4.23.2024

ગુજરાતમાં બિનખેડૂતોને ખેતીની જમીન ધારણ કરવા કાયદો સુધારવાની ચાલ કુઠારઘાત સાબિત થશે

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- બિનખેડૂતે ખેતીની જમીન ધારણ કરવાનું નિયંત્રણ જમીન સુધારણા કાયદાઓ હેઠળ બંધારણનું પીઠબળ

(ગતાંકથી ચાલુ...)


ગત લેખમાં હક્કપત્રકમાં બિનખેડુત ઈસમોની (વ્યક્તિઓની) ખેતીની જમીન ખરીદી / તબદીલી અંગે મહેસુલી અધિકારીઓ દ્વારા નોંધ પ્રમાણિત કરવાના કારણે ખેડુતનો ખેતીવિષયક જમીન ખરીદવાની ઉત્તરોતર કાર્યવાહી અંગે તેમજ ગણોતધારાની કલમ-૬૩ તેમજ સૌરાષ્ટ્ર ઘરખેડ-૫૪ની જોગવાઈઓ વિરુધ્ધ બિનખેડુતોએ ખરીદેલ જમીન અંગે ગણોતધારાની કલમ-૮૪સી તેમજ ૫૪ના ભંગ બદલ શરતભંગની કાર્યવાહી અંગે વિસ્તૃત વર્ણન કરેલ. ફરીથી સ્પષ્ટપણે જણાવું છું કે બિનખેડુત વ્યક્તિઓની હક્કપત્રકમાં નોંધ પ્રમાણિત કરનાર અધિકારીઓ જ જવાબદાર છે અને જેમ બિનખેડુત દ્વારા ખરીદાયેલ ખેતીની જમીન અંગે કાયદાકીય પગલાં લેવાની જોગવાઈ છે તેવી જ જોગવાઈ ગેરકાયદેસર નોંધ પ્રમાણિત કરનાર અધિકારી સામે હોવી જરૂરી છે કારણકે ગેરકાયદેસર નોંધો રીવીઝન / રીવ્યુમાં લેવાની પ્રક્રિયા લાંબાગાળાની છે અને આજદિન સુધી અસરકારક પગલાં અથવા પરિણામો પ્રાપ્ત થયા નથી એટલે નોંધ પ્રમાણિત કક્ષાએ જ બિનખેડુતની નોંધ પ્રમાણિત કરવા માટે રોક લાવી, કડક શિક્ષાત્મક કાર્યવાહીની જરૂરિયાત છે. કારણકે ગેરકાયદેસર સ્વરૂપે બિનખેડુતને ખેડુતનો દરજ્જો આપવા તે ગણોતધારાની અને સૌરાષ્ટ્ર ઘરખેડની જોગવાઈઓ નિષ્ફળ બનાવવા સમાન છે.

