11.17.2021

ગીરોવાળી મિલકત અંગે કાયદાકીય જોગવાઈઓ

 

આ અગાઉના અંકમાં ગીરો એટલે શું અને ગીરો વ્યવહાર અંગે સામાન્ય સમજ મેળવેલી. આજના અંકમાં ગીરો અને ગીરોવાળી મિલકત અને ગીરોના પ્રકાર વિશેની માહિતી પ્રસ્તુત કરવામાં આવેલ છે. અગાઉના અંકમાં જોયું તેમ દેવાની જામીનગીરી તરીકે લેણદાર વ્યક્તિની સ્થાવર મિલકતમાંનું કોઈ હિત જ્યારે લેણદારને આપવામાં આવે ત્યારે તેવા વ્યવહારને ગીરો કહેવાય છે. ગીરો એટલે લોન તરીકે ધીરેલી યા ધીરવાની રકમ. વિદ્યમાન કે ભવિષ્યનું દેવું અથવા કોઈ નાણાકીય જવાબદારી પૂરી કરે એવા વચનબંધનના પાલન માટે નિદ્રિષ્ટ સ્થાવર મિલકતમાંના હિતની તબદિલીને ગીરો તરીકે ઓળખવામાં આવે છે. ભવિષ્યમાં પેદા થતી મિલકતનું પણ ગીરો થઈ શકે છે અને જ્યારે તેવી મિલકત અસ્તિત્વમાં આવે તે મિલકતનો ગીરો અમલમાં આવે છે. ગીરો વ્યવહારમાં મિલકતની તબદિલી તો થાય છે, પરંતુ કુલ મિલકતની તબદિલી ન થતાં તે ગીરોવાળી મિલકતમાંના અમુક હિતની જ તબદિલી ગીરોદારને થાય છે અને તે સિવાયના બાકીના અધિકારો મિલકતના માલિક પાસે જ રહે છે.

પોતાની સ્થાવર મિલકતમાંના હિતની તબદિલી કરનાર વ્યક્તિ ગીરો કર્તા કહેવાય યાને તબદિલી કરનાર ગીરો મૂકનાર કહેવાય તેમ જ તબદિલીથી મેળવનાર યાને ગીરો કર્તા પાસેથી જમીન કે સ્થાવર મિલકત જામીનગીરી તરીકે સ્વીકારી તેને નાણાં ધીરનાર વ્યક્તિને ગીરોદાર તરીકે ઓળખાય.

જે મુદ્દલ રકમ અને વ્યાજની ચુકવણી તે સમયે સુનિશ્ચિત કરી આપવામાં આવી હોય તે ગીરોની રકમ કહેવાય. જમીન/ મિલકત ગીરો કરીને તેની સામે નાણાં મેળવવામાં આવે, આવા નાણાંને ગીરો સામે લીધેલો અવેજ યા ગીરો કરજ તરીકે ઓળખાય છે. જે લખાણ કરીને ગીરો કરવામાં આવે છે, તબદિલી કરી આપવામાં આવી હોય તો તે ગીરોખત યા ગીરો દસ્તાવેજ કહેવાય તેમ જ અન્ય કોઈને જામીનગીરી પેટે તબદિલ કરતી મિલકતને ગીરોવાળી મિલકત કહેવાય છે. ગીરના મુખ્યત્વે છ પ્રકારો છે.

  1. સાદું ગીરો (સાન ગીરો),
  2. શરતી વેચાણ ગીરો,
  3. ભોગ્ય ગીરો,
  4. ઇંગ્લિશ ગીરો (કબજા ગીરો),
  5. દસ્તાવેજો અનામત મૂકીને (ગીરો મૂકીને) કરાતું સમન્યાયી ગીરો,
  6. વિચિત્ર (વિલક્ષણ) ગીરો.

