પરવાનગીમાં બાંધકામની સમય મર્યાદા દુર કરતાં વિરોધાભાસી પરિબળો
- જમીન મહેસુલ અધિનિયમમાં-બિન ખેતીની
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- મહેસુલ વિભાગના ઉક્ત સુધારા ખેતવિષયક જમીન નફાકીય સાધનોનું માધ્યમ બને તે દિશાના છે
જમીન મહેસુલ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ જમીનોના નિયમન સાથે જમીન ઉપરનું મહેસુલ વસુલ કરવુ અને જમીન / મિલ્કતનું રેકર્ડ અદ્યતન રાખવુ જેથી કોની પાસેથી જમીન મહેસુલ વસુલવુ તે નક્કી થાય આમ તો જમીનને 'ધરતીમાતા' (Mother Earth) તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માનવજાતીને તમામ પ્રકારે પોષવાનું કામ કરે છે. પરંતુ વિકાસની પ્રક્રિયા સાથે જમીનનો ઉપયોગ ખેતી ઉપરાંત વિવિધ હેતુઓ માટે કરવામાં આવે છે. અંગ્રેજ સમય ગાળામાં ઘડાયેલો જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ નિયમનકારી (Regulatory Act) કાયદો છે અને આજે પણ આ કાયદો પ્રવર્તમાન છે. આમ તો જમીનનો ખેતી વિષયક આકાર (Assessment) જમીન મહેસુલ સર્વે સેટલમેન્ટ દરમ્યાન નક્કી કરવામાં આવે છે જે કાયદાની જોગવાઈ પ્રમાણે દર ૩૦ વર્ષે Revised કરવાનો હોય છે. જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૫ અને નિયમ-૮૭ હેઠળ ખેતી સિવાયના ઉપયોગ માટે બિનખેતી વિષયક આકાર નક્કી કરવાની જોગવાઈ છે અને તે અંગેની શરતો નક્કી કરવાની બાબત જમીન મહેસુલ નિયમો-૧૯૭૨માં જોગવાઈ કરેલ છે. જ્યારે આ કાયદો ઘડવામાં આવ્યો ત્યારે કલેક્ટર તમામ પ્રકારની સત્તાઓ ધરાવતા હોવાથી બાંધકામના નિયમન માટે પણ શરતો રાખવામાં આવતી અને ખેત વિષયક સર્વે નંબરમાં જ્યારે બિનખેતીની પરવાનગી કલમ-૬૫ હેઠળ આપવામાં આવે ત્યારે બિનખેતીના હુકમ સાથે નાયબનગર નિયોજક દ્વારા જે હેતુ માટે બિનખેતી પરવાનગી મેળવવામાં આવી હોય તેના નકશા મંજુર કરવામાં આવતાં, જે હાલ જાણકારી મુજબ કલેક્ટર દ્વારા સહી કરવામાં આવતી નથી પરંતુ સબંધિત સત્તામંડળ દ્વારા બાંધકામ પરવાનગી મેળવવામાં આવે છે. દા.ત. મહાનગરપાલીકા, નગરપાલીકા, ગ્રામપંચાયત, નાયબ નિયોજક વિગેરે. કારણકે હવે ગુજરાતમાં CGDCR – Common General Development Center Regulation મુજબ પરવાનગી મેળવવાની હોય છે.
ઉપર્યુક્ત પુર્વભૂમિકા સમગ્ર બિનખેતીની પ્રક્રિયા અને ઉદ્દેશો સમજવા માટે છે. આમ તો પ્રવર્તમાન સમયમાં બિનખેતીની પરવાનગીને મોટા Hype સ્વરૂપે જોવામાં આવે છે પરંતુ વાસ્તવિક રીતે બિન ખેતીની પ્રક્રિયાને ગૌણ ગણાવી જોઈએ (Minor) ખરેખર તો નવી શરતની જમીનમાં પ્રિમિયમ લેવાનું હોય તે સિવાય બિનખેતીનો આકાર નક્કી કરવો અને વસુલ કરવો અગત્યનો છે. પરંતુ હાલ જે ઓનલાઈન બિનખેતીની પ્રક્રિયા કરવા માટે ૧૯૫૧થી જમીનનું ટાઈટલ - માલીકીપણું ચકાસવામાં આવે છે. જ્યારે બીજીબાજુ એવું કહેવામાં આવે છે કે માલીકી હક્ક નક્કી કરવાનું કામ મહેસુલીતંત્રનું નથી અને ઉત્તરોતર જે વ્યવહાર થાય છે તે અંગેની હક્ક પત્રકની નોંધો મહેસુલી તંત્રના નોંધ પ્રમાણિત અધિકારીઓ મંજુર કરે છે. આમ નિયમો વિરૂદ્ધના વ્યવહારો મંજુર થાય તો તે અંગે પ્રમાણિત અધિકારીઓ જવાબદાર છે એટલે બિનખેતીની પરવાનગીની પ્રક્રિયામાં સાચો Bona fide વ્યક્તિના કિસ્સામા ક્ષુલ્લક કારણો શોધી કાઢી નામંજુર કરવામાં આવે છે અને તેના કારણો જે જણાવવામાં આવે છે તેમાં મહેસુલી તંત્ર પાસે ઉપલબ્ધ રેકર્ડ પૈકીના છે. અથવા કોઈ નિયમો વિરૂધ્ધ નોધ પ્રમાણિત કરેલ હોય તો લાંબાગાળા બાદ રીવીઝનમાં લેવાના કારણસર નામંજુર કરવામાં આવે છે.
