7.25.2022

લેન્ડ ગ્રેબીંગ એક્ટના અમલીકરણની કાયદાકીય જોગવાઈઓ

લેન્ડ ગ્રેબીંગ એક્ટના અમલીકરણની કાયદાકીય જોગવાઈઓ

- સરકારી જમીનો ઉપરના દબાણો દૂર કરવામાં અને સરકારી / ગૌચરની જમીનો ઉપરના દબાણો અટકાવવામાં તંત્રની ઉદાસીનતા'

- લોકાભિમુખ : માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.

જમીન મહેસુલ અધિનિયમની ૧૮૭૯ની કલમ-૩૭માં જણાવ્યા પ્રમાણે કાયદેસરની ખાનગી કબજાહક્કની જમીન સિવાયની તમામ જમીનો રાજ્યસરકારની છે અને રાજ્યસરકાર હસ્તકની જમીનો મોટાભાગે રાજ્યસરકારના જુદા-જુદા હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે અથવા તો રાજ્ય સરકારની ખેતીની જમીનો જે મહેસૂલી પરિભાષામાં ફાઈનલ લિસ્ટ ઉપર ચઢાવવામાં આવેલ હોય છે તે નિયમોનુસાર નિકાલ કરવાની હોય છે, પરંતુ હવે આવી જમીનો બચી નથી, જ્યારે જમીન મહેસૂલ અધિનિયમ ઘડાયો એટલે કે ૧૪૪ જેટલા વર્ષ થયા ત્યારે અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન ભારતીય પરિસ્થિતિને અનુરૂપ દૂરંદેશી વાપરીને એ જમાનામાં પણ સરકારી જમીનો ઉપર લોકો દબાણો - પેશકદમી - Encroachment  કરશે તેમ જાણીને જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧માં સરકારી જમીન ઉપર દબાણ થાય તો બિનઅધિકૃત ભોગવટા બદલ ઉપજદંડ વસૂલ લેવાની અને કલમ-૨૦૨ પ્રમાણે જમીન ઉપરથી હાંકી કાઢવાની એટલે કે Summary eviction કરવાની જોગવાઈઓ છે. તાજેતરમાં મહેસૂલ વિભાગના તા.૧૬-૭-૨૦૨૨ પરિપત્ર ક્રમાંક - દબણ-૨૦૨૦૧૦/૧૦૧૬/લથી સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના પર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા અને તે પહેલાં સરકારી જમીન ઉપરના અનઅધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવા માટે પણ તા.૧૧-૪-૨૦૨૨નો પરિપત્ર કર્યો છે. આ ઉપરાંત મહેસૂલ વિભાગના તા.૯-૮-૨૦૧૯ના પરિપત્ર મુજબ સરકારી જમીનો ઉપર આવેલ દબાણો તેમજ અનઅધિકૃત ધાર્મિક સ્થાનોને પણ દૂર કરવા અને જમીનોની જાળવણી કરવા માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ રચના કરવામાં આવેલ છે અને તેનો અમલ કરવા પરિપત્રો કરી સર્વે મહેસૂલી અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

સરકારી જમીનની જાળવણી કરવી અને તેના ઉપર અનઅધિકૃત દબાણ ન થાય તેની પ્રાથમિક જવાબદારી મહેસૂલી અધિકારીઓની છે. હવે સરકારી જમીન એટલે કે મહેસૂલ વિભાગ  હસ્તકની જમીન એટલું સમજવાની જરૂર નથી. પાયાના તત્વ તરીકે તમામ જમીનો સરકારી છે. દા.ત. ગૌચરની જમીન આ જમીનો ફક્ત સબંધિત ગ્રામપંચાયતોને ગામના ચરીયણના હેતુ માટે વહીવટ માટે સુપ્રત કરવામાં આવે છે અને તેની જાળવણી કરવાની જવાબદારી સબંધિત ગ્રામપંચાયતની છે. ગ્રામપંચાયત ગૌચરના હેતુ સિવાય બીજાને આપી શકતા નથી. જ્યારે સરકારને જાહેર હેતુ માટે જરૂર પડે ત્યારે પરત લઈ શકાય છે અને શરતભંગ હેઠળ વહીવટ કરવામાં નિષ્ફળ જાય તો પણ કલેક્ટરશ્રી આવી જમીનો સરકાર હસ્તક લઈ શકે છે. ગૌચરની જમીનોની જેમ મહાનગરપાલિકા / નગરપાલિકાઓને સરકારી જમીનો જાહેર હેતુ માટે તબદીલ કરવામાં આવે છે. તેની જાળવણી કરવાની જવાબદારી સબંધિત સત્તા મંડળની છે. તે ઉપરાંત મહાનગરપાલિકામાં ટી.પી. એક્ટ હેઠળ તેમજ માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનમાં જાહેર હેતુ માટે અનામત રાખેલ જમીનો હોય છે. આમ જુદા જુદા સત્તા મંડળો હેઠળની જમીનો સરકારી ગણાય છે અને સરકારે ઘડેલ લેન્ડ  ગ્રેબીંગ એક્ટમાં આ તમામ જમીનોનો સમાવેશ થાય છે.

