ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ગુજરાતમાં વસિયતનામાના આધારે મિલકતની એન્ટ્રી માન્ય, પ્રોબેટની જરૂર નથી
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢમાં વસિયતનામાના આધારે મ્યુટેશન એન્ટ્રીને માન્યતા આપતો એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જયંત પટેલની ખંડપીઠે આ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો વસિયતનામું પ્રેસિડેન્શિયલ ટાઉન (મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ)ની હદમાં ન હોય, તો પ્રોબેટ મેળવવાની જરૂર નથી. આ ચુકાદો રમણીકલાલ (રમણલાલ) ત્રિકમજી સેવક બનામ સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં આપવામાં આવ્યો છે.
કેસનો વિગત:
કેસની શરૂઆત 1995માં થઈ, જ્યારે જૂનાગઢની રહેવાસી પ્રભુઇચ્છા પ્રભુપ્રસાદનું નિધન થયું. તેમણે જૂનાગઢ સ્થિત મિલકતનું વસિયતનામું રમણીકલાલ ત્રિકમજી સેવકના નામે કર્યું હતું. આ વસિયતનામાના આધારે રેવેન્યુ રેકોર્ડમાં એન્ટ્રી કરવામાં આવી હતી. જો કે, રિસ્પોન્ડન્ટ નંબર 5 (અન્ય વારસદાર)એ આ એન્ટ્રીને ચેલેન્જ કરીને ડેપ્યુટી કલેક્ટર પાસે અપીલ કરી હતી. ડેપ્યુટી કલેક્ટરે આ એન્ટ્રી રદ કરીને મામલો ફરીથી તપાસવા માટે રેવેન્યુ અધિકારી પાસે મોકલ્યો હતો. આ નિર્ણયને જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારે પણ સમર્થન આપ્યું હતું. આથી રમણીકલાલ ત્રિકમજીએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.
હાઈકોર્ટનો ચુકાદો:
હાઈકોર્ટે સ્પષ્ણ કર્યું કે જો વસિયતનામું પ્રેસિડેન્શિયલ ટાઉનની હદમાં ન હોય, તો પ્રોબેટ મેળવવાની જરૂર નથી. આ કેસમાં વસિયતનામું જૂનાગઢની મિલકત સંબંધિત હતું, જે પ્રેસિડેન્શિયલ ટાઉનની હદમાં આવતી નથી. આથી પ્રોબેટ મેળવવાની જરૂર નથી. હાઈકોર્ટે ક્લેરન્સ પેઇસ બનામ યુનિયન ઓફ ઇન્ડિયા (2001) અને મીનાક્ષીબેન પટેલ બનામ જિલ્લા કલેક્ટર, ગાંધીનગર (2007)ના કેસનો સંદર્ભ આપીને સ્પષ્ટ કર્યું કે પ્રેસિડેન્શિયલ ટાઉનની બહારની મિલકત માટે પ્રોબેટની જરૂર નથી.
ચુકાદાની અસર:
આ ચુકાદાથી રેવેન્યુ રેકોર્ડમાં વસિયતનામાના આધારે કરવામાં આવેલી એન્ટ્રીને માન્યતા મળી છે. હાઈકોર્ટે ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારના આદેશો રદ કર્યા છે અને એન્ટ્રી નંબર 276 (11.4.1997)ને પુનઃસ્થાપિત કર્યું છે.
આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે પ્રેસિડેન્શિયલ ટાઉનની બહારની મિલકત માટે પ્રોબેટ મેળવવાની જરૂર નથી. આ ચુકાદો ભવિષ્યમાં સમાન કેસોમાં માર્ગદર્શન પુરું પાડશે અને વસિયતનામાના આધારે મિલકતના હક્કોની પ્રક્રિયાને સરળ બનાવશે.
No comments:
Post a Comment