3.02.2024

ભાગીદાર પેઢીનું કરાવેલું રજિસ્ટ્રેશન ક્યારે ઉપયોગી બની રહે છે?

 

ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારી પેઢીની મિલકત અને દેવાની વહેંચણી કેવી રીતે કરવી ?




તમારી જમીન,  તમારી મિલકત |

 નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

ભારતીય ભાગીદારી અધિનિયમ-૧૯૩ર૨ હેઠળ ભાગીદારી અંગેની જોગવાઈ વિષે આ લેખમાં અભ્યાસ કરીશું.

ભાગીદારી પેઢીના દસ્તાવેજ : જ્યારે કરાર કરવા માટે સક્ષમ વ્યક્તિઓ સંયુક્તપણે રીતે કોઈ ધંધો કરવા માટે સંમત થાય ત્યારે પક્ષકારો વચ્ચે ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારીમાં બે કે તેથી વધારે વ્યક્તિઓ પોતાનાં નાણાં રોકવા માટે તથા પોતાના કૌશલ્યનો ઉપયોગ કરવા માટે તથા ધંધામાંનો નફો તથા નુકસાન વહેંચવા માટે સંમત થાય તેવી વ્યક્તિઓ વચ્ચેનો આ કરાર બને છે.

ભાગીદારીની વ્યાખ્યાભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેમાં વ્યક્તિઓ મહેનત, મિલકત તથા કૌશલ્યનું ધંધામાં રોકાણ કરીને તે દ્વારા થતા નફા/નુકસાનને વહેંચવાની માટે સંમત થાય છે. ભાગીદારી વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેમાં બધા દ્વારા અથવા બધા વતી કોઈ દ્વારા ચાલતા ધંધામાંનો નફો વહેંચી લેવા માટે સંમત થાય છે. આમ વ્યક્તિઓ વચ્ચેની આવી સમજુતી ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે.

ભાગીદારીનાં આવશ્યક તત્વો : ભાગીદારી પેઢીનાં આવશ્યક તત્વો નીચે મુજબ છે. (૧) બે અથવા બેથી વધારે વ્યક્તિઓ હોવી જોઈએ. (૨) સમજુતી હોવી જોઈએ. (૩) ધંધો કરવા માટે જગ્યા / સ્થળ હોવું જોઈએ. (૪) ભાગીદારો વચ્ચે નફો નુકસાનની વહેંચણી થવી જોઈએ. (૫) એજન્સીનું તત્વ હોવું જોઈએ. (૬) તમામ અથવા તમામ વતી કોઈ એક ધંધાનું સંચાલન કરતો હોવો જોઈએ.

ભાગીદારની ફરજો અને અધિકારો : ભાગીદારી ધંધામાં ભાગીદાર તરીકે કાર્ય કરતા વ્યક્તિઓની ફરજોને બે વિભાગમાં વિભાજિત કરવામાંઅ આવેલ છે. (૧) મૂળભૂત ફરજો અને (૨) સામાન્ય ફરજો.

મૂળભૂત ફરજો ભાગીદારીના ધંધાને ટકાવી રાખવા માટે અગત્યની છે. (૧) ભાગીદારી પેઢીના મહત્તમ લાભ માટે વર્તવું. (૨) ભાગીદારી પેઢીને ન્યાયી અને વફાદાર રહેવું. (૩) ભાગીદારી પેઢીના હિસાબો રાખવા. (૪) ભાગીદારી પેઢીને માહિતી પુરી પાડવી. (૫) ભાગીદારી  પેઢીને દગાથી થયેલું નુકસાન ભરપાઈ કરવું.

