3.26.2019

મૂળ ખેડૂત ખાતેદારનો દરજ્જો મટી ન જાય તે માટે ખેતીની જમીન ધરાવવી જરૂરી


મૂળ ખેડૂત ખાતેદારનો દરજ્જો મટી ન જાય તે માટે ખેતીની જમીન ધરાવવી જરૂરી

લોકાભિમુખ માર્ગદર્શન - H.S. પટેલ IAS (નિ.)
ખેતીની જમીન વેચવાથી અને સંપાદન થવાથી



'ગણોતધારાની કલમ-૨(૨) અને ૬૩ હેઠળ ખેડૂત ખાતેદાર અંગે કાયદાકીય જોગવાઈ'


કૃષિપ્રધાન દેશમાં ખેડૂતના દરજ્જાનું અલગ સ્થાન છે. સામાન્ય પરિભાષામાં ખેડૂત એટલે 'ખેતી કરતો વ્યક્તિ' ‘Person who cultivates Land' પરંતુ આ વ્યવસાયમાં વ્યક્તિ અને જમીન બંને અભિન્ન અંગ છે અને 'જમીન' એ માનવ સંસ્કૃતિના દરેક ક્ષેત્રના વિકાસમાં અગત્યનું પરિબળ છે અને આઝાદી મળ્યા બાદ જમીન સુધારા કાયદાઓ અમલમાં લાવ્યા બાદ ખેતીની જમીન ઉપરના 'ખેડૂત' તરીકેના હક્કો કાયમી કરવામાં આવ્યા અને દરેક જમીન મહેસૂલને પાત્ર બનાવવામાં આવી Liable For Land Revenue અનાદિકાળથી ચાલતી પરંપરા એ હતી કે જમીનના માલીક જે તે વિસ્તારની હકુમત ધરાવતા 'રાજા માલીક' ગણાતા જમીન ઉપર ખેતી કરતી વ્યક્તિઓને ફક્ત તેઓને પાકનો હિસ્સો મળતો એટલે કે સામંતશાહીનું (Feudalism) તત્વ હતું.

કાયદાકીય રીતે આઝાદી બાદ મુંબઈ પ્રાન્તમાં સમાવિષ્ઠ ગુજરાતમાં મુંબઈ ગણોત અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ ઘડવામાં આવ્યો અને આ કાયદા હેઠળ 'ખેડે તેની જમીન'ના સિધ્ધાંત પ્રમાણે જમીનના કબજેદારોને હક્ક આપવામાં આવ્યા, પરંતુ આ કાયદામાં કલમ-૨(૨) હેઠળ 'ખેડૂત' અને 'જાત ખેતી' 'Personal Cultivation' ની વ્યાખ્યા આપવામાં આવેલ છે અને આજ કાયદાની કલમ-૬૩ હેઠળ ખેડૂત ખાતેદાર થવા માટેની જોગવાઈ છે એટલે કે આ કાયદાની પરિભાષા સિવાય, કોઈપણ વ્યક્તિ ખેતીની જમીન ધરાવી શકે નહિ, એટલે કે ખેડૂત ખાતેદારના દરજ્જા માટે ગણોતધારાની જોગવાઈ હેઠળ નિયંત્રણ છે.

એક તબક્કે સામાન્ય માણસને એમ પ્રશ્ન થાય કે બંધારણમાં મૂળભૂત હક્ક તરીકે દરેક નાગરિકને મુક્તપણે વ્યવસાય કરવાનો અધિકાર છે ત્યારે કેમ ખેતીની જમીન ધારણ કરવા માટે નિયંત્રણ હોવું જોઈએ ? અને દલીલ ખાતર એમ પણ કહેવામાં આવે કે દેશના અમુક રાજ્યોમાં આવા પ્રકારનું નિયંત્રણ નથી. આ અંગેનો જવાબ એ છે કે, બંધારણમાં જમીન સુધારા કાયદાઓ એટલે કે ગણોતધારો ૧૯૪૮ ઘડવામાં આવ્યો તે બંધારણની અનુસુચિમાં સમાવિષ્ઠ છે તેમજ મુળ આશય ખેતીની જમીન ધરાવતા અને સાચા અર્થમાં કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલ જમીન ઉપરના કબજેદારોને હક્ક આપવાના હતા, તે ઉપરાંત ખેતીની જમીનનો કાર્યસાધક ઉપયોગ થાય એટલે કે ખેત ઉત્પાદન વધે અને આ વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિઓનું જીવનનિર્વાહનું સાધન રહે તે મુખ્ય આશય છે અને એટલા માટે મુંબઈ પ્રાન્તમાં અને હાલના ગુજરાતમાં અમલી ગણોતધારા કાયદાથી ખેતીની જમીન ધરાવવા માટે પાત્રતા ધરાવતા સિવાય કોઈપણ વ્યક્તિ ખેતીની જમીન એટલે કે ખેડૂત ખાતેદારનો દરજ્જો પ્રાપ્ત કરી શકતો નથી.

