મુજબ ગુજરાતમાં હજુ છૂપા ગણોતિયાઓની સંખ્યા 20થી 25 હજાર જેટલી છે. છૂપા ગણોતિયા પોતાના જીવનનિર્વાહ માટે છૂપા રહી ગણોતિયા તરીકે જમીનો ખેડે છે અને જમીન ખરીદવા આગળ આવતા નથી, પરંતુ જમીન ખરીદવા માટે આગળ આવવા ગુજરાતમાં કાયદામાં કોઈ મુદત નિર્ધારિત કરવામાં આવી નથી. એટલે છૂપો ગણોતિયો ગમે તે વખતે છતો થઈ પોતાનો હક માગવા આગળ આવી શકે છે. આમ ગણોતપદ્ધતિ ગુજરાતમાં વહેલીમોડી નિર્મૂળ થશે.

ગુજરાતના કચ્છ વિસ્તારમાં ‘મુંબઈનો ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો, 1948’ અમલમાં નથી. ત્યાં તેના માટે ‘મુંબઈનો ગણોત વહીવટ અને ખેતીની જમીનનો (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર માટેનો) કાયદો, 1958’ તા. 30–12–58થી અમલી છે. આ કાયદો જોકે મુંબઈના ગણોત વહીવટ અને ખેતીની જમીનના 1948ના કાયદાની જોગવાઈઓ મુજબનો જ છે, છતાં તેમાં કચ્છની જમીનની સ્થિતિની તથા ગણોતિયાના પ્રશ્નની હળવાશ લક્ષમાં રાખી મહત્વના ફેરફારો કર્યા છે. ત્યાં જમીન ફરજિયાત ખરીદવાની જોગવાઈ નથી; પરંતુ ખેડૂત ઇચ્છે તો તે જમીન ખરીદી શકે, નહિતર ગણોતિયા તરીકે ચાલુ રહી શકે એવી જોગવાઈ છે. કચ્છમાં જમીન ઊતરતી કક્ષાની અને ઓછી ઉત્પાદક છે અને જમીન ખેડવા ઇચ્છનારની સંખ્યા પણ મોટી નથી. એટલે ત્યાં ફરજિયાત ખરીદી જરૂરી ગણી નથી. આ સિવાયની બીજી જોગવાઈઓ તો મુંબઈના કાયદા જેવી જ છે.

સૌરાષ્ટ્રમાં પણ મુંબઈનો 1948નો આ કાયદો લાગુ પડતો નથી. ત્યાં ગણોત કાયદો નથી; પરંતુ ખેડૂતો જમીન પટ્ટે આપે તે સામે પ્રતિબંધ મૂક્યો છે. ખેડાણ જમીનોના પટ્ટાની મનાઈ કરવા બાબતનો 1953નો કાયદો ત્યાં અમલમાં છે, ત્યાં આ કાયદો તા. 7–10–1953થી અમલી બન્યો છે. મુંબઈનો ગણોત કાયદો હવે ત્યાં લાગુ કરવામાં ઘણી મુશ્કેલી છે. મુંબઈના ગુજરાત વિસ્તારમાં તો હકપત્રકો પણ સારી સ્થિતિમાં હતાં એટલે ગણોતિયાને હકો મળવામાં મુશ્કેલી ન હતી. સૌરાષ્ટ્રમાં તો તેની રચના પછી લાંબા સમયે હકપત્રકો અસ્તિત્વમાં આવ્યાં અને ત્યાં ગણોતિયાનો પ્રશ્ન ગુજરાત જેવો ઉગ્ર ન હતો. વળી મોટા ભાગના ખેડૂતોને સૌરાષ્ટ્રના ભૂમિસુધારણા કાયદાથી કબજાહક મળી જતાં ત્યાં ગણોતપ્રથા બહુ નજીવા પ્રમાણમાં બાકી રહી હતી. આ પટ્ટા પ્રતિબંધક કાયદાની ખામી એ છે કે જમીન પટ્ટાથી ખેડનારને પ્રતિબંધની કાર્યવહીમાં દૂર કરાય છે. એટલે પટ્ટાની વાત જાહેર કરવામાં પટેદારને કોઈ રસ હોતો નથી, પણ પટ્ટે આપનાર તેવા પટેદારને કાઢી મૂકવા સામે ચાલીને પોતાની કસૂર જાહેર કરી પટેદારને કાઢી મુકાવી શકે છે.

