3.24.2022

હુકમોની નોંધ ઓનલાઈન સ્વરૂપે હક્ક પત્રકમાં પાડવા બાબત અને જોગવાઈઓ

 સબ રજીસ્ટ્રાર કચેરી ને લગતા અધ્યતન પરિપત્રો-2022

હુકમોની નોંધ ઓનલાઈન સ્વરૂપે હક્ક પત્રકમાં પાડવા બાબત અને જોગવાઈઓ


- મહેસૂલી અધિકારીઓ / કોર્ટ દ્વારા થતા


- લોકાભિમુખ માર્ગદર્શન :  એચ.એસ. પટેલ IAS (નિ.)

મહેસૂલી અધિકારીઓના હુકમોની હક્કપત્રકમાં નોંધ પાડવા અલગ અરજી કરવાની જરૂરિયાત નથી

જમીન / મિલ્કતના વ્યવસ્થાપનમાં મહેસૂલી રેકર્ડ અદ્યતન રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને તે અંતર્ગત રાજ્ય સરકારે મહેસૂલી વિભાગનું રેકર્ડ ૨૦૦૪થી કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવ્યું છે અને ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જમીન મહેસૂલ અધિનિયમનું હક્કપત્રકનું પ્રકરણ-૧૦ ક (Record of Rights) સૌથી અગત્યનું છે અને તેમાં જમીન / મિલ્કતને લગતે જે ફેરફારો થાય તે તમામની નોંધ હક્કપત્રકમાં થાય છે. ઘણીવાર જમીનને લગતા જે વિવાદો થાય છે. તેમાં જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈઓ મુજબ મહેસૂલી અધિકારીઓના હુકમ સામે ઉપલી કક્ષાના મહેસૂલી અધિકારીઓ સમક્ષ અપીલ / રિવીઝન સત્તાઓ છે અને તે મુજબ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર, સચિવશ્રી અપીલ, ગુજરાત મહેસૂલ પંચ વિગેરે તેમજ આ અધિકારીઓના હુકમ ઉપરાંત સિવિલ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટમાં પણ કેસ થતા હોય છે અને તેના ચુકાદાની નોંધ મહેસૂલી રેકર્ડમાં ન કરવામાં આવે તો ક્રમશઃ જમીનનું Status કે ટાઈટલ અંગે પ્રશ્નો થાય છે.

ઘણીવાર સબંધિત મહેસૂલી અધિકારીના હુકમ સામે અપીલ કરવામાં આવે તેમજ મનાઈ હુકમ પણ આપવામાં આવે. પરંતુ નીચલી મહેસૂલી કોર્ટના હુકમની ગામદફતરે અમલીકરણ ન કરવાને કારણે ઉત્તરોત્તર જે ફેરફાર પકડવા જોઈએ તે થતા નથી. આ ઉપરાંત કલેક્ટર દ્વારા બિનખેતીનો હુકમ કરવામાં આવે, જમીન ગ્રાન્ટ કરવાનો હુકમ કરવામાં આવે, જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરફાર કરવામાં આવે, જમીન સંપાદન કરવામાં આવે. આ બધી જ પ્રક્રિયા જમીન / મિલ્કતના નિભાવવામાં આવતા હક્કપત્રકના રેકર્ડને સંલગ્ન છે અને હુકમી નોંધોનો અમલ રેકર્ડ અદ્યતન રાખવાના ભાગરૂપે થાય તે રાજ્ય સરકાર અને ખાતેદાર / મિલ્કતધારકના હિતમાં છે.

