4.23.2024

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

 

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.






બિલ્ડરે ગ્રાહકને ફ્લેટનું પઝેશન આપતા પહેલા દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડશે. આખી જિંદગીની બચત કરી લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે ગ્રાહકો મકાન ખરીદે છે ત્યારે નાની અમથી સમસ્યા પણ બિલ્ડરને ભારે પડી શકે છે. તાજેતરમાં જ નવા મકાનની દિવાલ પર ભેજની સમસ્યા મામલે ગ્રાહકે કરેલી ફરિયાદમાં રેરા દ્વારા બિલ્ડરને જવાબદાર ઠેરવી રિપેરિંગ કરી આપવા આદેશ આપ્યો છે.

જો તમે પણ નવું ઘર કે ફ્લેટ લેવા માગતા હોય તો તેના પહેલા તમારે બિલ્ડરની સંપુર્ણ માહિતી લેવી જોઇએ. ગ્રાહકોના હિત માટે ઓથોરિટી પણ બનાવવામાં આવેલી છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોના હાથે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે ‘રેરા’ કાયદો અમલમાં છે. ગ્રાહકે નવુ મકાન ખરીદ્યુ હોય અને બિલ્ડર દ્વારા તેમાં ખામી રાખીને પઝેસન આપી દેવાયું હોય તો ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી તમે રેરામાં ફરિયાદ કરી શકો છો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બિલ્ડર જવાબદાર રહેતા હોવાનો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત રેરાએ આપ્યો છે. ફ્લેટમાં ખામી રહેતો રિપેરીંગની બિલ્ડરની પાંચ વર્ષની જવાબદારી હોય છે

રેરાના સેક્શન 14(3) હેઠળ ફરિયાદ કરી

અમદાવાદના વાસણા વિસ્તારમાં ગ્રાહકે ફ્લેટ ખરીદ્યો હતો. નવા ફલેટમાં ભેજ ઉતરતા ગ્રાહકે રેરામાં ફરિયાદ કરી હતી. RERAએ આ ફ્લેટની દિવાલો રિપેર કરી આપવા માટે બિલ્ડરને ઓર્ડર આપ્યો છે. નવા બનેલા મકાનોમાં સિવિલ વર્કમાં કોઈ પણ ખામી હોય તો મકાનમાલિકો રેરાના સેક્શન 14(3) હેઠળ ફરિયાદ કરી શકે છે. ફરિયાદી ગ્રાહકે નવા રેસીડેન્શીયલ ટાવરમાં 10મા માળે ફલેટ ખરીદ કર્યો હતો. ફલેટનો કબ્જો મળે તે પૂર્વે જ દિવાલોમાં ભેજ દેખાયો હતો ગ્રાહકે ધ્યાન દોરતા બિલ્ડર દ્વારા સમારકામ કરી હવે ભેજ નહી આવે તેવું કહેવાયુ પરંતુ પાછો ભેજ ઉતરતા ફર્નિચર સહિત સામાનને નુકશાન થતા વિવાદ થયો અને બિલ્ડર અને ગ્રાહકની તકરાર રેરામાં પહોચી હતી. રેરાએ આ કેસમાં બિલ્ડરને ફટકાર લગાવી છે. 



બિલ્ડરને રિપેરિંગ કરી આપવા આદેશ
રેરાએ આ ફ્લેટની દિવાલો રિપેર કરી આપવા માટે બિલ્ડરને ઓર્ડર આપ્યો છે. નવા બનેલા મકાનોમાં સિવિલ વર્કમાં કોઈ પણ ખામી હોય તો મકાનમાલિકો રેરાના સેક્શન 14 (3) હેઠળ ફરિયાદ કરી શકે છે. બંને પાર્ટીને સાંભળ્યા પછી ઓથોરિટીએ કહ્યું કે જરૂરી રિપેરિંગ, પ્લાસ્ટર અને પેઈન્ટ વર્ક કરવા માટે બિલ્ડર તૈયાર છે. આ રિપેરિંગ કામ પૂરું થયા પછી રેરાએ મકાનમાલિકની અરજીનો નિકાલ કર્યો હતો. 

