2.20.2022

સુપ્રીમકોર્ટના ચૂકાદા મુજબ બિનખેડૂતની તરફેણમાં થતા વીલ ગેરકાયદેસર

 

સુપ્રીમકોર્ટના ચૂકાદા મુજબ બિનખેડૂતની તરફેણમાં થતા વીલ ગેરકાયદેસર


- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

વીલના મુખ્ય તત્વોમાં જે વ્યક્તિ વસિયતથી મિલ્કતનો નિકાલ કરતો હોય તે માનસિક રીતે સ્વસ્થ હોવો જરૂરી છે

વીલ યાને વસીયતનામામાં પ્રોબેટ મેળવવું ફરજીઆત નથી તેમજ પ્રોબેટ આપનાર કોર્ટને માલિકી હક્ક નક્કી કરી આપવાની સત્તા નથી

મિલ્કતને લગતા વ્યવહાર નિયમન કરતાં કાયદાઓમાં મિલ્કત તબદીલી અધિનિયમ (transfer of Property Act) ભારતીય વારસાહક્ક અધિનિયમ ૧૯૨૫ (Indian Succession Act) તેમજ મહેસૂલી રેકર્ડમાં વ્યવહારોને આધીન ફેરફાર કરવા માટે જમીન મહેસૂલ અધિનિયમમાં હક્કપત્રકનું ચેપ્ટર ૧૦ એ અગત્યનું છે વંશપરંપરાગત મિલ્કતોની તબદીલી, વહેંચણી, કૉ પાર્સનર તરીકે (Co-parcner) વારસદારોને મળવાપાત્ર હક્કોનું નિયમન ભારતીય વારસા અધિનિયમ હેઠળ થાય છે. સામાન્ય રીતે મિલ્કતની કૌટુંમ્બિક વહેંચણી, કુટુંમ્બના કર્તા તરીકે વડિલ વ્યક્તિના મૃત્યુ બાદ થાય છે. પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી સામાજીક કૌટુંમ્બિક મુલ્યોમાં ફેરફાર થવાથી જમીન / મિલ્કતના વારસદારો વચ્ચે મિલ્કતના હક્ક કે વહેંચણી અંગે વિવાદો થાય છે એટલે કોઈપણ વ્યક્તિએ હયાતીમાં જમીન / મિલ્કતનું વહેંચણી કે વિભાજન કરવું જોઈએ અથવા વીલથી વ્યવસ્થાપન નક્કી કરવું જોઈએ. જેથી પાછળથી વાદ વિવાદના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. સ્વપાર્જીત મિલ્કતના નિકાલ કે વહીવટ માટે વારસા અધિનિયમમાં વીલ યાને વસિયતનામાથી મિલ્કતનો વહીવટ કે વહેંચણી વ્યક્તિના મૃત્યુ બાદ વીલ અમલમાં આવતું હોય તે અંગેની જોગવાઈઓ અંગે આ કોલમના માધ્યમથી અગાઉ લેખ પ્રસિધ્ધ થયા છે. પરંતુ વીલમાંથી ઉદ્દભવતા પ્રશ્નો અંગે ચોક્કસ પ્રકારની માહિતી માટે વાચકો તરફથી એવા પ્રશ્નો રજૂ થયા છે કે વીલ કર્યા બાદ પ્રોબેટ મેળવવું જરૂરી છે ? વીલ રજીસ્ટર્ડ કરાવવું જરૂરી છે ? જે કોર્ટ પ્રોબેટ આપ્યુ હોય તે કોર્ટને માલિકીહક્ક નક્કી કરી આપવાની સત્તા છે ? આ બધા પ્રશ્નો બહોળા જન સમુદાયને સ્પર્શતા હોઈ આ અંગેની કાયદાકીય જોગવાઈઓ સામાન્ય નાગરિકોને ઉપયોગી થાય તે રીતે રજૂ કરવામાં આવે છે.

સૌ પ્રથમ તો વીલ યાને વસીયતનામા અંગેની જોગવાઈઓ. ભારતીય વારસા અધિનિયમ-૧૯૨૫ના ભાગ-૬માં જોગવાઈ કરવામાં આવેલ છે. આ કાયદાની કલમ-૫૯માં જણાવ્યા મુજબ વીલ-વસીયતનામું કોણ કરી શકે, તો સ્થિર મગજની હોય (terson of Sound mind) અને સગીર ન હોય એવી દરેક વ્યક્તિ વીલથી પોતાની મિલ્કતની વ્યવસ્થા કરી શકે. આ વિલ બે સક્ષમ સાક્ષીઓની હાજરીમાં કરવાનું હોય છે. આ વીલ કરનાર વ્યક્તિના અવસાન બાદ અમલમાં આવે છે. વસિયતનામું ફરજીઆતપણે રજીસ્ટર્ડ કરાવવાની જરૂરિયાત નથી. સાદા કાગળ ઉપર પણ થઈ શકે. આ અંગે જો વધુ સ્પષ્ટતા કરવી હોય તો સ્થિર મગજ એટલે માનસિક રીતે સશક્ત વ્યક્તિ. કોઈ વ્યક્તિ નશાથી અથવા માંદગીના કારણે ઉદ્દભવેલી એવી માનસિક સ્થિતિમાં હોય કે પોતે શું કરે છે તે જાણતી ન હોય ત્યારે તેનાથી વીલ કરી શકાય નહી. આજ રીતે કોઈ પરણિત સ્ત્રી હયાતી દરમ્યાન પોતે જે મિલ્કતનું સ્વર્તાપણ (Transfer) કરી શકતી હોય તે મિલ્કતની વ્યવસ્થા વિલથી કરી શકે છે. આમ વીલના મુખ્ય તત્વોમાં (Main ingredient) જે વ્યક્તિ વસિયતથી મિલ્કતનો નિકાલ કરતો હોય તે માનસિક રીતે સ્વસ્થ હોવો જરૂરી છે. (Sound mind)

