6.07.2022

નાબૂદી કાયદાઓ અંગે કબજા હક્કો અંગે મહેસૂલ વિભાગનું સ્પષ્ટીકરણ

 

નાબૂદી કાયદાઓ અંગે કબજા હક્કો અંગે મહેસૂલ વિભાગનું સ્પષ્ટીકરણ

- જમીનોના જુદા જુદા સત્તા પ્રકારના

FOR GR CLIK HERE

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- સત્તા પ્રકારો નાબૂદ કરવાનો આશય, જમીન ઉપરના કાયમી હક્ક આપવાનો અને જમીન મહેસૂલને પાત્ર કરવાનો મૂળભૂત ઉદ્દેશ

બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન ઘડાયેલ જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ અંગ્રેજ શાસનના વિસ્તારમાં લાગુ હતો. દા.ત. મુંબઈ પ્રાન્તના હાલના ગુજરાતમાં સુરત, ભરૂચ, ખેડા, પંચમહાલ અને અમદાવાદનો સમાવેશ થતો હતો. બાકીના વિસ્તારોમાં રજવાડાઓમાં (Princely States) તેઓના કાયદાઓ મુજબ જમીનનો વહીવટ ચાલતો સૌરાષ્ટ્રના ગોંડલ, ભાવનગર અને ગુજરાતમાં સયાજીરાવ ગાયકવાડના રાજ્યમાં સારી જમીન મહેસૂલ વ્યવસ્થા હતી. આઝાદી બાદ દેશી રજવાડાઓનું (Native States) વિલીનીકરણ થતાં, આઝાદ ભારતના રાજ્યમાં ભેળવવામાં આવ્યા અને બંધારણ અમલમાં આવતાં 'જમીન'નો વિષય, રાજ્યો હસ્તક રહ્યો (State List) પરંતુ બંધારણના શિડયુઅલ - ૭માં જમીન સુધારાના કાયદાના (Land Reforms) વિષય અંતર્ગત કબજેદારો / ગણોતીયાઓને માલિકી હક્ક આપવા માટે ગણોતધારો ઘડવામાં આવ્યો અને જુદા જુદા સત્તા પ્રકાર (Tenures) હેઠળ જમીનો આપવામાં આવેલ, તેમાં સામાન્ય રીતે છ પટ્ટની રકમ લઈને કબજાહક્ક આપવામાં આવ્યા અને તેની પાછળનું પણ એ કારણ કે જમીન મહેસૂલ અધિનિયમ લાગુ કરવાથી તમામ જમીનો મહેસૂલને પાત્ર છે. (All Lands Liable for Land Revenue) જ્યારે અગાઉ જુદા જુદા સત્તા પ્રકાર હેઠળ આપેલ જમીન 'નજરાણા' પ્રકારે આપેલ હોવાથી ઘણી જમીનોમાં જમીન મહેસૂલ વસુલ કરવામાં આવતું ન હતું.

તાજેતરમાં ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે અગાઉ જુદા જુદા - ૨૪ સત્તા પ્રકાર નાબુદી અધિનિયમ (Tenure abolition) ઘડવામાં આવેલ, તેમાં સત્તા પ્રકાર નાબુદી અધિનિયમમાં જોગવાઈઓ હોવા છતાં કબજેદારને કાયમી હક્ક આપવા છતાં અને Cut off year નિયત વર્ષને ધ્યાનમાં લઈ જમીન જૂના સત્તા પ્રકારની ગણાવી કે નવી શરતની તે માટે વિસંગતતાઓ હતી અને જુદા જુદા જીલ્લાઓમાં સબંધિત કલેક્ટર દ્વારા જુદા જુદા અર્થઘટન કરવાથી અથવા તો આ અંગે સરકારના મહેસૂલ વિભાગ પાસેથી માર્ગદર્શન મેળવવાના મુદ્દા ઉપર લાંબા સમય સુધી અનિર્ણિત બાબતો રહેતી હતી. જેથી જુદા જુદા સત્તા પ્રકાર અધિનિયમોના અમલીકરણમાં એકસૂત્રતા જળવાય અને નિર્ણયો લેવામાં બિનજરૂરી વિલંબ ન થાય તે માટે આ અંગેની પ્રવર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરી ભલામણો કરવા સમિતીની રચના કરવામાં આવેલ અને તે અન્વયે મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ અને લોકાભિમુખ વહીવટના ભાગરૂપે જુદા જુદા સત્તા પ્રકાર અધિનિયમ હેઠળ માર્ગદર્શક સ્પષ્ટીકરણ આપતા તા.૨૭-૫-૨૦૨૨ના ઠરાવો અન્વયે નિર્ણય કરવામાં આવ્યા છે.