સાદું ગીરો (સાન ગીરો) :

સાદું ગીરો યાને સિમ્પલ મોર્ગેજ. જ્યારે કોઈ મિલકતને ગીરો મૂકવામાં આવે, પરંતુ તેનો કબજો સોંપવામાં ન આવે અને એવી શરત હોય કે, કરાર યા કબૂલાત મુજબ જો ગીરો મૂકનાર ગીરોની રકમ પરત કરવામાં નિષ્ફળ જાય યા યા પોતે એવી લેણી રકમ નહીં ચૂકવે તો ગીરોદારને ગીરોવાળી મિલકત વેચવાનો અને તેમાંથી તેની લેણી રકમ વસૂલ કરવાનો તેમ ગીરોની રકમ વસૂલ કરવા માટે તેનો ઉપયોગ કરવાનો ગીરોદારને સંપૂર્ણ હક હોય છે. આ પ્રકારના વ્યવહારને સાદો ગીરો કે સાન ગીરો કહેવાય છે. આ પ્રકારના ગીરો વ્યવહારમાં મિલકતનો કબજો ગીરોદારને સોંપવાની જરૂર હોતી નથી. આ પ્રકારના ગીરો વ્યવહારમાં ગીરોદારને તેમાં રોકાયેલા નાણાં વસૂલવા ગીરોવાળી મિલકત વેચાવવાનો સ્પષ્ટ યા ર્ગિભત રીતે અધિકાર ગીરોકર્તા પાસેથી મળે છે. ગીરોકર્તા ગીરો રકમ પરત કરવામાં નિષ્ફળ જવાના સંજોગોમાં ગીરો મિલકત વેચવાની પરિસ્થિતિ આવે ત્યારે ગીરો મિલકતને કોર્ટ દ્વારા જ વેચાવવી પડે છે. યાને ગીરોકરજ માટે ગીરો મિલકતનું વેચાણ માત્ર કોર્ટ દ્વારા જ કરાવી શકાય અને ગીરોકર્તા એ ગીરોકરજ ચૂકવવા આપેલ બાંયધરી મુજબ ગીરોકરજ વસૂલ ન થાય તેમ હોય તો જ ગીરો મિલકત વેચાવી તે વસૂલ લઈ શકાય.

શરતી વેચાણ ગીરો :

આ પ્રકારનો ગીરો એક રીતે સ્વૈચ્છિક વેચાણ ગણાય. આ પ્રકારના ગીરો વ્યવહારમાં ગીરોકર્તા નાણાં ભરપાઈ કરી આપવા માટે વ્યક્તિગત રીતે બંધાતો નથી. આ ગીરો વ્યવહારનો મુખ્ય ઉદ્દેશ ગીરોવાળી મિલકતની કિંમત તરીકે ચૂકવાયેલ રકમને પરત મેળવવા માટે મિલકતની જામીનગીરી પૂરી પાડવાનો છે. આ પ્રકારના ગીરો વ્યવહારમાં જો ગીરોદારને પોતાના નાણાં પરત ન મળતાં ગીરોકર્તાનો ગીરો વિમોચનનો અધિકાર / હકને કોર્ટ દ્વારા બંધ કરાવશે અને તે સંજોગોમાં ગીરોદાર જે ગીરોવાળી મિલકતનો દૃશ્ય માલિક હતો તે પૂર્ણ કે ખરેખર માલિક બનશે. આવા વ્યવહારમાં ગીરોવાળી મિલકત દ્વારા કરજ ચૂકવી ન શકાય તેમ હોવા છતાં પણ ગીરોદાર ગીરોકર્તાને (માલિકને) અંગત રીતે જવાબદાર ઠરાવી શકતો નથી તેમ જ ગીરોકર્તાની અન્ય કોઈ મિલકતમાંથી પણ કરજનું લેણું વસૂલી શકાતું નથી. આથી જોવા જઈએ તો શરતી વેચાણ ગીરો એ સાદા ગીરો કરતા સારું ન ગણાય.