Process of filing complaint in GUJRERA

  1. Login to GUJRERA official website
  2. Click on complaint registration tab
  3. The screen will be popped up with a form. Fill all the necessary details regarding the complaints along with the proper documentation
  4. Fill the form and click on submit button
  5. Make payment of Rs 1000 as registration fees.
  6. You will get an acknowledgment number after submitting the form
  7. Please make note of this number. This will be used for future reference


ગુજરાતમાં બિનખેડૂતોને ખેતીની જમીન ધારણ કરવા કાયદો સુધારવાની ચાલ કુઠારઘાત સાબિત થશે

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- બિનખેડૂતે ખેતીની જમીન ધારણ કરવાનું નિયંત્રણ જમીન સુધારણા કાયદાઓ હેઠળ બંધારણનું પીઠબળ

(ગતાંકથી ચાલુ...)


ગત લેખમાં હક્કપત્રકમાં બિનખેડુત ઈસમોની (વ્યક્તિઓની) ખેતીની જમીન ખરીદી / તબદીલી અંગે મહેસુલી અધિકારીઓ દ્વારા નોંધ પ્રમાણિત કરવાના કારણે ખેડુતનો ખેતીવિષયક જમીન ખરીદવાની ઉત્તરોતર કાર્યવાહી અંગે તેમજ ગણોતધારાની કલમ-૬૩ તેમજ સૌરાષ્ટ્ર ઘરખેડ-૫૪ની જોગવાઈઓ વિરુધ્ધ બિનખેડુતોએ ખરીદેલ જમીન અંગે ગણોતધારાની કલમ-૮૪સી તેમજ ૫૪ના ભંગ બદલ શરતભંગની કાર્યવાહી અંગે વિસ્તૃત વર્ણન કરેલ. ફરીથી સ્પષ્ટપણે જણાવું છું કે બિનખેડુત વ્યક્તિઓની હક્કપત્રકમાં નોંધ પ્રમાણિત કરનાર અધિકારીઓ જ જવાબદાર છે અને જેમ બિનખેડુત દ્વારા ખરીદાયેલ ખેતીની જમીન અંગે કાયદાકીય પગલાં લેવાની જોગવાઈ છે તેવી જ જોગવાઈ ગેરકાયદેસર નોંધ પ્રમાણિત કરનાર અધિકારી સામે હોવી જરૂરી છે કારણકે ગેરકાયદેસર નોંધો રીવીઝન / રીવ્યુમાં લેવાની પ્રક્રિયા લાંબાગાળાની છે અને આજદિન સુધી અસરકારક પગલાં અથવા પરિણામો પ્રાપ્ત થયા નથી એટલે નોંધ પ્રમાણિત કક્ષાએ જ બિનખેડુતની નોંધ પ્રમાણિત કરવા માટે રોક લાવી, કડક શિક્ષાત્મક કાર્યવાહીની જરૂરિયાત છે. કારણકે ગેરકાયદેસર સ્વરૂપે બિનખેડુતને ખેડુતનો દરજ્જો આપવા તે ગણોતધારાની અને સૌરાષ્ટ્ર ઘરખેડની જોગવાઈઓ નિષ્ફળ બનાવવા સમાન છે.

