7.04.2023

ચેક રિટર્નના કેસની ટ્રાયલમાં પૂરતી ઉલટ તપાસ થવી કેમ જરૂરી છે?

 તમારી જમીન,  તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)




 ચેક રિટર્ન થવાની ઘટનાઓ હવે તો સામાન્ય થઇ ગઇ છે. ચેક રિટર્નના કેસમાં કસુરવાર ઠરનારને સજા પણ થતી હોય છે, પરંતુ આવા મોટા ભાગના કિસ્સાઓમાં અનેક ટેકનીક બાબતો આવતી હોય છે. એટલે જો ચેક રિટર્ન કેસમાં તેનાં કારણો અને વૈધાનિક જોગવાઇઓ અનુસાર પૂરતી તપાસ કરાય તો સાચી હકીકત બહાર આવતી હોય છે. એટલે આવા કેસોમાં ઉટતપાસ બરાબર થવી જરૂરી હોય છે. તેને માટે યોગ્ય માર્ગદર્શન મળે તે માટેની ઉપયોગી માહિતી અહીં રજૂ કરાઇ છે.  
ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્મેન્ટસ એક્ટ-૧૮૮૧ની જોગવાઈઓમાં ચેક રિટર્નના કેસોની ટ્રાયલમાં ઉલટતપાસ અંગે માર્ગદર્શન અને ઉપયોગી પ્રશ્નાવલિ આ મુજબ છે: 

ઉલટ-તપાસ શરૂ કરવા માટે સૌ પ્રથમ આરોપી તથા ફરિયાદી વચ્ચેના સંબંધો અંગેનો ખુલાસો કરતા પ્રશ્નો પૂછવા જરૂરી છે. મોટાભાગના કિસ્સાઓમાં આવા સંબંધો મુખ્યત્વે નીચે જણાવેલ બે પ્રકારના હોય છે.
(૧) ધંધાકીય સંબંધો, (ર) સગપણ, મિત્રતા તથા ઓળખાણના સંબંધો.

(૧) ધંધાકીય સંબંધો :
# તમારું નામ અને ધંધો શું છે ?
# કોના મારફતે ઓળખાણ થયેલ ?
# કેટલાં વર્ષોથી આપના વચ્ચે ધંધાકીય સંબંધો છે ?
# આ વહેવાર અગાઉ કોઈ નાણાંકીય વ્યવહાર હતો ? જો હોય તો તે વ્યવહાર / વ્યવહારો અંગેનો ખુલાસો કરતા પ્રશ્નો પૂછવા.
# કહેવાતો વ્યવહાર / વ્યવહારો કોની હાજરીમાં થયેલ માલ અંગેના બિલો આપેલાં કે કેમ તથા ડિલિવરી ચલણ અંગેનો ખુલાસો.
# સદર બિલોની એન્ટ્રીઓ જીએસટી-સેલ્સ-ટેક્સ /વેટ વગેરે દફ્તરોમાં દર્શાવેલ છે કે કેમ ? માલની જાત, બનાવટ તથા સરકારી પરવાના વગેરે સંબંધિત પ્રશ્નો.
# કહેવાતા વ્યવહારનો માલ મોકલતાં અગાઉ ઓર્ડર કેવી રીતે મળેલ કે કોના દ્વારા મળેલ તે અંગેનો ખુલાસો.
# માલની ગુણવત્તા તથા પ્રમાણ (ક્વોલિટી અને ક્વોન્ટીટી) અને પેમેન્ટ ચુકવણી અંગેની શરતો(ટર્મ્સ અને કન્ડીશન્સ) વગેરે સંબંધિત ખુલાસો.
# કહેવાતા વ્યવહારનો માલ/સર્વિસીસ કઈ રીતે ક્યા ટ્રાન્સપોર્ટેશન કે કુરિયર અથવા ક્યા આંગડિયા મારફતે મોકલવામાં આવે છે તે અંગેનો ખુલાસો.
# જરૂરી કિસ્સામાં જીએસટી, ઈન્કમટેક્સ, કસ્ટમ્સ અને આબકારી જકાત વગેરેની વિગતો અંગેનો ખુલાસો.
# આ કામના આરોપીએ યોગ્ય ગુણવત્તા વાળો માલ ન હોવાનાં કારણે માલ પરત લઈ જવા જણાવેલું અને ચેક પરત કરવા જણાવેલું ?
# આ કામના આરોપીએ જેટલા જથ્થામાં માલ મંગાવેલો હતો તેટલા જથ્થામાં માલની કિંમત ગણી તમોએ ચેક લીધેલો ? જે એડવાન્સ સ્વરૂપમાં હતો ?
# તમારી પાસે જે જથ્થામાં માલ મંગાવેલો હતો તેવો જથ્થો તમોએ પૂરો પાડેલો ન હતો ? અને બદ-ઈરાદાપુર્વક માલ આપ્યા પહેલાં ચેક ભરેલો છે ?