ઉપર જેમ જણાવ્યું તેમ સરકારના મહેસુલ વિભાગ દ્વારા અગાઉ કલેક્ટર દ્વારા જમીન મહેસુલ નિયમોના નિયમ-૮૭ અન્વયે જે બાંધકામ કરવાની સમય મર્યાદા છ માસથી શરૂ કરીને ૨ વર્ષમાં પુર્ણ કરવાની શરતો રાખવામાં આવતી હતી. તે બાંધકામ કરવાની સમય મર્યાદા મહેસુલ વિભાગના ૧૬/૬/૨૦૨૨ના પરિપત્ર ક્રમાંક બખપ-૧૦૦૬-૪૨૫-ક અન્વયે સનદના નમુના નં. - 'ત'ની શરત નં-૪માં સુધારો કરી, બાંધકામની સમય મર્યાદા રદ કરી છે. આજ રીતે જમીન મહેસુલ અધિનિયમની કલમ -૬૬, ૬૭ કે જે કલેક્ટરની પુર્વ પરવાનગી સિવાય બિનખેતી ઉપયોગ કરવામાં આવેલ હોય તેમાં નિયમિત કરતી વખતે પણ બાંધકામની સમય મર્યાદા રદ કરી છે. આમ તો આ જોગવાઈ વિરોધાભાસ એટલા માટે જણાય છે કે બિનઅધિકૃત બિનખેતી વિષયક બાંધકામ કરેલ હોય છે એટલે બાંધકામની સમય મર્યાદાનો આમેય પ્રશ્ન આવતો નથી. સરકારના મહેસુલ વિભાગે જે પરિપત્ર કરેલ છે તેનો પરિપ્રેક્ષ્ય જોઈએ તો કદાચ કલેક્ટરનું કામ ફક્ત બિનખેતી વિષયક જમીન મહેસુલ નક્કી કરવાનું છે. અને હવે બાંધકામ કરવાના નકશા - શહેરી સત્તા મંડળો અથવા ડેપ્યુટી પ્લાનર મંજુર કરતા હોય એટલે કે કલેક્ટરના કાર્યક્ષેત્રમાંથી આ જોગવાઈ રદ્દ કરવામાં આવી હોય પરંતુ પાયાની બાબતો જોઈએ તો ખેતી વિષયક જમીનોનો ઉપયોગ કાર્યસાધક સ્વરૂપે કૃષિ ઉત્પાદન અને જીવન નિર્વાહની સાથે દેશની જીડીપી ડબલ ડીજીટમાં કરવી હોય તો કૃષિ ઉત્પાદન વધારવુ જોઈએ તે મુખ્યત્વે છે એટલે આ બાબત અર્થતંત્ર સાથે સંકળાયેલ છે. જ્યારે બીજીબાજુ બિનખેડુત વ્યક્તિઓ અથવા તો એકવાર ખેતીવિષયક જમીન બિનખેતીમાં ફેરફાર કરવામાં આવે તે પછી ખેતીજમીન ટોચમર્યાદા કાયદો (Ceiling Act) લાગુ ન પડે અને બીજીબાજુ જમીનોનું Holding સિમિત વ્યક્તિઓ પાસે વધુ હોય અને જેમાં જમીનોના ઉંચા ભાવ જવાનું મુખ્ય કારણ આ છે. અને આ જમીનમાંથી ખેતવિષયક ઉત્પાદન થતું નથી. ફક્ત વ્યક્તિગત નફાકીય સાધન બને છે. એટલે જે મૂળ બાંધકામની સમય મર્યાદા હતી તેની પાછળનો તર્ક બિનખેતી વિષયક થયેલ જમીનનો પણ કાર્યસાધક ઉપયોગ થાય. હાલ સંખ્યાબંધ જમીનો બિનખેતીમાં ફેરફાર થયા બાદ વર્ષો સુધી ઉપરોક્ત સુધારેલ જોગવાઈ પ્રમાણે બિનઉત્પાદકીય સ્વરૂપે પડી રહેશે અને સીલીંગ કાયદાના નિયંત્રણ બિનખેતીની જમીન થયા બાદ લાગુ પડતો નથી અને બિનખેડુત વ્યક્તિઓ પણ આ જમીનો ઉપરાઉપરી વેચાણ વ્યવહારો કરી નફાકીય સાધન બને છે અને આ બાબત ઉપર કોઈ કાયદાનું નિયંત્રણ નથી.
સરકારે જમીન મહેસુલ અધિનિયમમાં કલમ-૬૫, હેઠળ ઉક્ત પરિપત્રથી જે સુધારો કરેલ છે તેને આનુસાંગિક સુધારો ગુજરાત ખેતીની જમીનને લગતો ગણોત કાયદાની કલમ-૬૩ તેમજ નિયમ-૩૬માં સુધારો કર્યો છે. આમ જમીન સુધારા કાયદાના ઓથા હેઠળ ખેડુતોના હિતોને નુકશાન કરી સ્થાપિત હિતોને શું લાભ થયો છે તે અંગે આવતા અંકે વિવરણ કરીશું
No comments:
Post a Comment