મહેસૂલ વિભાગ દ્વારા ૨૦૦૪ થી રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે સબંધિત હુકમ કરનાર મહેસૂલી અધિકારીની કચેરી દ્વારા જ હુકમ કરતાંની સાથે ઓનલાઈન નોંધ પાડવાનો નિર્ણય સરકારે કર્યો છે. અગાઉ ઘણીવાર એવું પણ બનતું કે હસ્તલિખિત હુકમની નોંધ ન પાડવાને કારણે વિવાદાસ્પદ જમીન હોય તે પણ વેચાઈ જતાં તબદીલ થતા અને નોંધ પણ પ્રમાણિત થતી અથવા તો હુકમી નોંધ હોય તો ૧૩૫ ડીની નોટીસ આપતાં અને સબંધિત સત્તા ધરાવતા અધિકારી દ્વારા હુકમ થયેલ હોવા છતાં પણ વાંધો સ્વીકારી કાર્યવાહી ચાલતી, સાચી પધ્ધતિ તરીકે હુકમી નોંધ તે આધારે પ્રમાણિત કરવાની થાય અને જે પણ અપીલીય અધિકારીનો હુકમ આવે તે પ્રમાણે ક્રમશઃ નોંધ કરવાની થાય. સરકારે જે તે સમયે સૂચનાઓ આપેલ હોવા છતાં એક સુત્રતા પણે અમલ થતો ન હતો, એટલે સરકારના મહેસૂલ વિભાગના તા.૨૪-૪-૨૦૧૫ ઠરાવ અને તા.૨૨-૧૧-૨૦૧૬ના પરિપત્રથી વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ આપી છે અને તે અંતર્ગત જમીનના હક્કોની તબદીલીના વ્યવહારો માટે થતા અર્ધન્યાયિક હુકમો (Quasi-Judicial) દિવાની કોર્ટ - નામદાર હાઈકોર્ટ / સુપ્રિમ કોર્ટ હુકમોને હક્કપત્રકમાં હુકમ કરનાર મહેસૂલી અધિકારી / કચેરીના નિયત અધિકારીઓ દ્વારા હુકમી ફેરફાર નોંધ સીધી ઈલેક્ટ્રોનીક રીતે દાખલ કરવાની કાર્યપધ્ધતિ અપનાવવામાં આવી છે. હુકમી નોંધોની સીધી નોંધ ઓનલાઈન પાડવાની પધ્ધતિને કારણે અરજદારે ૧૩૫ સી હેઠળની અરજી આપવાની જરૂર નથી.

મહેસૂલ વિભાગના જે વિષયો હેઠળ નોંધ પાડવાની છે તેમાં બિનખેતીની પરવાનગી હવે નવી શરતની પરવાનગી ઘણીવાર બિનખેતીની પરવાનગીની સાથે આપવામાં આવે છે તો તે મુજબ હુકમી નોંધ પાડવાની છે તેજ રીતે કલેક્ટર દ્વારા જમીન ગ્રાન્ટ કરવામાં આવી હોય, જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવામાં આવી હોય, જમીનનું રી સર્વે કરવામાં આવ્યું છે તેમાં ક્ષેત્રફળમાં સુધારો કરવાનો હોય, જમીન માપણી બાદ હિસ્સા પાડવામાં આવ્યા હોય, દુરસ્તી કરવામાં આવી હોઈ, કે જેપી (કમી જાસ્તીપત્રક) નો અમલ કરવાનો હોય. આ તમામ નોંધો ડીઆઈએલ આ દ્વારા સીધી પાડવાની છે. મહેસૂલી અધિકારીએ કોઈ જમીન શરત ભંગ હેઠળ ખાલસા / રાજ્ય સાત કરી હોય તો તે હુકમની નોંધ, જમીન ભાડાપટ્ટે આવી હોય અથવા ભાડા પટ્ટાની મુદ્દત લંબાવવામાં આવી હોય, પ્રમોલગેશન બાદ રેકર્ડ પ્રમાણિત જાહેર કરવામાં આવ્યું હોય તે અંગેની અસર સીધે સીધા ૭/૧૨માં આપવા અંગે, આરટીએસ એટલે કે રેકર્ડ આફ રાઈટ્સને લગતે જે પણ હુકમો જુદા જુદા મહેસૂલી અધિકારીઓ દ્વારા કરવામાં આવે તે અંગેની નોંધ આ ઉપરાંત જમીન સંપાદન હેઠળ જે પણ હુકમો કરવામાં આવે. ખાસ કરીને સંપાદનનો એવોર્ડ જાહેર કરવામાં આવે તે પણ હુકમી નોંધ સબંધિત જમીન સંપાદન અધિકારી દ્વારા કરવાની થાય છે.