મહેસૂલ વિભાગ દ્વારા આવા જુદા જુદા ૨૪ સત્તા પ્રકાર નાબુદી કાયદાઓ અંગે સ્પષ્ટીકરણ કર્યું છે તેમાં મુંબઈ વીલીન પ્રદેશો (આંકડીયા ટેન્યોર) એક્ટ ૧૯૫૩, મતાદારી એબોલીશન એક્ટ - ૧૯૫૩, જાગીર એબોલીશન એક્ટ - ૧૯૫૩, તાલુકાદારી એબોલીશન એક્ટ - ૧૯૫૩, પરચુરણ સ્વર્તાપણ (Title) નાબુદી એક્ટ - ૧૯૫૫, રૈયત ઉપયોગી આકરીયાત ઈનામ એબોલીશન એક્ટ - ૧૯૫૩, સાગબારા અને મેવાસી એસ્ટેટ એબોલીશન એક્ટ - ૧૯૬૨, બરોડા મુલગીરાશ એબોલીશન એક્ટ - ૧૯૫૩, મલેકી ટેન્યોર એબોલીશન એક્ટ - ૧૯૫૯, બંધી, જમા, ઉઘડ અને ઉગડીયા ટેન્યોર એબોલીશન એક્ટ - ૧૯૫૯, વટવા વજીફદાર હક્ક એબોલીશન એક્ટ - ૧૯૫૦, ભાગીદારી અને નરવાદારી ટેન્યોર એબોલીશન એક્ટ - ૧૯૪૯, પંચમહાલ મેવાસી ટેન્યોર એબોલીશન એક્ટ - ૧૯૪૯, આંકડીયા ટેન્યોર (સૌરાષ્ટ્ર) એબોલીશન એક્ટ - ૧૯૫૯, પરગણા, વતન અને કુલકર્ણી એબોલીશન એક્ટ - ૧૯૫૦, બરોડા વતન એબોલીશન એક્ટ - ૧૯૫૩, સૌરાષ્ટ્ર એરીયા - અઘાટ અને ઈજારા એબોલીશન એક્ટ-૧૯૫૯, કનિષ્ટ ગામ વતન (Inferior) નોકર સરકારી ઉપયોગી નાબુદી એક્ટ - ૧૯૫૮, ઈનામ (કચ્છ વિસ્તાર) એબોલીશન એક્ટ - ૧૯૫૮, ગુજરાત પટેલ વતન નાબુદી ધારો - ૧૯૬૧ આમ આ જુદા જુદા સત્તા પ્રકાર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જમીનના ધારણકર્તા તરીકે જુદા જુદા હક્ક અને નામાભિધાનથી જમીન આપવામાં આવેલ, જે જમીન સુધારા કાયદાઓના અમલીકરણના ભાગરૂપે આવી જમીનોના કબજેદારોને કાયમી હક્ક આપવાની જોગવાઈની સાથે સત્તા પ્રકાર નાબુદ કરતા કાયદા લાગુ કરવામાં આવ્યા.

આ ઉપરાંત ગુજરાતમાં ગણોતધારા હેઠળ આપેલ જમીનો, સરકારે સાંથલીમાં આપેલ જમીનો, ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ આપેલ જમીનો, ભુદાન યોજના હેઠળ આપેલ જમીનોનો સત્તા પ્રકાર કયો તે સબંધિત કાયદાની જોગવાઈઓ તેમજ મહેસૂલ વિભાગ દ્વારા જે ઠરાવો / પરિપત્ર કરવામાં આવ્યા છે તે દ્વારા નિયમન થાય છે. ઉક્ત ૨૪ ટેન્યોર એબોલીશન હેઠળ જે મહેસૂલ વિભાગે તા.૨૭-૫-૨૦૨૨ના ઠરાવથી જે સરળીકરણ કરતી જોગવાઈઓ કરવામાં આવી છે તે સબંધિત ટેન્યોર હેઠળ અલગ રીતે સમજવી જરૂરી હોવાથી જાહેર જનતાને તે અંગેનો ખ્યાલ આવે તે માટે ક્રમશઃ સ્વરૂપે વિવરણ કરીશું.  ક્રમશઃ


No comments:

Post a Comment

ગુજરાત ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ ટીપી યોજનાઓનું અમલીકરણ અગત્યનું-1

  ગુજરાત ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ ટીપી યોજનાઓનું અમલીકરણ અગત્યનું - લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.) - ગ્રામ્ય વિસ્તારોમાં પણ બિન...