5.23.2022

પાવર ઓફ એટર્ની દ્વારા સીધા જ દસ્તાવેજોની નોંધણી કરાવી શકાય કે કેમ?

 


પ્રશ્ન: ૧ કોઈ એક વ્યકિતને પાવર ઓફ એટર્ની આપી હોય અને તે પાવર ઓફ એટર્ની હોલ્ડરે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી વેચાણ કરેલી જમીનની રેવન્યુ રેકર્ડમાં પાડેલી નોંધની કાયદેસરતા શું હોઈ શકે? (પ્રશ્નકર્તાઃ- વિરલ પાટીવાલા (એડવોકેટ)
જવાબ : જમીનમાલિકે તેમની માલિકીની જમીન વેચવા માટે કોઈ વ્યકિતને કાયદેસરનું કુલમુખત્યારનામું (પાવર ઓફ એટર્ની ) આપેલું હોય અને તે આધારે કુલમુખત્યારનામું ધારણ કરનારે માલિકની જમીન રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી કોઈ ત્રાહિતને વેચાણ આપેલી હોય તો તે આધારે દાખલ થયેલી ફેરફાર નોંધ પ્રમાણિત કરવાની થાય. કાયદેસરના પાવર ઓફ એટર્ની હોલ્ડરનું કૃત્ય યોગ્ય અને કાયદેસરનું ગણાય.

પ્રશ્ન: ૨ સને ૨૦૦૮ ના અરસામાં (મિલકતના માલિક કબજેદારે આપેલી પાવર ઓફ એટર્નીના આધારે સને ૨૦૧૯ના અરસામાં કરી આપેલા હોય તેવા વેચાણ દસ્તાવેજનું રજિસ્ટ્રેશન થયેલું હોય તો તેની કાયદેસરતા ગણાય કે કેમ?  (પ્રશ્નકર્તા:- રીમા મુન્શી)
જવાબ : જમીન / મિલકતના માલિકે સને ૨૦૦૮ના અરસામાં કુલમુખત્યાર નામું આપેલું છે, તેવા કાયદેસરના કુલમુખત્યાર નામા (પાવર ઓફ એટર્ની)ના આધારે સને ૨૦૧૯ના અરસામાં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી જમીન / મિલકત વેચાણ કરવામાં આવી હોય તો પાવર ઓફ એટર્નીના લેખની કાયદેસરતા વિશે પ્રશ્ન ઉઠાવવાનો કોઈ હક્ક કે અધિકાર રહેતો નથી અને કરેલી કાર્યવાહી યોગ્ય અને કાયદેસરની ગણાય છે. પરંતુ સને ૨૦૧૯ના વેચાણ દસ્તાવેજ પહેલાં તેનું સને ૨૦૦૮ના અરસાનું પાવર ઓફ એટર્ની આપનાર માલિક તરફથી કાયદેસરની પ્રક્રિયા કરીને રદ કરેલ હોય તો તેવા નિરર્થક યાને રદ થયેલા પાવર ઓફ એટર્નીને આધારે તેના હોલ્ડર તરફથી કરેલાં કૃત્યો તેમજ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ બાતલ થઈ શકે.

પ્રશ્નઃ ૩ જયારે કુલમુખત્યારનામું લખી આપનાર એકથી વધુ હોય અને તેમાંથી કોઈપણ એક લખી આપનારનું મૃત્યુ થાય તો સમગ્ર કુલમુખત્યારનામાનો અંત આવે કે નહીં? (પ્રશ્નકર્તાઃ- હેત ખત્રી)
જવાબ : જ્યારે એકથી વધુ કુલમુખત્યારનામું લખી આપનાર હોય અને તેમાંથી કોઇ એક વ્યકિતનું મૃત્યુ થાય, ત્યારે ગુજરનાર પરત્વે કુલમુખત્યારનામાનો અંત આવે છે અને બાકીના કુલમુખત્યારનામું આપનાર પરત્વે પાવર ઓફ એટર્ની રદ ગણાય નહીં, સિવાય કે ગુજરનારનું વસ્તુ સ્થિતિમાં હિત હોય તેવો નામદાર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપેલો છે.

