12.20.2023

કોઈપણ ભાગીદારીનું સર્જન તેનું વિસર્જન થવા માટે જ થતું હોય છે?

ભાગીદારીના વિસર્જન પછી પેઢીનાં દેવાં અને મિલકત માટે ભાગીદારના કોઇ હક્ક અને જવાબદારીઓ કેટલી રહે? 

તમારી જમીન,  તમારી મિલકત 

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

ભારતમાં બ્રિટીશ રૂલના સમયમાં ખાસ કરીને વ્યક્તિઓ ભેગા મળીને વેપાર ધંધો કરવા માટે ભાગીદારીનું સર્જન કરતા આવ્યા હતા અને જે પદ્ધતિએ હાલના સમયમાં પણ ધંધો ભાગીદારી પેઢીના નેજા હેઠળ ચલાવવામાં આવે છે, પરંતુ એમ કહેવાય છે કે કોઈપણ ભાગીદારીનું સર્જન તે વિસર્જન થવા માટે જ સર્જાય છે. આ લેખમાં ભાગીદારી પેઢીના વિસર્જન બાબતે ભારતના ભાગીદારી અધિનિયમ-૧૯૩૨ ની જોગવાઈઓ વિષે જાણીશું.
પેઢીનું વિસર્જન ઃ કોઈ પેઢીના તમામ ભાગીદારો વચ્ચે ભાગીદારીનું વિસર્જન ”પેઢીનું વિસર્જન” કહેવાય છે.

કબૂલાતથી વિસર્જન ઃ તમામ ભાગીદારોની સંમતિથી અથવા ભાગીદારો વચ્ચેના લેખિત કરાર અનુસાર પેઢીનું વિસર્જન કરી શકાશે.

ફરજિયાત વિસર્જન ઃ  (ક) તમામ ભાગીદારો અથવા એક સિવાય બીજા તમામ ભાગીદારોને નાદાર ઠરાવવામાં આવવાથી અથવા, (ખ) પેઢીનો ધંધો કરવાનું અથવા ભાગીદારો માટે ભાગીદારીમાં તે ધંધો કરવાનું ગેરકાયદે થાય એવો કોઈ બનાવ બનવાથી. પરંતુ પેઢી એકથી વધુ જુદા જુદા સાહસ અથવા ધંધા કરતી હોય, ત્યારે એક અથવા વધુ સાહસ અથવા ધંધા ગેરકાયદે થાય તેથી જ પેઢીના કાયદેસરના સાહસ અથવા ધંધા અંગે પેઢીનું વિસર્જન થશે નહીં.
અમુક ખાસ ઘટનાઓ બનવાથી વિસર્જન ઃ ભાગીદારો વચ્ચેના કરારને આધીન રહીને, નીચેના સંજોગોમાં પેઢીનું વિસર્જન થાય છેઃ (ક) કોઈ નિયત મુદત માટે રચવામાં આવી હોય તો તે મુદત પૂરી થવાથી, (ખ) એક અથવા વધુ સાહસો અથવા ધંધા કરવા માટે રચવામાં આવી હોય તો તે પૂરા થવાથી. (ગ) કોઈ ભાગીદારનું મૃત્યુ થવાથી, અને (ઘ) કોઈ ભાગીદારને નાદાર ઠરાવવામાં આવવાથી.