ગુજરાતના ભૂમિ પંચના મે 1979ના અહેવાલ મુજબ ગણોત કાયદાના પરિણામે 11.88 લાખ ગણોતિયા 9.75 લાખ હેક્ટર જમીનના ખરીદનાર બની ગયા છે.

ગણોતિયા માટે ખરીદ કિંમતની જોગવાઈ નીચે મુજબ છે :

કાયમી ગણોતિયાતે જે જમીન ધરાવતો હોય તેના ગણોતના 6 પટ

(છ ગણી રકમ).

સામાન્ય ગણોતિયાઆકારના 20થી 200 પટ 12 હપતે 4½ %ના વ્યાજે.

કૂવા, ઇમલા, ઝાડ, જમીન વગેરે માલિકનાં હોય

તો તેની જુદી કિંમત. (બજારકિંમત)

પછાત વિસ્તારના

ગણોતિયા માટે

80થી 100 પટની મર્યાદામાં એટલે 20થી 80 પટ

કે 20થી 100 પટ

આ નજીવી કિંમતે જમીન ખરીદવાની તક ગણોતિયાને આ કાયદાથી મળી છે. આ ખરીદકિંમત ભરવામાં સરકાર લોનની સહાય કરે છે; કેમ કે ખરીદકિંમત ચૂકી જનાર ગણોતિયો તેના ખરીદહક ખોઈ બેસે છે; પરંતુ ગુજરાતે તેવું થવા દીધું નથી. આ રીતે ખરીદમાં મળેલ જમીન કલેક્ટરની રજા વિના અને રાજ્યને ઠરાવેલ પ્રીમિયમ ભર્યા વિના અન્યને વેચી શકાતી નથી, એટલે ખરીદનાર ગણોતિયો પોતાની જમીન અન્યને વેચી શકતો નથી.

જમીન માલિકીની ટોચમર્યાદા : સમાજવાદી સમાજવ્યવસ્થાના સિદ્ધાંતના ભાગ તરીકે ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં એકહથ્થું જમીનની જમાવટ ન થઈ જાય તે માટે અને જમીન ધારણ કરવાનો એક વ્યવસ્થિત ઢાંચો (pattern) નક્કી થાય તે માટે ખેતીની જમીન પરત્વે ટોચમર્યાદા મૂકવાની આયોજન પંચે પ્રથમથી જ ભલામણ કરેલી હતી. નાગપુર કૉંગ્રેસની બેઠકમાં બધાં રાજ્યોમાં 1959 સુધીમાં ટોચમર્યાદા અંગે કાયદા ઘડવાનું કામ પૂરું કરવાનો આદેશ અપાયો હતો. ગુજરાતે આ આદેશને અનુલક્ષીને ગુજરાતનો ખેતીની જમીન સંબંધનો ટોચમર્યાદાનો કાયદો 1960માં ઘડ્યો અને તેનો અમલ તા. 1-9-61થી શરૂ કર્યો. આ કાયદામાં ખેતીની જમીનની ટોચ ઘણી ઊંચી હતી અને ટોચ માટે ગુજરાતની જમીનની ફળદ્રૂપતા અંગેના બધા મુદ્દા ધ્યાનમાં લઈ ટોચ ઠરાવવા માટે રાજ્યનાં ગામોના નવ સ્થાનિક વિસ્તારો ‘એ’થી ‘આઈ’ ઠરાવેલ. વળી ટોચ માટે જમીનના પણ ચાર વર્ગ ઠરાવી દરેક વર્ગ માટે જુદી ટોચ ઠરાવી.