પ્રશ્નઃ ૪ કોઈપણ કુલમુખત્યારનામા ધારકે કરેલો વેચાણ દસ્તાવેજ કરેલો હોય તેણે પોતે નોંધણી માટે રજુ કર્યો હોય ત્યારે કુલમુખત્યારનામું નોંધણી કરાવવું જરૂરી છે કે કેમ? (પ્રશ્નકર્તાઃ- ગિરીશ પરમાર)
જવાબ : જ્યારે કુલમુખત્યારનામા ધારકે વેચાણ દસ્તાવેજ કરેલ હોય અને તેણે પોતે નોંધણી માટે રજુ કરેલ હોય ત્યારે કુલમુખત્યારનામું નોંધણી કરાવવાનું જરૂરી નથી તેવું નામદાર ગુજરાત હાઈકોર્ટે ઠરાવેલ છે                                                                                                             

પ્રશ્નઃ પ પાવર ઓફ એટર્ની દ્વારા સીધા જ દસ્તાવેજોની નોંધણી કરાવી શકાય કે કેમ? (પ્રશ્નકર્તા ઃ પંકજ દવે)
જવાબ : એક કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ સરકારે પાવર ઓફ એટર્ની દ્વારા વેચાણ અંગેના બહાર પાડેલા અગાઉ પરિપત્રો રદ કરવા હુકમ કરેલ છે અને કાયદેસરના પાવર ઓફ એટર્ની દ્વારા સીધા જ દસ્તાવેજોની નોંધણી કરાવી શકાશે તેમ ઠરાવેલું છે.

પ્રશ્ન: (૬) દસ્તાવેજની નોંધણી માટે સબરજિસ્ટ્રાર સમક્ષ હાજર થઈ વેચાણ આપનારે કરેલી સહીઓ સાથે વેચાણ દસ્તાવેજ ફક્ત રજિસ્ટર્ડ કરવાનો હોય તો તે અંગેનો પાવર ઓફ એટર્ની હોય તો તેની નોંધણી કરવાની જરૂરીયાત છે કે કેમ? (પ્રશ્નકર્તા:- ધર્મેશ મકવાણા)
જવાબ : જ્યારે ફક્ત દસ્તાવેજની નોંધણી માટેનું એટલે કે સબરજિસ્ટ્રાર સમક્ષ હાજર થઈ વેચાણ આપનારે કરેલ સહીઓ સાથેનો દસ્તાવેજ ફક્ત રજિસ્ટર્ડ કરવાનો હોય અને તે અંગેનો પાવર ઓફ એટર્ની આપેલો હોય તો તેની ૧૨૦ દિવસમાં નોંધણી કરાવવી પડે. પરંતુ પાવર ઓફ એટર્ની જનરલ હોય તો તેમાં દસ્તાવેજ કરી આપવાની દસ્તાવેજમાં સહીઓ કરવાની અને તે દસ્તાવેજ રજિ સ્ટર્ડ કરવાની સત્તા આપેલી હોય તો આવો પાવર ઓફ એટર્ની નોંધણી કરાવવાની જરૂરીયાત નથી, પરંતુ નોટરાઈઝ કરવામાં આવતો હતો અને આવો પાવર ઓફ એટર્ની રજિસ્ટર્ડ જ કરવો જોઈએ તેવી કોઈ કાયદાકીય જોગવાઈ ન હતી. પરંતુ રજિસ્ટ્રેશન અધિનિયમ ૧૯૦૮ માં થયેલા સુધારા મુજબ તારીખઃ ૧૦/૦૭/૨૦૨૦ પહેલાં કરેલો પાવર ઓફ એટર્ની સબરજિસ્ટ્રાર સમક્ષ રજિસ્ટર્ડ કરવાની જરૂરીયાત નથી. પરંતુ ત્યાર પછી સ્થાવર મિલકત અંગેનો કરવામાં આવેલ પાવર ઓફ એટર્ની સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરવો ફરજિયાત છે. નોંધણી અધિનિયમ ૧૯૦૮ કલમ ૩૩ અને કલમ ૩૨(સી) હેઠળ જ્યારે કુલમુખત્યારનામા ધારકે વેચાણ દસ્તાવેજ કરેલો હોય અને તેણે પોતે નોંધણી માટે રજુ કરેલો હોય ત્યારે કુલમુખત્યારનામું નોંધણી કરાવવું જરૂરી નથી. કલમ-૩૩ ત્યારે લાગુ પડે, જ્યારે દસ્તાવેજ હસ્તાક્ષર કરનાર વ્યક્તિ કુલમુખત્યારનામા ધારકને રજુ કરી નોંધણી માટે સત્તા આપે.

