8.04.2022

સરકારનો નિર્ણય:ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ દીકરીના સંતાનોએ જંત્રીના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે

સરકારનો નિર્ણય:ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ દીકરીના સંતાનોએ જંત્રીના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે

સબ રજીસ્ટ્રાર કચેરી ને લગતા અધ્યતન પરિપત્રો-2022

FOR GR CLIK HERE



ચેરીટીમાં જમીનનું દાન કરવામાં આવે એવા કિસ્સામાં સ્ટેમ્પ ડ્યુટી પેટે માત્ર એક હજાર ભરવાના રહેશે

ગુજરાત સરકારે મહેસૂલી સેવાઓ વધુ સુલભ નિર્ણય લીધો છે. સરકારે મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. જેમાં સખાવતી હેતુસર જમીન તબદીલી, ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં સ્પષ્ટતા, રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ, વારસાઈમાં પડતી તકલીફમાં નિવારણ, લીસ પેન્ડેન્સીના રજિસ્ટ્રેશન, જેવી મહત્વની બાબતો અંગેના નિયમોમાં સુધારા જેવા મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ થાય છે. હવે ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ જંત્રીના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે.

સ્ટેમ્પ ડ્યુટીનું અગાઉ પડતું ભારણ હવે નહીં રહેશે
આ સુધારાને પરિણામે હવે ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુસર કોઈ પણ સરકારી/અર્ધસરકારી/સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિનઅવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 1000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે. એટલે કે સ્ટેમ્પ ડ્યુટીનું અગાઉ પડતું ભારણ હવે રહેશે નહીં. એટલું જ નહીં, ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ જંત્રીના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે, તેવો નીતિવિષયક નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો ખેડૂતલક્ષી નિર્ણય
રાજ્ય સરકારે ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ-36 તથા મહેસૂલ વિભાગ/સરકારની મંજૂરી જરૂરી છે તથા પ્રિમિયમ ભરવા પાત્ર છે, તે મુજબની સ્પષ્ટતા સરકારનું હિત જળવાય તે હેતુસર ગામ નં.7માં કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. નવી શરતની/સાંથણની/ગણોત ધારા હેઠળ પિતા-માતાને મળેલી અથવા વારસાઈ હક્કથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ/બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી નિયમોમાં કરેલા નીતિવિષયક સુધારા અનુસાર હવે, એક હેતુ માટે બિનખેતી મળેલ હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે બિનખેતીની અરજી સમયે પ્રિમિયમ, ઝોનિંગ, જી.ડી.સી.આર., એન.એ. શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં. ફક્ત જે તે રિવાઈઝ્ડ એન.એ.ના હેતુ માટેનો જ અભિપ્રાય જરૂરી રહેશે. મુખ્યમંત્રીએ તલાટી દ્વારા ગ્રામ્ય/શહેરી વિસ્તારનાં મકાન, ફ્લેટ, દુકાનો, ઓફિસોનાં પેઢીનામાં કરવા બાબતે લોકોને સરળતા કરી આપી છે.વ્યક્તિનું અવસાન રહેણાંક/વતનના સ્થળ સિવાય અન્ય સ્થળે થાય ત્યારે મૃતકના સ્થાયી રહેઠાણ અથવા વતનના સ્થળના તલાટી દ્વારા પેઢીનામું બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

શહેરી વિસ્તારના બહોળા વર્ગને મોટો લાભ થશે
આ ઉપરાંત ખેતીની જમીન બિનખેતી થયા બાદ, પ્રોપર્ટી કાર્ડ ન બનેલ હોય તેવા કિસ્સામાં બિનખેતીનો હુકમ રજૂ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો અને તેમાં ફેરફાર નોંધ કરી શકાશે તેવો જનહિતલક્ષી નિર્ણય પણ તેમણે કર્યો છે.મુખ્યમંત્રીએ ખેતીની જમીનના હક્ક દાવા સંદર્ભે બિનજરૂરી ટાઈટલનો વિવાદ ટાળવા, આવા દાવા સંદર્ભે કોઈ સ્ટે-ઓર્ડર ન હોય ત્યારે, પડતર દાવાની નોંધ ગામ નમૂના-૭માં નોંધ ન કરવા અને સબરજિસ્ટ્રાર દ્વારા લીસ પેન્ડેન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના આશરે પાંચથી છ લાખ લોકોને તેમ જ શહેરી વિસ્તારના બહોળા વર્ગને મોટો લાભ થશે.