(૨) સગપણ, મિત્રતા તથા ઓળખાણના સંબંધો :
# બન્ને પક્ષકારો વચ્ચે મિત્રતા, સગપણ કે ઓળખાણ વિગેરેમાંથી કેવા પ્રકારના સંબંધો વચ્ચે હતા ?
# જો મિત્રતા/ઓળખાણના સંબંધો હોય તો કેટલા સમયથી સંબંધોનું અસ્તિત્વ છે?
# કોની હાજરીમાં પૈસાનો વ્યવહાર થયેલ ?
# કહેવાતા વહેવાર અગાઉ કોઈ નાણાંકીય વ્યવહાર હતો ?
# કહેવાતા વહેવાર અંગે જે કોઈ લખાણ કે પહોંચ ખરી ?
# શું તમે એ વાત જાણો છો કે ઈન્કમટેક્સ એક્ટની કલમ-૨૦ પ્રમાણે જો વ્યવહારની

કાયદેસર રકમ ૨૦ હજાર કરતાં વધારે હોય તો ચેક દ્વારા જ વ્યવહાર કરવો જોઈએ ?
# કહેવાતા વહેવારના પૈસા તમારા પોતાના હતા કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી લઈને આપેલા?
# કહેવાતા વ્યવહાર અંગે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જણાવેલું કે કેમ ? જો હા તો ક્યારે જણાવેલું ?
# તે અંગેના કોઈ દસ્તાવેજી પુરાવાઓ રજ કરી શકો ખરા ?
# તમારા ઘરે આવવા-જવાના સંબંધો હતા કે કેમ ? જો હા તો સારા નરસા પ્રસંગોએ આવવા જવાના સંબંધો હતા ?
# આટલાં વર્ષોમાં તમારા ઘરે કેટલા સારા-નરસા પ્રસંગો થયેલ હતો ?
# સદર પ્રસંગોમાં આરોપીની હાજરી હતી કે કેમ ? જો હા તો કયા પ્રસંગે હાજર રહેલા ?
# એની હાજરી અંગેના વિડિયો/ફોટોગ્રાફસ કે અન્ય કોઈ પુરાવાઓ રજૂ કરી શકો ખરા ?
# જે હેતુ માટે નાણાં લીધેલાનું જણાવેલું હોય તે હેતુ અંગે ખુલાસો કરતાં જરૂરી સવાલો પૂછવા. 
# તમારા આ કામના આરોપી સાથે કેટલા વર્ષથી નાણાંકીય સંબંધો છે ? છેલ્લો વ્યવહાર ક્યારે થયેલો ?
# તમો આરોપી પાસેથી દરેક વખતે લેવડદેવડના વ્યવહારના લખાણો કરતા હતા કે કેમ ? તેની કોઈ અંગત નોંધ રાખતા હતા કે કેમ ?
# કહેવાતા વ્યવહાર અગાઉ થયેલા વ્યવહારોની કોઈ નોંધો રજૂ કરી શકો ખરા ? અગાઉ
# કરેલા વ્યવહારની નોંધો તમો ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાં જણાવી છે કે કેમ ?