ઈચ્છાધીન ભાગીદારીનું નોટિસ આપવાથી વિસર્જન ઃ (૧) ભાગીદારી ઈચ્છાધીન હોય ત્યારે કોઈપણ ભાગીદારે બીજા તમામ ભાગીદારોને પેઢીનું વિર્સજન કરવાના પોતાના ઈરાદાની લેખિત નોટિસ આપવાથી, ેપેઢીનું વિસર્જન કરી શકાશે.
(૨) પેઢીના વિસર્જનની તારીખ તરીકે નોટિસમાં જણાવેલી તારીખથી અથવા એ રીતે તારીખ જણાવવામાં ન આવી હોય તો તે નોટિસ પહોંચાડવામાં આવે તે તારીખથી પેઢીનું વિસર્જન થાય છે.
કોર્ટ મારફત વિસર્જન ઃ કોઈ ભાગીદારના દાવા ઉપરથી કોર્ટ નીચેના કોઈપણ કારણે પેઢીનું વિર્સજન કરી શકશે, એટલે કે : (ક) કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થઈ ગયો હોય, જેમ કોઈ બીજો ભાગીદાર દાવો લાવી શકે તેવી જ રીતે અસ્થિર મગજના થઈ ગયેલા ભાગીદારનો ઈષ્ટ મિત્ર પણ દાવો લાવી શકશે.
(ખ) દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ ભાગીદાર, ભાગીદાર તરીકે પોતાની ફરજો બજાવવા માટે કોઈ પ્રકારે કાયમને માટે અશક્ત થઈ ગયો હોય.
(ગ) ધંધાનો પ્રકાર જોતાં દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ ભાગીદાર ધંધાને પ્રતિકૂળ અસર થવાનો સંભવ હોય એવું વર્તન કરતો હોય.
(ઘ) દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ પેઢીના વહીવટ અંગેની અથવા તેના ધંધાના સંચાલન અંગેની કબૂલાતોનો જાણીબૂઝીને અથવા વારંવાર ભંગ કરતો હોય અને અથવા ધંધાને લગતી બાબતમાં અન્યથા તે એવી રીતે વતર્તતો હોય કે જેથી તેની સાથે ભાગીદારીમાં ધંધો કરવાનું બીજા ભાગીદારો માટે વાજબી રીતે શકય ન હોયઃ
(ચ) દાવો માંડનાર ભાગીદાર સિવાયના બીજા કોઈ ભાગીદારે પઢીમાંનું પોતાનું સમગ્ર હિત ત્રાહિત વ્યકિતને કોઈ પ્રકારે તબદીલ કરી આપ્યું હોય અથવા દિવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ ની પહેલી અનુસૂચિના ઓર્ડર-૨૧ના નિયમ-૪૯ ની જોગવાઈઓ હેઠળ પોતાના હિસ્સા ઉપર બોજો થવા દીધો હોય અથવા તે ભાગીદાર પાસે લ્હેણી નીકળતી જમીન-મહેસૂલની વસૂલ કરવા માટે અથવા જમીન મહેસૂલની બાકી તરીકે કરી શકાય એવાં લેણાની વસૂલાતમાં પોતાનો હિસ્સો વેચાવા દીધો હોય.
(છ) પેઢીનો ધંધો નુકસાની ભોગવ્યા વગર કરી શકાય તેમ ન હોય, અથવા
(જ) પેઢીનું વિસર્જન કરવું વાજબી અને ન્યાયી ગણાય એવા બીજા કોઈ કારણે. વિસર્જન પછી ભાગીદારોએ કરેલાં કૃત્યો માટેની જવાબદારીઃ (૧) કોઈ પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું હોય તે છતાં, કોઈપણ ભાગીદારે કરેલું કૃત્ય કે જે પેઢીનું વિસર્જન કર્યા પહેલાં કરવામાં આવ્યું હોત અને પેઢીનું કૃત્ય ગણાત તે માટે પેઢીના ભાગીદારો પેઢીના વિર્સજનની જાહેર નોટિસ આપવામાં આવે નહિ ત્યાં સુધી પોતાની એવી હેસિયતથી ત્રાહિત વ્યકિતઓને જવાબદાર હોવાનું ચાલુ રહેશે. પરંતુ જે ભાગીદાર મૃત્યુ પામે અથવા જેને નાદાર ઠરાવવામાં આવે તેની અથવા જેના ભાગીદાર હોવા વિષે પેઢી સાથે વ્યવહાર કરનાર વ્યકિત જાણતી ન હોય તે ભાગીદાર નિવૃત્ત થાય તે તેની એસ્ટેટ જ્યારથી, તે ભાગીદાર ન રહે તે તારીખ પછીના પેઢીના કૃત્યો માટે આ કલમ હેઠળ જવાબદાર નથી.
