6.26.2023

જમીનોનું રીસર્વે અને સીટી સર્વેની જમીન મહેસૂલ કાયદાની જોગવાઈઓ




 જમીનોનું રીસર્વે અને સીટી સર્વેની જમીન મહેસૂલ કાયદાની જોગવાઈઓ


લોકાભિમુખ માર્ગદર્શન -  એચ.એસ. પટેલ IAS (નિ.)

- રીસર્વેની ક્ષતિ સુધારણા ઝુંબેશ સ્વરૂપે કરવી જરૂરી

ભારત ખેતી પ્રધાન દેશ છે અને આજે પણ ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત ઉપર મહત્વ ધરાવે છે અને તે અનુસાર ખેતીની જમીન ઉપરનું મહેસુલ ઉઘરાવવુ તે રાજ્યનું અગત્યનું આવકનું સાધન હતું. અંગ્રેજોના આગમન પહેલાં - શેરશાહ સુરી દ્વારા પ્રથમવાર જમીનની પ્રત પ્રમાણે જમીનનો આકાર (મહેસુલ) નક્કી કરવામાં આવેલ. મુંબઈ પ્રાન્તમાં અને હાલના ગુજરાતમાં 'રૈયતવારી' પધ્ધતિ હતી જેમાં બ્રિટીશ હકુમતના વિસ્તારમાં રાજ્યને મહેસુલ સીધે સીધુ આપવાનું થતું હતું. આ મહેસુલી પધ્ધતિને સર્વે સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે જેમાં મુંબઈ માપણી અને જમાબંધી નિયમસંગ્રહ આર. જી. ગોર્ડન આઈ.સી.એસ. અધિકારીએ તૈયાર કરેલ, જેમાં જમીનની માપણીની પધ્ધતિઓ અને જમીનની પ્રત પ્રમાણે મહેસુલ નક્કી કરવાની પધ્ધતિને સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એન્ડરસન દ્વારા મહેસુલી હિસાબી પધ્ધતિ વિકસાવી જેને રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. અને તે અનુસાર ગામના નમુના નં. ૧ થી ૧૮ કે જેમાં સમગ્ર મહેસુલી ગામનો વહીવટ આવી જાય છે.

ઉક્ત પૂર્વભૂમિકા સર્વે અને સેટલમેન્ટના પાયાના સિધ્ધાંતો સમજવા માટે વર્ણવવામાં આવી. જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ની જોગવાઈઓમાં જમીનોનું સર્વે એટલેકે મોજણી-માપણીની જોગવાઈ કરવામાં આવી છે અને જમીન ઉપરનું મહેસુલ દર ૩૦ વર્ષે રીવાઈઝ કરવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી છે અને આ કાયદાની જોગવાઈ પ્રમાણે રાજ્યને કોઈપણ વિસ્તારનું રીસર્વે કરવાની સત્તાઓ આપવામાં આવેલ છે. ગુજરાતમાં આઝાદી બાદ મોટાભાગના ગામોમાં ૧૯૫૫-૫૬માં સર્વે કરવામાં આવેલ અને તે આધારે દરેક ગામનો કાયમી ખરડો (રકબો) તૈયાર કરવામાં આવેલો જે આજે પણ આધારભુત તરીકે માન્ય રાખવામાં આવે છે અગાઉ જે સર્વે કરવામાં આવેલ જે જુની સાંકળપધ્ધતિથી કરવામાં આવેલ અને તેમાં જે ક્ષેત્રફળમાં ખાસ કરીને traverse  બિનસરકારી નંબરોમાં લાગુ સર્વે નંબરના દબાણો તેમજ અન્ય ક્ષતિઓ રહેવા પામેલ તેમ છતાં અગાઉના સર્વે માપણી પ્રમાણે જે રેકર્ડ કાયમી ખરડાને આધારે ૭/૧૨ લખવામાં આવેલ અને સબંધિત પ્રાન્ત અધિકારી દ્વારા પ્રથમ Promulgation કરવામાં આવેલ, તે મહ્દ્અંશે સબંધિત સર્વે નંબરના કબજેદારોને માન્ય હતું અને આ રેકર્ડનો ૭/૧૨નો સમયગાળો દસ વર્ષનો હતો એટલે Rewritingના ભાગરૂપે ફરીથી તે રેકર્ડ જે સર્વે નંબરોના ભાગલા પડયા હોય તેના પેટા હિસ્સો આપી, મૂળ સ્વરૂપે રેકર્ડ લખાઈને સબંધિત પ્રાન્ત અધિકારી દ્વારા પ્રમાણિત જાહેર કરવામાં આવતું.