જમીનમાલિકીની આ ટોચ વ્યક્તિના ધોરણે નહિ પણ કુટુંબના ધોરણે ઠરાવેલ હતી. ઉપરાંત તેમાં મુક્તિની વધુ પડતી ઉદાર જોગવાઈઓ હતી એટલે તે મુજબ ઘણી જમીનો ટોચ ક્ષેત્રથી મુક્ત બની જતી. આમ આ ટોચ કાયદાથી ભૂમિહીનોને આપવા ફાજલ જમીન ધાર્યા મુજબ મળી નહિ.

આ પછી 1970–72ના ગાળામાં વડાપ્રધાન સમક્ષ રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદો મળી અને તેમાં આ ટોચ ઘટાડવા નિર્ણય લેવાયો. નવી ટોચ સિંચાઈની ખેતીવાળી જમીન માટે 4.05થી 7.29 હેક્ટર અને સૂકી જમીનની ટોચ 21.6 હેક્ટર રાખવા સૂચવવામાં આવ્યું. મોટા ભાગની મુક્તિની બાબતો રદ કરવાનું પણ ઠરાવ્યું.

ગુજરાતમાં આ મુજબ ટોચ ઘટાડવા, મુક્તિ રદ કરવા અને અન્ય છટકબારીઓ દૂર કરવા સુધારા કાયદો ઘડાયો અને ધારાસભામાં સુધારા ખરડો તા. 14–11–73ના રોજ પસાર થયો. ખરડાને તા. 23–2–74ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી અને તે મુજબ તે તા. 2–3–74ના રોજ પ્રસિદ્ધ થયો. તે પછી કાયદો તા. 1-4-76થી અમલી બન્યો. આ કાયદામાં સ્થાનિક વર્ગો તો ‘એ’થી ‘આઈ’ એમ જ ચાલુ રહ્યા, પણ વર્ગવાર ટોચ નીચે મુજબ નક્કી કરાઈ. સુધારા કાયદાથી બારમાસી સિંચાઈની જમીનમાં બે વર્ગો કર્યા. તેવી જ રીતે સૂકી જમીનમાં પણ બે વર્ગો કર્યા અને તે માટે જુદી જુદી ટોચ ઠરાવી. સુધારા કાયદાથી ટોચ ઘટાડવા સાથે કેટલીક છૂટછાટ પણ અપાઈ. પુખ્ત ઉંમરના પુત્ર માટે ટોચ જેટલી જમીન પિતા ધરાવી શકે તેમ જ પુખ્ત પુત્ર ટોચમર્યાદામાં જુદી જમીન ધરાવતો હોય તો તેની જમીન પિતા સાથે ભેગી નહિ કરાય એવી જોગવાઈ કરાઈ.

કુટુંબમાં પાંચ સભ્યો કરતાં નીચેના પ્રકારના સભ્યો હોય તો તેવા કુટુંબને દરેક સભ્ય માટે ટોચથી 1/5 જેટલી વધારે જમીન રહેવા દેવાશે એવી જોગવાઈ કરવામાં આવી :

(1) સગીર પુત્ર, (2) અગાઉ મૃત્યુ પામેલા પુત્રની વિધવા, (3) અગાઉ મૃત્યુ પામેલા પુત્રનો સગીર પુત્ર અથવા અપરિણીત પુત્રી – જેની માતા મૃત્યુ પામી હોય. આમ પાંચ માણસના કુટુંબ માટે આ છૂટછાટ સાથે ટોચમર્યાદા નક્કી કરવામાં આવી.

મુખ્યમંત્રીઓની બેઠકના નિર્ણય મુજબ બગીચાની જમીનને સૂકી જમીનના વર્ગમાં ગણવાની ભારત સરકારની ભલામણ હતી, પરંતુ ગુજરાતમાં બગીચાની જમીનને ઊંચી જિરાયતના વર્ગમાં મૂકી તેની ટોચ ઘટાડી નાખી છે.

ટોચમર્યાદાનું સુધારેલું ક્ષેત્રફળ

ટોચમર્યાદા ક્ષેત્રફળહેક્ટરમાં અને તેના આશરે કેટલા એકર થાય છે તે

દર્શાવતી સારણી

     * ‘ખાનગી સાધનથી સિંચાઈ કરેલી’ એટલે ડીઝલ અથવા વીજળી શક્તિથી ચલાવાતા ટ્યૂબવેલ અથવા પંપસિંચાઈ દ્વારા કાયમી પાણીની આવકમાંથી સિંચાઈ કરેલી.