પ્રોપર્ટી અને મિલકતમાં છેતરાયા તો પોલીસ ફરિયાદ કરવાની રીત

પ્રોપર્ટી અને મિલકતમાં છેતરાયા તો પોલીસ ફરિયાદ કરવાની રીત


1. દૈનિક પેપરમાં અવારનવાર ન્યુઝ પ્રગટ થતા હોય છે કે ‘એક જ જમીન વારંવાર વેચી ચીટીંગ કર્યું’, ‘પેઢીનામામાં બહેનોનાં નામ નહીં દર્શાવી’, ‘ખોટા પેઢીનામા આધારે જમીન વેચી નાખી’, ‘ખોટા બાનાખત બનાવી જમીન વેચી’, ‘બોગસ વેચાણ ખતથી જમીન વેચી’, ‘પાવર ઓફ એર્ટની બનાવી છેતર્યા’ વગેરે સમાચારોથી આપણે વાકેફ છીએ.

2. કોઈ વખત આપણે પણ આવા ખોટા દસ્તાવેજના આધારે પ્રોપર્ટીનો વ્યવહાર કરવાનો ભોગ બનીએ તો તે માટે પોલીસ ફરિયાદ કરવાનો પ્રસંગ ઉભો થાય ત્યારે શું કરવાનું, તેની માહિતી આપણે જોઈએ.

3. આપણે જે જમીન, મકાન કે અન્ય પ્રોપર્ટી માટે ભોગ બન્યા હોઈએ તે કામે સૌપ્રથમ…

4. જે સરકારી કચેરીઓમાં આવા ખોટા દસ્તાવેજનો ગુનેગાર સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હોય, ત્યાંથી આવા દસ્તાવેજ મેળવી શકાતા હોય તો તે તરત જ મેળવી લેવા.

5. જ્યાં આવા દસ્તાવેજ (કાગળો) રજૂ કર્યા હોય અથવા જે સ્થળે આવા કાગળો બનાવ્યા હોય તેની માહિતી આપણે એકઠી કરવી.

6. કઈ તારીખથી કઈ તારીખ દરમ્યાન (સમયગાળો) આવી કાર્યવાહી ગુનેગારે કરેલી તે વિગત મેળવી લેવી.

7. તેમાં એક કરતાં વધારે ગુનેગારો ભેગા મળી આવો ગુનો કર્યો હોય તો કયા ગુનેગારની શું ભૂમિકા છે તેની માહિતી એકઠી કરવી.

8. જે મિલકત અંગે છેતરામણી અથવા વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોય તેની નુકસાનીની કિંમત જાણી લેવી.

9. આવા કિસ્સામાં કઈ વ્યકિત મારફતે ફરિયાદ કરવી હિતાવહ છે, તે નક્કી કરવું.

10. આવી ફરિયાદ કરવા આપણી પાસે કયા સમયગાળામાં ગુનેગારે કઈ જગ્યાએ ખોટા દસ્તાવેજ બનાવ્યા, કઈ જગ્યાએ રજુ કર્યા, તે મિલકતની બનાવ વખતે અંદાજિત કિંમત શું હતી, કઈ વ્યકિતઓએ શું ભાગ ભજવેલ તેની વિગત એકઠી કરવાની રહે અને તે વિગત આ કામના નિષ્ણાત/વકીલને જણાવી એક કાગળ ઉપર લખવાની રહે.