આ નિયંત્રણ રાખવાનો આશય એ પણ હતો કે સિમિત વ્યક્તિઓ પાસે જમીનો આવી ન જાય, અને ખેતી ઉપર નભતા કુટુંમ્બોનું જીવનનિર્વાહ ન છીનવાય, ગુજરાતમાં ૧૯૯૯ પહેલા ૮ કિ.મી.ની મર્યાદામાં ખેતીની જમીન ધારણ કરવાની ગણોતધારાની કલમ-૨(૨) અને ૨(૬) હેઠળ જોગવાઈ હતી, તે હાલ અંતર પુરતી રદ કરવામાં આવી છે એટલે હાલ ગુજરાતના અસલ ખેડૂત ખાતેદાર રાજ્યમાં કોઈપણ જગ્યાએ ખેતીની જમીન ટોચમર્યાદામાં મળવાપાત્ર હોલ્ડીંગ પ્રમાણે જમીન ધારણ કરી શકે છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે અમુક બિનખેડૂત વ્યક્તિઓ ખેતીની જમીન 'વીલ' અથવા ખોટા આચરણેથી ધારણ કરી રહ્યા છે. પરંતુ તે હાલની સ્થિતિએ ગેરકાયદેસર છે. કાયદાકીય કોઈ પીઠબળ નથી અને આવા વ્યવહારો લીટીગેશન હેઠળ છે.

હવે મુળ અસલ વંશ પરંપરાગત સ્વરૂપે ખેડૂત ખાતેદારો છે કે જેઓની જમીન શહેરી/ઔદ્યોગિક વિસ્તારોમાં આવી ગઈ છે અને ખેતી કરવા માટે કાબુ બહારના સંજોગો છે અથવા તો ખેતીની જમીન જાહેર હેતુ જેવાં કે, સિંચાઈ યોજના, આંતરમાળખાકીય પ્રોજેક્ટ, કે સંપાદન ધારા હેઠળ જમીન સંપાદન થતાં, પુરેપુરી જમીન સંપાદન થાય છે અથવા તો ખેતીની જમીન પુરેપુરી વેચાણ કરી દેવાથી બિનખેડૂત થઈ જાય છે, તેવા ઘણા ખેડૂત ખાતેદારો કાયદાથી અજાણ હોય છે કે જો તમારા નામે ખેતીની જમીન ન હોય તો તમો ખેડૂત ખાતેદારના દરજ્જામાંથી કમી થાઓ છો, આવી પરિસ્થિતિ અમો જ્યારે પ્રાન્ત અધિકારી કે કલેક્ટર તરીકે ફરજો બજાવતા હતા, ત્યારે ધ્યાન ઉપર આવેલ અને જેથી મુળ ખેડૂત ખાતેદારોનું હિત જળવાય તે માટે સરકારમાં નિતી ઘડવા અને જે સમયમર્યાદા નક્કી કરેલ તેમાં વધારો કરવાની રજૂઆતો કરેલ જેથી રાજ્ય સરકારે આ બાબતોમાં ઠરાવ/પરિપત્ર કરીને ખેડૂત ખાતેદારો કે જેમની જમીન સંપૂર્ણ વેચવાને કારણે અથવા જમીન સંપાદન થવાની બિનખેડૂત થતા વ્યક્તિઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

અને આ અંગેની વ્યાપકપણે ખેડૂત ખાતેદારોને જાણકારી મળે તે માટે આ લેખના માધ્યમથી આ અંગેની જોગવાઈઓ રજૂ કરું છું, આમ તો સૌ પ્રથમ જોગવાઈ ૧૯૯૪માં અમો સુરત પ્રાન્ત હતા તે સમયગાળામાં અમારી રજૂઆતના આધારે કરવામાં આવેલ, ત્યારબાદ મહેસૂલ વિભાગના તા.૨૪-૧-૨૦૦૩ના ઠરાવથી સંકલિત જોગવાઈઓ કરી છે અને તે મુજબ કોઈપણ ખેડૂત તેની પુરેપુરી જમીન વેચવાથી બિનખેડૂત થતા હોય ત્યારે જમીન વેચાણ કર્યાથી ૬૦ દિવસમાં કલેક્ટરશ્રીને ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવાની છે, તે જ રીતે જો જમીન જાહેર હેતુ માટે સંપાદન કરવામાં આવી હોય તો સંપાદક સંસ્થાને કબજો સુપ્રત કર્યા.