હવે કાયદાકીય અનુસંધાન જોઈએ તો બંધારણના મુળભુત અધિકારો પ્રમાણે કોઈપણ ભારતના નાગરિકને દેશના કોઈપણ ભાગમાં વ્યવસાય / ધંધો કાયદાકીય સ્વરૂપે કરવાનો અધિકાર છે. તેજ રીતે અગાઉ મુળભુત અધિકારમાં (Fundamental Rights) Right to property (મિલ્કત ધરાવવાનો અધિકાર) હતો તેમાં બંધારણીય સુધારો કરી કલમ-૩૦૦એ ઉમેરી મિલ્કત ધરાવવાના અધિકારને કાયદાકીય અધિકાર (Statutory) કરવામાં આવ્યો છે. જેથી Save as Provided by Law એટલે કે કાયદાકીય પ્રક્રિયા અનુસરીને કોઈપણની મિલ્કત જાહેર હેતુ માટે સંપાદન કરી શકાય છે. આમ મિલ્કત / જમીન ધરાવવાના અધિકારને નિયંત્રિત કરવામાં આવ્યો છે. હવે બંધારણીય સ્વરૂપે પણ ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડ-૫૪ હેઠળના બિનખેડુત વ્યક્તિને ખેતી વિષયક જમીન ખરીદવાના નિયંત્રણો પણ જમીન સુધારા તરીકે બંધારણની અનુસુચિ (Schedule) મુજબ મંજુર / સમાવેશ કરવામાં આવેલ છે. જેથી આ કાયદાને બંધારણીય પીઠબળ છે અને જે તે સમયે જેમ ખેતીની જમીન ઉપર બિનખેડુત ખેતીની જમીન ધારણ કરવાનો પ્રતિબંધનો મુળભૂત ઉદ્દેશ ખેતીની જમીનનો ખેત ઉત્પાદન માટે કાર્યસાધક ઉપયોગ થાય અને ખેતી ઉપર નિર્ભર કુટુંમ્બોનું જીવનનિર્વાહ થાય અને દેશ અનાજની(Food grain) દ્રષ્ટિએ સ્વાવલંબી બને. આમ Stakeholders / હિત ધરાવતા પક્ષકારોને બંધારણીય / કાયદાકીય જોગવાઈઓની સ્પષ્ટતાથી સ્પષ્ટ થશે કે ગુજરાતમાં બિનખેડુત વ્યક્તિઓ ખેતીની જમીન કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે ખેતીની જમીન ધારણ કરી શકતા નથી.

ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે અને શહેરીકરણ અને ઔદ્યોગિકરણની દ્રષ્ટિએ અગ્રેસર છે અને તેને ધ્યાનમાં લેતાં સરકારે ખેતીની જમીનોના બિનખેતી વિષયક ઉપયોગ માટે ખેતીની જમીન ખરીદવા માટે સરણીકરણ કરવામાં આવ્યું છે અને તે મુજબ જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૫ખ અને ગણોતધારાની કલમ-૬૩એએ માં પ્રામાણિક ઉદ્યોગ (Bonafide Industrial Purpose) માટે અને કોઈપણ પ્રકારના બિનખેતી વિષયક હેતુ માટે ગણોતધારાની કલમ-૬૩ અને નિયમ-૩૬ હેઠળ કલેક્ટરની પરવાનગી લઈને જમીન ખરીદી શકાય છે. તે જ રીતે આંતરમાળખાકીય યોજનાઓ (Infrastructure Project) માટે જમીન સંપાદન કરી શકાય છે. તેજ રીતે ટાઉનપ્લાનીંગ એક્ટ હેઠળ શહેરી વિકાસ / વિસ્તાર વિકાસ મંડળો દ્વારા Land use plan બનાવીને જરૂરિયાત મુજબ જમીન Earmark કરી ઉપયોગમાં લઈ શકાય છે. આમ જરૂરિયાત મુજબ ખેતીની જમીનો બિનખેતી વિષયક હેતુ માટે ખરીદ કરવાની જોગવાઈઓ છે. અગાઉ ગણોતધારાની કલમ-૬૩ હેઠળ ખરીદાયેલ ખેતીની જમીન બિનખેતીમાં ફેરવી છ માસથી શરૂ કરીને બે વર્ષ સુધીમાં ઉપયોગ કરવાનું નિયંત્રણ હતું તેમાં હવે ફેરફાર કરીને પાંચ વર્ષ અને ત્યારબાદ દસ વર્ષ સુધી (જંત્રીની રકમ ભરીને) ઉપયોગ કરવાની છુટછાટ મુકવામાં આવી છે.