11. સામાન્ય રીતે આવી ફરિયાદ જે સ્થળે બનાવ બન્યો હોય તે સ્થળના જ્યુરિસ્ડિકશનના પોલીસ સ્ટેશનમાં નોંધવાની રહે પરંતુ કાયદામાં જોગવાઈ છે કે આપ ભારતમાં કોઈ પણ જગ્યાએથી આવી ફરિયાદ આપની નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવી શકો છો અને ત્યાંથી ફરિયાદ જ્યાં ગુનો બન્યો હોય તે પોલીસ સ્ટેશને તે મોકલવામાં આવતી હોય છે પરંતુ સામાન્ય રીતે જ્યાં ગુનો બન્યો હોય તે જ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ આપવામાં આવે તે વધુ યોગ્ય રહે છે. આવી ફરિયાદ તે પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારી એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ સ્ટેશન આવ્યુ હોય તો ત્યાંના સર્કલ પોલીસ ઈન્સ્પેકટર, પેટા વિભાગીય પોલીસ અધિકારી (એસ.પી.), રેન્જ આઈ.જી.પી.શ્રીને પણ મોકલી શકાય છે. આજ પ્રમાણે શહેર વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન ઉપર સુપરવિઝન કરતા એ.સી.પી. શ્રી, ડી.સી.પી. તે રેન્જના પોલીસ વડા અધિકારી (અધિક પોલીસ કમિશનરશ્રી) તથા પોલીસ કમિશનરશ્રીને આવિ ફરિયાદ મોકલી શકાય. તેમજ સમગ્ર રાજ્યના પોલીસ વડા એટલે કે મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહા નિદેશક શ્રી, ગુજરાત રાજ્ય-ગાંધીનગરને પણ મોકલી શકાય છે. પરંતુ સામાન્ય રીતે આવી ફરિયાદ આ ઉપરી અધિકારીઓ જે તે પોલીસ સ્ટેશનના અધિકારી તરફ પરત તપાસ માટે મોકલી આપતા હોય છે.

12. સામાન્ય રીતે આવી મિલકત વિરૂદ્ધની છેતરપિંડી કે વિશ્વાસઘાતની ફરિયાદ પોલીસ સ્ટેશન અધિકારીને મળે ત્યારે કાયદાની જોગવાઈ મુજબ જે તે વખતે જ ગુનો નોંધવાનો હોય છે, પરંતુ સામાન્ય પ્રથા મુજબ આવી ફરિયાદ મળતા જે અરજી સ્વરૂપમાં રાખી તેની પ્રાથમીક તપાસ કરી સાક્ષીઓના નિવેદન તથા તેના લગતા દસ્તાવેજને એકઠા કરી તપાસમાં જણાઈ આવે કે આ અરજીમાં ખરેખર ફોજદારી ગુનો બનેલ છે અને આ મેટર સીવીલ-મેટર નથી ત્યારે તેમના તરફથી  ઉપરી અધિકારીશ્રીને આનો અહેવાલ મોકલી જાણ કરી તેઓ તરફથી ગુનો દાખલ કરવાનો આદેશ મળતાં ગુનો નોંધવામાં આવતો હોય છે. જેને એફ.આઈ.આર. (ફર્સ્ટ ઈન્ફરમેશન રિપોર્ટ) કહેવામાં આવે છે. એફ.આઈ.આર.ની એક નકલ જેણે આ અંગે પ્રથમ ફરિયાદ અરજી આપેલી તેમને આપવામાં આવે છે. આમ તેમણે આપેલ અરજી ફરિયાદ તરીકેનું કાયદાનું સ્વરૂપ મેળવે છે. જે એફ.આઈ.આર. જે તે વખતે નજીકની કોર્ટમાં મોકલવામાં આવે છે. ત્યાર બાદ તપાસ કરનાર પોલીસ અધિકારી આ કામે ફરીથી સાક્ષીઓના નિવેદનો મેળવે છે તથા અગાઉ અરજી તપાસ દરમ્યાન મેળવેલા દસ્તાવેજો આ કામે સામેલ રાખે છે. તપાસ દરમ્યાન ગુનેગારની ધરપકડ કરી ત્યાર બાદ ચાર્જસીટ કરી કોર્ટમાં મોકલે છે.

13. આપણે આપેલી અરજીનો નિકાલ ન થયો હોય તો તે અંગે તે પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીને તથા તેમનાથી ઉપરી અધિકારીશ્રીને મળી ધ્યાન દોરી શકીએ છીએ.