હવે કાયદાકીય અનુસંધાન જોઈએ તો બંધારણના મુળભુત અધિકારો પ્રમાણે કોઈપણ ભારતના નાગરિકને દેશના કોઈપણ ભાગમાં વ્યવસાય / ધંધો કાયદાકીય સ્વરૂપે કરવાનો અધિકાર છે. તેજ રીતે અગાઉ મુળભુત અધિકારમાં (Fundamental Rights) Right to property (મિલ્કત ધરાવવાનો અધિકાર) હતો તેમાં બંધારણીય સુધારો કરી કલમ-૩૦૦એ ઉમેરી મિલ્કત ધરાવવાના અધિકારને કાયદાકીય અધિકાર (Statutory) કરવામાં આવ્યો છે. જેથી Save as Provided by Law એટલે કે કાયદાકીય પ્રક્રિયા અનુસરીને કોઈપણની મિલ્કત જાહેર હેતુ માટે સંપાદન કરી શકાય છે. આમ મિલ્કત / જમીન ધરાવવાના અધિકારને નિયંત્રિત કરવામાં આવ્યો છે. હવે બંધારણીય સ્વરૂપે પણ ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડ-૫૪ હેઠળના બિનખેડુત વ્યક્તિને ખેતી વિષયક જમીન ખરીદવાના નિયંત્રણો પણ જમીન સુધારા તરીકે બંધારણની અનુસુચિ (Schedule) મુજબ મંજુર / સમાવેશ કરવામાં આવેલ છે. જેથી આ કાયદાને બંધારણીય પીઠબળ છે અને જે તે સમયે જેમ ખેતીની જમીન ઉપર બિનખેડુત ખેતીની જમીન ધારણ કરવાનો પ્રતિબંધનો મુળભૂત ઉદ્દેશ ખેતીની જમીનનો ખેત ઉત્પાદન માટે કાર્યસાધક ઉપયોગ થાય અને ખેતી ઉપર નિર્ભર કુટુંમ્બોનું જીવનનિર્વાહ થાય અને દેશ અનાજની(Food grain) દ્રષ્ટિએ સ્વાવલંબી બને. આમ Stakeholders / હિત ધરાવતા પક્ષકારોને બંધારણીય / કાયદાકીય જોગવાઈઓની સ્પષ્ટતાથી સ્પષ્ટ થશે કે ગુજરાતમાં બિનખેડુત વ્યક્તિઓ ખેતીની જમીન કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે ખેતીની જમીન ધારણ કરી શકતા નથી.

ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે અને શહેરીકરણ અને ઔદ્યોગિકરણની દ્રષ્ટિએ અગ્રેસર છે અને તેને ધ્યાનમાં લેતાં સરકારે ખેતીની જમીનોના બિનખેતી વિષયક ઉપયોગ માટે ખેતીની જમીન ખરીદવા માટે સરણીકરણ કરવામાં આવ્યું છે અને તે મુજબ જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૫ખ અને ગણોતધારાની કલમ-૬૩એએ માં પ્રામાણિક ઉદ્યોગ (Bonafide Industrial Purpose) માટે અને કોઈપણ પ્રકારના બિનખેતી વિષયક હેતુ માટે ગણોતધારાની કલમ-૬૩ અને નિયમ-૩૬ હેઠળ કલેક્ટરની પરવાનગી લઈને જમીન ખરીદી શકાય છે. તે જ રીતે આંતરમાળખાકીય યોજનાઓ (Infrastructure Project) માટે જમીન સંપાદન કરી શકાય છે. તેજ રીતે ટાઉનપ્લાનીંગ એક્ટ હેઠળ શહેરી વિકાસ / વિસ્તાર વિકાસ મંડળો દ્વારા Land use plan બનાવીને જરૂરિયાત મુજબ જમીન Earmark કરી ઉપયોગમાં લઈ શકાય છે. આમ જરૂરિયાત મુજબ ખેતીની જમીનો બિનખેતી વિષયક હેતુ માટે ખરીદ કરવાની જોગવાઈઓ છે. અગાઉ ગણોતધારાની કલમ-૬૩ હેઠળ ખરીદાયેલ ખેતીની જમીન બિનખેતીમાં ફેરવી છ માસથી શરૂ કરીને બે વર્ષ સુધીમાં ઉપયોગ કરવાનું નિયંત્રણ હતું તેમાં હવે ફેરફાર કરીને પાંચ વર્ષ અને ત્યારબાદ દસ વર્ષ સુધી (જંત્રીની રકમ ભરીને) ઉપયોગ કરવાની છુટછાટ મુકવામાં આવી છે.

