4.01.2024

મિલકત માટે પક્ષકારો દ્વારા કરારનો ભંગ કરાય તો કાયદેસર શું થઇ શકે?

 

સંમતિ વિના સ્થાવર મિલકતના કબજામાંથી દૂર કરાઇ હોય એવી વ્યક્તિ દાવો કરીને હક્ક પાછો મેળવી શકે છે

તમારી જમીન, તમારી મિલકત |

 નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

યથાનિર્દિષ્ટ દાદ અધિનિયમ-૧૯૬૩ (સ્પેસિફિક રિલીફ એક્ટ-૧૯૬૩) માં જંગમ તેમજ સ્થાવર મિલક્ત અંગે તેમજ પક્ષકારો વચ્ચે નક્કી થયેલા કરારની શરતો અને સમજુતીઓનો ભંગ કરવામાં આવે અગર પાલન કરવામાં ના આવે તો કાયદાની જોગવાઈ મુજબ કરારનું પાલન ઉભયપક્ષ તરફથી કરાવી શકાય છે. કાયદામાં મિલકતનો કબજો પાછો મેળવવા વિશેની જોગવાઈ વિષે જાણીશું.

નિર્દિષ્ટ સ્થાવર મિલકત પાછી મેળવવા બાબતઃ નિર્દિષ્ટ સ્થાવર મિલકતનો કબજો ધરાવવા માટે હક્કદાર વ્યકિત “દિવાની કાર્યરીતિ અધિનિયમ-૧૯૦૮” (સિવિલ પ્રોસીજર કોડ) માં ઠરાવેલી રીતે તેનો કબજો પાછો મેળવી શકશે.

સ્થાવર મિલકતના કબજાથી વંચિત કરાયેલી વ્યક્તિનો દાવોઃ (૧) કાયદાની ક્લમ-% અનુસાર હોય તે સિવાય, કોઈ વ્યક્તિને તેની સંમતિ વિના સ્થાવર મિલકતના કબજાથી વંચિત યાને દૂર કરવામાં આવી હોય તો, તે વ્યક્તિ અથવા (જેની મારફતે તેનો કબજો રહ્યો હોય તેવી વ્યકિત અથવા ) તેની મારફત હક્કદાવો કરનાર વ્યકિત, દાવો માંડીને, એવા દાવામાં બીજો કોઈ હકક દાખવવામાં આવે છતાં, તે મિલકતનો કબજો પાછો મેળવી શકશે.

(૨) આ કલમ હેઠળનો કોઈપણ દાવો -(ક) કબજારહિત થયાની તારીખથી છ મહિના પૂરા થયા પછી અથવા (ખ) સરકાર વિરુદ્ધ, લાવી શકાશે નહિ.

(૩) આ કલમ હેઠળ માંડેલા દાવામાં થયેલા કોઈ હુકમ અથવા હુકમનામા સામે અપીલ થઈ શકશે નહીં તેમજ એવા કોઈ હુકમ અથવા હુકમનામું પુનર્વિલોકન થઈ શકશે નહીં.

નિર્દિષ્ટ જંગમ મિલકત પાછી મેળવવા બાબતની જોગવાઈ ક્લમ-૭ માં જણાવાઇ છે.

નિર્દિષ્ટ જંગમ મિલકતનો કબજો ધરાવવા માટે હક્કદાર વ્યકિત, ‘દીવાની કાર્યરીતિ અધિનિયમ-૧૯૦૮ (સિવિલ પ્રોસીજર કોડ) માં કરાવેલી રીતે તેનો કબજો પાછો મેળવી શકશે. કોઈ ટ્રસ્ટી, પોતે જેનો ટ્રસ્ટી હોય તે વ્યકિત જે જંગમ મિલકતમાંના ફાયદાકારક હિત માટે હક્કદાર હોય તે મિલકતનો કબજો મેળવવા માટે આ કલમ હેઠળ દાવો માંડી શકશે. કોઈ જંગમ મિલકતનો વર્તમાન કબજો ધરાવવાનો ખાસ અથવા હંગામી હક્ક, આ કલમ હેઠળના દાવાના સમર્થન માટે પૂરતો છે. માલિક તરીકે કબજો ધરાવતી ન હોય તે વ્યક્તિની તત્કાળ કબજા માટે હક્કદાર વ્યક્તિને કબજો સોંપી દેવાની ફરજની જોગવાઈ કાયદાની ક્લમ-૮ માં જણાવેલ છે. જેનો પોતે માલિક ન હોય એવી અમુક જંગમ વસ્તુનો કબજો ધરાવનારી અથવા તેનું નિયંત્રણ કરનારી વ્યક્તિને તે વસ્તુ, તેનો તત્કાળ કબજો ધરાવવા હક્કદાર વ્યકિતને નીચેના કોઈપણ દાખલામાં નિર્દિષ્ટ રીતે આપી દેવાની ફરજ પાડી શકાશે.

