સીટી સર્વેના બદલે પરિવર્તનીય વિસ્તારો જમીન મહેસુલ સુધારા કાયદો-2017ના અમલથી વિસંગતતાઓ - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

1.19.2025

સીટી સર્વેના બદલે પરિવર્તનીય વિસ્તારો જમીન મહેસુલ સુધારા કાયદો-2017ના અમલથી વિસંગતતાઓ

 સીટી સર્વેના બદલે પરિવર્તનીય વિસ્તારો જમીન મહેસુલ સુધારા કાયદો-2017ના અમલથી વિસંગતતાઓ.

 માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- સુરતના ડુમ્મસ-આંટાની જમીનમાં સુધારા કાયદાઓની જોગવાઈઓનો ગેરઉપયોગ

જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ મુખ્યત્વે ખેતીની જમીનના નિયમન અને જમીન મહેસુલ વસુલ કરવા માટેનો નિયમનકારી (Regulating Land Laws) કાયદો છે. સાથોસાથ જમીન અને મિલ્કત સબંધી બાબતોનું નિયમનકારી વિષયોનો પણ સમાવેશ થાય છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશની સાથોસાથ ગામડાઓનો દેશ છે. તેવી ઉક્તિ આજે પણ પ્રસ્તુત છે. India is Agrarian Economy and lies in villages. આમ આ હકિકત કેન્દ્રસ્થાને રાખી બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન મુંબઈ પ્રાન્તને (હાલના ગુજરાત સહિત) જમીન મહેસુલ અધિનિયમ ઘડવામાં આવેલ. આ કાયદા હેઠળ જે સેટલમેન્ટ અને સર્વે કરવામાં આવ્યું તેમાં ગામતળ અને શહેરી વિસ્તારો માટે કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલ છે. અને તે અનુસાર કલમ-૧૧૮ હેઠળ મહેસુલી ગામ જાહેર કરવાની જોગવાઈ છે. અને કલમ-૧૨૬ હેઠળ સીટી સર્વે દાખલ કરવાની જોગવાઈ અને આ બંને કલમોમાં ગામની હદ અને સીટી સર્વે એટલે કે શહેર અને ટાઉનની હદ નક્કી કરવાની સાથે ગામ અને ગામ અને સીટી સર્વેમાં સમાવિષ્ટ જમીન / મિલ્કતોની નોંધણી અને તેના નિભાવવામાં આવતાં હક્ક પત્રકની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય રીતે જુના શહેરના સીટી સર્વેમાં ભરૂચ, સુરત અને અમદાવાદનો સમાવેશ થાય છે. અને સરકારની સુચનાઓ મુજબ ૫૦૦૦ની વસ્તી ધરાવતા વિસ્તારોમાં તબક્કાવાર સીટી સર્વે દાખલ કરવાની જોગવાઈઓ છે પરંતું છેલ્લા ૧૫ વર્ષથી હક્કચોક્કસી અધિકારીઓ ન મળવાને કારણે કે વિકસીત વિસ્તારોમાં શહેરી વિકાસ / વિસ્તાર વિકાસ મંડળોને કારણે શહેરની લગોલગ આવેલ વિસ્તારોમાં માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન લેન્ડ Use Plan અને ટીપી સ્કીમ દાખલ કરવાને કારણે સીટી સર્વે દાખલ કરવાની બાબતને પ્રાધાન્ય ન મળી શક્યું અને સરકારે પણ આ બાબતને આગળ ન ધપાવી તેવું કહી શકાય. સેટલમેન્ટ કમીશનર અને નિયામક જમીન દફ્તરની આ કામગીરી મુખ્ય છે. પરંતું રી-સર્વે જમીનોનું કરાવ્યું તેમાં જે ક્ષતિઓ આવી તેમાં સમગ્ર તંત્ર અન્ય દિશામાં ફંટાઈ ગયું તેમ કહી શકાય.