પરંતુ બિનખેતીમાં ફેરવાયા બાદ અમર્યાદિત સમય સુધી બાંધકામનો સમયગાળો રદ કરવાથી ભયસ્થાન એ પેદા થયું છે કે જમીનોનું (Hoarding) સંગ્રહ, લેન્ડબેન્ક જમીનને નફાકીય હેતુનું સાધન બની ગયું છે. અગાઉ શહેરી જમીન ટોચ મર્યાદા ધારો-૧૯૭૬ અસ્તિત્વમાં હતો પરંતુ તેમાં છુટછાટના ધોરણો હતાં જે તે સમયની કલમ-૨૦/21 ULC કાયદાની જોગવાઈ હેઠળ રાજ્ય સરકાર છુટછાટ નબળાવર્ગના આવાસો માટે આપતા પરંતુ તેમાં મોટાપાયે ગેરઉપયોગ થતાં અમો જ્યારે વડોદરા ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર હતા ત્યારે તત્કાલીન શહેરી વિકાસ મંત્રી રામજેઠમલાણી હતા તેઓને રજુઆત કરતાં ULC કાયદો કેન્દ્ર સરકારનો હોવાથી તેઓને આ કાયદા હેઠળ થતું આચરણ અને આ કાયદાની જોગવાઈઓનો હેતુ સિધ્ધ થયેલ નથી તેમ જણાવતા તે કાયદો રદ કરવાનું શ્રેય તેમને જાય છે. પરંતું જમીન એ કુદરતી શંશાધન છે અને માનવીની વિકાસ પ્રક્રિયા સાથે તેના ઉપયોગમાં ફેરફાર થાય તે સહજ / સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતું તે સિમિત વ્યક્તિઓ (Land holders) માટે નફાકીય સાધન બને અને તેનો ઉત્પાદકીય સ્વરૂપે ઉપયોગ ન થાય તો કુદરતી શંશાધન તરીકે શોષણનું સાધન બની રહે છે અને આ પ્રક્રિયામાં ખેતીની જમીન ધરાવતા સામાન્ય ખેડુતવર્ગ કે જેનું જીવન નિર્વાહનું સાધન છે તે આથક લાભાલાભનો વિચાર કર્યા વગર સાધન સંપન્ન ખેડુતો અથવા વ્યક્તિઓ મોકાની જમીનો સસ્તા ભાવે ખરીદી અને અગાઉના લેખમાં જણાવ્યું તેમ ખેત જમીન ટોચ મર્યાદા ઉપરાંતની જમીનો ખરીદાઈ રહી છે. ેપરંતું તેઓની અન્ય આવકના સ્રોતો ઉભા કરવાની ક્ષમતા ન હોવાથી તેમજ સામાજીક રિતીરિવાજોમાં ખોટા ખર્ચ કરવાથી પાયમાલ સ્થિતિનું સર્જન થાય છે આ વાસ્તવિક પરિસ્થિતિથી સૌ કોઈ વાકેફ છે. પરંતું રાજ્ય સરકાર મુકપ્રેક્ષક બની રહે અને કાયદાકીય જોગવાઈઓનું નિષ્ફળ બનાવનારના ઈરાદાઓ નિષ્ફળ બનાવનાર તત્વો સામે કડક જોગવાઈઓ કરવી જરૂરી છે અને ઉપરોક્ત તમામ પાસાઓ સ્પષ્ટ કર્યા મુજબ ગુજરાતમાં જો ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડ-૫૪ના બિનખેડુતોને ખેતીની જમીન ખરીદ કરવાના નિયંત્રણો હળવા કરવામાં આવશે તો ખેતી ઉપર નિર્ભર ખેડુતો અને ખેત ઉત્પાદનની દૃષ્ટિએ વિપરીત પરિસ્થિતિ પેદા થશે. આ લેખનો વિષય ખુબજ અગત્યનો હોવાથી વસિયતનામા અંગે સુપ્રિમકોર્ટ, બિનખેડુત અંગે હાઈકોર્ટના ખંડપીઠનો ચુકાદો અને ખેડુત ખરાઈ પ્રમાણપત્રની યથાર્થતા અંગે આગામી લેખમાં વિવરણ કરીશું.

(ક્રમશઃ)


No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...