હવે પ્રોબેટ એટલે સાદી ભાષામાં વસિયતિ સર્ટીફીકેટ કહી શકાય, કાયદાકીય વ્યાખ્યા પ્રમાણે પ્રોબેટ એટલે વીલ કરનારની એસ્ટેટનો વહીવટ કરવાની પરવાનગી સાથેની સત્તા ધરાવતી કોર્ટના શીલથી (Seal of Court) પ્રમાણિત કરેલ વીલની નકલ પ્રોબેટ આપવાની સત્તા હકુમત ધરાવતી સિવિલ કોર્ટને છે. દરેક વીલ યાને વસીયતનામાના આધારે પ્રોબેટ મેળવવું ફરજીઆત નથી. પ્રોબેટ મેળવ્યા સિવાય પણ વીલ યોગ્ય રીતે execute થયેલ હોય તો તેનો અમલ થઈ શકે છે સિવાય કે વીલને પડકારવામાં આવ્યું હોય તો વસિયતનામા હેઠળ લાભ લેનાર વ્યક્તિએ સાબિત કરવાનું રહે છે કે વસીયતદાર વસિયતનામામાં હસ્તાક્ષર કર્યા ત્યારે માનસિક રીતે સ્વસ્થ હતા અને તેમણે તેમની સ્વતંત્ર ઈચ્છા મુજબ મિલ્કતનો નિકાલ કર્યો હતો અને તેમણે બે સાક્ષીઓની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા. એક વખત આ પાયાની બાબતો સાબિત થઈ હોય તો વસિયતનામા હેઠળ લાભ લેનારે તેમની જવાબદારી પુરી કરી ગણાય. પણ જ્યારે શંકાસ્પદ સંજોગો હોય તો તેમણે કોર્ટને સંતોષ થાય તે રીતે તેનો ખુલાસો / સ્પષ્ટતા કરવી જોઈએ. માનો કે વાંધો લેનાર છેતરપિંડી કે બિનજરૂરી દબાણ અથવા તો અંધારામાં રાખીને વીલ ઉપર હસ્તાક્ષર કરાવ્યા હોય તેવો આક્ષેપ કરે તો તે બાબતો સાબિત કરવી જોઈએ. જો તેમ કરવામાં વાંધેદાર / આક્ષેપ કરનાર નિષ્ફળ જાય તો વસીયતનામા હેઠળ લાભ માંગનાર વ્યક્તિને પ્રોબેટ મળનાર છે અને તે મુજબ તેનો અમલ થાય છે.

આ ઉપરાંત બીજી અગત્યની બાબત એ છે કે જે કોર્ટે પ્રોબેટ સર્ટીફીકેટ આપેલ હોય અને તેમાં મિલ્કતની વહેંચણી અંગે કોઈ વિવાદ થાય તો પ્રોબેટ આપનાર કોર્ટને મિલ્કતની વહેંચણીના ખરાપણા કે માલિકીહક્ક સાબિત કરવાની સત્તા નથી. જ્યારે આ વિવાદ થાય ત્યારે અન્ય સિવિલ કોર્ટને માલિકીની વહેંચણી કે માલિકી હક્ક અંગે નિર્ણય કરવાની સત્તા છે. આ અંગે નામદાર હાઈકોર્ટના ચુકાદાઓથી પણ આ બાબતને સમર્થન આપેલ છે. આજકાલ વીલની બાબતમાં જે મિલ્કતો વસિયતથી આપી હોય તેવી મિલ્કતોનો વસિયતથી આપવાનો અધિકાર હોતો નથી. જેથી વિવાદો થાય છે. દા.ત. જમીન / મિલ્કત સ્વપાર્જીત અને વડીલોપાર્જીત જુદી જુદી મિલ્કતો હોય પરંતુ ઘણીવાર તમામ મિલ્કતો વસીયતથી આપવામાં આવે છે એટલે અન્ય હક્ક ધરાવતા પક્ષકારો વીલને પડકારે છે અને આવા કિસ્સાઓમાં સ્પષ્ટતા એ કરવાની કે ફક્ત સ્વપાર્જીત મિલ્કતનો ધારણકર્તા પોતે ઈચ્છે તે વ્યક્તિને વીલથી મિલ્કત આપી શકે. જો વડીલોપાર્જીત મિલ્કત હોય તો વારસા અધિનિયમની જોગવાઈઓ મુજબ તમામ હિત ધરાવતા પક્ષકારો હક્કદાર હોય છે એટલે ફક્ત સ્વપાર્જીત મિલ્કતનું વીલથી વસીયત થઈ શકે છે. બીજી સ્પષ્ટતા એ પણ કરવાની કે વીલથી ખેડુત વ્યક્તિ બિનખેડુતને ખેતીની જમીન તબદીલ ન કરી શકે. આ અંગે સુપ્રિમકોર્ટે પણ મહત્વનો ચુકાદો આપી જણાવેલ છે કે બિનખેડુતની તરફેણમાં થયેલ વીલ ગેરકાયદેસર છે.

               IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...