રાજ્ય સરકારે ભારત સરકારની યોજના અન્વયે મહેસુલી રેકર્ડ અદ્યતન કરવાના ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર અને મહેસાણા જીલ્લાઓને રીસર્વે માટે લેવામાં આવેલ, અને આ કામગીરી ખાનગી એજન્સીને આપવામાં આવેલ શરૂઆતના પાયલોટ પ્રોજેક્ટ બાદ, રાજ્યના તમામ જીલ્લાઓને આવરી લેવામાં આવેલ, આમ તો રીસર્વેમાં મૂળ રેકર્ડ મુજબ એટલેકે ડી.આઈ.એલ.આર. દ્વારા જે મૂળ ગામનાં મહેસુલી રેકર્ડ નિભાવવામાં આવતું તેને Base લેવાનો હતો અને સબંધિત ગામની માપણી સમયે સબંધિત ગામના સર્વેનંબરના ખાતેદાર / કબજેદારની હાજરીમાં માપણી કરવામાં આવનાર હતી તેમજ ગામસભા બોલાવીને જાણ કરવાની હતી. પરંતુ તેમ કરવાને બદલે ખાનગી એજન્સી દ્વારા જે કબજેદારો / ખાતેદારો સાથે પ્રત્યક્ષહાજરીમાં માપણી કરવાની હતી તેના બદલે Bisag ની તેમજ Google image ના આધારે માપણી કરી રેકર્ડ સુપ્રત કરવામાં આવ્યુ અને તે અનુસાર ઉતાવળે સબંધિત પ્રાન્ત અધિકારીઓ દ્વારા રેકર્ડ પ્રમાણિત જાહેર કરવામાં આવ્યુ જેની સંખ્યાબંધ ભુલો હજુ પણ સુધારી શકાયેલ નથી. ઘણી જગ્યાએ એવુ પણ બનવા પામેલ છે કે સરકારનું હિત સમાયેલ હોય તેવા સરકારી / ગૌચરના સર્વે નંબરોનું ક્ષેત્રફળ ઓછું થયું છે અથવા તો વર્ષો પહેલાં સરકારી જમીન જેમને ગ્રાન્ટ કરવામાં આવી હોય તે કબજો સુપ્રત કર્યો હતો તેના બદલે વિકસીત વિસ્તારમાં કે મુખ્ય રસ્તાઓની બાજુમાં જમીન માપણી કરાવી, ક્ષેત્રફળ દર્શાવામાં આવ્યું હોય. આ તો ઉદાહરણ સ્વરૂપે દાખલાઓ દર્શાવ્યા છે. ઘણી જગ્યાએ વ્યાજબી કિસ્સાઓ જેમ કે ભાઈઓ ભાગે વહેંચણી થયેલ હોય મૂળ સર્વે નંબરના પેટા હિસ્સા આપવામાં આવેલ હોય નવીન માપણીમાં પેટા હિસ્સાને બદલે સ્વતંત્ર સર્વે નંબર આપવાનો હોય તેના બદલે મૂળ સર્વે નંબર મુજબનું અદલાબદલાના કિસ્સામાં પણ નંબરો ઉલટ સુલટ કરવામાં આવ્યા હોય આમ આવી પાયાની ક્ષતિઓ કે જેને રેકર્ડ આધારિત દુરસ્તી કરવાની હોય તેમાં પણ અગાઉ તો શરૂઆતમાં આવા ક્ષેત્રફળ સુધારવા નાયબકલેક્ટર સમક્ષ અપીલ કરવાનું જણાવવામાં આવતું પરંતુ સમગ્ર રાજ્યમાં મોટાભાગે આવા કિસ્સાઓ હોવાથી ફક્ત સબંધિત ખાતેદારની અરજીના આધારે ફેરફાર કરવાનું જણાવવામાં આવેલ અને આ પ્રક્રિયાને પણ પાંચ વર્ષ ઉપરાંતનો સમય થયેલ છે. હજી સુધી આ કાર્યવાહી પુર્ણ થયેલ નથી હજુ પણ જીલ્લાવાર મોટાપાયે અરજીઓ Pending છે રાજ્યમાં અમુક જીલ્લાઓમાં તો હજુ ઘણા ગામડાઓનું રીસર્વે મુજબ Promulgation થયેલ નથી. 

આમ મહેસુલી રેકર્ર્ડ અદ્યતન કરવાના ભાગરૂપે રીસર્વેદાખલ કરવામાં આવેલ, તેમાં તમામ ખાતેદારના સર્વે નંબરનો નકશો પણ ઉપલબ્ધ થાય અને ચોક્કસ ક્ષેત્રફળ મળી રહે, સરકારી, સાર્વજનિક ઉપયોગી જમીનો ઉપર દબાણ ન થાય તેના ભાગરૂપે ચોક્કસ હદ્ નિશાન સાથે ક્ષેત્રફળ મળી રહે તે આશય હતો તે સિધ્ધ થયેલ નથી. 

રીસર્વે બાદ ઉદભવેલ પ્રશ્નોના નિરાકરણ માટે મૂળ સર્વે થયેલ તે ડી.આઈ.એલ.આર પાસેનું સર્વે રેકર્ડ ગુણાકાર બુક સહિત ટીપ્પણ, ગામનો કાયમી ખરડા સાથે રીસર્વે મુજબ થયેલ માપણી, ક્ષેત્રફળમાં થયેલ વધ-ઘટ અને તે ચોક્કસ પુરાવા આધારિત સર્વે વિભાગના અધિકારીઓની ટીમ બનાવી, જરૂર જણાયે સ્વતંત્ર માપણી એજન્સીઓ રોકી અથવા નિવૃત્ત ડી.આઈ.એલ.આર. / એસ.એલ.આર ને રાખીને ઝુંબેશ સ્વરૂપે રીસર્વેની ક્ષતિઓ સુધારવા માટે કામગીરી કરવી જરૂરી છે અને તો જ જમીના ધારકોને તેઓએ ધારણ કરેલ જમીનના ક્ષેત્રફળ મુજબના હક્કો પ્રાપ્ત થશે. પ્રવર્તમાન સમયમાં શહેરીકરણ / ઔદ્યોગિકરણના આગામી લેખમાં વિવરણ કરીશુ.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...