ઉપર વિમોચન શબ્દનો ઉપયોગ થયેલ છે. વિમોચન રોધ એટલે ગીરો મિલકતને મુક્ત કરાવવાના ગીરોકર્તાના અધિકારથી તેને સંપૂર્ણ રીતે વંચિત રાખવાનું હુકમનામું મેળવવા માટેનો દાવો. આમ શરતી વેચાણ ગીરોમાં ગીરોદાર એ મિલકતનું માત્ર દૃશ્ય માલિક છે ખરેખર નહીં.

ભોગ્ય ગીરો :

આ પ્રકારના ગીરો વ્યવહારમાં ગીરોવાળી મિલકતનો કબજો ગીરોદારને સોંપવામાં આવે છે તેમ જ ગીરોવાળી મિલકતને ભોગવવાની સાથે તેની આવક તથા ભાડાંને પણ ગીરોદાર વ્યાજ યા મુદ્દલ પેટે વસૂલ કરી ઊપજ મેળવ્યે જાય છે. વધુમાં આ પ્રકારના ગીરો વ્યવહારમાં જ્યાં સુધી ગીરોકર્તા (માલિક) પોતાની મિલકત ગીરોમુક્ત કરાવવા માટેની તજવીજ યા ગીરો વિમોચનનો હક ન અજમાવે ત્યાં સુધી ગીરોદાર તે મિલકત ભોગવી શકે છે તેમ જ તેમાંથી ઊપજ પણ તેને મળ્યે જાય છે. આ પ્રકારના ગીરો વ્યવહારમાં ગીરોદારને મુદતના નિયમનો બાધ નડતો નથી, પરંતુ આ પ્રકારના વ્યવહારમાં ગીરોવાળી મિલકતની વાજબી દરકાર, સમારકામ, સારસંભાળ વગેરે રાખવાની જવાબદારી ગીરોદારની છે તેમ જ તે અંગેના જે કંઈ પણ વેરા વગેરે ભરપાઈ કરવાની તેમ જ મિલકતને નુકસાન કરતા કાર્યો નહીં કરવાની પણ જવાબદારી ગીરોદારની છે, પરંતુ ગીરોદાર ગીરોવાળી મિલકત અંગે વિમોચનરોધનો હક અજમાવી શકતો નથી તેમ જ ગીરોવાળી મિલકતને વેચાવી પણ શકતો નથી. વધુમાં જ્યારે પણ ગીરોકર્તા કરજ પરત કરે ત્યારે ગીરોદારે તે મિલકત ગીરોકર્તાને (માલિકને) પરત કરવી પડશે તેમ જ તે મિલકતને લગતા જે કંઈ પણ દસ્તાવેજો તેની પાસે હોય તે તમામ દસ્તાવેજો ગીરોકર્તાને પરત કરવા પડશે તેમ જ મિલકત અંગેના તમામ હિસાબ-કિતાબ પણ ગીરોકર્તાને આપવો પડશે, પરંતુ જ્યારે ગીરોવાળી મિલકતની આવકમાંથી ગીરોકરજ ભરપાઈ થઈ જાય ત્યારે ગીરોદારે તે મિલકત ગીરોકર્તાને પરત કરવાની હોય છે

લેખક : દિનેશ પટેલ, રેવન્યુ પ્રેક્ટીસ

ખેડૂત કોણ બની શકે? બિનખેડૂત ખેતીની જમીન ખરીદે તો?

 

ખેડૂત – બિનખેડૂત – ખેતમજુર :

ખેડૂત :

ખેડૂત એટલે જમીનની જાતે ખેતી કરતી વ્યકિત. ખેતી કરવી એટલે કોઈ પણ ખેતી વિષયક કામકાજ કરવું અને જાતે ખેતી કરવી એટલે પોતાના શ્રમથી અથવા પોતાનાં કુટુંબની કોઈ વ્યકિતના શ્રમથી અથવા પોતાના કુટુંબની વ્યકિતના અંગત દેખરેખ હેઠળ જેમને રોકડ વસ્તુના રૂપમાં મજુરી આપવાની હોય પણ પાકના ભાગના રૂપમાં મજુરી આપવાની ન હોય તેવા નોકરો રાખીને અથવા દહાડિયા રાખીને અથવા પોતાના ખર્ચે ખેતી કરવી તે એટલે કે ખેડૂત.