પરંતુ બિનખેતીમાં ફેરવાયા બાદ અમર્યાદિત સમય સુધી બાંધકામનો સમયગાળો રદ કરવાથી ભયસ્થાન એ પેદા થયું છે કે જમીનોનું (Hoarding) સંગ્રહ, લેન્ડબેન્ક જમીનને નફાકીય હેતુનું સાધન બની ગયું છે. અગાઉ શહેરી જમીન ટોચ મર્યાદા ધારો-૧૯૭૬ અસ્તિત્વમાં હતો પરંતુ તેમાં છુટછાટના ધોરણો હતાં જે તે સમયની કલમ-૨૦/21 ULC કાયદાની જોગવાઈ હેઠળ રાજ્ય સરકાર છુટછાટ નબળાવર્ગના આવાસો માટે આપતા પરંતુ તેમાં મોટાપાયે ગેરઉપયોગ થતાં અમો જ્યારે વડોદરા ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર હતા ત્યારે તત્કાલીન શહેરી વિકાસ મંત્રી રામજેઠમલાણી હતા તેઓને રજુઆત કરતાં ULC કાયદો કેન્દ્ર સરકારનો હોવાથી તેઓને આ કાયદા હેઠળ થતું આચરણ અને આ કાયદાની જોગવાઈઓનો હેતુ સિધ્ધ થયેલ નથી તેમ જણાવતા તે કાયદો રદ કરવાનું શ્રેય તેમને જાય છે. પરંતું જમીન એ કુદરતી શંશાધન છે અને માનવીની વિકાસ પ્રક્રિયા સાથે તેના ઉપયોગમાં ફેરફાર થાય તે સહજ / સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતું તે સિમિત વ્યક્તિઓ (Land holders) માટે નફાકીય સાધન બને અને તેનો ઉત્પાદકીય સ્વરૂપે ઉપયોગ ન થાય તો કુદરતી શંશાધન તરીકે શોષણનું સાધન બની રહે છે અને આ પ્રક્રિયામાં ખેતીની જમીન ધરાવતા સામાન્ય ખેડુતવર્ગ કે જેનું જીવન નિર્વાહનું સાધન છે તે આથક લાભાલાભનો વિચાર કર્યા વગર સાધન સંપન્ન ખેડુતો અથવા વ્યક્તિઓ મોકાની જમીનો સસ્તા ભાવે ખરીદી અને અગાઉના લેખમાં જણાવ્યું તેમ ખેત જમીન ટોચ મર્યાદા ઉપરાંતની જમીનો ખરીદાઈ રહી છે. ેપરંતું તેઓની અન્ય આવકના સ્રોતો ઉભા કરવાની ક્ષમતા ન હોવાથી તેમજ સામાજીક રિતીરિવાજોમાં ખોટા ખર્ચ કરવાથી પાયમાલ સ્થિતિનું સર્જન થાય છે આ વાસ્તવિક પરિસ્થિતિથી સૌ કોઈ વાકેફ છે. પરંતું રાજ્ય સરકાર મુકપ્રેક્ષક બની રહે અને કાયદાકીય જોગવાઈઓનું નિષ્ફળ બનાવનારના ઈરાદાઓ નિષ્ફળ બનાવનાર તત્વો સામે કડક જોગવાઈઓ કરવી જરૂરી છે અને ઉપરોક્ત તમામ પાસાઓ સ્પષ્ટ કર્યા મુજબ ગુજરાતમાં જો ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડ-૫૪ના બિનખેડુતોને ખેતીની જમીન ખરીદ કરવાના નિયંત્રણો હળવા કરવામાં આવશે તો ખેતી ઉપર નિર્ભર ખેડુતો અને ખેત ઉત્પાદનની દૃષ્ટિએ વિપરીત પરિસ્થિતિ પેદા થશે. આ લેખનો વિષય ખુબજ અગત્યનો હોવાથી વસિયતનામા અંગે સુપ્રિમકોર્ટ, બિનખેડુત અંગે હાઈકોર્ટના ખંડપીઠનો ચુકાદો અને ખેડુત ખરાઈ પ્રમાણપત્રની યથાર્થતા અંગે આગામી લેખમાં વિવરણ કરીશું.

