10.09.2022

વારસાઈ/નામફેર કરવા લેવામાં આવતા પેઢીનામાની જોગવાઇઓ

 

વારસાઈ/નામફેર કરવા લેવામાં આવતા પેઢીનામાની જોગવાઇઓ

- રાજ્ય સરકારના મહેસૂલવિભાગ દ્વારા

લોકાભિમુખ માર્ગદર્શન 

- એચ.એસ. પટેલ IAS (નિ.)

- વારસાઈ કરવાની બાબતમાં પેઢીનામું એક અગત્યના સાધનિક પુરાવા તરીકે તમામે કાયદેસરનાં વારસદારોનો સમાવેશ કરવાના ભાગ તરીકે તૈયાર કરવાનું હોય છે 

- પેઢીનામું મેળવવામાં હવે સોગંધનામું કરવાની જરૂરિયાત  રહેતી નથી

અગત્યના પરિપત્રો

1-પેઢીનામુ (પેઢીઆંબા) તેયાર કરવા બાબત પરિપત્ર ક્રમાંક : હકપ/૧૦૨૦૧૪/૭૫૬/જ

2-પેઢીનામું (પેઢીઆંબા) તૈયારી કરવા બાબત પરિપત્ર ક્રમાંક : હકપ/૧૦૨૦૧૪/૭૫૬/જ

જમીન ધારક/મિલકત ધારક કે જેમના નામે જમીન/ મિલકત ચાલતી હોય તેનું મૃત્યુ થાય ત્યારે વારસાઈ(Heirship) કરવાની થાય છે. જેમાં મૃત્યુ પામનારના કાયદેસરના વારસોના નામ મહેસૂલી રેકર્ડ ઉપર લાવવાની પ્રક્રીયાને વારસાઈ તરીકે ઓળખવામાં આવે છે. કાનુની પરિભાષામાં ભારતીય વારસાહક્ક અધિનિયમની જોગવાઇઓ મુજબ જમીન/ મિલ્કતની વહેંચણી કે હિસ્સો મૃત્યુ પામનાર કાયદેસરના વારસદારોને પ્રાપ્ત થાય છે. જમીન મહેસૂલ અધિનિયમની હક્કપત્રની જોગવાઇઓમાં વારસાઇ કરવી તે મહેસૂલી રેકર્ડ અદ્યતન રાખવાનો પણ એક ભાગ છે અને તે પ્રક્રીયામાં જમીનનો ખાતેદાર /મિલકત ધારકનું મૃત્યુ થાય ત્યારે મરણના દાખલા સાથે વારસાઈ કરવા માટે સબંધિત વિસ્તારના મામલતદારને અરજી કરવાની હોય છે. જો સંબંધિત મિલ્કત સીટી સર્વે વિસ્તારમાં હોય તો તે વિસ્તારનાં સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટને અરજી કરવાની હોય છે. વારસાઈની પ્રક્રીયામાં જે કાયદેસરના વારસોના નામ દાખલ કરવાપાત્ર હોય તેમાં સાધનિક પુરાવા તરીકે પેઢીનામું રજૂ કરવાનું હોય છે. જેમાં લોહીના સબંધના સીધી લીટીનાં વારસદારોના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ પેઢીનામામાં મૃતકનાં દિકરી અને બહેનોને પણ ૧૯૫૬ ના કાયદા મુજબ હક્ક મળવાપાત્ર હોઇ તેઓનો પણ પેઢીનામામાં ઉલ્લેખ કરવાનો હોય છે. અગાઉ આ પેઢીનામું પંચોની રૂબરૂમાં તલાટી દ્વારા તૈયાર કરવામાં આવતું જેમાં કોઈ દાખલ કરવાપાત્ર વારસદાર કોઈકવાર રહી જવા પામતા- આ પેઢીનામાને વારસાઈ આંબો (Family Tree) તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ ખેતીવિષયક કે બિનખેતી વિષયક જમીન મહેસૂલી રેકર્ડમાં ચાલતી હોય અને તેના કબ્જેદાર માલિક મૃત્યુ પામે ત્યારે તેની વારસાઈ ગામના હક્કપત્રકના નમુના નં - ૬ માં થાય છે. તે જ રીતે સીટી સર્વે વિસ્તારમાં મિલ્કતનો ઘારક મૃત્યુ પામે ત્યારે તેની વારસાઈ મિલ્કત રજીસ્ટરે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ  દ્વારા કરવામાં આવે છે અને આ અંગે પણ નિયત નમૂનો મહેસૂલ વિભાગે નક્કી કર્યો છે અને તે અંગેનો તા.૨૩-૪-૨૦૦૭ના ઠરાવ ક્રમાંક સીટીએસ/૧૨૨૦૦૫/૨૮૦૯ / હ કરવામાં આવ્યો છે અને આમાં સીટી સર્વેનાં તમામ પ્રકારના ફેરફાર વારસાઈ સહિતની વિગતવાર માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવી છે.