(૨) કોઈપણ ભાગીદાર ઉપર જણાવ્યા મુજબ નોટિસ આપી શકશે.
વિસર્જન પછી ધંધો આટોપી લેવડાવવાનો ભાગીદારનો હક ઃ પેઢીનું વિસર્જન થતાં, દરેક ભાગીદાર અથવા તેનો પ્રતિનિધિ બીજા તમામ ભાગીદારોને સંબંધ હોય ત્યાં સુધી પેઢીનાં દેવાં અને જવાબદારીઓ ચુકવવા માટે પેઢીની મિલકતનો ઉપયોગ કરાવવા અને તેમ કરતાં વધે તે મિલકતની ભાગીદારોના હક્કો અનુસાર તેઓની અથવા તેઓના પ્રતિનિધિઓ વચ્ચે વહેંચણી કરાવવા માટે હકકદાર છે.
આટોપી લેવા માટે ભાગીદારોના ચાલુ અધિકાર ઃ પેઢીના વિર્સજન પછી દરેક ભાગીદારનો પેઢીને બંધનકર્તા થાય એવું કૃત્ય કરવાનો અધિકાર અને ભાગીદારના પરસ્પર બીજા હકક અને ફરજો પેઢીનું વિસર્જન થયું હોવા છતાં, પેઢીનું કામકાજ આટોપી લેવા માટે અને પેઢીનું વિસર્જન થયું તે સમયે શરૂ કરેલા પણ અધરાં રહેલા વ્યવહારો પૂરા કરવા માટે જરૂરી હોય તેટલે અંશે ચાલુ રહેશે, પણ અન્યથા ચાલુ રહેશે નહીં. પરંતુ જે ભાગીદારને નાદાર ઠરાવવામાં આવ્યો હોય તેનાં કૃત્યો પેઢીને કોઈપણ સંજોગોમાં બંધનકર્તા નથી, પણ તે નાદાર ઠર્યા પછી કોઈ વ્યકિત પોતાને સદરહુ નાદારના ભાગીદાર તરીકે ઓળખાવે અથવા જાણીજોઈને એ રીતે ઓળખવા દે તે વ્યકિતની જવાબદારીને તેનાથી અસર પહોંચતી નથી.
ભાગીદારો વચ્ચેના હિસાબની પતાવટ કરવાની રીત ઃ પેઢીનું વિસર્જન થયા પછી તેના હિસાબની પતાવટ કરવામાં ભાગીદારો વચ્ચેની કબૂલાતને અધીન રહીને નીચેના નિયમોનું પાલન કરવું જોઈશે. મૂડીની ઘટ સહિતની ખોટ, પ્રથમ નફામાંથી, ત્યાર પછી મૃડીમાંથી અને છેવટે જરૂર હોય તો ભાગીદારોએ પોતે જે પ્રમાણમાં નફાનો હિસ્સો મેળવવા માટે હકદાર હોય તે પ્રમાણમાં વ્યકેતિગત રીતે ભરી આપવી જોઈશે.
મૂડીની ઘટ પૂરી કરવા માટે ભાગીદારોએ આપેલી રકમો સહિતની પેઢીની અસ્કયામતો નીચે જણાવેલી રીતે અને નીચે જણાવેલા ક્રમમાં વાપરવી જોઈશે. પેઢીનાં દેવા ત્રાહિત પક્ષકારોને ચુકવવા માટે,  મૂડીથી ભિન્ન હોય એવા ધિરાણ માટે, પેઢી પાસે દરેક ભાગીદારની લ્હેણી નીકળતી રકમ તેને ફાળે પડતી ચુકવવા માટે. દરેક ભાગીદારની મૂડી પેટે લેણી નીકળતી રકમ તેને ફાળે પડતી ચુકવવા માટે અને કંઈ બાકી રહે તો તે અસ્કયામતો ભાગીદારો જે પ્રમાણે નફામાં હિસ્સો મેળવવા માટે હકદાર હોય તે પ્રમાણમાં તેમની વચ્ચે વહેંચી લેવી જોઈશે.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા) 

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...