(ક્રમશઃ)


પ્રોમિસરી નોટનો અનાદર થાય ત્યારે ખતધારક તમામ પક્ષકારોને નોટિસ આપી શકે

 


વિનિમયપત્ર પાકવાની તારીખ પહેલાં તે સ્વીકારનાર નાદાર થયા હોય તો તેઓ જામીન માગી શકે છે


તમારી જમીન, તમારી મિલકત | 

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

વટાઉખત અધિનિયમ-૧૮૮૧ હેઠળ કેટલીક જોગવાઈઓ વિષે જાણીશું. અનાદરની નોટિસની પ્રક્રિયા

વિનિમયપત્રનો સ્વીકાર ન થવાને કારણે અનાદરઃ નાણાં ચૂકવનાર અથવા પોતે ભાગીદારો ન હોય તેવા એકથી વધુ નાણાં ચૂકવનારા પૈકી કોઈ એક, વિનિમયપત્ર સ્વીકારનારની રીતસર માગણી થતાં તે સ્વીકારવામાં કસૂર કરે અથવા વિનિમયપત્રની રજુઆત માફ હોય અને તે સ્વીકારવામાં ન આવે ત્યારે, તે વિનિમયપત્રનો સ્વીકાર ન થવાને કારણે અનાદર થયો કહેવાય. નાણાં ચૂકવનાર કરાર કરવાની ક્ષમતા ધરાવતો ન હોય અથવા સ્વીકાર શરતી હોય તો વિનિમયપત્રનો અનાદર થયો છે એમ ગણી શકાય.

નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટની ચૂકવણી ન થવાને કારણે અનાદર: કોઈ પ્રોમિસરી નોટ કરી આપનારે, વિનિમયપત્ર સ્વીકારનાર અથવા ચેકનાં નાણાં ચુકવનાર તેની ચુકવણી માટે રીતસર માગણી થયે ચુકવણી કરવામાં કસૂર કરે ત્યારે, ચુકવણી ન થવાને કારણે તે પ્રોમીસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેકનો અનાદર થયો કહેવાય.

કોને કોને નોટિસ આપવી જોઈએઃ જ્યારે કોઈ પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેકનો સ્વીકાર ન થવાને કારણે અથવા ચૂકવણી ન થવાને કારણે અનાદર થયો હોય ત્યારે તે ખતના ધારકે અથવા તે ઉપરથી જવાબદાર રહેતી હોય એવી કોઈ વ્યક્તિએ તે ખત ઉપરથી જેમને તે ખતનો ધારક વ્યકિતગત રીતે જવાબદાર ઠરાવવા માગતો હોય તેવા બીજા તમામ પક્ષકારોને અને જેમને સંયુક્ત રીતે જવાબદાર ઠરાવવા માગતો હોય તે પૈકીના કોઈ એક પક્ષકારને તે ખતનો એ રીતે અનાદર થયો છે એવી નોટિસ આપવી જોઈશે.

આ કલમના કોઈપણ મજકુરથી અનાદર પામેલી પ્રોમિસરી નોટ કરી આપનારને અથવા અનાદર પામેલ વિનિમયપત્ર અથવા ચેકનાં નાણાં ચૂકવનારને અથવા તે સ્વીકારનારને નોટિસ આપવાનું જરૂરી બનતું નથી.