તારીખથી ૬૦ દિવસમાં કલેક્ટરને અરજી કરવાની છે અને જમીન સંપાદન કિસ્સામાં કોઈપણ ત્રણ પુરાવા રજૂ કરવાના છે જેમાં ૭/૧૨, ૮- અ ની નકલ, સંપાદન અંગે આપેલ નોટીસની નકલ, એવોર્ડની નકલ, વળતરની નોટીસ અને કબજા પાવતી, આ દસ્તાવેજી પુરાવાઓ પૈકી આધાર તરીકે ત્રણ પુરાવાઓ રજૂ કરવાના છે, બાકીના સબંધિત દસ્તાવેજી પુરાવાઓ મહેસૂલી કચેરીઓ એટલે કે મામલતદારશ્રીએ પુર્તતા કરવાની છે. આ અરજીઓની તારીખથી કલેક્ટરે ૬૦ દિવસમાં ખેડૂત પ્રમાણપત્ર આપી દેવાનું છે અને સબંધિત ખેડૂત ખાતેદારે પ્રમાણપત્ર મળ્યા તારીખથી ૧૮૦ દિવસમાં એટલે કે છ મહિનામાં ખેતીની જમીન ખરીદી લેવાની છે.

આ અંગે પણ સરકારે ખાસ કિસ્સામાં કાબુ બહારના સંજોગોમાં ત્રણ માસ સુધી મુદ્દત લંબાવવી આપવાની કલેક્ટરશ્રીને સત્તા આપી છે, એટલે હવે વધુમાં વધુ નવ માસ સુધીમાં ખેતીની જમીન ખરીદી લેવાની થાય છે. મારા મત મુજબ આ સમયમર્યાદા વ્યાજબી છે. કારણ કે જમીન વેચવાથી કે સંપાદન જમીન થઈ હોય તેનું વળતર ખાતેદારને મળેલ હોય છે, એટલે જમીન ખરીદી લેવાનો જેટલો ઝડપી નિર્ણય લેવામાં આવે તે ખેડૂતના હિતમાં છે કારણ કે એકવાર જો મળેલ જમીનની રકમમાંથી સમયસર જમીન ખરીદી લેવામાં ન આવે તો અન્ય રીતે વપરાઈ જાય એટલે ખેતીની જમીન ખરીદી લેવી તે ખેડૂત ખાતેદારના હિતમાં છે.

જો જમીન સમયમર્યાદામાં ન ખરીદાય તો ખેડૂતનો દરજ્જો આપોઆપ સમાપ્ત થાય છે અને બિનખેડૂત થવાય છે અને ત્યારબાદ ખેતીની જમીન ધારણ કરી શકાતી નથી, સિવાય કે ગણોતધારા હેઠળ નિયમોનુસાર ખેડૂત પ્રમાણપત્ર મેળવવામાં આવે પરંતુ તે જટીલ પ્રક્રિયાની સાથે નથી, તેમાં આવકમર્યાદા પણ છે અને મુશ્કેલ છે એટલે વંશપરંપરાગત અને વડીલોપાર્જીત ખેડૂતો કોઈપણ તબક્કે ખેડૂતનો દરજ્જો ન ગુમાવે તે તેઓના હિતમાં છે.

પ્રવર્તમાન સમયમાં જ્યારે લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તેવો 'Ease of Doing Business'નો સરકારનો અભિગમ છે ત્યારે આ ખેડૂત પ્રમાણપત્ર આપવાના અધિકારો નાયબ કલેક્ટર પ્રાન્તકક્ષાએ આપી દેવા જોઈએ કારણ કે આ પ્રમાણપત્ર આપવું એ રેકર્ડ આધારિત પ્રક્રિયા છે. તેમાં વિવેકાધીન સત્તા પણ નથી.

વધુમાં જમીન સંપાદનના કિસ્સામાં કે વેચાણના કિસ્સામાં જો ખેડૂત - બિનખેડૂત થતો હોય તો તે જ તબક્કે 'પ્રમાણપત્ર' આપી દેવામાં આવે તો અરજદારે અરજી કરવાની ૬૦ દિવસની સમયમર્યાદા કલેક્ટરે ૬૦ દિવસની મર્યાદામાં પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા આપોઆપ મટી જાય અને ફક્ત જમીન ખરીદવાની ૧૮૦ દિવસની સમયમર્યાદા રાખવામાં આવે તો ખેડૂતલક્ષી અભિગમ ગણાશે.



If you have liked the article, please share it

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...