14. પરંતુ વારંવાર ધ્યાન દોરવા છતાં અને ઘણો સમય વીતી જાય તો તે કામે જે તે પોલીસ સ્ટેશનની હકુમતવાળા જ્યુ.ફ.ક.મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટમાં આપણે આ ફરિયાદની નકલ રજુ કરી સીધી ફરિયાદ નોંધાવી શકીએ છીએ. નામદાર કોર્ટ આ કામે સી.આર.પી.સી.ની કલમ ૨૦૨ અથવા ૧૫૬(૩) હેઠળ આ કામે સ્થાનિક પોલીસ સ્ટેશન અધિકારી શ્રીને અથવા તેઓ શ્રીને યોગ્ય લાગે તે પોલીસ અધિકારીને આ અંગે તપાસ કરવા હુકમ કરી શકે છે. કલમ ૨૦૨ હેઠળનો જે આદેશ થાય છે તે કામે તપાસ કરનાર પોલીસ અધિકારી શ્રી માત્ર તપાસ કરી આ કામે ગુનો બનેલ છે કે કેમ તેનો અહેવાલ યોગ્ય સમયમાં પાઠવે છે પરંતુ ગુનેગારની ધરપકડ કરવાની આ કલમના થયેલ હુકમ અંગે સત્તા હોતી નથી, પરંતુ જ્યારે કોર્ટ દ્વારા કલમ ૧૫૬(૩) હેઠળની આવા કામે તપાસ કરવાનો હુકમ કર્યો હોય તો તે કામે તપાસ દરમ્યાન ગુનો બન્યાની વિગત પોલીસ અધિકારીને જણાઈ આવે તો ગુનેગારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી ૨૪ કલાકના સમયમાં કોર્ટ સમક્ષ રજુ કરી વધુ તપાસ માટે ગુનેગારને ફરીથી પોતાના કબજામાં રાખવાની જરૂર જણાય તો જેટલા દિવસ ફરીથી પોલીસ કબજામાં રાખવા હોય તેટલા દિનના પોલીસ-રીમાન્ડ મળવા રજુઆત કરી રીમાન્ડ મેળવતા હોય છે. તપાસ પુરી થતા જો તપાસમાં ગુનાની વિગત ન જણાઈ આવે તો તે વિગતે કોર્ટને અહેવાલ પાઠવવામાં આવે છે. આવી ફરીયાદ પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ ઘણી વખત કામના અતિશય ભારણને કારણે કે અન્ય કારણસર ઘણા લાંબા સમય સુધી તપાસ ચાલતી રહે ત્યારે અરજદારની ઘીરજનો અંત આવતા નિરાશ થાય છે પોતે છેતરાયા હોવા છતાં ગુનેગાર બહાર ફરતો રહે ત્યારે ખુબ જ હતાશા અનુભવે તેવું જોવામાં આવતું હોય છે. તેથી આવા કામે પોલીસની તપાસમાં નિવેદન લખાવવા કે જે દસ્તાવેજોની તપાસમાં જરૂર હોય તે રજુ કરવામાં ઢીલ ના થાય તેની અરજદારશ્રીએ કાળજી લેવી જોઈએ આવા કામોમાં યોગ્ય તપાસ ન થવાનાં કારણોસર તથા અન્ય કારણોસર નામદાર હાઈકોર્ટમાં પણ અરજદારોશ્રી તરફથી રજુઆત કરવામાં આવતી હોય છે. પરિણામ સ્વરૂપ કોર્ટના આદેશ અનુસાર આવી ફરિયાદો અંગે યોગ્ય નિકાલ પણ આવતો હોય છે.

     આમ ફરિયાદની કાર્યવાહીમાં અરજદારશ્રીએ રોજે રોજની કાર્યવાહી આગળ વધે તે માટે સાક્ષીઓના નિવેદન તથા જરૂરી દસ્તાવેજ પોલીસ પાસે રજુ કરવામાં વધારે કાળજી લઈ પોલીસને સહકાર આપતાં ઝડપી કાર્યવાહી થઈ શકે. તપાસમાં ઝડપી નિકાલ થાય તે માટે આજ-કાલ ઉપરી પોલીસ અધિકારીઓ તરફથી ઝડપી પગલા લેવાની કાર્યવાહી અમલમાં છે.