બિનખેડૂત :

એવી વ્યકિત કે જેણે આજ દિન સુધી ખેતી અંગેનું કોઈ કામકાજ કર્યુ ન હોય અને તે વારસાગત ખેડૂત નથી.

ખેતમજુરો પોતાની જમીન ધારણ કરી શકે છે. :

સૌપ્રથમ તો ખેતમજૂર કોને ગણવો? જે વ્યકિત ૫ વર્ષથી ખેતમજૂરી કરતો હોય અને જે વ્યકિતના પોતાના નામે કે સંયુકત નામે કોઈ ખેતીની જમીન નથી કે વારસાઈમાં તેને આવી જમીન મળવાની નથી. ખેતમજૂર ખેતમજૂરી સિવાય અન્ય કોઈ વ્યવસાય કે આનુંસંગીક વ્યવસાય ન કરતી હોવી જોઈએ. આવી વ્યકિતની વાર્ષિક આવક રૂપિયા ૫૦૦૦થી વધુ હોવી ન જોઈએ.

આવી વ્યકિતઓએ મામલતદાર પાસેથી પ્રમણપત્ર મેળવી તેઓ પોતાની જાતને ખેતમજૂર પ્રસ્થાપિત કરીને ત્યારબાદ ખેતીની જમીન ખરીદી શકે છે.

બિનખેડૂત વ્યકિત પોતાની જમીન ખરીદ કરી શકે કે કેમ ?

પરપ્રાંતનો ખેડૂત ગુજરાતમાં ખેડૂત ન ગણાય અને તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે નહી : ખેડૂત સાથે બિનખેડૂત વ્યકિત સહભાગીદાર તરીકે પોતાની જમીન ખરીદી શકે નહી. મતલબ કે ખેડૂત સાથેનો બિનખેડૂત ભાગીદાર ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકે નહી. ગુજરાતનો વ્યકિત પણ આવા સંજોગોમાં ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતો નથી.

બિનખેડૂત વ્યકિત કે સંસ્થાને ખેતીની જમીન ખરીદવા માટે પણ નાયબ મદદનીય કલેકટરશ્રી પાસેથી ખેડૂત પ્રમાણપત્ર મેળવવું પડે છે. અને તે નીચે મુજબની પરિસ્થિતિમાં પમાણપત્ર મળી શકે છે :

  1. કોઈ વ્યકિતને ખેતીની જમીન બિનખેતીના કામ માટે જોઈતી હોય.
  2. તે જમીનના માલિકે કલમ-૫૫ના ઠરાવોનું પાલન કર્યુ હોય.
  3. કોઈ જમીન જે ગામમાં આવેલી હોય તે ગામનો કોઈ પણ ખેડૂત તે જમીનના માલિક પાસેથી તે જમીન પટે લેવાને તૈયાર ન હોય તેવા સંજોગોમાં.
  4. તે જમીન કોઈ ઔદ્યોગિક-વેપાર ધંધાના સાહસમાં લાભ લેવા માટે અથવા કેળવણી વિષયક કે ધર્માદા સ્થાપવા માટે જોઈતી હોય.
  5. તે જમીન સહકારી મંડળીને જોઈતી હોય.
  6. જમીન ગીરો લઈ શકાય છે. પરંતુ તે માટે ગીરો લેનારે કલેક્ટર પાસેથી ‘‘પોતે ખેડુતનો ધંધો કરવા ધારે છે અને જમીનને જાતે ખેડવા કબુલ થાય છે’’ એ મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે.
  7. જો કોઈ જમીનનો માલિક એવા કોઈ શખ્સને દાનમાં આપવા માંગતો હોય કે જે શખ્સ કોઈ પણ જમીનની માલિકી ધરાવતો ન હોય. પરંતુ તેણે પોતે ખેડૂતનો ધંધો કરવા ધારે છે. અને જાતે જમીન ખેડવા ઈચ્છે છે. એ મતલબનું પ્રમાણપત્ર મામલતદાર પાસેથી મેળવેલ હોય છે.
  8. ખેતીવાડીનો માન્ય અભ્યાસક્રમ (બિહેવીયર ઓફ એગ્રીકલ્ચર) કરેલ વ્યકિત પોતાનો વ્યવસાય કરવા માંગતી હોય અને પોતે જાતે ખેતી કરવાની બાહેંધરી આપતો હોય.