નોટિસ આપવાની રીતઃ જે વ્યકિતને અનાદરની નોટિસ આપવી આવશ્યક હોય તેના રીતસર, અધિકાર આપેલા એજન્ટને અથવા તે મૃત્યુ પામી હોય ત્યારે તેના કાયદેસરના પ્રતિનિધિને અથવા તે નાદાર જાહેર થઈ હોય ત્યારે તેના એસાઈનીને, એવી નોટિસ આપી શકાશે, તે મૌખિક અથવા લિખિત હોઈ શકે, લિખિત હોય તો ટપાલ દ્વારા મોકલી શકાશે અને તે ગમે તે રૂપમાં હોઈ શકે, પરંતુ જેને તે નોટિસ આપવામાં આવી હોય તે પક્ષકારને તેથી સ્પષ્ટ શબ્દોમાં અથવા યોગ્ય ભાવાર્થ નીકળે તે રીતે તે ખતના અનાદર થયો છે તેની અને તે કેવી રીતે અનાદર થયો છે તેની અને તે ખત ઉપરથી તેને જવાબદાર ગણવામાં આવશે એવી માહિતી આપવી જોઈશે અને જેને તે નોટિસ આપવા ધાર્યું હોય તે પક્ષકારને તેના ધંધાના સ્થળે અથવા (એવા પક્ષકારને ધંધાનું સ્થળ ન હોય તો) તેના નિવાસસ્થાને અનાદર થયા પછી વાજબી સમયમાં તે નોટિસ આપવી જોઈશે.

નોટિસ બરાબર સરનામું કરીને ટપાલ દ્વારા મોકલવામાં આવે અને ગેરવલ્લે જાય તો એ પ્રમાણે જવાથી તે નોટિસ બિનકાયદેસર બનતી નથી. નોટિસ મળે તે પક્ષકારે બીજા પક્ષકારને અનાદરની નોટિસ પહોંચાડવી જોઈશે. અનાદરની નોટિસ જેને મળી હોય તે પક્ષકારે અગાઉનો કોઈ પક્ષકાર પોતાને જવાબદાર અને તે માટે એવા પક્ષકારને યોગ્ય સમયમાં અનાદરની નોટિસ આપવી જોઈશે, સિવાય કે તે પક્ષકારને કલમ-૯૩ થી ઠરાવ્યા પ્રમાણે અન્યથા રીતસર નોટિસ મળી હોય.

રજૂ કરવા માટેનો એજન્ટઃ ખત રજૂ કરવા માટે કોઈ એજન્ટ પાસે રાખવામાં આવ્યું હોય ત્યારે તે પોતે તે ખતનો ધારક અને અનાદરની નોટિસ આપનાર હોય તેમ પોતાના મૂળધણીને નોટિસ આપવા માટે એટલા જ સમય માટે તે એજન્ટ હક્કદાર છે અને મૂળધણી અનાદરની નોટિસ આપવા માટે એટલી વધુ મુદત માટે હકકદાર છે.

જેને નોટિસ આપવામાં આવી હોય તે પક્ષકાર મૃત્યુ પામ્યો હોય ત્યારે: જે પક્ષકારને અનાદરની નોટિસ મોકલવામાં આવી હોય તે મૃત્યુ પામ્યો હોય પણ નોટિસ મોકલનાર પક્ષકાર તેના મૃત્યુ વિશે અજ્ઞાત હોય ત્યારે તે નોટિસ પૂરતી છે. અનાદરની નોટિસ ક્યારે જરૂરી નથી. અનાદરની નોટિસ નીચે સંજોગોમાં જરૂરી નથી.

 (ક) નોટિસ માટે હકકદાર પક્ષકારે નોટિસ જતી કરી હોય ત્યારે, (ખ) ખત લખનારે ચૂકવણીનો આદેશ ૨દ કર્યો હોય ત્યારે તેને જવાબદાર ઠરાવવા માટે, (ગ) જવાબદારીવાળા પક્ષકારને નોટિસના અભાવે નુકસાન ન ભોગવવું પડતું હોય ત્યારે, (ઘ) નોટિસ માટે હકકદાર પક્ષકાર યોગ્ય તપાસ કરવા છતાં મળી આવે નહી અથવા નોટિસ આપવા માટે બંધાયેલો પક્ષકાર પોતાની કોઈ કસૂર વિના અન્ય કોઈ કારણે નોટિસ આપી શકે નહીં ત્યારે, (ચ) સ્વીકારનાર પોતે જ ખત લખનાર હોય ત્યારે ખત લખનારાઓને જવાબદાર ઠરાવવા માટે, (છ) વટાવી શકાય નહિ એવી પ્રોમિસરી નોટ બાબતમાં (જ) નોટિસ માટે હકકદાર પક્ષકાર, હકીકત જાણવા છતાં તે ઉપરથી લેણી થતી રકમ ચૂકવવાનું બિનશરતે વચન આપે ત્યારે. અનાદરની નોંધ અને અનાદરનું પ્રમાણપત્ર