વધુ માહીતી અને નિઃશુલ્ક માર્ગદર્શન માટે સંપર્ક કરો

+919428761526 / +91989804100

ગણોતિયો જમીન ખરીદવાનો હક જતો કરે તો મૂળમાલિક જમીન ધારણ કરવા હકદાર છે

 

ગણોતિયો જમીન ખરીદવાનો હક જતો કરે તો મૂળમાલિક જમીન ધારણ કરવા હકદાર છે


જ્યારે ગણોતિયો જમીન ખરીદવાના તેના હકનો ઉપયોગ કરવા ઈચ્છુક ન હોય અને ગણોતિયો પોતાનો આવો હક જતો કરે ત્યારે તે સંજોગોમાં કાયદાનું ર્તાિકક પરિણામ એ છે કે એ જમીનના મૂળમાલિક તેવી જમીનમાં ખેતી કરવા અને તેના કુુટુંબને ટેકો આપવા, તે જમીનને ધારણ કરી રાખવા મૂળમાલિક હકદાર ઠરે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વ.મોતીજી જોધાજી સુથારનાં કાનૂની વારસો અને બીજા વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અને બીજા,લેટર્સ પેટન્ટ અપીલ નં. ૧૦૧/૨૦૧૪, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. ૪૦૬/૨૦૧૩, સિવિલ એપ્લિકેશન નં. ૧૦૪૩/૨૦૧૪ના કામે તા. ૦૬-૦૫-૨૦૧૪ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટ (ન્ન્ત્ન), વોલ્યુમ-૨, ઈસ્યુ-૭, જુલાઈ-૨૦૧૪, પાના નં.૬૦૯) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

મામલતદાર અને કૃષિપંચ (લખવડ) દ્વારા પ્રશ્નવાળી જમીન અંગે ગણોત કેસ નં.૧૪ અને ૧૫/૧૯૫૯ મુજબની મુંબઈ ગણોત વહીવટ અને ખેતીવિષયક જમીનનો અધિનિયમ- ૧૯૪૮ની કલમ ૩૨(પી) અન્વયેની કાર્યવાહી કરવામાં આવેલ અને તેવી કાર્યવાહીમાં થયેલ તા. ૩૧-૦૩-૧૯૭૫ના રોજના હુકમને હાલના અરજદારો દ્વારા યાને મોતીજી જોધાજી સુથારના વારસો દ્વારા નાયબ કલેક્ટર સમક્ષ પડકારવામાં આવેલ. જે અંગે નાયબ કલેક્ટરે ગણોત કેસ નં. ૨૧૧/૧૯૭૬ના કામે તા. ૨૪-૦૯-૧૯૭૭ના રોજ હુકમ કરી મામલતદાર અને કૃષિપંચનો હુકમ કાયમ રાખવામાં આવેલ. નાયબ કલેક્ટરના આ હુકમથી નારાજ થઈ મોતીજી જોધાજી સુથારના વારસોએ ગુજરાત મહેસૂલપંચ સમક્ષ ફેરતપાસ અરજી નં. ટી.ઈ.એન./બી.એ./૨૧૯/૨૦૧૧ના કામે ડીલે અને લેચીસના આધાર ઉપર અરજદારોની ફેરતપાસ અરજી રદ કરવાનો હુકમ તા. ૦૩-૧૦-૨૦૧૨ના રોજ ફરમાવવામાં આવેલ. ગુજરાત મહેસૂલ પંચના આ હુકમ સામે પક્ષકારોએ નામદાર હાઈકોર્ટના વિદ્વાન સિંગલ જજ સાહેબ સમક્ષ પિટીશન દાખલ કરેલ. પરંતુ વિદ્વાન સિંગલ જજ સાહેબે તા. ૨૭-૨-૨૦૧૩ના રોજ હુકમથી પક્ષકારોની અરજી રદ કરેલ. જે હુકમ સમક્ષ અપીલકર્તાઓએ હાલનો આ કેસ દાખલ કરેલ છે.

હાલના કેસમાં મહત્ત્વની તકરાર ગણોતધારાની કલમ-૩૨ (પી) અન્વયે થયેલ કાર્યવાહીને સંબંધિત છે. ગણોતધારાની કલમ-૩૨ (પી) ગણોતિયાએ ખરીદી ન હોય તેવી જમીન ખાલસા કરવાની અને તેનો નિકાલ કરવાની કલેક્ટરની સત્તા અને કલેક્ટરના હુકમ વિરુદ્ધ અપીલ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે.

