8.04.2022

ગણોતિયો જમીન ખરીદવાનો હક જતો કરે તો મૂળમાલિક જમીન ધારણ કરવા હકદાર છે

 

ગણોતિયો જમીન ખરીદવાનો હક જતો કરે તો મૂળમાલિક જમીન ધારણ કરવા હકદાર છે


જ્યારે ગણોતિયો જમીન ખરીદવાના તેના હકનો ઉપયોગ કરવા ઈચ્છુક ન હોય અને ગણોતિયો પોતાનો આવો હક જતો કરે ત્યારે તે સંજોગોમાં કાયદાનું ર્તાિકક પરિણામ એ છે કે એ જમીનના મૂળમાલિક તેવી જમીનમાં ખેતી કરવા અને તેના કુુટુંબને ટેકો આપવા, તે જમીનને ધારણ કરી રાખવા મૂળમાલિક હકદાર ઠરે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વ.મોતીજી જોધાજી સુથારનાં કાનૂની વારસો અને બીજા વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અને બીજા,લેટર્સ પેટન્ટ અપીલ નં. ૧૦૧/૨૦૧૪, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. ૪૦૬/૨૦૧૩, સિવિલ એપ્લિકેશન નં. ૧૦૪૩/૨૦૧૪ના કામે તા. ૦૬-૦૫-૨૦૧૪ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટ (ન્ન્ત્ન), વોલ્યુમ-૨, ઈસ્યુ-૭, જુલાઈ-૨૦૧૪, પાના નં.૬૦૯) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

મામલતદાર અને કૃષિપંચ (લખવડ) દ્વારા પ્રશ્નવાળી જમીન અંગે ગણોત કેસ નં.૧૪ અને ૧૫/૧૯૫૯ મુજબની મુંબઈ ગણોત વહીવટ અને ખેતીવિષયક જમીનનો અધિનિયમ- ૧૯૪૮ની કલમ ૩૨(પી) અન્વયેની કાર્યવાહી કરવામાં આવેલ અને તેવી કાર્યવાહીમાં થયેલ તા. ૩૧-૦૩-૧૯૭૫ના રોજના હુકમને હાલના અરજદારો દ્વારા યાને મોતીજી જોધાજી સુથારના વારસો દ્વારા નાયબ કલેક્ટર સમક્ષ પડકારવામાં આવેલ. જે અંગે નાયબ કલેક્ટરે ગણોત કેસ નં. ૨૧૧/૧૯૭૬ના કામે તા. ૨૪-૦૯-૧૯૭૭ના રોજ હુકમ કરી મામલતદાર અને કૃષિપંચનો હુકમ કાયમ રાખવામાં આવેલ. નાયબ કલેક્ટરના આ હુકમથી નારાજ થઈ મોતીજી જોધાજી સુથારના વારસોએ ગુજરાત મહેસૂલપંચ સમક્ષ ફેરતપાસ અરજી નં. ટી.ઈ.એન./બી.એ./૨૧૯/૨૦૧૧ના કામે ડીલે અને લેચીસના આધાર ઉપર અરજદારોની ફેરતપાસ અરજી રદ કરવાનો હુકમ તા. ૦૩-૧૦-૨૦૧૨ના રોજ ફરમાવવામાં આવેલ. ગુજરાત મહેસૂલ પંચના આ હુકમ સામે પક્ષકારોએ નામદાર હાઈકોર્ટના વિદ્વાન સિંગલ જજ સાહેબ સમક્ષ પિટીશન દાખલ કરેલ. પરંતુ વિદ્વાન સિંગલ જજ સાહેબે તા. ૨૭-૨-૨૦૧૩ના રોજ હુકમથી પક્ષકારોની અરજી રદ કરેલ. જે હુકમ સમક્ષ અપીલકર્તાઓએ હાલનો આ કેસ દાખલ કરેલ છે.

હાલના કેસમાં મહત્ત્વની તકરાર ગણોતધારાની કલમ-૩૨ (પી) અન્વયે થયેલ કાર્યવાહીને સંબંધિત છે. ગણોતધારાની કલમ-૩૨ (પી) ગણોતિયાએ ખરીદી ન હોય તેવી જમીન ખાલસા કરવાની અને તેનો નિકાલ કરવાની કલેક્ટરની સત્તા અને કલેક્ટરના હુકમ વિરુદ્ધ અપીલ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે.

