6.26.2023

દિવાની કાર્યવાહીઓમાંની જોગવાઈઓનો અમલ કરવો ફરજિયાત છે

 દિવાની કાર્યવાહીઓમાંની જોગવાઈઓનો અમલ કરવો ફરજિયાત છે


તમારી જમીન,  તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

દિવાની બાબતોને લગતી કાર્યવાહીઓ માટે આપણે ત્યાં કાયદાની જોગવાઇઓ કરાયેલી છે. આ કાર્યવાહીમાં તેનો અમલ કરવો ફરજિયાત છે. કઇ કાર્યવાહી માચે ક્યારે શું શું કરવું કે શું ન કરવું તેની સ્પષ્ટ જોગવાઇઓ આ ક્ષેત્રમાંના તમામ લોકો માટે જાણવી જરૂરી છે. તેમાં સિવિલ પ્રોસિજર કોડના હુકમ-૯ ના હેઠળના નિયમો વિષે અને પક્ષકારોએ હાજર થવા વિષે તથા ન હાજર થવાના પરિણામ વિષે જોઇશું.

નિયમ-૧ : પ્રતિવાદીને હાજર થઈને જવાબ આપવા માટેના સમન્સમાં ઠરાવેલા દિવસે પક્ષકારોએ હાજર થવું : પ્રતિવાદીને હાજર થઈને જવાબ આપવાને સમન્સમાં જે દિવસ ઠરાવ્યો હોય, તે દિવસે પક્ષકારોએ જાતે અથવા પોત પોતાના વકીલો મારફતે ન્યાયાલયના મકાનમાં હાજર રહેવું જોઈશે અને આગળનો કોઈ દિવસ ઠરાવીને તે ઉપર દાવાની સુનાવણી ન્યાયાલય મુલતવી ન રાખે, તો તે જ વખતે કરવી જોઈશે.

નિયમ-૨ :  જયારે આવા નક્કી કરેલા દિવસે, પ્રતિવાદી ઉપર સમન્સની બજવણી ન્યાયાલયની ફી અથવા પોસ્ટની મહેસૂલ જો હોય તો તે, તેની ચુકવણી ન કરવાના કારણે અથવા સી.પી.સી.ના હુકમ-૦ ના નિયમ-૯ દ્વારા જણાવ્યા પ્રમાણે દાવાઅરજીની નકલો રજૂ ન કરવાના કારણે પ્રતિવાદી ઉપર સમન્સ બજાવવામાં આવ્યું હોય ત્યારે ન્યાયાલય એવો દાવો કાઢી નાખવાનો હુકમ કરી શકશે. પરંતુ એવી જોગવાઈ કરાઈ છે કે આવી નિષ્ફળતા હોવા છતાં, પ્રતિવાદી રૂબરૂ અથવા એજન્ટ દ્વારા, જ્યારે હાજર થઈ જવાબ આપવા માટે નક્કી કરેલા દિવસે એજન્ટને હાજર રહેવાની છૂટ આપી હોય ત્યારે આવો કોઈપણ હુકમ કરી શક્શે નહીં.

નિયમ-૩ : જ્યારે દાવો સુનાવણી માટે નીકળે ત્યારે, બેમાંથી કોઈપણ પક્ષકાર હાજર ન થાય, ત્યારે દાવો કાઢી નાખવો એવો હુકમ ન્યાયાલય કરી શકશે.

નિયમ-૪:  વાદી નવો દાવો માંડી શકશે અથવા ન્યાયાલય તે ફરી ફાઈલ ઉપર લઈ શક્શેઃ જ્યારે નિયમ-૨ અથવા નિયમ-૩ હેઠળ દાવો કાઢી નાંખવામાં આવે ત્યારે (મુદતના કાયદાને અધીન રહીને) વાદી નવો દાવો માંડી શકશે અથવા દાવો કાઢી નાખવાનો હુકમ, રદ કરવાનો હુકમ મેળવવા અરજી કરી શકશે. યથાપ્રસંગ, નિયમ-૨ માં ઉલ્લેખ્યા પ્રમાણેની કસૂર અથવા પોતે ગેરહાજર રહ્યો હોય તે માટે પૂરતું કારણ હતું એમ વાદી ન્યાયાલયને ખાતરી કરાવે તો ન્યાયાલયે તે દાવો કાઢી નાખ્યાનો હુકમ રદ કરવાનો હુકમ કરવો જોઈશે.
(૧) જ્યારે પ્રતિવાદી અથવા ઘણા પ્રતિવાદીઓમાંના એક પ્રતિવાદી ઉપર સમન્સ કાઢવામાં આવ્યો હોય તથા તે બજ્યા વગર પાછો આવે ત્યારે, વાદી સમન્સ બજાવનાર અધિકારીઓએ પાછા આપેલા સમન્સને ન્યાયાલયમાં સાધારણ રીતે પ્રમાણિત કરનાર અધિકારીએ ન્યાયાલયને પાછો મોકલ્યાની તારીખથી ૨ સાત દિવસ) ની મુદત સુધી નવો સમન્સ કાઢવાની અરજી કરે,તો વાદી સદરહુ મુદતમાં - 
(એ) જે પ્રતિવાદીને સમન્સ બજાવવામાં આવ્યો ન હોય તે પ્રતિવાદીનું નિવાસસ્થાન શોધી કાઢવાના બનતા પ્રયાસો કરવા છતાં પોતે તેને શોધી શક્યો નથી, અથવા
(બી) એવો પ્રતિવાદી કામગીરી હુકમ લેવાનું ટાળે છે, અથવા (સી) મુદત વધાવરવાનું બીજું કોઈ પુરતું કારણ છે, એમ ન્યાયાલયને ખાતરી કરી આપી હોય તે સિવાય, એવા પ્રતિવાદી સામેનો દાવો કાઢી નાખવાનું ફરમાવવાને માટે ન્યાયાલયને હુકમ કરવો જોઈશે. (૨) આવા પ્રસંગે વાદી (મુદતના કાયદાને આધીન રહીને) નવો દાવો લાવી શકશે.