(ક) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુ પ્રતિવાદી, વાદીના એજન્ટ અથવા ટ્રસ્ટી તરીકે ધરાવતો હોય ત્યારે, (ખ) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુ પાછી ન મળવા બદલ નાણાંમાં વળતર આપવાથી વાદીને પૂરતી દાદ મળે નહિ ત્યારે, (ગ) તે વસ્તુ પાછી ન મળવાથી થતું ખરેખર નુકસાન નક્કી કરવું મુશ્કેલ હોય ત્યારે, (ઘ) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુનો કબજો વાદી પાસેથી ગેરકાયદે મેળવવામાં આવ્યો હોય ત્યારે,

સ્પષ્ટીકરણ: વિરુદ્ધનું સાબિત ન થાય તો અને ત્યાં સુધી આ કલમના ખંડ(ખ) અથવા ખંડ (ગ) હેઠળ જેના માટે દાવો કરવામાં આવતો હોય તેવી કોઈપણ જંગમ વસ્તુ અંગે કોર્ટ એવું માની લેશે કે યથા પ્રસંગ -

(ક) તે વસ્તુ પાછી ન મળવા બદલ નાણાંના વળતર આપવાથી વાદીને પૂરતી દાદ મળે નહીં અથવા (ખ) તે વસ્તુ પાછી ન મળવાથી થતું ખરેખર નુક્સાન નકકી કરવું અત્યંત મુશ્કેલ થશે.

કરારોનું યથાનિર્દિષ્ટ પાલન: કરારના આધારે દાદ મેળવવા માટેના દાવા અંગે બચાવ.

આ અધિનિયમમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય કોઈ કરાર અંગે આ પ્રકરણ હેઠળ દાદ માગવામાં આવે ત્યારે જેની સામે દાદ માગી હોય તે વ્યકિત, કરારો સંબંધી કોઈ કાયદા હેઠળ તેને ઉપલબ્ધ હોય તેવો કોઈપણ આધાર પોતાના બચાવ તરીકે પ્રતિપાદિત કરી શકશે.

નિર્દિષ્ટ રીતે અમલ કરાવી શકાય તેવા કરારો:

કરારોના યથાનિર્દિષ્ટ પાલન બાબતઃ ન્યાયાલય દ્વારા કોઈ કરારનું યથાનિર્દિષ્ટ પાલન કલમ-૧૧ ની પેટા કલમ(૨), કલમ-૧૪ અને કલમ-૧૬ માંની જોગવાઈઓને અધીન રહીને કરવામાં આવશે.

ટ્રસ્ટ સાથે સંબંધ ધરાવતા કરારોનું યથાનિર્દિષ્ટ પાલન કરાવી શકાય તેવા દાખલાઓ:

(૧) આ અધિનિયમમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય, જે કાર્ય કરવા માટે કબૂલાત થઈ હોય તે કોઈ ટ્રસ્ટના અથવા અંશતઃ પાલન માટે કરવાનું હોય, તો (તે કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવશે).

(૨) કોઈ ટ્રસ્ટીએ પોતાની સત્તા બહાર જઈને અથવા વિશ્વાસઘાત કરીને કરેલા કરારનો નિર્દિષ્ટ રીતે અમલ કરાવી શકાય નહીં.

(૧) સને ૨૦૧૮ ના અધિનિયમ કમાંકઃ ૧૮ ની ક્લમ-૩ ઘ્વારા કલમ -૧૦ બદલીને મૂકવામાં આવેલ છે. : અમલ તારીખઃ ૧-૧૦-૨૦૧૮ ) સદર કલમ-૧૦ બદલાયા અગાઉ નીચે મુજબ હતી.

કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવી શકાય તેવા દાખલાઓ:

આ પ્રકરણમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય, નીચેના દાખલાઓમાં કોર્ટ વિવેક્બુદ્ધિ અનુસાર કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવી શકશે.

(ક) જે કાર્ય કરવાની કબૂલાત થઈ હોય તેનું પાલન ન થવાથી થયેલું ખરેખરું નુકસાન નક્કી કરવા માટે કોઈ ધોરણ ન હોય ત્યારે અથવા (ખ) જે કાર્ય કબૂલાત થઈ હોય તે એવું હોય કે તેનું પાલન ન કરવા માટે નાણાંમાં વળતર આપવાથી પૂરતી દાદ મળે નહીં ત્યારે સ્પષ્ટીકરણ વિરુદ્ધનું સાબિત ન થાય તો અને ત્યાં સુધી, કોર્ટ એવું માની લેશે કે : (૧) સ્થાવર મિલકત તબદિલ કરવાના કોઈ કરારના ભંગ માટે નાણાંમાં વળતર આપવાથી પૂરતી દાદ મળી શકતી નથી અને (૨) જંગમ મિલકત તબદિલ કરવાના કોઈ કરારના ભંગ માટે, નીચે પ્રમાણે હોય તે સિવાય, નાણાંમાં વળતર આપવાથી પૂરતી દાદ મળી શકે છે.

(ક) તે મિલકત વેપારની સામાન્ય વસ્તુ ન હોય અથવા વાદીની દૃષ્ટિમાં ખાસ મૂલ્યની કે હિતની હોય અથવા બજારમાં સહેલાઈથી મળી ન શક્તો માલ હોય,

(ખ) તે મિલકત પ્રતિવાદી વાદીના એજન્ટ અથવા ટ્રસ્ટી તરીકે ધરાવતો હોય.

(ર) સને ૨૦૧૮ ના અધિનિયમ કમાંક-૧૮ની કલમ-૪ દ્વારા “તે કરારનું પોતાની વિવેકબુદ્ધિ અનુસાર યથાનિર્દિષ્ટ પાલન કરાવી શકશે.” દાખલ કરવામાં આવેલ છે. (અમલ તા. ૦૧-૧૦-૨૦૧૮).

નોંધઃ-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા)



મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...