વારસાઈ કરવાની બાબતમાં પેઢીનામું એક અગત્યના સાધનિક પુરાવા તરીકે તમામે કાયદેસરનાં વારસદારોનો સમાવેશ કરવાના ભાગ તરીકે તૈયાર કરવાનું હોય છે અને આ પેઢીનામું તૈયાર કરવાની જવાબદારી સંબંધિત ગામના તલાટીની હોય છે. તલાટીની એટલા માટે કે સંબંધિત ગામ/વિસ્તારના તલાટીને મરણ નોંધણીના (Death Registration) રજીસ્ટાર તરીકે પણ અધિકૃત કરવામાં આવ્યા છે એટલે કોઈપણ ખાતેદાર/મિલ્કત ધારક મૃત્યુ પામે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં તલાટીએ નમુના નં - ૧૪માં નોંધ કરવાની છે અને ગ્રામ્ય અધિકારી તરીકે અગાઉ હક્કપત્રકમાં વારસાઈ નોંધ તલાટી દ્વારા પાડવામાં આવતી હતી. હવે ઇ-ધરા કેન્દ્રમાં મામલતદાર કચેરીમાં વારસાઈ નોંધ પાડવામાં આવે છે. પરંતુ સાધનિક કાગળો તલાટી દ્વારા તૈયાર કરવામાં આવે છે. રાજ્ય સરકારના મહેસૂલી વિભાગનાતા.૧૪-૫-૨૦૧૪ ઠરાવમાં પેઢીનામું તૈયાર કરવાની સુચનાઓ આપેલ છે અને આ પરિપત્રમાં ખેતીની જમીન- બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ)ની વારસાઈ અંગે પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ હોવાથી તેનું અર્થઘટન સિમિત સ્વરૂપે એટલે કે ખેતીની જમીન તેમજ બિનખેતીની જમીન (ખૂલ્લા પ્લોટ) પુરતું મર્યાદિત પેઢીનામું તૈયાર કરવાની અને તે અંગે ગેરસમજ હોવાના કારણે ખેતીની જમીનમાં/મિલ્કતમાં વારસાઈ કરવાના પેઢીનામામાં મુશ્કેલીઓ જણાતી હતી. જેથી ખેતીની જમીન તથા બિનખેતીની જમીન (ખૂલ્લા પ્લોટ) ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં તથા શહેરી વિસ્તારમાં પરંતુ સીટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફ્લેટો, એપાર્ટમેન્ટ, વાણિજ્ય દુકાનો, ઑફિસો જેવી તમામ સ્થાવર મિલ્કતો(ઇમલા સહિતની મિલ્કતો) બાબતે પણ સંબંધિત તલાટી કમ મંત્રી/સીટી/કસ્બા તલાટીએ પેઢીનામા બનાવી આપવાની જોગવાઈ તાજેતરમાં મહેસૂલ વિભાગના તા.૨૦-૯-૨૦૨૨ના પરિપત્ર ક્રમાંક - હક્ક/ ૧૦૨૦૧૪ / ૭૫૬ /જ અન્વયે કરવામાં આવી છે. આ ઉપરાંત સંબંધિત તલાટીઓ દ્વારા મૃત્યુ પામનાર વ્યક્તિના સ્થળ અને નોંધણી બાબતોમાં પણ દ્વીધા હતી. તેમાં સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિનું અવસાન સ્થાયી રહેણાંકના સ્થળ અથવા વતનના સ્થળના તલાટીએ પેઢીનામું કરવાનું રહેશે. અરજદારને વતન કે રહેણાંકના સ્થળના તલાટીને અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. એટલે કે બન્નેમાંથી કોઇપણ સ્થળે અરજી કરવામાં આવે તો સબંધિત તલાટીએ પેઢીનામું આપવાની કાર્યવાહી પણ કરવાની રહેશે.

બીજુ કે મહેસૂલ વિભાગનાં અગાઉના તા.૧૪-૫-૨૦૧૪ના ઠરાવમાં અરજદારે પેઢીનામું સોગંધનામામાં કરવાનું હતું અને તે અંગેનો નિયત નમૂનો પણ નક્કી કરવામાં આવેલ હતો. હવે આ સુધારેલ પરિપત્રથી સોગંધનામાનાં બદલે Self Declaration એટલે કે સ્વઘોષણા કરવાની રહેશે અગાઉ જે પેઢીનામું તૈયાર કરવામાં આવતું તેમાં તલાટી સમક્ષ પંચોની રૂબરૂ પેઢીનામું તૈયાર કરવામાં આવતું હતું. હવે પેઢીનામું સોગંધનામા ઉપર કરવાની જરૂર નથી. રાજ્ય સરકારે આ અંગેનો નિયત નમૂનો પણ તૈયાર કર્યો છે. આમ જનતાને વારસાઈ કરાવવાની બાબતમાં પેઢીનામાની પ્રક્રીયાની જાણકારી હોતી નથી અને આને કારણે ગામ દફતરે કે શહેરી વિસ્તારમાં જમીન/મિલ્કતમાં ધારકના મૃત્યુ બાદ કાયદેસરનાં વારસદારોના નામ દાખલ કરવા માટે પેઢીનામું અગત્યનો દસ્તાવેજી પુરાવો હોય છે. જેથી લોકોને ઉપરોક્ત જાણકારી પેઢીનામું મેળવવામાં અને ત્યારબાદ વારસાઈ કરાવવામાં ઉપયોગી સાબિત થશે.

IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...