નિયમ-૬ :એક્લો વાદી હાજર થાય ત્યારે કાર્યરીતિ : (૧) જ્યારે દાવો સુનાવણી માટે નીકળે ત્યારે વાદી હાજર થાય અને પ્રતિવાદી હાજર ન થાય ત્યારે -
(એ) જો સમન્સ યોગ્ય રીતે બજાવ્યો છે એમ સાબિત થાય તો, દાવાની એક્તરફી સુનાવણી કરવાનો હુકમ કરી શકશે.
(બી) સમન્સ યોગ્ય રીતે બજાવ્યો છે એમ સાબિત ન થાય તો પ્રતિવાદી ઉપર બીજો સમન્સ કાઢીને તે બજાવવાનો ન્યાયલયે આદેશ આપવો જોઈશે.
(સી) પ્રતિવાદી ઉપર સમન્સ બજાવ્યો છે, પણ સમન્સમાં ઠરાવેલા દિવસે હાજર થઈને જવાબ આપવાને જોઈએ તેટલા સમયની અંદર તે બજાવ્યો નથી એમ સાબિત થાય તો ન્યાયાલયે પોતે નકકી કરે તેવા કોઈ આગળના દિવસે ઉપર દાવાની સુનાવણી મુલતવી રાખવી જોઈશે. અને તે દિવસની નોટિસ પ્રતિવાદીને આપવી એવો આદેશ આપવો જોઈશે.
(૨) વાદીની કસૃરને લીધે યોગ્ય રીતે અથવા પૂરતા સમયમાં સમન્સ બજાવવામાં ન આવ્યો હોય ત્યારે સુનાવણી મુલત્વી રાખવાથી થયેલો ખર્ચ વાદીએ આપવો એવો ન્યાયાલયે હુકમ કરવો જોઈશે.

નિયમ-૭: ન્યાયાલયે દાવાની એક્તરફથી સુનાવણી અમુક દિવસ મુલતવી રાખી હોય અને તે સુનાવણી કરતી વખતે અથવા તે પહેલાં, પ્રતિવાદી, હાજર થાય અને અગાઉ હાજર ન થવાનું સબળ કારણ બતાવે ત્યારે ખર્ચ અંગે અથવા બીજી રીતની ન્યાયાલય ફરમાવે તે શરતોએ હાજર થવા માટે ઠરાવેલા દિવસે તે હાજર થયો હોત તો, તેનો જવાબ જે રીતે સાંભળ્યો હોય તો તે રીતે દાવાનો જવાબ તેની પાસેથી સાંભળી શકાશે.

નિયમ-૮ : એક્લો પ્રતિવાદી હાજર થયા ત્યારે કાર્યરીતિઃ જ્યારે દાવો સુનાવણી માટે નીકળે ત્યારે પ્રતિવાદી હાજર થાય અને વાદી હાજર ન થાય. ત્યારે ન્યાયાલયે દાવો કાઢી નાખવાનો હુકમ કરવો જોઈશે. પરંતુ પ્રતિવાદી દાવાની રકમ અથવા તેનો કોઈ ભાગ આપવા કબૂલ થાય તો, તે કબૂલાત ઉપરથી પ્રતિવાદી વિરુદ્ધ ન્યાયાલયે હુકમનામું કરવું જોઈશે અને એ દાવાની રકમનો માત્ર એક ભાગ કબૂલ કર્યો હોય ત્યારે બાકીના ભાગ પૂરતો દાવો કાઢી નાખવો જોઈશે.

