2.01.2023

ખેતીની જમીન ખેડૂત તરીકે ધારણ કરવા ઉપર પ્રતિબંધ

 

ગુજરાતમાં બિનખેડૂત - ખેતીની જમીન ખેડૂત તરીકે ધારણ કરવા ઉપર પ્રતિબંધ


લોકાભિમુખ માર્ગદર્શન -  એચ.એસ. પટેલ IAS (નિ.)

ગણોતધારો-૧૯૪૮ની કાયદાકીય જોગવાઈઓ  અને

'સુપ્રિમકોર્ટના ચુકાદા મુજબ કોઈપણ બિનખેડૂત વીલથી પણ ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત ન કરી શકે.'

બૃહદ મુંબઈ રાજ્યમાં - ગુજરાત - ૧/૫/૧૯૬૦ના રોજ અસ્તિત્વમાં આવ્યા પહેલાં મુંબઈ ખેતિની જમીન અને ગણોત વહીવટ - ૧૯૪૮ અધિનિયમ ઘડવામાં આવેલ અને આજે પણ આ કાયદો ગુજરાતના (સૌરાષ્ટ્ર - કચ્છ સિવાય) પ્રદેશમાં લાગુ પડે છે. આ કાયદો પ્રાથમિક રીતે આઝાદી બાદ બંધારણીય પીઠબળ સાથે જમીન સુધારા અમલમાં લાવવામાં આવ્યા તેના ભાગરૂપે ઘડવામાં આવેલ અને તેનો મુખ્ય આશય લાંબા સમયથી જમીનદારો / જમિન માલિકોની જમીન ઉપર લાંબા સમયથી ખેતી કરતા તે કબજેદારોને કાયમી ધોરણે કબજાહક્ક આપવાનો હતો. આઝાદી મળ્યા બાદ ૧૯૫૬ સુધી સૌરાષ્ટ્ર રાજ્ય 'બી' કેટેગરીનું રાજ્ય હતું અને કચ્છ 'સી' કેટેગરીનું રાજ્ય હતું. રાજ્યોની પુનઃરચના ૧૯૫૬ અન્વયે પાછળથી સૌરાષ્ટ્ર, કચ્છ, મુંબઈ રાજ્યમાં ભળ્યું અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાત - ૧૯૬૦માં અલગ અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેનો ભાગ બન્યું. સૌરાષ્ટ્રમાં જે જમીન સુધારા કાયદાઓ ઘડવામાં આવ્યાં તેમાં, સૌરાષ્ટ્ર લેન્ડ રીફોર્મસ એક્ટ ૧૯૫૧, સૌરાષ્ટ્ર બારખલી એબોલીશન એક્ટ - ૧૯૫૧, સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીનનો વટ હુકમ - ૧૯૪૯, એસ્ટેટ એબોલીશન એક્ટ તેમજ કચ્છ માટે મુંબઈ ગણોત અને ખેતીની જમીન (કચ્છ અને વિદર્ભ પ્રદેશ) ૧૯૫૮ હાલ આ કાયદો કચ્છ વિસ્તારને લાગુ પડે છે. આમ સ્વતંત્રતા મળ્યા બાદ 'ખેડે તેની જમીનના' સિધ્ધાંત ઉપર ગણોતીયાઓને જમીન ઉપરના હક્કો આપવાના જમીન સુધારા કાયદાઓ અમલમાં લાવવામાં આવ્યા.