અરજદાર તરફે એવી રજૂઆત કરવામાં આવેલ કે, તેઓ પ્રશ્નવાળી જમીન કે જેનું ક્ષેત્રફળ ૪ એકર અને ૩ ગુંઠા છે તે સિવાય અન્ય કોઈ જમીનો ધરાવતા નથી. તેમજ અપીલકર્તાના પુરોગામીને પ્રશ્નવાળી જમીન અંગે મહેસૂલ અધિકારીઓ દ્વારા મુંબઈ ગણોત વહીવટ અને ખેતીવિષયક જમીનો અધિનિયમ- ૧૯૪૮ની કલમ-૩૨ (પી) અંગેની કાર્યવાહીના કામે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની નોટિસ બજાવવામાં આવી ન હોવા છતાં તે અંગે હુકમ પસાર કરવામાં આવેલ હતો.

જેમાં નામદાર હાઈકોર્ટે એવું તારણ આપેલ કે મુંબઈ ગણોત વહીવટ અને ખેતીવિષયક જમીનો અધિનિયમ-૧૯૪૮, એ બાબતનું ધ્યાન રાખવાના હેતુથી ઘડવામાં આવ્યો હતો કે, આ કાયદો ઘડવાના સમયે પ્રમાણિક ગણોતિયાઓ જે જમીન ઉપર ખેતી કરતા આવેલ હતા, તે જમીન ધારણ કરી રાખવા સક્ષમ રહે, પરંતુ, એવી ક્ષણે કે જ્યારે ગણોતિયો પ્રશ્નવાળી જમીન ખરીદવાનાં તેના હકનો ઉપયોગ કરવા ઈચ્છુક ન હોય, અને તેનો આવો હક જતો કરે, તો કાયદાનું ર્તાિકક પરિણામ એ છે કે મૂળમાલિક, તે જમીનમાં ખેતી કરવા અને તેના કુટુંબને ટેકો આપવા, તે જમીનને ધારણ કરી રાખવા માન્ય ઠરશે.

વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જણાવેલ કે, મોતીજી જોધાજી સુથારનો એવો દાવો નથી કે, તેઓ એવા મોટા જમીનમાલિક છે કે, તેમને પોતે કેટલી જમીનનો કબજો ધરાવે છે, તેનો અંદાજો ન હોય. આવી સ્થિતિમાં જો મૃતક મોતીજી જોધાજી સુથારનાં કુટુંબને ૪ એકર અને ૩ ગુંઠા જેટલા ક્ષેત્રફળવાળી જમીનથી વંચિત કરવામાં આવે તો તે, કોઈ પણ રીતે સામાજિક ન્યાયમાં પરિણમશે નહીં. તેથી કોર્ટ એવો વિચારેલ મત ધરાવે છે કે, મામલતદારથી લઈને કૃષિપંચ સુધીના તમામ હુકમો રદ કરવા જોઈએ અને સેટ-એસાઈડ કરવા જોઈએ.

આથી નામદાર હાઈકોર્ટે મામલતદારથી લઈને કૃષિપંચ સુધીના તમામ હુકમો રદ અને સેટ-એસાઈડ જાહેર કરેલ. તેમજ શ્રી મોતીજી જોધાજી સુથારનાં કુટુંબનાં સભ્યો માલિક તરીકે જમીન ધારણ કરવાનું ચાલુ રાખશે, અને તેમનો કબજો કે જે આજદિન સુધી આ તમામ વર્ષો દરમિયાન તેમની પાસે રહેવા પામેલ છે, તેમાં કોઈ ખલેલ કરવામાં આવશે નહીં તેવું જાહેર કરેલ.

આમ, ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટપણે ફલીત થાય છે કે, જ્યારે ગણોતિયો જમીન ખરીદવાના તેના હકનો ઉપયોગ કરવા ઈચ્છુક ન હોય અને ગણોતિયો પોતાનો આવો હક જતો કરે ત્યારે તે સંજોગોમાં કાયદાનું ર્તાિકક પરિણામ એ છે કે એ જમીનના મૂળમાલિક તેવી જમીનમાં ખેતી કરવા અને તેના કુટુંબને ટેકો આપવા, તે જમીનને ધારણ કરી રાખવા મૂળમાલિક હકદાર છે. (સંદર્ભઃ લેન્ડ લોઝ જજમેન્ટ (LLJ), વોલ્યુમ-૨, ઈસ્યુ-૭, જુલાઈ-૨૦૧૪, પાના નં.૬૦૯)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...