અનાદરની નોંધ કરવા બાબતઃ સ્વીકારનાર અથવા ચૂકવણી ન થવાને કારણે કોઈ પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્રનો અનાદર થયો હોય ત્યારે તે ખતનો ધારક કોઈ નોટરી પબ્લિક પાસે તે ખત ઉપર અથવા તેની સાથે જોડેલા કાગળ ઉપર અથવા અંશતઃ તે દરેક ઉપર એવા અનાદરની નોંધ કરાવી શકશે. એવી નોંધ, અનાદર થયા પછી વાજબી સમયમાં કરવી જોઈશે અને તેમાં તો તે અથવા જો તે ખતનો સ્પષ્ટ રીતે અનાદર કરવામાં ન આવ્યો હોય તો ખત ધરાવના શા કારણે તેને અનાદર પામેલું ગણે છે તે એની નોટિસના ખર્ચની વિગત દર્શાવવા જોઈશે.

અનાદરનું પ્રમાણપત્રઃ સ્વીકાર અથવા ચૂકવણી ન થવાને કારણે કોઈ પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્રનો અનાદર થયો હોય ત્યારે તે ખતનો ધારક યોગ્ય સમયમાં નોટરી પબ્લિક પાસે એવા અનાદરની નોંધ કરાવીને તેને પ્રમાણિત કરાવી શકશે એવું પ્રમાણપત્ર અનાદરનું પ્રમાણપત્ર કહેવાય છે.

વધુ સારી જામીનગીરી ન મળ્યા બાબતનું પ્રમાણપત્રઃ કોઈ વિનિમયપત્ર પાકવાની તારીખ પહેલાં તે સ્વીકારનાર નાદાર થયો હોય અથવા જાહેરમાં તેની શાખ સામે આક્ષેપ થયો હોય ત્યારે ખતનો ધારક વાજબી સમયમાં નોટરી પબ્લિક મારફત ખત સ્વીકારનાર પાસેથી વધુ સારી જામીનગીરી માંગી શકશે અને તે ન આપે તો વાજબી સમયમાં નોટરી પબ્લિક પાસે તે હકીકતની ઉપર જણાવ્યા પ્રમાણે નોંધ કરાવી તેને પ્રમાણિત કરાવી શકશે. આવું પ્રમાણપત્ર વધુ સારી જામીનગીરી ન મળ્યા બાબતનું પ્રમાણપત્ર કહેવાય છે.

અનાદરના પ્રમાણપત્રનો મજફૂરઃ અનાદરના પ્રમાણપત્રમાં નીચેની વિગતો હોવી જોઈએ.

(ક) તે અસલ ખત અથવા તે ખતની તેમજ જે ઉપર જે કાંઈ લખેલું કે છાપેલું હોય તેની અક્ષરશઃ નકલ.

(ખ) જે વ્યકિત માટે અને જે વ્યકિતની વિરુધ્ધ તે ખતનો અનાદર પ્રમાણિત કરવામાં આવ્યો હોય તેનાં નામ,

(ગ) નોટરી પબ્લિકે વ્યકૅત પાસે, યથાપ્રસંગે, ચૂકવણી માટે, સ્વીકાર માટે અથવા વધુ સારી જામીનગીરી માટે માગણી કરી હતી એવું નિવેદન તેણે જવાબ આપ્યો હોય તો તેની વિગતો અથવા તેણે જવાબ આપ્યો નથી કે તે વ્યક્તિ મળી શકી નથી એવું નિવેદન.

