1.08.2023

જમીનો ઉપરના દબાણો અંગેની કાયદાકીય જોગવાઈઓ

જમીનો ઉપરના દબાણો અંગેની કાયદાકીય જોગવાઈઓ


 સરકારી, ગૌચર,  સ્થાનિક સત્તા મંડળોની 

-લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- વહીવટી તંત્રએ રાજકીય હસ્તક્ષેપથી પર રહીને જાહેર હિતમાં દબાણ રોકવાની કાર્યવાહી કરવી જોઈએ

 'સરકારે ઘડેલ લેન્ડગ્રેબીંગ એક્ટનું અસરકારક અમલીકરણ જરૂરી'

જમીન સંપાદન અધિનિયમ 2013

 જમીન વ્યવસ્થાનો પાયાનો કાયદો જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ - ૧૫૦ વર્ષ પહેલાં ઘડાયો અને આજે અમલમાં છે. તેમાં અંગ્રેજ શાસન વ્યવસ્થાની દૂરંદેશીનો પણ ખ્યાલ આવે છે. આટલા વર્ષો પહેલાં પણ તેઓએ સરકારી જમીન ઉપર દબાણ થાય તો કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલ, જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧માં જો સરકારી જમીન ઉપર પેશકદમી દબાણ થાય તો મામલતદારે તે જમીન ઉપરનો ઉપજદંડ વસુલ કરવો અને કલમ-૨૦૨માં એવી જોગવાઈ કે બિનઅધિકૃત કબજેદારને જમીન ઉપરથી હાંકી કાઢવો (Summary Eviction) સરકારી જમીનો ઉપરના દબાણો અટકાવવા, રાજ્ય સરકાર અવાર-નવાર સુચનાઓ આપે છે અને તે મુજબ મહેસૂલી અધિકારીઓએ સરકારી જમીનોના ગામવાર રજીસ્ટર પ્રમાણે સબંધિત વિસ્તારના સર્કલ ઓફિસરે દરેક સર્વે નંબરની પ્રત્યક્ષ ખરાઈ કરવાની છે અને જો દબાણ માલુમ પડે તો તાલુકા મામલતદારને રીપોર્ટ કરી મામલતદારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧ હેઠળ કાર્યવાહી કરવાની છે. સરકારી જમીનો ઉપરના દબાણોનું રજીસ્ટર નિભાવવાનું છે અને દરેક તાલુકાની પ્રાન્ત અધિકારી કક્ષાની સરકારી જમીનો ઉપરના દબાણો દૂર કરવા માટેની સમિતિ છે. પરંતુ વાસ્તવિક સ્વરૂપે અસરકારક કામગીરી થતી નથી. 

આજ રીતે પંચાયતી રાજ અમલમાં આવ્યા બાદ સબંધિત ગામના ગૌચરણની જમીનો ગ્રામપંચાયતને વહીવટ માટે સુપ્રત કરવામાં આવી છે. ગૌચરની જમીનો ઉપર પણ મોટાપાયે દબાણો છે. ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ ગામના તલાટી / સરપંચને ગ્રામ પંચાયતને નિહિત થયેલ જમીન ઉપરના દબાણો દૂર કરવાની સત્તાઓ આપેલ છે. પરંતુ અનુભવ આધારે કહી શકાય કે સ્થાપિત હિતો દ્વારા સ્થાનિક સત્તાધિકારીઓના મેળાપીપળામાં દબાણ થાય છે જે દૂર થતા નથી. જેથી રાજ્યમાં મોટા ભાગે ગૌચરની જમીનો ઉપર દબાણો થયા છે. જીલ્લા પંચાયત હસ્તકનું દબાણ સેલ છે પરંતુ તેમની પાસે પુરતો સ્ટાફ તેમજ ઈચ્છાશક્તિના અભાવે દબાણ દૂર કરવાની કામગીરી થતી નથી. નામદાર સુપ્રિમ કોર્ટે અંબાલાના કેસમાં દેશના દરેક રાજ્યોને સ્પષ્ટ દિશાનિર્દેેષ્ઠ આપેલ છે કે જાહેર હિત માટે નીમ થયેલ અને ગૌચરની જમીનો ઉપરના દબાણો નિયમબધ્ધ ન કરવા અને જે હેતુ માટે જમીન નિમ (Vest)  કરેલ હોય તે સિવાય અન્ય હેતુ માટે જમીન તબદીલ કરવી નહી, સિવાય કે શાળા, આરોગ્ય કેન્દ્ર અથવા પબ્લીક યુટીલીટી. આમ જ્યારે દેશની સર્વોચ્ચ અદાલતે મહત્વપૂર્ણ ચુકાદાથી આદેશો આપ્યા હોય ત્યારે વહીવટી તંત્રએ રાજકીય હસ્તક્ષેપથી પર રહીને જાહેર હિતમાં દબાણ રોકવાની અને દૂર કરવાની કાર્યવાહી કરવી જોઈએ.

