જમીન સંપાદન મુદ્દે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:વળતર અને વ્યાજ જૂની તારીખથી લાગુ થશે!
સુપ્રીમ કોર્ટે ખેડૂતોની જમીનોના સંપાદન મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપતા ઠરાવ્યું છે કે નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એક્ટ હેઠળ જે ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ હતી તેમને વળતર અને વ્યાજ અગાઉની તારીખથી જ લાગુ પડશે. સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં ૨૦૧૯માં એક ચુકાદામાં ઠરાવ્યું હતું કે વળતર માટેનો તેનો ચુકાદો પાછલી અસરથી લાગુ થશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભૂઇયાંની બેન્ચે NHAIની અરજી ફગાવતા ચુકાદો આપ્યો. NHAIએ તેની અરજીમાં સુપ્રીમ કોર્ટના ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૯ના ચુકાદાને ભાવિ અસરથી લાગુ કરવા માગ કરી હતી. જેમાં જમીન સંપાદનની કામગીરી પૂરી થઈ ચૂકી હોય અને વળતર નક્કી થઈ ચૂક્યું હોય તેવા કેસો ફરી ખોલવા પર રોક માટે NHAIએ દાદ માગી હતી.
સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે ઠરાવ્યું કે ૨૦૧૯ના તારસેમસિંહ કેસમાં વળતર અને વ્યાજની લાભકારી પ્રકૃતિ વિશે સ્થાપિત સિદ્ધાંતોની પુષ્ટિ કરીએ છીએ અને તર્કસંગત ભેદભાવ વગરનું અન્યાયી વર્ગીકરણ ટાળવાની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ. પરિણામે અમે અરજી ફગાવવાનું યોગ્ય સમજીએ છીએ. કોર્ટે કહ્યું કે અરજીમાં એવું સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે કે તારસેમસિંહ કેસના ચુકાદાને માત્ર ભાવિ અસરથી લાગુ માનવામાં આવે પરંતુ અમારા અભિપ્રાય અનુસાર આવું સ્પષ્ટીકરણ આપવાથી અપાયેલી રાહત અસરકારક રીતે ખતમ થઇ જશે.
આ ચુકાદો ભાવિ અસરથી લાગુ કરવા પર ચુકાદા પૂર્વે જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિનું પુનઃ નિર્માણ થશે. ૨૦૧૯ના ચુકાદાને ભાવિ અસરથી અમલી બનાવાય તો દાખલા તરીકે જે ખેડૂતની જમીન ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ સંપાદિત થઇ હોય તે વળતર અને વ્યાજના લાભથી વંચિત રહી જશે અને તેના એક દિવસ બાદ પહેલી જાન્યુઆરી, ૨૦૧૫ના દિવસે જે ખેડૂતની જમીન સંપાદિત થઈ હોય તે કાનૂની લાભ મેળવવા હકદાર રહેશે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે ૨૦૧૯ના ચુકાદાનું અંતિમ પરિણામ માત્ર એવા પીડિત જમીનમાલિકોને વળતર અને વ્યાજ ચૂકવવા સુધી મર્યાદિત હતું કે જેમની જમીન NHAI દ્વારા ૧૯૯૭થી ૨૦૧૫ વચ્ચે સંપાદિત કરાઈ હોય.
No comments:
Post a Comment