વળતરની જોગવાઈમાં કોઈ ફેરફાર થયો નથી અને ‘એ’થી ‘આઈ’ વર્ગોની જમીનો માટે વળતર આકારના 200 પટથી 80 પટ ચાલુ રહ્યું. ‘એ’ વર્ગની જમીન માટે આકારના 200 પટ, ‘બી’ માટે 185 પટ, ‘સી’ માટે 170 પટ, ‘ડી’ માટે 155 પટ, ‘ઈ’ માટે 140 પટ, ‘એફ’ માટે 125 પટ, ‘જી’ વર્ગ માટે 110 પટ, ‘એચ’ માટે આકારના 95 પટ અને ‘આઈ’ માટે આકારના 80 પટ. ગૌશાળા–પાંજરાપોળોને તેમનાં ઢોરની સંખ્યા મુજબ જમીન રાખવા દેવાની છૂટ અપાઈ. જે ટ્રસ્ટોએ ગૌશાળાપાંજરાપોળ માટે જુદી જમીન મુકરર ન કરી હોય અને છતાં ગૌશાળા ચલાવતાં હોય તેમને તે માટે જુદી જમીન મુકરર કરી લેવા સમય અપાયો.

આમ આ સુધારા કાયદાથી જમીનમાલિકીની ટોચમર્યાદા નક્કી કરતો કાયદો ઠીક ઠીક આકરો બન્યો છે. મૂળ જમીનમાલિકોને ચૂકવવાપાત્ર વળતરની રકમ પહેલાં રાજ્ય ચૂકવે છે અને પછી લાભાર્થી પાસેથી હપતેથી તે વસૂલ લે છે.

આ કાયદો અમલી બને તે પહેલાં જમીનોની તબદીલી રોકવા ગુજરાતમાં જે પશ્ચાદવર્તી તારીખ તથા સમય ઠર્યાં છે તે ઠીક ઠીક લાંબાં છે અને તે મુજબ તા. 24–1–71 અને 1–4–76 વચ્ચેની જમીનની તબદીલીઓ કલેક્ટર અરજદારની અરજી માન્ય રાખે તો જ તે ધ્યાનમાં લેવાશે તેવું ઠર્યું છે. આ ગાળામાં ઘણી તબદીલીઓ સ્વાભાવિક અને અસ્વાભાવિક રીતે થયેલ છે એટલે આવા કેસોની સંખ્યા ઠીક ઠીક મોટી બની છે.

એક તારણ મુજબ 1988ના માર્ચ સુધીમાં સરકારે 1,00,000 હેક્ટર જમીન ફાજલ તરીકે જાહેર કરી તેમાંથી 60,323 હેક્ટરનો કબજો લેવાયો છે અને કબજે લેવાયેલ જમીન પૈકી 43,725 હેક્ટર જમીનનું 24,554 વ્યક્તિઓ વચ્ચે વિતરણ થયું છે. આ કાયદા મુજબના વિતરણમાં ખેતમજૂરો, ભૂમિહીન વ્યક્તિઓ તથા નાના ખાતેદારોની મંડળીઓને અગ્રતા અપાઈ. તે પછી ખેતમજૂરો, ભૂમિહીન વ્યક્તિઓ અને નાના ખાતેદારોને વ્યક્તિગત અગ્રતા અપાઈ છે. આમાં પણ અનુસૂચિત જનજાતિ તથા અનુસૂચિત જાતિની મંડળી તથા વ્યક્તિઓને અગ્રતા અપાઈ છે. લાભાર્થીઓને રાજ્ય તરફથી આર્થિક સહાય આપવાની પણ જોગવાઈ છે.

આમ આ કાયદાથી ખેતીની જમીનની એકહથ્થું જમાવટ રોકવા માટે પ્રશંસનીય પ્રયાસ થયો છે એમ કહી શકય.

સી. એમ. જોશી

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...