8.01.2022

ખેડૂત અને ખેડૂત પ્રમાણપત્ર અંગે મહેસૂલી કાયદાકીય જોગવાઈઓ


- સાચા ખેડૂતો માટે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની જોગવાઈઓ રદ કરવી જરૂરી


- લોકાભિમુખ માર્ગદર્શન :  એચ.એસ. પટેલ IAS (નિ.)

ભારત કૃષિ પ્રધાન દેશ છે. આઝાદી મળી ત્યારે ૮૦% વસ્તી ખેતી વ્યવસાય આધારિત હતી, જેમાં ખેત મજૂરોનો પણ સમાવેશ થતો, આજે પણ ૬૫% વસ્તી ખેતી વ્યવસાયમાં સંકળાયેલ છે એટલે આપણુ અર્થતંત્ર (Primary Economy) ખેતી ઉપર નિર્ભર છે. આપણે ડબલ ડિઝીટ જીડીપી કરવી હોય તો ખેતીને વધુ ઉત્પાદકીય સ્વરૂપે પરિવર્તિત કરવું પડે. સ્વતંત્રતા મળ્યા બાદ કુદરતી સંશાધનોનું સપ્રમાણમાં વહેંચણી થાય તેમાં સૌથી અગત્યનું સ્ત્રોત 'જમીન' 'Important Cadastral' ગણાય અને તે અંતર્ગત ભારતના બંધારણમાં જમીન સુધારાને અનુસુચિમાં (Schedule) સામેલ કર્યું છે એટલે જમીન સુધારા કાયદાઓને કાયદાકીય બંધારણીય પીઠબળ છે. ૧૯૬૦ પહેલાં આપણું મુંબઈ રાજ્ય હતું અને ગુજરાત અને મહારાષ્ટ્ર દ્વિભાષી રાજ્યમાં જમીન સુધારા કાયદા અમલમાં લાવવામાં આવ્યા, જેમાં 'ખેડે તેની જમીન'ના સિધ્ધાંત અનુસાર મુંબઈ ખેત જમીન ગણોતકાયદો - ૧૯૪૮ ઘડવામાં આવ્યો. જ્યારે જેની પાસે નિયત મર્યાદા કરતાં વધારે હોય તેમના માટે ખેત જમીન ટોચ મર્યાદા અંતર્ગત જમીનદારો પાસેથી વધારાની જમીન સરકાર હસ્તક લઈ જમીન વિહોણા કુટુંમ્બોને ખેતીની જમીન આપવાનો હતો.

દેશના અન્ય રાજ્યોની સરખામણીએ મુંબઈ રાજ્યમાં ઘડાયેલ કાયદા પ્રગતિકારક હતા. સૌરાષ્ટ્ર અને કચ્છ - ૧૯૫૬ સુધી અલગ રાજ્યો હતા અને આ રાજ્યોને પણ તેમના વિસ્તાર પુરતા સૌરાષ્ટ્ર ઘરખેડ, સૌરાષ્ટ્ર જમીન સુધારા, બારખલી નાબુદી અને એસ્ટેટ એક્વીઝન એક્ટ, કચ્છ વિદર્ભ કાયદાઓ ઘડવામાં આવેલ અને આજે પણ અમલમાં છે. જેમ જમીન સુધારા કાયદામાં 'ખેડે તેની જમીન'ના સિધ્ધાંતનો આશય વાસ્તવિક રીતે જે જમીન ખેડે છે તેને કબજેદાર બનાવવા તેમ 'ખેતીની જમીન' કોણ ધારણ કરી શકે તે માટે ગણોતધારાની કલમ-૬૩માં 'ખેડૂત' Agriculturistની વ્યાખ્યા આપવામાં આવેલ છે અને તેમાં વંશપરંપરાગત ખેતી સાથે સંકળાયેલ વ્યક્તિને અને ખેડૂત બનવા માટે કલમ-૬૩ હેઠળ કલેક્ટરની પરવાનગી એટલે કે 'ખેડૂત પ્રમાણપત્ર' મેળવવાની જોગવાઈ છે. આમાં આવકની પણ મર્યાદા છે. તેજ રીતે સૌરાષ્ટ્રમાં, સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ-૫૪માં ખેડૂતની વ્યાખ્યા આપવામાં આવેલ છે અને કલેક્ટરનું પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ છે. ગુજરાતમાં હાલના સૌરાષ્ટ્ર - કચ્છ સહિત બિનખેડૂત વ્યક્તિઓ ખેતીની જમીન ખેડૂત તરીકે ધારણ ન કરી શકે તેનો આશય એ હતો કે ખેતીની જમીનનો ઉત્પાદકીય રીતે કાર્યસાધક (Efficient use) રીતે ઉપયોગ થાય અને ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોનું ભરણપોષણ થાય (Livelihood) અને જમીન, ખેતી સિવાય શોષણનું કે નફાકીય સાધન ન બને (Means of exploitation and profiteering)તે આશય હોવાથી ગુજરાતમાં બિનખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ધારણ / ખરીદી ન કરી શકે તે માટે ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડ હેઠળ કલમ-૫૪માં કલેક્ટરની પરવાનગી સિવાય ખેડૂતનો દરજ્જો મળી શકતો નથી.

