જમીનોના જુદા જુદા સત્તા પ્રકારના નાબુદી કાયદાઓ પૈકી
- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)
- જાગીર નાબુદી અધિનિયમ અંગે કબજા હક્કો અન્વયે મહેસૂલ વિભાગનું સ્પષ્ટીકરણ
ગતાંકથી ચાલુ ...
ગત લેખમાં, જુદા જુદા સત્તા પ્રકાર નાબુદી કાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવેલ, આ કાયદાઓ રદ કરવાના ઉદ્દેશો વિશિષ્ઠ સત્તા પ્રકાર રદ કરવાનો અને જે જમીન ધારકો હતા તેઓને જમીનના કાયદેસરના ધારણ કરતા બનાવાનો હતો, પરંતુ જે વર્ષો સુધી જે સત્તા પ્રકાર નાબુદ (Abolish) થયા ત્યારપછી તે જમીન ક્યા સત્તા પ્રકાર એટલે કે નવી શરત / જૂની શરત ગણાવી તે અંગે જે તે સમયે સ્પષ્ટ નોંધ ન કરવાને કારણે મોટા પાયે વિસંગતતા હતી. પાયાના સિધ્ધાંત તરીકે સરકારે આપેલ જમીન કે ગણોતધારામાં પણ કાયમી / સુરક્ષિત ગણોતીયા સિવાય એટલે કે નિયત તારીખે Deemed Purchaser હોય તે સિવાય નવી અને અવિભાજ્ય સત્તા પ્રકાર કલમ-૪૩ને આધીન ગણાય અને આજે પણ તેમાં પણ સત્તા પ્રકાર નાબુદી જેવી વિસંગતતાઓ છે. પરંતુ તા.૨૭-૫-૨૦૨૨ના ઠરાવથી જે સત્તા પ્રકાર નાબુદી કાયદાઓમાં સરળીકરણ કર્યું છે તેનાથી સબંધિત જમીનો જૂની શરત કે નવી શરતની ગણવી તે અંગે સ્પષ્ટતાઓ થઈ છે. આવા ૨૪ કાયદાઓ અંગે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આપણે તબક્કાવાર જુદા જુદા કાયદાઓમાં શું સ્પષ્ટીકરણ મહેસૂલ વિભાગ દ્વારા કરવામા આવ્યું છે તે અંગે વિવરણ કરીશું.
સૌ પ્રથમ તો મુંબઈ વિલીન પ્રદેશો અને વિસ્તારો (જાગીર એબોલીશન) એક્ટ - ૧૯૫૩ Bombay Merged Areas and Territories Act - ૧૯૫૩ હેઠળના વિસ્તારો એટલે કે અંગ્રેજ શાસન વ્યવસ્થા સિવાયના વિસ્તારો કે જે આઝાદી મળ્યા બાદ મુંબઈ રાજ્યમાં (ગુજરાત) ભળ્યા તે જમીનો, જાગીરો પાસે હતી અને તે જમીનો ઉપર જાગીરદારોને મહેસૂલ ઉઘરાવવાનો હક્ક હતો. આ વિસ્તારોમાં જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની જોગવાઈઓ લાગુ કરવાથી જમીન મહેસૂલ કબજેદારે રાજ્ય સરકારને ભરવાનું થાય એટલે કે જાગીર નાબુદી ધારો-૧૯૫૩ લાગુ થવાથી જાગીરદારના હક્કો નાબુદ થયા અને કબજેદારોને જમીન ઉપરના કાયમી ભોગવટા (Occupants) હક્ક આપવામાં આવ્યા અને તે મુજબ કબજેદાર પાસેથી છ પટ્ટની (આકારના) રકમ વસુલ કરવાની હતી. મહેસૂલ વિભાગે તા.૨૭-૫-૨૦૨૨ના ઠરાવથી જાગીર નાબુદ અધિનિયમમાં જમીનનો જે સત્તા પ્રકાર નક્કી કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે.
