મનાઈ હુકમ હોવા છતાં મિલકત વેચી દેનારને હાઇકોર્ટે રૂપિયા બે લાખનો દંડ કર્યો અને મિલકત નો દસ્તાવેજ રદ કર્યો.
વડોદરામાં જમીનની મિલ્કતના એક કેસમાં ગુજરાત હાઇકોર્ટનો સ્ટેટસ કવો(યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો હુકમ) હોવાછતાં આ હુકમની ઐસી તૈસી કરી બારોબાર મિલ્કત વેચી સેલડીડ(વેચાણ દસ્તાવેજ) કરી નાંખ્યો હોવાની ચોંકાવનારી હકીકત હાઇકોર્ટના ધ્યાન પર આવતાં જસ્ટિસ મૌલિક જે.શેલતે સમગ્ર મામલાની બહુ ગંભીર નોંધ લઇ મિલ્કત વેચી કાઢનાર અને સેલડીડ કરનાર પ્રતિવાદીને બે લાખ રૃપિયાનો સબક સમાન આકરો દંડ ફટકાર્યો હતો. એટલું જ નહી, હાઇકોર્ટે આ કેસમાં સેલડીડ પણ ગેરકાયદે અને રદબાતલ ઠરાવતો બહુ મહત્ત્વનો હુકમ કર્યો હતો અને તેની નકલ વડોદરા દંતેશ્વર સબ રજિસ્ટ્રારને મોકલી આપવા જણાવ્યું હતું. હાઇકોર્ટે એક તબક્કે પ્રતિવાદીને સાદી કેદમાં મોકલવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
હાઇકોર્ટે સંબંધિત સબ રજિસ્ટ્રારને પણ આ કેસમાં ઉપરોકત વિવાદીત સેલ ડીડ કેન્સલ કરી તેની ચોપડામાં એન્ટ્રી કરવા પણ હુકમ કર્યો હતો. હાઇકોર્ટે પ્રતિવાદીઓને વિવાદીત મિલ્કતમાં હવે કોઇ થર્ડ પાર્ટી રાઇટ્સ(ત્રાહિત વ્યકિતના હક્કો) ઉભા નહી કરવા તેમ જ મિલ્કતનું વેચાણ, ટ્રાન્સફર કે તબદિલી કોઇપણ પ્રકારે નહી કરવા પણ અગત્યનો હુકમ કર્યો હતો. વધુમાં, હાઇકોર્ટે ૫૦ હજાર રૃપિયા દંડ પેટે અરજદારને ચૂકવી આપવા પ્રતિવાદી નં-૧ને ફરમાન કર્યું હતું.
અરજદાર કિરણભાઇ કામલે દ્વારા કરાયેલ અપીલ ફ્રોમ ઓર્ડરમાં મનાઇહુકમની ભંગની અરજી દાખલ કરતાં એડવોકેટ શાર્વિલ પી.મજમુદારે અદાલતનું બહુ ચોંકાવનારી હકીકત પરત્વે ધ્યાન દોરતાં જણાવ્યું કે, વડોદરાની વિવાદીત જમીનની મિલ્કતના કેસમાં પ્રતિવાદી નીતીનભાઇ રમેશભાઇ બારીઆ તથા અન્યોએ અરજદારોને પણ બાનાખત જમીન વેચી હતી અને બીજીબાજુ, અન્ય લોકોને પણ આ જમીન વેચી હતી. અરજદારોએ સિવિલ કોર્ટમાં બાનાખતની અમલવારી માટે દાવો કર્યો હતો, જેમાં મનાઇહુકમની માંગ કરતી અરજી પણ કરી હતી. જો કે, સિવિલ કોર્ટે તે અરજી નામંજૂર કરતાં અરજદારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જેની સાથે મનાઇહુકમ માટેની અરજી પણ કરી હતી. જેમાં હાઇકોર્ટે તા.૧૪-૯-૨૦૧૮ના હુકમથી વિવાદીત મિલ્કત પરત્વે યથાવત્ સ્થિતિ જાળવી રાખવા પક્ષકારોને હુકમ કર્યો હતો એટલે કે, મિલ્કત સંબંધી કોઇપણ કાર્યવાહી પર મનાઇહુકમ ફરમાવ્યો હતો. તેમછતાં પ્રતિવાદીઓ દ્વારા હાઇકોર્ટના હુકમની તેમને જાણ હોવાછતાં હુકમનો અનાદર કરી તા.૧-૧૨-૨૦૧૮ના રોજ અન્ય વ્યકિતઓની તરફેણમાં ઉપરોકત મિલ્કતનો બારોબાર વેચાણ દસ્તાવેજ કરી નાંખ્યો હતો અને મિલ્કત વેચી નાંખી હતી. પ્રતિવાદીઓનું આ કૃત્ય બીજું કંઇ નહી પરંતુ અદાલતના હુકમની ઘોર અવગણના અને ગંભીર અદાલતી તિરસ્કાર છે.
અરજદારપક્ષ તરફથી ભારપૂર્વક જણાવાયું કે, હાઇકોર્ટનો સ્ટેટસ કવો-મનાઇહુકમ છતાં પ્રતિવાદીઓએ પ્રતિવાદી નંબર-પ અને ૬ને આ વિવાદીત મિલ્કત વેચી નાંખી હતી, જે અદાલતના હુકમનું સરેઆમ ઉલ્લંઘન છે. પ્રતિવાદીઓએ હાઇકોર્ટના હુકમની ગરિમા અને ઔચિત્ય જાળવવાની જરૃર હતી. આમ, હાઇકોર્ટના હુકમની ઉપરવટ જઇને ગેરકાયદે રીતે કરાયેલ આ સેલ ડીડ રદબાતલ થવાપાત્ર ઠરે છે. સૌથી ગંભીર વાત તો એ છે કે, હાઇકોર્ટના હુકમનો ભંગ કરીને બારોબાર સેલ ડીડ કરીને વિવાદીત જમીનની મિલ્કત તો વેચી નંખાઇ અને તેની પણ મકાનનું બાંધકામ પણ થઇ ગયુ છે. ખરેખર તો, હાઇકોર્ટના હુકમનો અનાદર કરનાર આવા લોકોને જેલહવાલે કરવા જોઇએ.
હાઇકોર્ટના હુકમનો ભંગ કરીને થયેલ સેલ ડીડ રદબાતલ થવાપાત્ર ઠરે.જસ્ટિસ મૌલિક જે શેલતે સુપ્રીમકોર્ટના સંબધિત ચુકાદાઓ ટાંકતાં મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં ઠરાવ્યું હતું કે, કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ એ સ્પષ્ટ છે કે, અદાલત દ્વારા જારી સ્ટેટસ કવો કે મનાઇહુકમ છતાં જો આ પ્રકારે કોઇપણ સેલડીડ થયો હોય કે તેની નોંધણી થઇ હોય તો તે ગેરકાયદે અને રદબાતલ થવાપાત્ર ઠરે છે. પ્રતિવાદી નંબર-૧ એ હાઇકોર્ટના સ્ટેટસ કવો અને હુકમનો દેખીતી રીતે જ ભંગ કર્યો છે. હાઇકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, પક્ષકારોએ હાઇકોર્ટના હુકમની ગરિમા અને ઔચિત્ય જાળવવા ખૂબ જરૃરી છે, જે પ્રસ્તુત કેસમાં થયુ નથી અને તેથી અદાલતના હુકમનો ભંગ કરીને કરાયેલ સેલ ડીડ(વેચાણ દસ્તાવેજ)રદબાતલ થવાપાત્ર ઠરે છે.
No comments:
Post a Comment