5.09.2022

જમીન મહેસૂલ અધિનિયમ / નિયમોમાં અપીલ / રીવીઝનની કાયદાકીય જોગવાઈઓ

 

જમીન મહેસૂલ અધિનિયમ / નિયમોમાં અપીલ / રીવીઝનની કાયદાકીય જોગવાઈઓ

- લોકાભિમુખ માર્ગદર્શન -: એચ.એસ. પટેલ IAS (નિ.)

- 'કલેક્ટર સમયમર્યાદામાં રીવીઝનની કામગીરી કરે તે માટે સુપ્રિમકોર્ટના દિશા નિર્દેશ'

જમીન / મિલ્કત  વ્યવસ્થાપનમાં - જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન ઘડાયેલ અને હાલ પણ અમલી હોય તે કાયદો આજે પણ પ્રસ્તુત છે. આ કાયદાનો મૂળ હેતુ જમીન ઉપરનું મહેસૂલ ઉઘરાવવા માટેની વ્યવસ્થાનો હતો (To Collect Revenue and Administer State) સાથો સાથ જમીન ઉપરના ખાતેદારોના હક્કો જમીન સુધારા કાયદા, આઝાદી બાદ અમલમાં આવ્યા હોવાથી તેનાથી કબજા હક્ક આપવામાં આવ્યા અને સૌથી અગત્યની બાબત એ છે કે, કોઈ પણ જમીન / મિલ્કતને લગતો - વ્યવહાર, વેચાણ, તબદીલી, વારસાઈ વિગેરે થાય ત્યારે તેની હક્કપત્રકમાં / મિલ્કત રજીસ્ટરમાં નોંધ કરવામાં આવે અને તમામ હક્ક / હિત ધરાવતા પક્ષકારોને ૧૩૫ ડીની નોટીસ આપ્યા બાદ નોંધ પ્રમાણિત કરવામાં આવે અને તે મુજબ મહેસૂલી રેકર્ડમાં ફેરફાર થાય અને આવા ફેરફાર પાયાના સિધ્ધાંત પ્રમાણે વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી માન્ય રાખવાના છે. (Unless Contrary Proved) જમીન મહેસૂલ કાયદાઓમાં મહેસૂલી અધિકારીઓના નિર્ણય સામે તેમજ તેઓ જે કાર્યવાહી કરે તે હુકમો સામે અપીલ અને રીવીઝન ફેર તપાસની જોગવાઈઓ છે એટલે કે લોકોને બિનજરૂરી સિવીલ કોર્ટમાં કે ન્યાયિક પ્રક્રિયામાં ઉતરવુ ન પડે. જેની મહેસૂલ અધિનિયમમાં કલમ-૧૦ હેઠળ સબંધિત પેટા વિભાગના ડેપ્યુટી કલેક્ટર / આસિસ્ટન્ટ કલેક્ટરને કલેક્ટર પોતે જે સત્તાઓ અનામત રાખે અથવા જમીન મહેસૂલ અધિનિયમના પ્રકરણ-૧૩માં જે અપીલ અને રીવીઝનની જે ચોક્કસ સત્તાઓ છે તે સિવાય સબંધિત પેટા વિભાગના પ્રાન્ત અધિકારી કલેક્ટરની સત્તાઓ ભોગવે છે. કાયદાકીય જોગવાઈ પ્રમાણે તાબાના મહેસૂલી અધિકારીના નિર્ણય ઉપર તરતના ઉપલી અધિકારીને (Superior Officer) અપીલ કરવાની જોગવાઈ છે. દા.ત. મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર તેમજ સચિવશ્રી અપીલ્સ મહેસૂલ વિભાગ, પરંતુ જમીન સુધારા કાયદા, ગણોત કાયદો, ટોચ મર્યાદા કાયદા વિગેરેમાં મામલતદાર અને કૃષિ પંચ, ડેપ્યુટી કલેક્ટર (જમીન સુધારા અથવા અધિકૃત અધિકારી) અને ગુજરાત મહેસૂલ પંચ, જમીન મહેસૂલ અધિનિયમના પ્રકરણ-૧૩માં ૨૦૩ થી ૨૧૧ માં અપીલ અને રીવીઝનની સત્તાઓ મહેસૂલી અધિકારીઓને આપેલ છે.