ખેડૂત પ્રમણપત્ર મેળવનારે એક વર્ષમાં ઉપયોગ કરવો જરૂરી : ખેતીની જમીનનો કબજો લીધાની તારીખથી ૧ વર્ષની મુદ્દતમાં જે કારણ સારૂં પરવાનગી મેળવેલ હોય તે કારણસરનું કામ શરૂ કરી દેવું પડે છે.

પુરૂષ પોતે ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો : પતિ ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો પત્નીએ સૌપ્રથમ પોતાના પિતાના ખાતામાં વારસાઈથી સહમાલિક તરીકે નામ દાખલ કરાવી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. ત્યાર બાદ તેણી પોતે ખેતીની જમીન ખરીદી શકે છે અને તેણીના વારસદારો પુત્ર, પુત્રી (પતિ નહી) વારસાગત રીતે ખેડૂત ગણાશે અને તેમના નામે પણ ખેતીની જમીન ખરીદી શકાય છે.

નર્મદા યોજનાના કારણે વિસ્થાપીત થતી વ્યકિત પછી તે ખેડૂત હોય કે બિનખેડૂત હોય મહેસુલ વિભાગના તારીખ ૧૩-૦૮-૯૧ના ઠરાવ ગણાતા – ૧૩૯૦ એમ.આર. ૧૫-જ મુજબ ગુજરાત રાજ્યમાં ખેડૂત તરીકે ગણાવાના રહે છે.

ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરેલ ખેતીની જમીન જપ્ત થઈ શકે છે: ઉપરોકત નિયમો અનુસાર જો કોઈએ ગેરકાયદેસર રીતે જમીન તબદિલ કરીને જમીનનો કબ્જો ધરાવતો હોય તો તેવી વ્યકિતઓને જમીન ખાલી કરાવવા માટે કલેક્ટરશ્રી કાર્યવાહી કરીને કલમ-૭૫થી મળેલ સમાનુસાર જમીન ખાલી કરાવી શકે છે.

પ્રશ્નોત્તરી :

પ્રશ્ન : કોઈ ખેડૂત/ખાતેદાર પોતાની જમીન વેચાણ/તબદિલ કરવા માંગતો હોય તો તે અંગે તેણે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ?

જવાબ : જૂના મુંબઈ રાજ્યનાં વિસ્તારમાં ગણોતધારાની કલમ ૬૩ અન્વયે, કચ્છમાં કચ્છ-ગણોતધારાની કલમ ૮૯ હેઠળ અન્વયે તથા જુના સૌરાષ્ટ્ર રાજ્યના વિસ્તારમાં સૌરાષ્ટ ઘરખેડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેનો ૧૯૪૯ના કાયદાની કલમ ૫૪, જે રાષ્ટ્ર લેન્ડ રીફોર્મસ એકટથી અમલી કરવામાં આવી છે. તેમાં ખેતીની જમીન બિનખેડૂતને તબદિલ/વેચાણ કરવા ઉપર પ્રતિબંધ છે. ખેડૂત અગર ગણોતિયો પણ જે તે વિસ્તારના ટોચ મર્યાદા કરતાં જમીન વધતી હોય તો આવી વધારાની ખેતીની જમીન વેચાણ રાખી શકે નહીં.