(ઘ) પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્રનો અનાદર થયો હોય ત્યારે તેના અનાદરના સમય અને સ્થળ અને વધુ સારી જામીનગીરી આપવા ના પાડી હોય ત્યારે ના પાડવાનાં સ્થળ અને સમય,

(ચ) અનાદરનું પ્રમાણપત્ર આપનાર નોટરી પબ્લિકની સહી,

(છ) શાખ ખાતર સ્વીકાર અથવા ચૂકવણી થઈ હોય તે પ્રસંગે જે વ્યકિતને એ જે વ્યકિત માટે અને જે રીતે સ્વીકાર કરવા અથવા ચૂકવણી કરવાની તૈયારી બતાવીને તેમ કર્યું હોય તેનાં નામ અને રીત. આ ક્લમ ખંડ-(ગ)માં જણાવેલી માગણી નોટરી પબ્લિક જાતે અથવા તેના કારકૃન મારફતે અથવા કરારથી કે પ્રથાથી તેમ કરવાનું અધિકૃત હોય, ત્યારે રજિસ્ટર કરેલા પત્ર દ્વારા કરી શકશે.

અનાદરના પ્રમાણપત્રની નોટિસઃ કાયદા અનુસાર કોઈ પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્રના અનાદરનું પ્રમાણપત્ર મેળવવું આવશ્યક હોય ત્યારે અનાદરની નોટિસને બદલે એ જ રીતે અને એ જ શરતોને આધીન રહીને અનાદરના પ્રમાણપત્રની નોટિસ આપવી જોઈએ પણ એવી નોટિસ, પ્રમાણપત્ર આપનાર નોટરી પબ્લિક આપી શકશે.

સ્વીકાર ન થવાને કારણે અનાદર થયા પછી ચૂકવણી ન થવાને કારણે થયેલા અનાદરનું પ્રમાણપત્રઃ ચૂકવનારના નિવાસસ્થાન તરીકે જણાવેલા સ્થળ સિવાયના સ્થળે નાણાં ચૂકવવાના છે એ રીતે લખેલા અને સ્વીકાર ન થવાને કારણે અનાદર પામેલા તમામ વિનિમયપત્રનો અનાદર નાણાં ચૂકવનાર આગળ વિશેષ રજઆત કર્યા વગર ચૂકવણી માટે નિર્દિષ્ટ કરેલા સ્થળે પ્રમાણિત કરાવી શકશે, સિવાય કે તે પાકે ત્યારે અથવા તે પહેલાં ચૂકવી દેવામાં આવ્યા હોય.

વિદેશી વિનિમયપત્રોના અનાદરનું પ્રમાણપત્રઃ વિદેશી વિનિમયપત્રો જે સ્થળે લખવામાં આવ્યા હોય તે સ્થળના કાયદા મુજબ તેમનો અનાદર પ્રમાણિત કરવો આવશ્યક હોય ત્યારે એવાં વિનિમયપત્રનો અનાદર પ્રમાણિત કરાવવો જોઈએ.

અનાદરની નોંધ અનાદરના પ્રમાણપત્રની બરાબર ક્યારે ગણાયઃ આ અધિનિયમના હેતુઓ માટે કોઈ નિર્દિષ્ટ સમયમાં અથવા અમુક આગળની કાર્યવાહી કરતાં પહેલાં કોઈ વિનિમયપત્ર કે પ્રોમિસરી નોટના અનાદરનું પ્રમાણપત્ર મેળવવું આવશ્યક હોય ત્યારે સદરહુ નિર્દિષ્ટ સમય પૂરો થતાં પહેલાં અથવા સદરહુ કાર્યવાહી કરતાં પહેલાં તે વિનિમયપત્રનો અનાદર પ્રમાણિત કરવા માટે નોંધ કરવામાં આવી હોય તે પૂરતું છે અને ત્યાર પછી કોઈપણ સમયે નોંધની તારીખે કર્યું હોય એ પ્રમાણેનું અનાદરનું પ્રમાણપત્ર પૂરું કરી શકાશે

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...