12.18.2022

અનુસૂચિત જનજાતિએ ધારણ કરેલ જમીન ઉપરનાનિયંત્રણો,પરવાનગીની જોગવાઈઓ

 

અનુસૂચિત જનજાતિએ ધારણ કરેલ જમીન ઉપરનાનિયંત્રણો,પરવાનગીની જોગવાઈઓ

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૩

એએ હેઠળ કોઈપણ બિન આદિવાસીએ કલમ-૭૩એએ હેઠળની જમીન ખરીદતાં પહેલાં પરવાનગી લેવી અનિવાર્ય

ગતાંકથી ચાલુ

આદિવાસીઓએ ધારણ કરેલ જમીનોની તબદીલી ઉપરના નિયંત્રણો અને મેળવવાપાત્ર પરવાનગીઓનું ગત લેખમાં વિવરણ કરવામાં આવેલ, મોટાભાગની અનુસુચિત જનજાતિની જમીનો ગુજરાતમાં પૂર્વીયપટ્ટામાં એટલે કે અંબાજીથી ડાંગ સુધી આવેલ હોય છે. આ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ માળખાગત સુવિધાઓ માટે જંગલ અધિકાર અધિનિયમ (Forest Right Act) હેઠળ અમુક છૂટછાટો આપી છે. પરંતુ ઔદ્યોગિક વિકાસ માટે જ્યાં નવા ઉદ્યોગો સ્થાપવાના હોય ત્યાં આદિવાસી સિવાય અન્ય જમીન ઉપલબ્ધ હોતી નથી અને જે મેળવવા માટે કલેક્ટની પરવાનગી મેળવવાની હોય છે અને તે પણ સરકારની મંજૂરી મેળવીને જ કલેક્ટર ઔદ્યોગિક હેતુ માટે કે હેતુફેર માટે પરવાનગી આપી શકે છે. આ અંગે સરકારે માર્ગદર્શક સુચનાઓ આપી છે તે મુજબ જમીન ખરીદનાર ઔદ્યોગિક એકમો પાસેથી જમીન વેચનાર આદિવાસી ખાતેદારને તેમની જમીનની વ્યાજબી કિંમત મળે છે તેની ખાત્રી કલેક્ટરેે કરવાની છે, જો જમીન લઘુ ઉદ્યોગ (Small Industries) સ્થાપવા માંગતા હોય તો ઉદ્યોગ કમિશ્નર/ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેથી જમીન ખરીદનારે એસ.એસ.આઈ. / લઘુ ઉદ્યોગ રજીસ્ટ્રેશન મેળવવુ, જમીન ખરીદનાર મધ્યમ કક્ષાનો ઉદ્યોગ (Medium Size Industries) સ્થાપનાર હોય તો ડાયરેક્ટર જનરલ ઑફ ટેક્નીક્લ ડેવલપમેન્ટ ડી.જી.ટી.ડી. રજીસ્ટ્રેશન જમીન ખરીદનારે મેળવ્યુ હોવાની ખાત્રી કરવી અને આ અંગે મહેસૂલ વિભાગના તા.૧૮-૩-૨૦૦૬ના પરિપત્રમાં જરૂરી સૂચનાઓ આપેલ છે. જો જમીન ખરીદનાર મોટો ઉદ્યોગ સ્થાપનાર હોય તો ભારત સરકારના લેટર ઑફ ઈન્ડેન્ટ / ઈન્ડસ્ટ્રીયલ લાયસન્સ જમીન ખરીદનારે મેળવ્યુ હોવાની ખાત્રી કરવી. લઘુ ઉદ્યોગ માટે જમીનના ક્ષેત્રફળ અંગે એટલે કે કેટલી જમીનની જરૂરિયાત છે તે અંગે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રો પાસેથી (DIC) અને મધ્યમ અને મોટા ઉદ્યોગો હોય તો ડાયરેક્ટર જનરલ ઑફ ટેકનીકલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગ કમિશ્નર પાસેથી કલેક્ટરએ ખાત્રી કરી લેવાની છે. 

ઘણીવાર આદિવાસીએ ધારણ કરેલ જમીન વડિલોપાર્જીત ન હોય અથવા સરકારે ગ્રાન્ટ કરેલ ન હોય તો તેવા કિસ્સાઓમાં જમીન મહેસૂલ નિયમોના નિયમ-૫૭ એલ (૪) મુજબ કોઈ આદિવાસીએ પોતાના નાણાંકીય સ્ત્રોતમાંથી બિનઆદિવાસીની જમીન ખરીદી હોય તો તેવા કિસ્સામાં જમીનની તબદીલી અથવા હેતુફેર કરવામાં સરકારની મંજૂરી મેળવવાની નથી, પરંતુ કલેક્ટરે મહેસૂલ વિભાગના તા.૧૮-૩-૯૯ના ઠરાવ અન્વયે જમીન ક્રમશઃ સળંગ રીતે હાલના આદિવાસી કબજેદાર પાસે વારસાઈ હક્કે તે જમીન મળેલ હોય તો તેવી જમીન સ્વપાર્જીત કબજેદાર ગણીને સક્ષમ અધિકારી તરીકે કલેક્ટર કક્ષાએ પરવાનગી આપવાની જોગવાઈઓ છે. 