જમીન મહેસૂલ અધિનિયમમાં પ્રકરણ-૧૦ એ સૌથી અગત્યનું છે કે જે અંગે લોકોને વધુ સ્પર્શે છે. જેમાં હક્કપત્રક (Record of Rights) અંગે જોગવાઈઓ છે અને આ પ્રકરણમાં જમીન / મિલ્કતને લગતા જે પણ ફેરફાર થાય, વેચાણ / બક્ષીસ / વારસાઈ / ગીરો વિગેરે તે તમામની નોંધ હક્કપત્રકમાં (હવે ઈ-ધરા કેન્દ્રમાં) પાડવામાં આવે છે અને આ નોંધની સામે કોઈને અપીલ કરવી હોય તો જમીન મહેસૂલ નિયમોના ૧૦૮ (૫) અન્વયે સબંધિત પેટા વિભાગના પ્રાન્ત અધિકારી સમક્ષ થાય છે. પરંતુ સ્વમેળે (Suomoto) નોંધ રીવીઝનમાં લેવાની જોગવાઈ ૧૦૮ (૬) માં છે. જેમાં તરતના ઉપલી અધિકારી તરીકે ડેપ્યુટી કલેકટર આવે, પરંતુ સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત હાઈકોર્ટના - ૧૯૭૯ના સ્પે સી એ - ૩૬૦૯ના દાહોદના સ.નં. ૯૭૫ની જમીનના કેસમાં ફેરફાર નોંધ નં. - ૧૦૧૨૮ માં સંયુક્તપણામાં નામ દાખલ કરવામાં આવેલ, જે નોંધ ડેપ્યુટી કલેક્ટર દ્વારા સ્વમેળે (Suomoto) રીવીઝનમાં લઈ રદ કરવામાં આવેલ, આ બાબત હાઈકોર્ટ સમક્ષ ગઈ ત્યારે જમીન મહેસૂલ અધિનિયમ અને જમીન મહેસલૂ નિયમોમાં જે પ્રકરણ - ૧૦ એ માં ૧૦૮ (૬) અને પ્રકરણ-૧૩માં ૨૧૧ ની જે સત્તાઓ છે તે સ્પષ્ટ કરવામાં આવી કે, જમીન મહેસૂલ નિયમોમાં ૧૦૮ (૫) હેઠળ અપીલ કરવાની જોગવાઈ ડેપ્યુટી કલેક્ટર સમક્ષ છે. પરંતુ રીવીઝનમાં લેવાની સત્તા ડેપ્યુટી કલેક્ટરને નથી. આ સત્તા ફક્ત કલેક્ટરને છે એટલે કે કલેક્ટરની સત્તા અંગે અર્થઘટન કરતાં જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૨૧૧ હેઠળળની રીવીઝન સત્તાઓ અને મહેસૂલ નિયમોના - ૧૦૮ (૬) હેઠળની સત્તાઓ સ્પષ્ટ કરવામાં આવી છે અને આ આધારે રાજ્ય સરકારે ૧૯૮૯માં પરિપત્ર કરીને નિયમ-૧૦૮ (૬) હેઠળની રીવીઝનની સત્તાઓ ફક્ત કલેક્ટર વાપરી શકે. ખરેખર તો આ પરિપત્રને બદલે મહેસૂલ વિભાગે કાયદાના પીઠબળ સાથે નિયમોમાં સુધારો કરવો જોઈએ. જેથી સામાન્ય જન સમુદાયમાં તેમજ મહેસૂલી અધિકારીઓમાં અર્થઘટનના પ્રશ્નો ઉપસ્થિત થાય નહી.

ઉપર્યુક્ત દાહોદના કિસ્સામાં સૌથી મહત્વની બાબતનો હાઈકોર્ટે પણ નોંધ્યું છે કે હક્કપત્રકની કે મહેસૂલી અધિકારીઓના હુકમો કેટલા સમયમાં રીવીઝનમાં લેવા આ ચુકાદામાં મુદ્દતના કારણોસર સુપ્રિમકોર્ટનો શકવર્તી ચુકાદો રાઘવનાથા વિરૂધ્ધ ગુજરાત સરકાર ૧૯૬૭ અને ભવાનજી બાવાજી વિરૂધ્ધ ગુજરાત સરકાર જી.એલ.આર. - ૧૫૬માં જણાવેલ છે કે રીવીઝનમાં લેવાની મુદ્દત સામાન્ય રીતે ૯૦ દિવસની ગણાય, પરંતુ વધુમાં વધુ એક વર્ષનો (Reasonable) વ્યાજબી સમય ગણાય તેવુ સુપ્રિમકોર્ટે ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે. આજકાલ મહેસૂલી અધિકારીઓએ જ વર્ષો સુધી હક્કપત્રકની નોંધ અવલોકનમાં લઈ રીવીઝનમાં લીધી ન હોય અને જ્યારે અગાઉ મંજૂર કરેલ નોંધ અન્વયે તે જમીનમાં વેચાણ થાય અથવા તો બિનખેતીમાં ફેરફાર કરવાની અરજી કરવામાં આવે ત્યારે કલેક્ટર નોંધ રીવીઝનમાં લેવાના કારણસર નામંજૂર કરે છે. ખરેખ તો નોંધ મંજૂર કરનાર મહેસૂલી અધિકારીએ કાયદેસરતા ચકાસવાની જવાબદારી તેઓની છે. જો તેઓએ ગેરકાયદેસર નોંધ મંજૂર કરી હોય તો તેમની સામે પગલાં લેવાં જોઈએ. આમ સુપ્રિમકોર્ટે / હાઈકોર્ટે નોંધો રીવીઝનમાં લેવાની કલેક્ટરની સત્તાઓ તેમજ કેટલી સમયમર્યાદામાં નોંધો રીવીઝનમાં લેવાવી જોઈએ તે અંગે મહત્વના ચુકાદાઓ આપ્યા છે. આશા રાખવામાં આવે છે કે મહેસૂલી અધિકારીઓ પ્રજાહિતમાં ન્યાયોચિત કાર્યવાહી કરી વિશ્વાસનું વાતાવરણ પેદા કરે તો કાયદાનું શાસન પ્રસ્થાપિત થશે.

દસ્તાવેજ ના દરેક પાના પર લખી આપનાર અને લખાવી લેનાર ની સહી કરવિકેમ ફરજિયાત છે??



If you have liked the articles please share it
 

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...