4.17.2023

બિનખેતી માટેના પ્રીમિયમના દર 40 ટકાથી ઘટાડીને 30 ટકા કરાયા

 રાજ્યભરમાં 15મી એપ્રિલથી બે ગણા વધારા સાથેની નવી જંત્રીનો અમલ થશે

સરકાર સમક્ષ ગાહેડની રજૂઆત અને ભારે વિરોધ ઊઠતા જંત્રીમાં આંશિક ફેરફાર


રાજ્યમાં જમીન, મકાન-મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટે સરકાર દ્વારા જંત્રી અમલમાં મૂકવામાં આવે છે. છેલ્લે ૧૮મી, એપ્રિલ-૨૦૧૧ના રોજ અમલમાં મૂકાયેલા જંત્રીના દરમાં ગુજરાત સરકારે, ૧૦૦ ટકાનો વધારો કરીને તેનો અમલ ૧૫મી, એપ્રિલ-૨૦૨૩થી કરવાનો નિર્ણય લીધો હતો. હવે, તેને માંડ ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે વિવિધ ડેવલપર્સ એસોસિએશનોની રજૂઆત અને રાજ્યભરના તમામ વિસ્તારો, તમામ પ્રકારના બાંધકામોમાં જંત્રીના દરમાં એક સરખો ૧૦૦ ટકા વધારો કરવા બાબતે નારાજગી સાથે કેટલીક રાહતો માટે સૂચનો પણ કરાયા હતા. પરિણામ સ્વરુપ, રાજ્ય સરકારે, ૧૫મી,એપ્રિલ-૨૦૨૩થી ૧૦૦ ટકા વધારા સાથેની નવી જંત્રીને અમલમાં મૂકવાનું તો, જાહેર કર્યું જ છે પણ, તેમાં કેટલાક સુધારા પણ કર્યાં છે.અત્ર ઉલ્લેખનીય છેકે તાજેતરમાં ગાહેડે કેટલીક માગ કરી હતી તેમાં આંશિક રાહત આપી છે. 

જે મુજબ (૧) ખેતી અને બિન ખેતીની જમીનોના જંત્રીના દરમાં સરકાર દ્વારા કરાયેલો ૧૦૦ ટકા (બે ગણો) વધારો યથાવત રખાયો છે. જ્યારે (૨) જમીન-બાંધકામના સંયુક્ત દરમાં પણ રહેણાંકના દરમાં બે ગણા વધારાને બદલે ૧.૮ ગણો વધારો જાહેર કરાયો છે અર્થાત અહીં ૦.૨ ગણો ઘટાડો કરાયો છે પરંતુ ઓફિસના કિસ્સામાં જંત્રીના દરમાં બે ગણાને બદલે ૧.૫ ગણો અર્થાત અહીં પણ ૦.૫ ગણો ઘટાડો કરાયો છે. દુકાનોના કિસ્સામાં ૧૦૦ ટકા એટલે કે બે ગણો વધારો યથાવત રખાયો છે. આ ઉપરાંત ૨૦૧૧ની નવી જંત્રીની ગાઈડલાઈનમાં જે જુદાજુદા પ્રકારના બાંધકામ માટે નક્કી કરાયેલા દરોમાં સરકારે જે રીતે ૧૦૦ ટકા એટલે કે બે ગણો વધારો કર્યો હતો. તેમાં હવે, ૧૫મી, એપ્રિલ-૨૦૨૩થી બે ગણા વધારાને બદલે ૧.૫ ગણો (દોઢ ગણો) કરવાનું જાહેર કર્યું છે. એનો અર્થ એ થયો કે, અહીં પણ સરકારે ૦.૫ ગણાની રાહત આપી છે.

રિ-ડેવલપમેન્ટ માટે સરકાર વિચારણા કરે : ગાહેડ

રાજ્ય સરકાર રિ-ડેવલપમેન્ટ માટે વિચારણા કરે તે જરૂરી છે એમ ગાહેડના પ્રેસિડેન્ટ તેજસ જોષીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યુ કે નવા ફેરફારમાં સરકાર કેટલાક મુદ્દા ભૂલી ગઇ છે.આર.1-2 અને ટી.ઓ.ઝેડ.માં દોઢ ટકા કરવાથી આ વિસ્તારના મકાનો મોંઘા થશે તેમજ N.A.ની ફાઇલો ઇનવર્ડ થઇ ગઇ છે તેમાં કોઇ સ્પષ્ટતા કરી નથી તેમજ N.A. તથા બાધકામ જંત્રી સાથે લિન્ક હોય છે તેને ડી લિન્ક કરવી જોઇએ અને ફિક્સ રેટ નક્કી કરી દેવો જોઇયે. આમાં સરકારે આગામી 6 મહિનામાં આ તમામ વિસંગતા દૂર કરવાની ખાતરી આપી છે.

પ્રીમિયમના દરોમાં ઘટાડો કરાયો

 ખેતીથી ખેતી માટે અત્યારે ૨૫ ટકા પ્રીમિયમ વસૂલાય છે. તેને બદલે હવેથી ૨૦ ટકા પ્રીમિયમ લેવાશે એટલે કે આવા કિસ્સામાં પ્રિમિયમમાં પણ ૫ ટકાની રાહત અપાઈ છે.
 ખેતીથી બિનખેતી માટે અત્યારે ૪૦ ટકા પ્રીમિયમ વસૂલાય છે. તેના બદલે ૩૦ ટકા પ્રીમિયમ લેવાનું નક્કી કરાયું છે એટલે કે આ કિસ્સામાં પ્રીમિયમમાં ૧૦ ટકાનો ઘટાડો કરાયો છે.

પેઈડ FSI માટે ક્યા નિર્ણયો લેવાયા ?

(1) પ્લાન પાસિંગની પ્રક્રિયામાં સ્ક્રૂટિની ફી ભરેલી હોય તો, તેવા કિસ્સામાં જૂની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસૂલવામાં આવશે. 
(2) જે કિસ્સાઓમાં પ્લાન પાસ થયેલા હોય અને એફ.એસ.આઈ.ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કિસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે. 
(3) જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે, તેવા પ્રકરણોમાં જૂની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલા દરથી રકમ વસૂલવામાં આવશે.

અફોર્ડેબલ હાઉસિંગ માટે 5થી 20% જંત્રીની જાહેરાત

રાજ્ય સરકારે જાહેર કરેલી રાહતમાં રિ-ડેવલપમેન્ટ સોસાયટી માટે કોઇ રાહત આપી નથી. એફોર્ડેબલ હાઉસિંગ માટે તેમણે 5 ટકાથી 20 ટકા મુજબ જંત્રી વસૂલ કરવાની જાહેરાત કરી છે. બાકીના રેસિડેન્શિયલ મકાનો માટે 30 ટકા મુજબ જંત્રી વસૂલવાની જાહેરાત કરી છે. તેમજ ખેતીથી બિન ખેતીની જમીનના પ્રીમિયમ વસૂલવાની જાહેરાતમાં માત્ર 10 ટકાનો વધારો કર્યો છે જે અપૂરતો છે એટલું જ નહિ જેમની અરજી થઇ ગઇ છે તેમને જૂની જંત્રીનો લાભ મળશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.


No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...