હવે વંશપરંપરાગત અને આઝાદી પહેલા અને જમીન સુધારા કાયદા અમલમાં આવ્યા તે દરમ્યાન જે ખેડૂતો વડીલોપાર્જીત સ્વરૂપે ખેતીની જમીન ધરાવે છે તે તમામ ખેડૂતો Deemed Agriculturist છે. તેઓએ ગણોતધારાની કલમ-૬૩ કે સૌરાષ્ટ્ર ઘરખેડ-૫૪ હેઠળની પરવાનગી લેવાની નથી. રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના ૧૪-૩-૨૦૧૬ના પરિપત્ર મુજબ ખેતીની વડિલોપાર્જીત મિલ્કતમાં હયાતીમાં સામુદાયિક નામ દાખલ કરવા, વહેંચણી કરવા, નામ કમી કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે. આ પહેલાં પણ ખાતેદારના મૃત્યુ બાદ કાયદેસરના તમામ વારસદારોના નામ દાખલ કરવામાં આવે છે અને તે આધારે પેઢીનામા મુજબ વંશપરંપરાગત સ્વરૂપે Succession Inheritanceથી તમામ મૂળ ખાતેદારો ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત કરે છે. તેઓએ ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની જરૂર નથી. ગુજરાતમાં છેલ્લા ચાલીસ વર્ષની બિનખેડુતો - ખેડૂતો ગેરકાયદેસરના આચરણ કરી એક યા બીજા સ્વરૂપે થવાનું વલણ વધતાં, ગણોતધારાની કલમ-૬૩ના ભંગ બદલ - ૮૪ સી હેઠળ કાર્યવાહી હાથ ધરવાની જોગવાઈ છે. પરંતુ પાયાની બાબત તરીકે બિનખેડૂતોની નોંધ પ્રમાણિત અધિકારીએ હક્કપત્રકે નિયમોની જોગવાઈ વિરૂધ્ધ મંજૂર ન કરવી જોઈએ. પરંતુ સ્થાપિત હિતો ધરાવતા વ્યક્તિઓ તંત્રના મેળાપીપણાથી ખેડૂતો બન્યા છે. જેઓનું આજે પણ ખેડૂત તરીકેનું કાયદેસર ટાઈટલ નથી, પરંતુ આ બધી કાર્યવાહીમાં હાઈકોર્ટ / સુપ્રિમકોર્ટ દ્વારા સમયમર્યાદાના મુદ્દાઓ અને વીલ યાને વસીયતનામાને આધારે પણ બિનખેડૂત વ્યક્તિ ખેડૂત ન બની શકે તે માટે સુરતના ગભેણી ગામના વિનોદચંદ્ર કાપડિયાના કેસમાં સુપ્રિમકોર્ટે શક્રવર્તી ચુકાદો આપ્યો છે.