પ્રશ્ન : કોઈ બિનખેડૂતને જાત ખેતી કરવા માટે જમીન વેચાણથી રાખવી હોય તો કોઈ જોગવાઈ છે ?

જવાબ : હા, કોઈ બિનખેડૂત જો ખેતીના હેતુ માટે જ જમીન વેચાણથી રાખવા માંગતો હોય તો નાયબ કલેક્ટરશ્રી/કલેક્ટરશ્રી તરફથી ઠરાવવામાં આવે છે. તેવી શરતોએ વેચાણ, બક્ષીસ, પટા અથવા ગિરોથી તે બાબતનું પ્રામાણપત્ર મેળવી રાખી શકશે. એમાં જે તે વ્યકિતની વાર્ષિક આવક રૂ. ૫૦૦૦/- થી વધે નહીં તે તથા આવી બાબત ધ્યાનમાં રાખીને સક્ષમ અધિકારી નિર્ણય લે છે અને પોતાને સંતોષ થાય તો જ આવી પરવાનગી આપે છે.

પ્રશ્ન : કોઈ ખેડૂત/વ્યકિતએ પોતાની જમીન અન્ય ખેડૂતને તબદિલ કરવી હોય તો કોઈ બાબતમાં નિયંત્રણ છે ?

જવાબ : હા, ગુજરાતના અનૂસુચિત વિસ્તાર તરીકે જાહેર થયેલ વિસ્તારમાં કોઈ આદિવાસીએ ધારણ કરેલી કે તેમને સરકારે જાતખેતી માટે આપેલી ખેતીની કે બિનખેતીની જમીન બીજી કોઈ વ્યકિતને ભલે તે ખેડૂત હોય કે આદિવાસી હોય પરંતુ કલેકટરશ્રીની પૂર્વ મંજુરી વિના તબદીલ કે વેચાણ થઈ શકતી નથી અને જો આવી કાર્યવાહી પૂર્વમંજુરી સિવાય થઈ હોય તો ગેરકાયદેસર છે. આમાં ખેતી વિષયક હેતુ માટે લોન લેવા સહકારી કે જમીન વિકાસ બેંકને જમીન તારણ આ૫વાનો સમાવેશ થતો નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટના બિનખેતીની વ્યાખ્યાના અર્થઘટન મુજબ કોઈ પણ વ્યકિત એક જ ગામમાં એક જ જથ્થે અથવા અલગ આવેલી હોય તો તેવા ભાગો એક બીજાથી ૮ કિ.મી. કરતાં વધુ અંતરે આવેલ ન હોય તો જ તે ખેડૂત ગણવામાં આવે છે અને તે કરતાં વધુ અંતરના વિસ્તાર માટે તેવી વ્યકિત ખેડૂત ગણવા પાત્ર નથી તે કારણે ખેડૂત-ખેડૂત વચ્ચેના વેચાણમાં પણ તે મુદ્દો તપાસવાને પાત્ર છે.

સ્ત્રોત: ચૈતન્ય લીમ્બાચીયા

જમીનો સંપાદન ગયા બાદ ખેડૂત તરીકે મટી ન જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓ

 ખેડૂતની તમામ જમીનો સંપાદનમાં ગયા બાદ ખેડૂત પોતે ખેડૂત તરીકે મટી ન જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓ

સારસંભાળ રાખવાની સાથે ખેતી કરાવનાર વ્યક્તિ પણ ખેડૂત ગણાય છે. ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન ધરાવતો ખેડૂત જ ગુજરાત રાજ્યમાં અન્ય ખેતીની જમીન ખરીદી શકે છે. આમ માત્ર ગુજરાત રાજ્યનો ખેડૂત જ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે. યાને ગુજરાત રાજ્ય સિવાયના બહારના રાજ્યમાં ખેતીની જમીન ધરાવતાં ખેડૂતો ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન ખરીદી શકતા નથી. રાજ્ય બહારના ખેડૂતોએ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદ કરવા માટે બિનખેડૂત તરીકે સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી લેવી જરૂરી છે.