આમ રાજ્ય સરકારે ૨૦૧૭થી હક્કપત્રકમાં જુદા જુદા સત્તાધિકારી દ્વારા કરવામાં આવતા હુકમોની નોંધ તેમની કચેરી દ્વારા જ ઓનલાઈન પાડવાની પધ્ધતિ અપનાવવામાં આવી છે. જેમાં જે કચેરીઓનો સમાવેશ થાય છે. તેમાં સચિવશ્રી, અપીલ મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર, કલેક્ટર કચેરી, ડેપ્યુટી કલેક્ટર, પ્રાન્ત અધિકારી, મામલતદાર કચેરી, સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક, ગુજરાત જમીન મહેસૂલ પંચ (GRT) જમીન સંપાદક સંસ્થાઓ, જમીન સંપાદન અધિકારીઓ જેમાં સરદાર સરોવર અને અધિક કલેક્ટર કચેરીઓનો પણ સમાવેશ થાય છે. ડીઆઈએલઆર, જીલ્લા જમીન દફતર નિરિક્ષક વિગેરેનો સમાવેશ થાય છે. આમ તો આ બધા જ સત્તાધિકારીઓ રાજ્ય સરકારના જમીન મહેસૂલ કાયદા અન્વયે સત્તા ધરાવતા અધિકારીઓ છે અને તે અન્વયે અપીલીય હકુમત ધરાવતા અધિકારીઓ તેઓને પ્રાપ્ત થયેલ અધિકાર અન્વયે હુકમો કરવામાં આવે છે. તેથી તે મુજબ અમલ કરવાનો થાય છે.

આ કાર્યપધ્ધતિ અપનાવવાથી જમીન મહેસૂલ અધિનિયમ હેઠળનું હક્કપત્રકનું રેકર્ડ અદ્યતન તો રહે છે પરંતુ સાથો સાથ લોકોના હક્કોની જાળવણી પણ અદ્યતન સ્વરૂપે થાય છે તે ઉપરાંત સબંધિત જમીન / મિલ્કતમાં જો કોઈ વિવાદ હોય તો તેની પણ નોંધ હોવાને કારણે સબંધિત જમીન / મિલ્કતનો ટાઈટલના ખરાપણાનો પણ ખ્યાલ આવી શકે છે. આ તો મહેસૂલી અધિકારીઓના હુકમોની ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા થઈ. પરંતુ સિવિલ કોર્ટ / ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ દ્વારા પણ જે હુકમો થાય તેનું પાલન કરવાની જવાબદારી મહેસૂલી તંત્રની છે કારણ કે ખાસ કરીને જમીન / મિલ્કતના વિવાદમાં ટાઈટલની બાબત નક્કી કરવાની સત્તા ફક્ત સિવિલ કોર્ટને છે તે જ રીતે જો મિલ્કત કે જમીનના વિવાદમાં જો પક્ષકાર દ્વારા હાઈકોર્ટ કે સુપ્રિમકોર્ટમાં જાય અને તેમાં જે નિર્ણય આવે તે પક્ષકારોને બંધનકર્તા હોય છે અને ક્રમશઃ જમીન / મિલ્કતની બાબતમાં અદ્યતન Status મળી રહે તે માટે હક્કપત્રકમાં તેની નોંધ પાડવી ફરજીયાત છે.

આમ હુકમી નોંધો ઓનલાઈન પાડવાની કાર્યપધ્ધતિ રાજય સરકાર દ્વારા અપનાવવામાં આવી છે તે મહેસૂલી રેકર્ડ અદ્યતન રહે અને લોકો દ્વારા પણ જમીન / મિલ્કતના ટાઈટલ અંગેનો દરજ્જો (Status) પણ ચકાસી શકાય છે. નવીન અપનાવેલ પધ્ધતિને કારણે હવે જે કિસ્સામાં મહેસૂલી અધિકારીઓ દ્વારા હુકમો કરવામાં આવે છે તેની નોંધ પડાવવા માટે ઈ-ધરા કેન્દ્રમાં અલગ રીતે અરજી કરવાની જરૂરિયાત નથી.

IF YOU HAVE LIKED THE ARTICLES SHARE IT

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...