સરકારના મહેસૂલ વિભાગે જે ઉક્ત પરિપત્રો કર્યા છે તેમાં મહેસૂલી અધિકારીઓ તરીકે સબંધિત ગામના મહેસૂલી / ગ્રામપંચાયત તલાટી - તાલુકા મામલતદાર / તાલુકા વિકાસ અધિકારી આવે છે. પંચાયતના આ અધિકારીઓને પણ આ કામગીરી માટે મહેસૂલી અધિકારીઓ ગણવામાં આવે છે. જેટલી સરકારી / ગૌચરની જમીનો હોય છે તેની ગામના નમુના નં - ૮ મુજબ વિગતો હોય છે. સબંધિત ગામના તલાટીએ અને સબંધિત વિસ્તારના સર્કલ ઑફિસરે દર વર્ષે તમામ સરકારી સર્વે નંબરની પ્રત્યક્ષ ખાત્રી કરવાની હોય છે અને દબાણ જણાય તો તાત્કાલિક તાલુકા મામલતદાર અને જો સીટી સર્વે વિસ્તાર હોય તો સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટને રીપોર્ટ કરવાનો હોય છે અને તાલુકા મામલતદારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧ હેઠળ નોટીસ આપી અનઅધિકૃત દબાણદારને દૂર કરવાનો હોય છે. ગૌચરની જમીન ઉપર દબાણ હોય તો સબંધિત ગ્રામપંચાયતના સરપંચ / તલાટીએ નોટીસ આપી દબાણ દૂર કરવાનું હોય છે. તેઓ તાલુકા વિકાસ અધિકારીને રીપોર્ટ કરી મદદ મેળવી દબાણ દૂર કરી શકે છે. પરંતુ આ તમામ કામગીરીમાં મહેસૂલીતંત્રની ઉદાસીનતા જવાબદાર છે. આ કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપ હોઈ શકે પરંતુ કલેક્ટરશ્રીની ફરજ છે કે કાયદાની જોગવાઈઓ અને સરકારના પરિપત્રો મુજબ આ કામગીરીમાં અગ્રતા આપી સરકારી જમીનોની જાળવણી કરવી જોઈએ. અમો કલેક્ટર રાજકોટ હતા ત્યારે મોકાની જમીનો ઉપરના દબાણો દૂર કરાવ્યા બાદ અન્ય ઈસમો પાછળથી દબાણ કરતા હોવાનું ધ્યાન ઉપર આવતાં રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરેલ આ જમીનોની જાળવણી માટે કાયમી ધોરણે ફેન્સીંગ કરવાથી જમીનની જાળવણી થાય અને આવી જમીનો ઉપર સરકારી જમીનો ઉપર બોર્ડ પ્રદર્શિત કરવા જોઈએ તો અમારી દરખાસ્ત ઉપર રાજ્ય સરકારે આ અંગેની સૈધ્ધાંતિક મંજૂરી આપી છે તો કલેક્ટરશ્રી અગત્યની જમીનોને ફેન્સીંગ કરાવી આ હેઠળ કામગીરી કરાવી શકે છે. 

સરકારી જમીનો ઉપરના ધાર્મિક દબાણો અંગે નામદાર સુપ્રિમકોર્ટે ૨૦૦૯માં શકવર્તી ચુકાદો આપેલ છે અને દેશની તમામ રાજ્યોની સરકારોને સરકારી / સ્થાનિક સત્તામંડળોની જમીનો ઉપર આવેલ અનઅધિકૃત ધાર્મિક સ્થાનોને દૂર કરવા જણાવેલ છે. દિન-પ્રતિદિન સરકારી જમીનો / ફૂટપાથો / જાહેર રસ્તાઓ ઉપર પણ ધાર્મિક સ્થાનો ઉભા કરવામાં આવે છે અને ધાર્મિક આસ્થાને સંવેદનશીલ બનાવી પ્રતિકાર કરવામાં આવે છે. ૨૦૦૯માં સુપ્રિમ કોર્ટના ચુકાદાને આધારે દેશમાં સૌપ્રથમ રાજકોટ કલેક્ટર તરીકે અમોએ પહેલ કરી, તમામ નાના-મોટા ધાર્મિક સ્થાનોને દૂર કરવાનો એકશન પ્લાન બનાવી અમલીકૃત કરેલ, આ માટે વહીવટીતંત્રની ઈચ્છાશક્તિની જરૂર છે. સૌથી અગત્યની બાબત એ છે કે બે વર્ષ અગાઉ સરકારી જમીન પચાવી પાડવા બાબતમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ ઘડવામાં આવ્યો છે અને જેમાં ઉક્ત જણાવેલ બાબતોમાં તમામ સત્તામંડળોને નિહિત (vest) થયેલ જમીનમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ લાગુ પડે છે અને સરકારી / ગૌચર / મ્યુનિસિપલ કોર્પોરેશન / મ્યુનિસિપાલીટી / ગ્રામપંચાયત તમામ સ્થાનિક વિકાસ સત્તામંડળો / ટ્રસ્ટોની જમીનોમાં પણ આ કાયદાની જોગવાઈઓ લાગુ પડે છે. જાણકારી મુજબ એકપણ જિલ્લા કલેક્ટર દ્વારા દાખલારૂપ કાર્યવાહી થઈ હોવાનું ધ્યાનમાં નથી. આશા રાખીએ કે સરકારી જમીનો ઉપર થતાં દબાણોને અટકાવવામાં ઉક્ત જોગવાઈઓનું સાચા અર્થમાં અમલીકરણ કરવામાં આવે.

 

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...