જ્યારે સરકારને કોઈ જાહેર હેતુ માટે અથવા કંપનીઓ માટે કોઈ જમીનની જરૂર હોય અથવા તે માટે ભવિષ્યમાં તેની જરૂર ઊભી થવાની સંભાવના હોય તો સરકાર તે બાબત જમીન એક્વાયર (સંપાદન) કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જમીન સંપાદન અંગેની કાર્યવાહીની શરૂઆત કરી શકે છે. તે માટે ખાનગી માલિકીની જમીન જાહેર હેતુ માટે ફરજિયાત સંપાદિત કરવા સરકારને કાયદા દ્વારા હક આપવામાં આવેલ છે. જ્યારે સરકારને કોઈ જાહેર હેતુ માટે અથવા કંપનીઓ માટે કોઈ જમીનની જરૂર હોય અથવા તે માટે ભવિષ્યમાં તેની જરૂર ઊભી થવાની સંભાવના હોય તો સરકાર તે બાબત જમીન એક્વાયર (સંપાદન) કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જમીન સંપાદન અંગેની કાર્યવાહીની શરૂઆત કરી શકે છે. જાહેર હેતુ માટે, વિકાસનાં કાર્યો માટે ખાનગી માલિકીની જમીન ફરજિયાત સંપાદિત (એક્વાયર) કરવા અને તે બદલ વળતર આપવા, વળતરની રકમ નક્કી કરવા, વાંધાઓ ધ્યાને લેવા વગેરે જેવી તમામ બાબતો લક્ષમાં લઈ જમીન સંપાદન અધિનિયમની રચના કર વામાં આવી અને તેમાં વખતોવખત સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે.

ખેડૂત ખાતેદારનું અવસાન થવાથી યા અકાળે મૃત્યુ થવાના સંજોગોમાં મરનાર વ્યક્તિની વારસાઈ કરવાના સમયે તેમ જ ખેડૂત ખાતેદાર પોતાની હયાતી દરમિયાન પણ તેની પોતાની જમીનની વહેંચણી પોતાના વારસદારો વચ્ચે કરે ત્યારે તેમ જ સંયુક્ત ખાતેદારો પૈકી કેટલાંક ભાઈઓ અથવા બહેનો પોતાના ભાગમાં આવતા જમીન પરનો પોતાનો હક સ્વૈચ્છિક રીતે છોડી દે છે, જતો કરે છે અને આ રીતે હક છોડયા બાદ ઘણા પ્રસંગોમાં તેવી વ્યક્તિ પાસે રાજ્યમાં અન્ય કોઈ ખેતીની જમીન બચતી ન હોય તેવું પણ બને છે. તેને કારણે તેવી વ્યક્તિ ખેડૂત તરીકે મટી પણ શકે છે. આ તમામ સંજોગોમાં તેવી વ્યક્તિનો ખેડૂત તરીકેનો દરજ્જો ટકાવી રાખવો એ ખૂબ જ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને આવી વ્યક્તિઓના ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે એ માટે ખેડૂત પ્રમાણપત્ર આપવા સંબંધી પરિપત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક ગણત-૧૦૨૦૦૩/૯૭૭/ઝ થી તા. ૨૯-૦૩-૨૦૦૫ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે અને આ પરિપત્રમાં ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે તે માટે ખેડૂત પ્રમાણપત્ર આપવાનું અને તેની કેટલીક શરતોની જોગવાઈઓ પણ કરવામાં આવેલ છે.

