ગરીબોને લૂંટનારા બિલ્ડર્સને પાતાળમાંથી શોધી કાઢીશું: સુપ્રીમ
- દિલ્હી એનસીઆરમાં હજારો લોકો દેવાદાર છતાં મકાનનો કબજો ના મળતા સુપ્રીમ નારાજ
- પુરી સિસ્ટમ જ પીડિત, હજારો લોકો રડી રહ્યા છે, સુપ્રીમ દરરોજ ગરીબોની દુર્દશા જોઇ રહી છે: ન્યાયાધીશ સૂર્યકાંત
- કબજા વગર બિલ્ડરોના ખાતામાં બેંકો નાણા જમા કરે છે, ફરિયાદ કરીએ તો ઇએમઆઇ માટે પરેશાન કરાય છે: અરજદારો
- અમે ગરીબોના આંસુ તો નહીં લૂંછી શકીએ પરંતુ સીબીઆઇ પાસે તપાસ કરાવી આના મૂળમાં જઇશું: સુપ્રીમ
- હજુ સાઇટ પર એક ઇંટ પણ ના મુકાઇ હોય ત્યાં તમે લોકો 60 ટકા નાણા જમા કરાવી દો છો: અરજદારોને પણ સુપ્રીમની ટકોર
નવી દિલ્હી : ગરીબ-મધ્યમ વર્ગના લોકોના મહેનતના પરશેવાની લાખોની કમાણી ચાઉં કરીને તેમને મકાન ના આપનારા બિલ્ડરો સામે સુપ્રીમ કોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે. નોઇડા હોય કે ગુરુગ્રામ દિલ્હી આસપાસના પુરા એનસીઆરમાં ચેતરપિંડી કરનારા, ગરીબોના રૂપિયા પડાવીને બદલામાં ફ્લેટ ના આપનારા બિલ્ડરોનું પ્રમાણ વધી ગયું છે. મામલો સુપ્રીમ કોર્ટ પહોંચતા બેંચે સમગ્ર તપાસ સીબીઆઇને સોંપવાના સંકેતો આપ્યા છે. બેન્કો અને બિલ્ડરો વચ્ચે કથિત સાંઠગાંઠ પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમે આકરી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે પુરી સિસ્ટમ જ પીડિત છે, હજારો લોકો રડી રહ્યા છે, સુપ્રીમ કોર્ટ દરરોજ ગરીબોની આ દુર્દશા જોઇ રહી છે.
આ વિસ્તારના મકાન માલિકોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને બિલ્ડરો તેમજ ડેવલપર્સ દ્વારા વિલંબ થતા તેમને ફ્લેટનો કબજો ના સોંપાયો હોવાની ફરિયાદ કરી હતી. સાથે જ કહ્યું હતું કે ફ્લેટ તો નથી મળ્યા બીજી તરફ લાખો રૂપિયાની લોન લીધી છે જેના ઇએમઆઇની ભરપાઇ માટે બેન્કો તરફથી દબાણ થઇ રહ્યું છે. આ મામલાની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશોની બેંચમાં સામેલ ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે અમે કોઇ પણ સંસ્થાનને સારી કે ખરાબ નહીં માનીએ, અમે ચોક્કસપણે આ મામલે સીબીઆઇ દ્વારા તપાસ કરાવીશું, હજારો લોકો રડી રહ્યા છે, અમે તેમના આંસુ નહી લુછી શકીએ પરંતુ અમે તેમના મામલાઓને લઇને ચુકાદો આપી શકીએ, સમયબદ્ધ રીતે બહુ જ પ્રભાવી પગલા લેવાની જરૂર છે. આ મામલે અમારો ઝીરો ટોલરંસ છે, જે દોષી છે તેઓ ધરતીની નીચે જઇને છુપાઇ બેઠા હશે તો ત્યાંથી પણ તેેમને શોધી કઢાશે.
આ પહેલા જુલાઇ ૨૦૨૪માં પણ સુપ્રીમે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને આદેશ આપ્યો હતો કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)માં એવા લોકોની સામે કોઇ જ દંડીત કાર્યવાહી ના કરવામાં આવે કે જેમને ફ્લેટનો કબજો ના સોંપાયો હોય અને ઇએમઆઇની વસૂલાત ચાલુ હોય, મકાન માલિકોએ આરોપ લગાવ્યો છે કે આરબીઆઇની ગાઇડલાઇનનું પણ ઉલ્લંઘન થઇ રહ્યું છે અને લોનની રકમ સીધા બિલ્ડરો તેમજ ડેવલપર્સના ખાતામાં જમા કરી દેવામાં આવે છે. એવા પણ આરોપો લગાવાયા છે કે લોન સ્વીકૃત કરાવવા માટે ઘર ખરીદનારાઓનો એક માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે મકાન ખરીદનારાઓએ આ મામલે ફરિયાદ કરી તો બેન્કોએ તેમની સામે કાર્યવાહી શરૂ કરી દીધી. સુપ્રીમના ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે અમે એક પણ બેન્કને શંકાથી મૂક્ત નથી માનતા, અમે તેમની કાર્યપદ્ધતી જોઇ છે. આ મામલામાં અનેક એવા લોકો છે જેમને ૧૦ કે ૧૫ વર્ષ વીતી ગયા છતા મકાનનો કબજો નથી સોંપાયો.
અરજદારો વતી હાજર વરીષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે જો કોઇ બિલ્ડર દેવાદાર થઇ જાય તો તેમાં પણ મકાન ખરીદનારાની ભૂલ માનવામાં આવે છે, જવાબમાં ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે તમારી ભૂલ એ છે કે સાઇટ પર ડેવલપર્સ કે બિલ્ડરે એક ઇંટ પણ ના મુકી હોય ત્યાં તમે લોકોએ ૬૦ ટકા રકમ જારી કરી દીધી, કોઇ લેનદેન વગર આ કેવી રીતે શક્ય બને? બાદમાં વકીલ સિંઘવીએ એવી સલાહ આપી હતી કે બેન્કો મકાનનો કબજો ના મળે ત્યાં સુધી વ્યાજ વસૂલવાનું અટકાવી શકે છે, જોકે ન્યાયાધીશે આ દલીલને નકારી હતી અને કહ્યું હતું કે આનાથી મોટા મુદ્દાઓનું નિકારણ નહીં આવે, એ બીમારીનું નિકારણ નહીં થાય જેમાં પુરી સિસ્ટમ જ પીડિત છે. લાખો લાખો લોકો, સુપ્રીમ દરરોજ ગરીબ લોકોની દુર્દશા જોઇ રહી છે. અમે તેના મૂળ સુધી જવા માગીએ છીએ. અમે બિલકુલ નહીં ચલાવી લઇએ. નોઇડા ઓથોરિટીને ફટકાર લગાવતા સુપ્રીમે કહ્યું કે ઓથોરિટીને માત્ર પોતાના નાણા વસૂલવાની ચિંતા છે, એ હજારો લોકોનું શું જેઓએ ઘર ખરીદ્યા હોવા છતા ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે. ૧૦ વર્ષમાં દેવાળુ ફૂંકનારી કંપનીઓમાં આમ્રપાલી ગ્રુપ, અંસલ એપીઆઇ, યૂનિટેક, જેપી ઇન્ફ્રાટેક, સુપરટેક, ૩સી કંપની, પાર્શ્વનાથ ડેવલપર્સ, એચડીઆઇએલ વગેરેનો સમાવેશ થાય છે. હાલ આ મામલે સુપ્રીમે સીબીઆઇ પાસે તપાસના સંકેતો આપ્યા છે.
No comments:
Post a Comment