અરજદાર તરફે એવી રજૂઆત કરવામાં આવેલ કે, તેઓ પ્રશ્નવાળી જમીન કે જેનું ક્ષેત્રફળ ૪ એકર અને ૩ ગુંઠા છે તે સિવાય અન્ય કોઈ જમીનો ધરાવતા નથી. તેમજ અપીલકર્તાના પુરોગામીને પ્રશ્નવાળી જમીન અંગે મહેસૂલ અધિકારીઓ દ્વારા મુંબઈ ગણોત વહીવટ અને ખેતીવિષયક જમીનો અધિનિયમ- ૧૯૪૮ની કલમ-૩૨ (પી) અંગેની કાર્યવાહીના કામે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની નોટિસ બજાવવામાં આવી ન હોવા છતાં તે અંગે હુકમ પસાર કરવામાં આવેલ હતો.

જેમાં નામદાર હાઈકોર્ટે એવું તારણ આપેલ કે મુંબઈ ગણોત વહીવટ અને ખેતીવિષયક જમીનો અધિનિયમ-૧૯૪૮, એ બાબતનું ધ્યાન રાખવાના હેતુથી ઘડવામાં આવ્યો હતો કે, આ કાયદો ઘડવાના સમયે પ્રમાણિક ગણોતિયાઓ જે જમીન ઉપર ખેતી કરતા આવેલ હતા, તે જમીન ધારણ કરી રાખવા સક્ષમ રહે, પરંતુ, એવી ક્ષણે કે જ્યારે ગણોતિયો પ્રશ્નવાળી જમીન ખરીદવાનાં તેના હકનો ઉપયોગ કરવા ઈચ્છુક ન હોય, અને તેનો આવો હક જતો કરે, તો કાયદાનું ર્તાિકક પરિણામ એ છે કે મૂળમાલિક, તે જમીનમાં ખેતી કરવા અને તેના કુટુંબને ટેકો આપવા, તે જમીનને ધારણ કરી રાખવા માન્ય ઠરશે.

વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જણાવેલ કે, મોતીજી જોધાજી સુથારનો એવો દાવો નથી કે, તેઓ એવા મોટા જમીનમાલિક છે કે, તેમને પોતે કેટલી જમીનનો કબજો ધરાવે છે, તેનો અંદાજો ન હોય. આવી સ્થિતિમાં જો મૃતક મોતીજી જોધાજી સુથારનાં કુટુંબને ૪ એકર અને ૩ ગુંઠા જેટલા ક્ષેત્રફળવાળી જમીનથી વંચિત કરવામાં આવે તો તે, કોઈ પણ રીતે સામાજિક ન્યાયમાં પરિણમશે નહીં. તેથી કોર્ટ એવો વિચારેલ મત ધરાવે છે કે, મામલતદારથી લઈને કૃષિપંચ સુધીના તમામ હુકમો રદ કરવા જોઈએ અને સેટ-એસાઈડ કરવા જોઈએ.

આથી નામદાર હાઈકોર્ટે મામલતદારથી લઈને કૃષિપંચ સુધીના તમામ હુકમો રદ અને સેટ-એસાઈડ જાહેર કરેલ. તેમજ શ્રી મોતીજી જોધાજી સુથારનાં કુટુંબનાં સભ્યો માલિક તરીકે જમીન ધારણ કરવાનું ચાલુ રાખશે, અને તેમનો કબજો કે જે આજદિન સુધી આ તમામ વર્ષો દરમિયાન તેમની પાસે રહેવા પામેલ છે, તેમાં કોઈ ખલેલ કરવામાં આવશે નહીં તેવું જાહેર કરેલ.

આમ, ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટપણે ફલીત થાય છે કે, જ્યારે ગણોતિયો જમીન ખરીદવાના તેના હકનો ઉપયોગ કરવા ઈચ્છુક ન હોય અને ગણોતિયો પોતાનો આવો હક જતો કરે ત્યારે તે સંજોગોમાં કાયદાનું ર્તાિકક પરિણામ એ છે કે એ જમીનના મૂળમાલિક તેવી જમીનમાં ખેતી કરવા અને તેના કુટુંબને ટેકો આપવા, તે જમીનને ધારણ કરી રાખવા મૂળમાલિક હકદાર છે. (સંદર્ભઃ લેન્ડ લોઝ જજમેન્ટ (LLJ), વોલ્યુમ-૨, ઈસ્યુ-૭, જુલાઈ-૨૦૧૪, પાના નં.૬૦૯)

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...