તેવી જ રીતે ઘણાં કિસ્સાઓમાં ખેડૂતની તમામ જમીનો કોઈ હેતુસર સંપાદનમાં મૂકવામાં આવેલ હોય ત્યારે તેવા સંજોગોમાં પણ તેવી વ્યક્તિ પાસે રાજ્યમાં અન્ય કોઈ ખેતીની જમીન બચતી ન હોય તેવું પણ બને છે. તેને કારણે તેવી વ્યક્તિ ખેડૂત તરીકે મટી પણ શકે છે. આવા કિસ્સામાં તેવી વ્યક્તિનો ખેડૂત તરીકેનો દરજ્જો ટકાવી રાખવો એ ખૂબ જ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને સંપાદનમાં બદી ખેતીની જમીનો ગુમાવનાર વ્યક્તિઓના ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે એ માટે ખેડૂત પ્રમાણપત્ર આપવા સંબંધી પરિપત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક : ગણત/૨૬૯૯/ ૪૩૪૩/ઝ થી તા. ૨૬-૧૨-૨૦૦૮ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે અને આ પરિપત્રમાં નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવેલ છે.

જે ખેડૂતની તમામ જમીન સંપાદનમાં જતી હોય તે ખેડૂતને નવેસરથી ખેતીની જમીન ખરીદવા માટે મુશ્કેલી ના પડે તે માટેના વળતર ચૂકવતી વખતે અથવા જમીનનો કબજો સંભાળતી વખતે જ ખાસ જમીન સંપાદન અધિકારી કે કલેક્ટરશ્રીએ સંબંધિત ખેડૂતને ખેતીની જમીન ખરીદ કરી શકશે તે પ્રમાણેનું પ્રમાણપત્ર આપવાની સત્તા સંબંધિત ખાસ જમીન સંપાદન અધિકારી કે કલેક્ટરશ્રીને આથી આપવામાં આવે છે. આવા પ્રમાણપત્રમાં સંબંધિત ખેડૂત તથા તેના કુટુંબના સભ્યોના નામોનો સમાવેશ કરવાનો રહેશે તથા આવા પ્રમાણપત્રની તારીખથી ત્રણ વર્ષમાં સંબંધિત ખેડૂતે ખેતીની જમીન ખરીદવાની રહેશે. આવું પ્રમાણપત્ર સંપાદન થતી જમીનના આધારે આપવાનું થતું હોઈ સંબંધિત ખેડૂત પાસેથી આધાર પુરાવા માંગવાના રહેશે નહીં.

તેવી જ રીતે સંપાદનમાં બધી ખેતીની જમીનો ગુમાવનાર વ્યક્તિઓના ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે એ માટે ખેડૂત પ્રમાણપત્ર આપવા સંબંધી રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ઠરાવ ક્રમાંક ગણત/૨૨૦૯/એમએલએ-૯/ઝ થી તા. ૦૧-૦૭-૨૦૦૯ના રોજ પરિપત્ર બહાર પાડી કેટલાક સુધારા કરેલ. આ સુધારાઓ નીચે મુજબ છે.

(૧) જમીન સંપાદનમાં જમીન ગુમાવનાર ખેડૂતનો દરજ્જો ચાલુ રાખવા કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી ત્રણ (૩) વર્ષની સમયમર્યાદામાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવાનું આમુખ (૨)ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ છે. તે જ ધોરણે એકત્રીકરણ કાયદાના અમલીકરણના કારણે કૌટુંબિક વહેંચણીના પરિણામે પોતાનો ભાગ જતો કરનાર સભ્યનો ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રાખવા કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી ત્રણ (૩) વર્ષની સમય મર્યાદામાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવાની રહેશે.

સ્ત્રોત:  દિનેશ પટેલ, રેવન્યુ પ્રેક્ટિસ બ્લોગ

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...