પ્રશ્નઃ ૭ રજિસ્ટ્રેશન માટે કોઈપણ રજુ કરવાનો સમય કેટલો નક્કી કરવામાં આવેલે છે? (પ્રશ્નકર્તા ઃ જિનાલી પારેખ)
જવાબ : દસ્તાવેજ તે કર્યાની તારીખથી ચાર મહિનાની અંદર રજિસ્ટ્રેશન માટે અધિનિયમની કલમ ૨૩ હેઠળ રજુ કરવો જોઈએ. કોર્ટનું હુકમનામું અથવા હુકમ દિવસ આખરી બને ત્યારથી ચાર મહિનાની અંદર રજુ કરી શકાય. દસ્તાવેજ જુદી જુદી ઘણી વ્યકિતઓએ જુદા જુદા સમયે કર્યો હોય તો દરેક કર્યાની તારીખથી કલમ-૨૪ની જોગવાઈ હેઠળ ચાર મહિનાની અંદર રજિસ્ટ્રેશન માટે રજુ કરી શકાશે. અમુક પક્ષકારોની અમુક વ્યક્તિએ વિદેશમાં દસ્તાવેજ કર્યો હોય તો કલમ-ર૬ની જોગવાઈ મુજબ તે ભારતમાં તેના આવ્યા પછી ચાર મહિનાની અંદર રજિસ્ટ્રેશન માટે રજુ કરી શકાશે અને ત્યારબાદ વધુ ચાર મહિનામાં પણ દસ્તાવેજ રજિસ્ટ્રેશન માટે રજુ કરી શકાય. પરંતુ તે માટે નિયત નિયમ મુજબની વધારાની રજિસ્ટ્રેશન ફીની રકમ ચુકવવાની રહે છે.

પ્રશ્નઃ ૮ સ્થાવર મિલકત કઈ હોઈ શકે? (પ્રશ્નકર્તાઃ-રહીમખાન પઠાણ)
જવાબ : કોઈપણ સ્થાવર મિલકતમાં કોઈપણ જમીન, મકાન, વારસાગત ભથ્થા, જવા આવવાના હક્કો, લાઈટ, ફેરીઝ, મત્સ્યદ્યોગ અથવા જમીનમાંથી અને જમીન સાથે જોડાયેલી અથવા જમીન સાથે જોડાયેલી કોઈપણ વસ્તુને કાયમી જોડાયેલી કોઈપણ વસ્તુમાંથી ઊભા થતા બીજા લાભનો સમાવેશ થાય છે. પરંતુ તેમાં ઊભાં ઝાડ, ઊભો પાક તથા ઘાસનો સમાવેશ થતો નથી. તેથી જમીન, મકાન અને જમીનમાંથી ઊભા થતા લાભો સાથે સંકળાયેલા તમામ સોદાઓ ફરજિયાત નોંધણીને પાત્ર છે. જમીન સાથે જોડાયેલી મશીનરી યંત્રોને આવરી લીધેલ છે અને તેવી જમીન, મકાન અથવા યંત્ર ગીરો મુકીને લોન ઊભી કરી હોય તો તેના લેખનું જે તે હકુમતવાળી સબ રજિસ્ટ્રારની કચેરીમાં રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે.
નોંધ:- (જમીન-મિલક્ત માટેના લેખોના સંદર્ભ વાચકોના સૂચન કે પ્રશ્નો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT


ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...