ભાગીદારી પેઢીના ભાગીદારની સામાન્ય ફરજો:

(કલમ-૧૨/બી, ૧૩/એફ, ૧૫, ૧૬/એ તથા ૧૬/ બી)

(૧) ભાગીદારી પેઢીના ભાગીદારો પોતાની ફરજ યોગ્ય રીતે તથા મહેનતથી બજાવવી. (૨) ભાગીદારી પેઢીના ભાગીદારની બેદરકારીથી થયેલું નુકસાન ભરપાઈ કરવું. (૩) ભાગીદારી પેઢીના ભાગીદારે પેઢીની મિલકતનો અંગત ઉપયોગ ન કરવો. (૪) ભાગીદારી પેઢીના નામથી નફો મેળવ્યો હોય તો પેઢીમાં જમા  કરાવવો. (૫) ભાગીદારી પેઢીની હરિફાઈમાં ધંધો ન કરવો. ભાગીદારોના અધિકારોઃ ભાગીદારી પેઢીના ભાગીદારો પોતાના અધિકારો કરાર દ્વારા નક્કી કરી શકે છે. અલબત્ત કરાર દ્વારા ભાગીદારોએ પોતાના અધિકારો નિયત ન કરેલા હોય તો કલમ-૧૨ થી ૧૬ માં દર્શાવ્યા પ્રમાણેના અધિકારો પ્રાપ્ત થશે.

(૧) ભાગીદારી પેઢીના સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર. (૨) ભાગીદારી પેઢીના હિતમાં અભિપ્રાય આપવાનો અધિકાર. (૩) ભાગીદારી પેઢીના હિસાબો તપાસવાનો અધિકાર. (૪) ભાગીદારી પેઢીના નફા/નુક્શાનમાં ભાગ લેવાનો અધિકાર. (૫) ભાગીદારી પેઢીને આપેલ ઉછીની મૂડી પર વ્યાજ લેવાનો અધિકાર. (૬) નુકસાન વળતર મેળવવાનો અધિકાર. (9) ભાગીદારીમાંથી નિવૃત્ત થવાનો અધિકાર (૮) પેઢીમાં ચાલુ રહેવાનો અધિકાર.

ભાગીદારીના પ્રકારો(૧) સમય મર્યાદાની રીતે તથા (૨) ધંધા કાર્યક્ષેત્રની રીતે, સમય મર્યાદાની રીતે (અ) ઈચ્છાધીન ભાગીદારી. એટલે કલમ--9 અન્વયે ભાગીદારીનો સમય નક્કી કરવામાં આવેલ ન હોય તો કોઈપણ ભાગીદાર નોટીસ આપીને ભાગીદારીનું વિસર્જન માગી શકે છે.

ધંધાના કાર્યક્ષેત્રની દૃષ્ટિએ ભાગીદારી

(૧) ચોક્કસ સાહસ માટે ભાગીદારી તથા (૨) સામાન્ય ભાગીદારી

ભાગીદારીના પ્રકારો : ભાગીદારીના પ્રકારો નીચે પ્રમાણે છે.

સામાન્ય કે સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય કે સુષુપ્ત ભાગીદાર તેમજ નામનો, નફાનો, પેટા, હોર્લ્ડીંગ આઉટ અને સગીર ભાગીદાર 

ભાગીદારી પેઢીનું રજિસ્ટ્રેશન ઃ ભાગીદારી અધિનિયમથી ભાગીદારી પેઢીની નોંધણીને ફરજિયાત બનાવવામાં આવેલ નથી. બિનરજિસ્ટ્રેશન દેવુ કબુલવા સંબંધિત ગેરલાયકાત ગણાય. પેઢીનું રજિસ્ટ્રેશન પેઢી જે વિસ્તારમાં આવેલ હોય તે ત્યાંના રજિસ્ટ્રાર ઓફ ફર્મને અરજી કરીને કરાવી શકાય છે,

જેમાં મુખ્યત્વે નીચેની વિગતો જણાવવાની હોય છે.

(૧) નામ, (૨) સરનામું (૩) ધંધાની અન્ય શાખાનું નામ, સરનામું (૪) ભાગીદારોના નામ-સરનામા

(૫) ભાગીદારી દસ્તાવેજ (૬) નોંધણી માટેની જરૂરી ફી તથા પેઢીની મુદ્ત જણાવતું નિયત નમુનાનું નિવેદન વિગેરે દસ્તાવેજો રજુ કરવાના હોય છે.