નિયમ-૯ : વાદીની ક્સૂરને લીધે તેની વિરુધ્ધ હુકમનામું થાય, તો પછી નવો દાવો કરી શક્શે નહીં.
(૧) જયારે નિયમ-૮ હેઠળ પૂરો દાવો કે તેનો કંઈ ભાગ કાઢી નાખવામાં આવ્યો હોય, ત્યારે દાવાના તે જ કારણ સંબંધમાં વાદી નવો માંડી શકશે નહીં, પરંતુ કાઢી નાખવાનો હુકમ રદ કરવા વાદી અરજી કરી શકશે અને દાવો સુનાવણી માટે નીકળ્યો ત્યારે, પોતે હાજર થઈ શક્યો નહીં. એમ વાદી ન્યાયાલયને ખાતરી કરાવે તો, ખર્ચ અથવા બીજી રીતની પોતાને યોગ્ય લાગે તે શરતો કરીને, ન્યાયાલયે દાવો કાઢી નાખવાનો હુકમ રદ કરવો જોઈશે.
(૨) આ નિયમ હેઠળનો હુકમ અરજી વિષેની નોટિસ સામા પક્ષકારને પહોંચાડવામાં ન આવી હોય, તો કરી શકાશે નહીં.

નિયમ-૧૦ : જ્યારે દાવામાં એક કરતાં વધારે વાદીઓ હોય અને તેમાંનો એક અથવા વધારે હાજર થાય અને બીજો હાજર ન થાય, ત્યારે ન્યાયાલય હાજર થયેલા વાદી અથવા વાદીઓના સૂચન ઉપરથી બધા વાદીઓ હાજર થયા હોય તેમ દાવાની કાર્યવાહી આગળ ચલાવવાની પરવાનગી આપી શકશે અથવા પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરી શકશે.

નિયમ-૧૧ :  દાવામાં જ્યારે એક કરતાં વધારે પ્રતિવાદીઓ હોય અને તેમાંનો એક અથવા વધારે હાજર હોય અને બીજા હાજર ન હોય, ત્યારે દાવાનું કામ આગળ ચાલશે અને ન્યાયાલયમાં હાજર ન થયા હોય તે પ્રતિવાદી અથવા પ્રતિવાદીઓની બાબતમાં કેંસલો આપતી વખતે, પોતાને યોગ્ય જણાય તેવો આદેશ કરી શકશે.

નિયમ-૧૨ : જે વાદી અથવા પ્રતિવાદીને જાતે હાજર થવાનો હુકમ કર્યો હોય તે જાતે હાજર ન થાય અથવા તે પ્રમાણે હાજર ન થવાની ન્યાયાલયને ખાતરી થાય એવી રીતે પૂરત કારણ ન બતાવે ત્યારે હાજર ન થનારા વાદી તથા પ્રતિવાદીને લાગુ પડે.

નિયમ-૧૩ : પ્રતિવાદી સામેનું એક તરફી હુકમનામું રદ કરવા બાબત : કોઈપણ કેસમાં પ્રતિવાદી સામેનું એક તરફી હુકમનામું થયું હોય ત્યારે, તે રદ કરવાનો હુકમ કરાવવા માટે તે હુકમનામું કરનારા ન્યાયાલયને તે પ્રતિવાદી અરજી કરી શકશે જો તે ન્યાયાલયને ખાતરી કરાવે કે સમન્સ યોગ્ય રીતે બજાવવામાં આવ્યો ન હતો અથવા દાવો સુનાવણી માટે નીકળ્યો તે વખતે કોઈ પૂરતાં કારણને લીધે પોતે હાજર થઈ શક્યો ન હતો, તો ખર્ચ વિષે ન્યાયાલયમાં રકમ ભરવા વિષે અથવા બીજી રીતે તે વિષે ન્યાયાલયને યોગ્ય લાગે તે શરતો કરીને, પ્રતિવાદી સામે હોય તે હુકમનામું, રદ કરવાનો ન્યાયાલયે હુકમ કરવો જોઈશે અને દાવાની કાર્યવાહી માટે દિવસ નક્કી કરવો જોઈશે. પરંતુ એવું હુકમનામું માત્ર એવા પ્રતિવાદી પૂરતું રદ ન કરી શકાય એવા પ્રકારનું હોય, ત્યારે તે બીજા તમામ અથવા બીજા કોઈપણ પ્રતિવાદી પૂરતું રદ કરી શકાશે. વધુમાં જો ન્યાયાલયને એવી ખાતરી થાય કે પ્રતિવાદીને સુનાવણીની તારીખની જાણ હતી અને વાદીના દાવાનો હાજર થઈ જવાબ આપવા માટે તેની પાસે સમય હતો, તો સમન્સ બજાવવામાં અનિયમિતતા થઈ છે માત્ર તેવા કારણે કોઈપણ ન્યાયાલયથી એક તરફી કરેલું હુકમનામું રદ કરી શકાશે નહીં.
સ્પષ્ટીકરણઃ આ નિયમ હેઠળ કરવામાં આવેલા એક તરફી હુકમનામા સામે અપીલ કરવામાં આવી હોય અને અપીલ કરનારે અપીલ પાછી ખેંચી લીધી છે તેવા કારણ સિવાયના કોઈપણ કારણે અપીલનો નિકાલ કરવામાં આવ્યો હોય, તો તે એક તરફથી હુકમનામું રદ કરવા માટે આ નિયમ હેઠળ કોઈ અરજી કરી શકાશે નહીં. નિયમ ૧૪: સામા પક્ષકારને નોટિસ પહોંચાડયા વિના હુકમનામું રદ કરવું નહીં.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...