ગુજરાતમાં - ૧૯૯૯માં ગણોતધારામાં કલમ-૨(૨) અને ૨(૬) મુજબ ખેતી જમીન ૮ અને ૧૫ કિમીના વિસ્તારમાં ખેતીની જમીન ધારણ કરવાનું નિયંત્રણ રદ કરેલ છે એટલે કે ગુજરાતનો ખેડુત હવે રાજ્યમાં કોઈપણ જ્ગ્યાએ ખેતીની જમીન ધારણ કરી શકે અને આ કારણે જ્યારે કોઈપણ ખેડૂત એક તાલુકા બહાર ખેતીની જમીન વેચાણ રાખે તો અગાઉ મામલતદારનું ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું હતું અને આજે પણ ઓનલાઈન ખરાઈ કરીને નોંધ પ્રમાણિત કરવાની સુચનાઓ છે, પરંતુ રાજ્ય સરકારે હવે આ 'ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર' પ્રાન્ત અધિકારી પાસેથી ઓનલાઈન અરજી કરી મેળવવાનું છે. આજ રીતે કોઈ વ્યક્તિ તેની જમીન બિનખેતીમાં ઓનલાઈન અરજી કરે તો ૧૯૫૧થી તમામ નોંધો ચકાસવામાં આવે છે અને આ અંગે ઉત્તરોત્તર નોંધો ચકાસવામાં સાચા વડીલોપાર્જીત ખેડૂત અથવા તેમના વારસદારો હોય તો પણ આ નોંધોની ખરાઈના મુદ્દા અથવા રીવીઝનમાં લેવાનું / ક્ષેત્રફળમાં ફેરફાર હોવાનું વિગેરે કારણોસર અરજીઓ નામંજૂર કરવામાં આવે છે અને આ બધી પ્રક્રિયામાં સાચા ખેડૂતોને હેરાનગતિ થાય છે. 'ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર' મેળવવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. ફક્ત વહીવટી સુચનાઓ આધારે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાનું એક માધ્યમ (Mode) ઉમેરવાથી સાચા ખેડૂતોને મોટાપાયે હેરાનગતિ થાય છે. કોઈપણ વ્યક્તિ બિનખેડૂત - ખેડૂત થયેલ હોય તો તે અંગે પગલાં લેવાની જવાબદારી મહેસૂલી તંત્રની છે અને હવે સરકાર પાસે તમામ હક્કપત્રકની નોંધો ઓનલાઈન ઉપલબ્ધ છે ત્યારે મહેસૂલી તંત્રએ સ્વમેળે ખાત્રી કરવી જોઈએ અને કોઈ બિનખેડૂતની ખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદવાની નોંધ મહેસૂલી અધિકારીઓએ પ્રમાણિત ન કરવી જોઈએ અને કાયદેસરના ખેડૂત હોય તેમના માટે 'ખેડુત ખરાઈ પ્રમાણપત્ર' મેળવવાની જોગવાઈ તાત્કાલીક રદ કરવાની જરૂર છે અને જ્યારે જમીન મહેસૂલ અધિનિયમમાં 'ખેડૂત ખાતાવહી' ને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે તે ખેડૂતોને આપવામાં આવે તો આવા ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની જરૂર નથી કારણ કે ખાતાવહી તેજ ખેડૂત તરીકેનો કાયદાકીય દસ્તાવેજી પુરાવો છે. ઉપરાંત આજે પણ મહેસૂલ વિભાગની ખેતીની જમીન ખરીદવાના પ્રસંગે સાચા ખેડૂતો માટે દસ્તાવેજ કરી શકે છે અને તે આધારે નોંધ પ્રમાણિત કરવાની સુચનાઓ આજે પણ વિદ્યમાન છે. આ અંગે ખરાઈ કરવાની જવાબદારી મહેસૂલી તંત્રની છે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...