જાગીર નાબુદી અધિનિયમ-૧૯૫૩ની કલમ-૫(૧) મુજબ જાગીર ગામોમાં (એ) જાગીરદારની ઘરખેડ જમીન (બી) જાગીરદારની ઘરખેડ સિવાયની જમીનનાં ગણોતીયાએ છ પટ્ટની રકમ ભરીને પ્રાપ્ત કરેલ કબજા હક્ક (સી) (૧) જાગીરદારના ભાયાતે ધારણ કરેલ જીવાઈની જમીનો (૨) જાગીરદારના ભાયાતને છ પટ્ટ ભરીને ગણોતીયાએ પ્રાપ્ત કરેલા કબજાહક્ક (ડી) જમીન મહેસૂલનો આકાર ભરીને કાયમી ધારણ કરનારે પ્રાપ્ત કરેલા કબજાહક્ક આ પ્રકારની તમામ જમીનોમાં જૂની શરતના કબજા હક્ક તરીકે ગણાશે એટલે કે ઉક્ત કેટેગરીમાં આવતા તમામ જમીન ધારકોની જમીન જૂની શરતની ગણાશે. મહેસૂલી રેકર્ડમાં આ સિવાયની કોઈ નોંધ હોય તો સબંધિત કલેક્ટરને ઉક્ત વિગતો સાથે અરજી કરવાથી સત્તા પ્રકાર અંગે સ્પષ્ટીકરણ થશે.
જાગીર નાબુદી અધિનિયમ - ૧૯૫૩ની કલમ ૫(૨) બિન માલિકીના જાગીર ગામોમાં (એ) જાગીરદારના ઘરખેડની જમીન (બી) જમીન મહેસૂલનો આકાર ભરીને કાયમી ધારણ કરનારે પ્રાપ્ત કરેલ કબજાહક્ક (સી) જાગીરદારના ગણોતીયાએ છ પટ્ટ ભરીને પ્રાપ્ત કરેલા કબજાહક્ક આ પ્રકારની જમીનો પણ જૂની શરતની ગણાશે. જાગીર નાબુદી અધિનિયમ-૧૯૫૩ની કલમ (૬) મુજબ આજીવન જીવાઈ (ભરણપોષણ) જાગીર ગામોમાં (એ) જાગીરદારની ઘરખેડની જમીન (બી) જમીન મહેસૂલનો આકાર ભરીને કાયમી ધારણ કરનારે પ્રાપ્ત કરેલ કબજાહક્ક (સી) જાગીરદારના ગણોતીયાએ છ પટ્ટ ભરીને પ્રાપ્ત કરેલ કબજાહક્ક, આવા પ્રકારની જીવાઈ હેઠળની જમીનો પણ કબજેદારને જૂની શરતની જમીન તરીકે ગણાશે. આ ઉપરાંત જાગીરદારને વધારાની જમીન છ ગણી કબજાહક્કની કિંમત લઈને ગ્રાન્ટ કરેલ જમીનો નવી અને અવિભાજય શરતે ગણાશે.
આમ ઉક્ત ત્રણે કેટેગરીના જાગીર ગામો તથા જાગીર સિવાયના ગામોમાં મુંબઈ (ગુજરાત) ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો - ૧૯૪૮ મુજબ સ્થાપિત કરેલા ગણોતીયાના હક્કના કિસ્સાઓમાં ગણોતધારાની જોગવાઈઓને આધીન જમીનનો સત્તા પ્રકાર રહેશે. તે જ રીતે જાગીર ગામોની હદમાં ચોક્કસ વ્યક્તિઓના હક્ક સ્થાપિત કર્યા હોય તેવા કબજાહક્કના કિસ્સામાં જે અધિકારીએ સબંધિત કબજેદારનો હક્ક પ્રસ્થાપિત કરતો હુકમ કર્યો હોય તેમાં જે સત્તા પ્રકાર દર્શાવ્યો હોય તે શરતોને આધીન રહેશે. ઉપર્યુક્ત સ્પષ્ટતા જાગીર નાબુદી અધિનિયમ હેઠળ કબજેદારોએ ધારણ કરેલ જમીનના સત્તા પ્રકાર નવી શરત તેમજ જૂની શરતની અંગે છે તેમ છતાં આ જમીનોમાં શુધ્ધબુધ્ધિ પૂર્વકની (Bona fide) તબદીલીઓ થઈ હોય તો મહેસૂલ વિભાગના તા.૧૭-૩-૨૦૧૭ના પરિપત્ર ક્રમાંક : ગણત-૩૦૧૬/૨૧૩૫/ઝ અન્વયે કાર્યવાહી કરવાની થાય છે. હવે પછીના લેખમાં અન્ય સત્તા પ્રકાર નાબુદી કાયદાની જોગવાઈઓનું આલેખન કરવામાં આવશે. (ક્રમશઃ)
No comments:
Post a Comment