(૩) નોટિસ તથા તેની બજવણી સંબંધિત પ્રશ્નો :
# નોટિસ ક્યારે આપેલી ?
# તમોએ નોટિસ વાંચેલી ? તેવી નોટિસમાં તમારી સહી છે ?
# નોટિસમાં કરવામાં આવેલ વર્ણન અને ફરિયાદમાં કરવામાં આવેલા વર્ણન, બંન્ને વચ્ચે કોઈ તફાવત (એટલે કે વિરોધાભાસ) હોય તે પૃછી શકાય.
# નોટિસ બજવણી થયાની એકનોલેજમેન્ટ સ્લીપમાં તમોને ક્યારે કયાં મળેલી?
# ૨જિ.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ એ.ડી.ની એકનોલેજમેન્ટ સ્લીપમાં કોની સહી છે ?
# આ સ્લીપની સહી આરોપી સિવાયના વ્યક્તિની હોય તો તે ઓળખો કે કેમ ? વગેરે પ્રશ્નો પૂછી શકાય.
# નોટિસમાંનું આરોપીનું સરનામું અને ફરિયાદમાંનું સરનામું એક જ છે કે કેમ ? તે જોવું. જો એક જ ન હોય તો બચાવ લેવા પ્રયત્ન કરવો, કે યોગ્ય સરનામે નોટિસની બજવણી થયેલી નથી અને સીધી જ ફરિયાદ કરાઇ છે.
# નોટિસનો જવાબ આપવામાં આવેલ છે કે કેમ ?
# જવાબ ક્યારે આપવામાં આવેલો ? કોના દ્વારા આપવામાં આવેલો ? આ જવાબ તમે મેળવેલો કે કેમ ?
# જો જવાબ રજૂ ન કરે તો રજૂ કરવા માંગ કરવી અને જો તેમ ન કરે તો આપણે રજૂ કરી તેમાંની સહી અને લખાણ વગેરે(જરૂર જણાય તો ) રીફર કરી આંકે પડાવશો. નોટિસના જવાબ મોકલ્યા અંગેની એકનોલેજમેન્ટ અસલ સ્લીપ રજૂ કરવી અને આંકે પડાવવી.
# જો નોટિસનો જવાબ રિફ્યુઝ્ડ કરેલો હોય તો કવર બંધ હાલતમાં જ પરત આવેલ જે તે પરિસ્થિતિમાં રજૂ કરી આંકે પડાવવું.
# નોટિસનો જવાબ મળ્યો ? તો તમોએ તેવા જવાબનો પણ જવાબ આપેલ છે કે કેમ ?
# જો જવાબનો ખુલાસો કરવા જવાબ આપેલ ન હોય તો તે વિગતની બચાવ માટે ખાતરી કરવી.
ચેક સંબંધિત પ્રશ્નોઃ
# ચેકમાં લખાણ કોના હસ્તાક્ષરમાં ક્યા સ્થળે કરવામાં આવેલું છે ? ક્યારે કરેલું છે ? તે હસ્તાક્ષર આરોપીનાં ન હોય ત્યારે ચેક તફડાવી કે અન્ય રીતે મેળવી લીધેલાનું જણાતું હોય અથવા તો આવો ચેક બેન્કમાં જે તારીખે ભરવામાં આવ્યો તે તારીખ પહેલાં ચેકની ગુમ થયા અંગે જાણવાજોગ ફરિયાદ નોંધાયેલી હોય વગેરે.
હિસાબી લેણી રકમ કરતાં ચેક વધારે રકમનો હોય તો તે અંગે ખુલાસો:
# ચેકની તારીખ કોઈપણ કાયદેસરના લેણાં નાણાં અસ્તિત્વમાં આવ્યા પહેલાની હોય તો તેવો ચેક પોસ્ટ ડેટેડ લખાયેલો ગણી શકાય. એટલે કે લેણું ઊભું થતાં પહેલાંનો અથવા સિક્યુરીટી પેટે અપાયેલો ચેક ગણી શકાય તેવું અનુમાન થઈ શકે.
# ચેક એક કરતાં વધારે વખત ભરાયેલો હોય તો તેના સંદર્ભે કેવી રીતે કયારે, કયા કારણથી, કેટલીવાર ભરવો પડેલ ?
# ચેકને હાથમાં લઈ જોઈ ચકાસી ખાતરી કરવી કે હકીકતમાં ચેક બેન્કમાં ભરાયેલ છે કે કેમ ? અને જે તે બેન્કનું ચેકના આગળના ભાગે, પાછળના ભાગે ક્લીયરીંગ આપ્યાનું એન્ડોર્સમેન્ટ છે કે કેમ?
# ચેક સેલ્ફનો હોય તો પણ તેવો ચેક કઈ શાખામાં રજૂ થયો અને પાછળ આરોપીની સહી છે કે કેમ ?
# ચેક વણસ્વીકારાયે પરત આવ્યાના કારણદર્શક મેમોને ચકાસી જોવું અને કારણ સંદર્ભે તે અંગેના પ્રશ્નો પૂછવા.
# ચેક બેન્કમાં ભરાયા અંગેની કાઉન્ટર સ્લીપ અંગે પ્રશ્નો પૂછી શકાય.
# કાઉન્ટર સ્લીપ ઉપરથી ચેક તે વ્યક્તિને ઉદ્દેશીને એકાઊન્ટ પેઈ ઓન્લીનો લખાયો છે તેમજ તેનાજ ખાતામાં ભરાયો છે કે કેમ? તેની ચકાસણી થઈ શકે.
# જે તે બેન્કનો ચેક હોય તે બેન્કના અધિકારીને સાહેદ સમન્સ તરીકે બોલાવી શકો?
(પ) કાયદેસરના લેણાં સંદર્ભે પ્રશ્નો અથવા તો અન્ય કોઈ જવાબદારી પેટે અદા કરવા અપાયેલો?
ચેક સંદર્ભે પ્રશ્નો :
# કાયદેસરનું લેણું કયારે ઉપસ્થિત થયું ?
# કયા વ્યવહાર પેટે ?
# કોની જવાબદારી સ્વીકારી આરોપીએ ચેક આપેલ ?
# જવાબદારી લેખિતમાં લીધી કે કેમ ?
# જવાબદારી ઊભી થવાના સંજોગો સંબંધે પ્રશ્નો પૂછવા ?
# જામીનગીરી પેટે આપેલ ચેક હતા કે કેમ ? તેના અપાયેલ ચેકનો ઉપયોગ થયેલ છે કે કેમ ?
# જામીનગીરી પેટે અપાયેલ ચેકો ભરતાં પહેલાં મૂળ કરજદાર પાસેથી નાણાં વસૂલાતની કાર્યવાહી કરેલી કે કેમ ? કેટલી રકમ વસૂલ આવેલી ? કેટલી બાકી રહેલી ?
# જામીનદારને આવી રકમ ભરપાઈ કરવા માટે નોટિસ આપેલી કે કેમ ?
# જામીનદારને નોટિસ આપ્યા બાદ પણ જો તેઓ ભરપાઈ નર્હી કરે તો જામીનગીરી પેટે લેવામાં આવેલ ચેક જવાબદારી સંદર્ભે ભરી રકમ વસૂલાત અર્થે ભરવામાં આવશે તેવા મતલબની નોટિસ આપેલી કે કેમ?
# કાયદેસરનું લેણું ન હોવાનું અથવા તો આરોપીએ જવાબદારી પેટે ચેક આપેલ ન હોય તેવું પુરવાર કરવા જરૂરી જણાય તેવા અન્ય સવાલો પૂછવા.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...