આવી જ રીતે ગુજરાતમાં હાથ ધરાતા સિંચાઈ વિભાગના જળાશયો માટે (Dams) આદિવાસીઓની જમીન ખરીદવા માટે પણ જોગવાઈઓ કરવામાં આવેલ છે અને રાજ્યમાં મોટાભાગની સિંચાઈ યોજનાઓ જંગલ વિસ્તારમાં એટલે કે આદિવાસીની વસ્તી ધરાવતા વિસ્તારોમાં હાથ ધરવામાં આવે છે ખાસ કરીને નર્મદા યોજના માટે આદિવાસીએ ધારણ કરેલ જમીન તબદીલ કરવા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીને ખાસ સત્તાઓ આપવામાં આવી છે અને પુનઃવસવાટના હેતુ માટે પણ આદિવાસીની જમીન બીજા આદિવાસીને તબદીલ કરવાના અધિકારો પણ અધિક કલેક્ટર - વડોદરાને નર્મદાના અસરગ્રસ્તો માટે ખાસ કિસ્સામાં આપવામાં આવ્યા છે. આવી જ રીતે આદિવાસી વિસ્તારોમાં સંદેશાવ્યવહાર (Telecom) માટે ટેલીકોમ ટાવર ઉભા કરવા માટે મહેસૂલ વિભાગના તા.૧૧-૨-૨૦૧૦ના પરિપત્ર મુજબ જમીન મહેસૂલ નિયમોના નિયમ-૫૭ એલ (૩) અન્વયે પરવાનગી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારે શુભ હેતુપૂર્વકની પ્રવૃત્તિઓ (Bonafide Purpose) માટે જેમાં સખાવતી સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક, આરોગ્યવિષયક હેતુ માટે આદિવાસીએ ધારણ કરેલ જમીનો બિનખેતીવિષયક હેતુ માટે સરકારની પૂર્વ મંજૂરી લઈને આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

આદિજાતિ વિસ્તારોની (Schedule Area) કલમ-૭૩એએ હેઠળની જમીનોની તબદીલી કરવાની સત્તા પંચાયત કાયદા ૫/૧૯૯૮ અન્વયે કલેક્ટરને બદલે જીલ્લા પંચાયતને તબદીલ કરવાના અધિકારો આપવામાં આવ્યા છે તે અનુસાર સબંધિત જીલ્લા પંચાયતોએ મહેસૂલ વિભાગને ધોરણસરની દરખાસ્તો મોકલવાની છે અને રાજ્ય સરકારની મંજૂરી બાદ જરૂરી હુકમો જીલ્લા પંચાયતે કરવાના થાય છે. આ ફેરફાર બંધારણમાં ૭૩માં બંધારણીય સુધારા બાદ જીલ્લા પંચાયતોને જે સત્તાઓ આપવામાં આવી છે તે મુજબ કરવામાં આવ્યા છે. આવી જ રીતે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ માટે જાહેર હેતુના વિકાસના કામો જેવાં કે શાળાઓ, હૉસ્પિટલો, જાહેર રસ્તા, પાણી પુરવઠા યોજનાઓ, આંગણવાડી કેન્દ્રો વિગેરે માટે જમીન તબદીલ કરવા માટે મહેસૂલ વિભાગના તા.૩૧-૩-૨૦૧૬ના પરિપત્રની જોગવાઈ મુજબ આદિવાસીએ ધારણ કરેલ જમીન રાજ્ય સરકારને સુપ્રત કરવા (Relinquishment) માટેની જોગવાઈ કરવામાં આવી છે. ફક્ત એટલી ખાત્રી કરવાની છે કે આદિવાસી વ્યક્તિ બિનખેડુત બની જતો હોય તો જમીન લઈ શકાશે નહી અને જાહેર હેતુના વિકાસ માટે જમીન લેવાયેલ હોય ત્યારે તેનો કોઈ અન્ય હેતુ માટે ઉપયોગ થઈ શકશે નહી. આમ આદિવાસીએ ધારણ કરેલ જમીન ઉપરના નિયંત્રણો જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૩એ / એએ હેઠળ કરવાનો આશય, આદિજાતીએ અનુસુચિ વિસ્તારમાં ધારણ કરેલ જમીનો તેઓના જીવનનિર્વાહનું સાધન છીનવાય ન જાય તે માટે નિયંત્રણો મુકવામાં આવેલ છે. બદલાતા સમય સાથે તેમાં જે જરૂરી ફેરફારો અને પરવાનગી આપવાની જોગવાઈઓ કરવામાં આવી છે તે કોઈપણ વ્યક્તિએ ૭૩એએ હેઠળની જમીનની ખરીદી કરતાં પહેલાં જાણવી જરૂરી છે.


















ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...