ઉક્ત પૂર્વભૂમિકા સાથે આ કાયદાઓનું ઝડપી અમલીકરણ થાય તે માટે મામલતદાર અને કૃષિપંચને મહત્તમ સત્તાઓ આપવામાં આવી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત અમલીકરણ પણ થયું, પરંતુ સૌરાષ્ટ્રના જમીન સુધારા કાયદાઓ ખૂબ જ અમલીકરણ માટે સરળ હતા અને જેથી લાંબી પ્રક્રિયા અને અર્થઘટનના પ્રશ્નો સિવાય અમલીકરણ થયું અને કહી શકાય કે સમગ્ર દેશમાં સૌરાષ્ટ્રના જમીન સુધારા કાયદા આ પ્રદેશના ૨૨૨ રજવાડા હતા અને મોટે ભાગે ગોંડલ સિવાય તમામ જગ્યાઓએ જમીનદારી પધ્ધતિ હતી, છતાં તે સમયના મુખ્યમંત્રી યુ.એન.ઢેબરની દૂરંદેશીના કારણે કાયદાઓનું ઘડતર અને અમલીકરણ સરળ સ્વરૂપે થયું. આજે પણ સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં ખેડહક્ક આપવામાં આવ્યાં તેમાં જમીનના સત્તા પ્રકાર, અર્થઘટન, જૂની શરત, નવી શરતના સૌથી ઔછા પ્રશ્નો છે, બલકે નહીવત છે અને તેનો જાત અનુભવ કલેક્ટર રાજકોટના મારા કાર્યકાળ દરમ્યાન થયો છે અને ગુજરાતના સુરત, પાલનપુર અને વડોદરા વિસ્તારના જીલ્લાઓમાં પણ મે કામ કર્યું છે, જ્યાં ગણોતધારો લાગુ પડે છે ત્યાં ગણોતીયાના હક્કો આપવામાં આવ્યા છે, પરંતુ મૂળ નક્કી કરેલ સત્તા પ્રકાર કે જે કાર્યવાહી થઈ તેના અર્થઘટન અને સત્તા પ્રકારના પ્રશ્નો આજે પણ આવે છે, એટલા માટે સામાન્ય જનતા માટે અને ખાસ કરીને જમીન વ્યવસાય (Real Estate)  સાથે સંકળાયેલ વ્યક્તિઓને ઉપયોગી થાય તેવી સિમિત સ્વરૂપે - Operational  કલમો અને ખાસ કરીને ગણોતકાયદામાં જે મહત્વની તારીખ અને વર્ષ ગણોતીયાઓ માટે નક્કી કરવામાં આવેલ તેનું વર્ણન કરૂં છું. ગણોત કાયદો મુંબઈ રાજ્યમાં ઘડવામાં આવેલ તે કાયદાના અમલની તારીખ ૨૮/૧૨/૪૮ છે. ત્યારબાદ ઠરાવેલ દિવસ  (Appointed Day) જે ગણવામાં આવે છે તે તા.૧૫/૬/૧૯૫૬ ત્યારબાદ ગણોતદિન Tentant Day  તરીકે તા.૧/૮/૧૯૫૬ અને ખેડૂત દિન (Tillers day) તા.૧/૪/૧૯૫૭ નક્કી કરેલ છે, તેજ રીતે નિર્દિ તારીખPrescribed Date તા.૩/૩/૧૯૭૩ ગણવામાં આવે છે. હવે રક્ષિત ગણોતીયો (Protected Tenant)  કે જે Deemed Purchaser ગણાય તે તા.૧/૧/૧૯૩૮ પહેલાં સતત છ વર્ષ સુધી જમીન ગણોતે ધરાવી હોય અથવા તા.૧/૧/૪૫ની તરત પહેલાં સતત છ વર્ષ સુધી જમીન ગણોતીયાએ ધરાવી હોય તેને રક્ષિત ગણોતીયો ગણવામાં આવે છે.  હવે ગણોતીયો કોને ગણવો તે અંગેની વ્યાખ્યામાં કોઈ જમીનની ખેતી તેનો માલીક પોતે કરતો ન હોય અને જે બીજી વ્યક્તિ તે જમીનની કાયદેસર ખેતી કરતા હોય તેવી વ્યક્તિ એટલે કે માલિકના કુટુંમ્બ સિવાયની વ્યક્તિ અને ગણોતીયો અને તેનો પ્રકાર નક્કી કરવાની સત્તા સબંધિત તાલુકાના મામલતદાર અને કૃષિપંચને છે અને તેમના દ્વારા-૩૨ (જી)થી શરૂ કરીને ખરીદીનું પ્રમાણપત્ર ૩૨ એમ હેઠળ આપવાનું છે.

આજકાલ સૌથી મોટો પ્રશ્ન ગણોતધારાની જમીનો નવી શરતની કે કઈ જમીન જૂની શરતની ગણાય તે છે અને તે માટે ગણોતધારા હેઠળ હક્ક આપતી વખતે જ સત્તા પ્રકાર નક્કી કરવાનો છે. દા.ત. કલમ-૪૩(૧) બી હેઠળ ગણોતીયો કાયમી હોવો જોઈએ અને ગણોતીયાને તેનો હક્ક કાયમી ધોરણે તબદીલ કરવાનો હક્ક હોય તો આવી જમીન જૂની શરતની ગણાય. તેજ પ્રમાણે કલમ-૮૪ એ / બી / સી પ્રમાણે તા.૨૮/૧૨/૧૯૪૮થી તા.૩૧/૭/૧૯૫૬ વચ્ચે જમિન માલીક અને ગણોતીયા વચ્ચે જમીન વેચાણ / ખરીદીના વ્યવહાર થયા હોય અને મામલતદાર અને કૃષિપંચે રૂ.૧ દંડ લઈને વિનયમિત (Regularised) કર્યા હોય. આમ જે તે સમયે આ શરતો પરિપૂર્ણ થતી હોય અને મામલતદાર અને કૃષિ પંચે આ અંગે નિર્ણય આપ્યા હોય તો તે જમીનો જૂની શરતની ગણાય અને તે સિવાય તમામ જમીનો પ્રતિબંધિત અને નવી અને અવિભાજય સત્તા પ્રકાર ગણાય. ઘણા વર્ષો પહેલાં ખાસ કરીને (૧૯૯૦ થી ૧૯૯૯) સુધી ૭૦ ઓ હેઠળ શહેરોમાં આવી જમીનો પાછળથી જૂના સત્તા પ્રકારની છે તેવા કેસો કરવામાં આવેલ જેમાં પાછળથી સરકારે પ્રતિબંધ મૂકી માર્ગદર્શક સુચનાઓ આપી છે. આ સિવાય મહત્વનું એ છે કે ગણોતધારામાં કલમ-૬૩ હેઠલ કલેક્ટરની પરવાનગી સિવાય બિનખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી ન શકે. અગાઉ ૧૯૯૯ સુધી ખેડૂત માટે પણ ૮ કિ.મી.ની મર્યાદામાં જમીન ધારણ કરવાની જોગવાઈ હતી. તે હાલ રદ કરવામાં આવી છે. ગુજરાતમાં સાચા વડીલોપાર્જીત ખેડૂતો જમીન ધારણ કરી શકે છે. વીલ અંગે પણ વસીયતનામાથી ખેડૂત બની શકતા નથી. આ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠનો ચુકાદો છે અને તેના ઉપર સુપ્રિમકોર્ટે હું પ્રાન્ત ઓફિસર સુરત હતો ત્યારે ગામ ઉપસ્થિત કરેલ સુરતના વિનોદચંદ્ર કાપડિયા, ગભેણી ગામ ચોર્યાસી તાલુકાનો શકવર્તી ચુકાદો આપી બિનખેડૂત વીલથી પણ ખેતીની જમીન ધારણ ન કરી શકે તેવું ઠરાવવામાં આવ્યું છે.


No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...