આજ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને નગરપાલીકાઓમાં પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ગુજરાત મહાનગરપાલિકા અધિનિયમની કલમ-૨૩૦/૨૩૧ મુજબ જાહેર રસ્તા / પાણીના વહેણ ઉપર જો દબાણ થાય તો મ્યુનિસિપલ કમિશ્નરને નોટીસ આપ્યા સિવાય દબાણ દૂર કરવાની સત્તા છે અને આ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના ઑલ્ગા - ટેલીસ - મુંબઈ કોર્પોરેશન, નવાબખાન, ગુલાબખાન, અમદાવાદ કોર્પોરેશન, અનુપમ રેકડી, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન મારા નામજોગ એચ. એસ. પટેલ, ડે. મ્યુનિ. કમિશ્નર વડોદરા, V/S સેવક રામ પ્રભુદાસ વિગેરે શકવર્તી ચુકાદાઓથી જાહેર રસ્તા તેમજ પાણીના વહેણમાંથી અવરોધો દૂર કરવાની સત્તાઓ છે. તે ઉપરાંત Public Premises Eviction Act હેઠળ સ્થાનિક સત્તા મંડળને સત્તાઓ છે. ગુજરાત ટાઉન પ્લાનીંગ એક્ટ -૧૯૭૬માં ટી.પી. અમલીકરણના ભાગરૂપે કલમ-૬૭ અને ૬૮ હેઠળ ખાનગી માલિકીની જગ્યા જાહેર હેતુ માટે અમલીકરણના ભાગરૂપે કબજો લેવા માટે ફોજદારી સહિતની કાર્યવાહી થઈ શકે છે.

આમ સરકારી / ગૌચરની જમીનો / સ્થાનિક સત્તા મંડળોની જમીનો ઉપરના દબાણો દૂર કરવાની સબંધિત કાયદાની જોગવાઈઓ ઉપરાંત સરકારે લેન્ડ ગ્રેેબીંગ એક્ટ ઘડેલ છે અને આ કાયદા હેઠળ અસરકારક માધ્યમ એ છે કે ફોજદારી કાર્યવાહી કરવાની છે. આ કાયદો ઘડાયાને લગભગ ૨ વર્ષ જેટલો સમય ગાળો થયેલ છે. પરંતુ આજ દિન સુધી દાખલારૂપ કાર્યવાહી થઈ હોઈ તેવું ધ્યાનમાં નથી. દિવસે દિવસે વિકાસની પ્રક્રિયામાં તેમજ આંતરમાળખાકીય સુવિધા માટે સરકારી જમીનોની જરૂરિયાતો રહે છે અને હવે જાહેર હેતુ માટે જમીન સંપાદન અધિનિયમ - ૨૦૧૩ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા અઘરી બનતી જાય છે ત્યારે સરકારી જમીનોની જાળવણી ખૂબ જ જરૂરી છે. બીજી બાજુ રાજ્ય સરકારે તાજેતરમાં શહેરોમાં બિન અધિકૃત બાંધકામ બાબતમાં ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદાની આડ અસર એ દેખાય છે કે લોકોને કાયદાનો ડર રહ્યો નથી. બીજી બાજુ કાયદાનું પાલન કરનારને તંત્રમાંથી વિશ્વાસ ઉઠતો જાય છે અને સમિક્ષા કરતાં એ પણ જણાય છે કે બિન અધિકૃત દબાણ કરતાઓ ઈમ્પેક્ટ ફી હેઠળ અરજીઓ કરી નિયમબધ્ધ કરાવવા આગળ આવતા નથી, કારણ કે તેમને એમ લાગે છે કે તેમની વિરૂધ્ધ કાર્યવાહી થવાની નથી અને રાજ્ય સરકાર પણ આ કાયદાને અવાર-નવાર નવા સ્વરૂપે લાવતા જાય છે એટલે કાયદાનું શાસન પ્રસ્થાપિત થયું નથી.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...