પેઢીની બિનનોંધણીની અસર: ભારતમાં ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી. ભાગીદારી પેઢી નોંધણી કરાવ્યા સિવાય કોઈ પણ વ્યવહાર કરાવી શકે છે. જે ગેરકાયદે બનતું નથી. ભાગીદારી પેઢીની નોંધણી અંગે પ્રકરણ-૭ માં જોગવાઈ કરવામાં આવી છે તે પ્રમાણે દરેક ભાગીદારીના સહી તથા સરનામા સહિત રજિસ્ટ્રાર ઓફ ફર્મ સમક્ષ નોંધણીનું ફોર્મ ભરવાનું હોય છે. ત્યાર બાદ ભાગીદારી પેઢીની નોંધણી કરવામાં આવે છે. 

બિન નોંધણીની અસરો નીચે પ્રમાણે છે: (૧) જો ભાગીદારી પેઢીની નોંધણી કરવામાં આવી ન હોય તો કરારથી ઉત્પન્ન થતા અધિકારો માટે કે ભાગીદારીના કાયદા અન્વયે પ્રાપ્ત થતા અધિકારો માટે પેઢી વિરુઘ્ધ ભાગીદાર દાવો કરી શકે નહીં.

(૨) ત્રાહિત વ્યક્તિ સાથે થયેલા કરારના આધારે પ્રાપ્ત થતા અધિકારો માટે અદાલતમાં દાવો કરી શકાતો નથી. વિસર્જિત થયેલી ભાગદારી પેઢીના હિસાબો અંગે : જ્યારે ભાગીદારી પેઢીનું કોઈ કારણસર વિસર્જન થાય ત્યારે ભાગીદારી પેઢીની મિલકત અને દેવાની વહેંચણી કરવી અનિવાર્ય બને છે. અલબત્ત કોઈ એક વ્યકિત મિલકત કે દેવાની જવાબદારીનો સ્વીકાર કરી શકે છે, જેની અસર ત્રાહિત પર થતી નથી. કલમ-૪૯ માં ભાગીદારી પેઢીના હિસાબોની પતાવટ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે. જ્યારે ભાગીદારો વચ્ચે સમજુતીથી હિસાબોની પતાવટ કરે તો આ જોગવાઈ લાગુ પડતી નથી.

અલબત્ત સમજુતી સિવાય હિસાબો કરવામાં આવે તો કલમ-૪૮ અનુસાર ભાગીદારી પેઢીની મિલકત અને દેવાના હિસાબ કરવાના રહેશે.

ખોટ અંગેના નિયમો: પ્રથમ ભાગીદારી પેઢીના ચોખ્ખા નફામાંથી ખોટ બાદ કરવાની રહેશે, જ્યારે નફા કરતાં ખોટ વધારે હોય તેવા સંજોગોમાં ભાગીદારી પેઢીના મૂડીમાંથી ખોટ બાદ કરવાની રહેશે. અલબત્ત ભાગીદારી પેઢીની મૂડીમાંથી ખોટ ભરપાઈ થઈ શકે તેમ ન હોય તો ભાગીદારોની અંગત મિલકતમાંથી વહેંચણીના પ્રમાણમાં ખોટ પુરી કરવામાં આવશે.

મિલકત અંગેના નિયમો: ભાગીદારી પેઢીની મિલકતમાંથી ભાગીદારી પેઢીનાં દેવાં ચુકવવામાં આવશે અને ત્યારબાદ મિલકત વધે તો ભાગીદારી પેઢીએ લીધેલા ધીરાણને પરત કરવાનું રહેશે અને ત્યારબાદ મિલકત વધે તો ભાગીદારને વધેલી મુડી ચુકવવાની રહેશે. ભાગીદારી અધિનિયમની કલમ-૪૯ માં જણાવ્યા મુજબ ભાગીદારી પેઢીની મિલકતનો ઉપયોગ ભાગીદારી પેઢીના અંગત દેવા ચુકવવા માટે થશે. અલબત ભાગીદારોની અંગત મિલકત પણ ભાગીદાર પેઢીનાં દેવાં ચુકવવા માટે જવાબદાર છે. પરંતુ ભાગીદારની અંગત મિલકતેમાંની પ્રથમ ભાગીદારનું અંગત દેવું ચુકવવામાં આવશે અને ત્યારબાદ વધે તો ભાગીદારી પેઢીનું દેવું ચુકવવા સદર મિલકત જવાબદાર બનશે.

નોંધઃ-(જમીન/મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સુચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા)

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...