ઉપર્યુક્ત પુર્વભુમિકા વાચકોને તેમજ વહિવટમાં જે સરકારી અધિકારી / કર્મચારીઓને તેમજ સબંધિત રસ ધરાવતી વ્યક્તિઓને જાણકારી મળે તે માટે વર્ણન કર્યું છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારના મહેસુલ વિભાગે ગુજરાત જમીન મહેસુલ (સુધારા) અધિનિયમ ૨૦૧૭ ઘડવામાં આવ્યો અને પ્રકરણ ૯એ ઉમેરવામાં આવ્યું. જેમાં કલમ-૧૨૫એથી ૧૩૫ ઉમેરવામાં આવી. આ પ્રકરણનું શીર્ષક Lands within transitional area - પરિવર્તન વિસ્તારો હેઠળની જમીનનું સમાવેશ થાય છે જેમાં કલમ-૧૨૫બી મુજબ રાજ્ય સરકારના અભિપ્રાય મુજબ હાલના મહેસુલી ગામ, ટાઉન અને સીટી લીમીટની બહારના વિસ્તારોનું વિસ્તરણ થયું. (Extended Area) અને આવા વિસ્તારો As good as city limit લાગે દા.ત. સુરતના ડુમસ, અમદાવાદના બોપલ, શીલજ, વડોદરાના સેવાસી, ભાયલી, રાજકોટના માધાપર, ખીરસરા વિગેરે. આ વિસ્તારો ઉદાહરણ સ્વરૂપે જણાવ્યા છે. આ વિકસીત વિસ્તારોનું Institutional Mechanism પણ જોવામાં આવે તો મહાનગરપાલિકા / નગરપાલિકામાં સમાવિષ્ઠ થયા હોય કે ન હોય પરંતું મહેસુલી રેકર્ડને લાગુ પડે છે ત્યાં સુધી કાયદામાં જણાવ્યા પ્રમાણે જમીન મહેસુલ અધિનિયમ કે અન્ય જમીન મહેસુલ કાયદાઓની જોગવાઈઓનો ભંગ કર્યા સિવાય હક્ક પત્રકમાં કે અન્ય રીતે જમીનોનું રેકર્ડ અદ્યતન ન હોય એટલે કે વાસ્તવિક રીતે જોઈએ તો શહેરી વિકાસ સત્તા મંડળમાં કે મહનગરપાલિકા / નગરપાલિકા કે ગામમાં સમાવેશ થતો હોય કે ન હોય પરંતું શહેરી વિસ્તારના Characteristics મુજબ મોટા ભાગની જમીનોમાં રહેણાંક / ઔદ્યોગિક કે વાણિજ્ય વિષયક ઉપયોગ થતો હોય અને મોટા ભાગની જમીનોમાં બિનખેતી વિષયક ઉપયોગ પણ થયો હોય પરંતું જેમ સીટી સર્વેમાં સમાવિષ્ઠ તમામ મિલ્કતોની હક્કચોકસી થાય અને રેકર્ડ પ્રમાણિત જાહેર કરવામાં આવે અને તમામ મિલ્કતના મિલ્કતકાર્ડ Property Card આપવામાં આવે.

આ લેખ જાહેર જનતા સમક્ષ રજુ કરવાનું મુખ્ય પ્રયોજન આ સુધારા કાયદા પ્રમાણે કામગીરી ન થતી હોવાની પ્રથમ બાબત છે. પરંતું તે ઉપરાંત તાજેતરમાં સુરત અને પંચમહાલમાં ખોટી રીતે મિલ્કતકાર્ડ બનાવી આપવામાં આવ્યા તે આ સુધારા કાયદાને આભારી છે. સુરતનો ડુમ્મસ વિસ્તારનું આંટા ગામનો જે પ્રશ્ન ઉદભવ્યો અને સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેટ દ્વારા જુના બિનખેતીના બોગસ હુકમના માધ્યમથી જે વ્યક્તિઓના નામે પ્લોટ કરી દેવાયા અને પંચમહાલના ગોધરામાં પણ આ પ્રકારની Modus Operandi આચરવામાં આવી. દાહોદમાં પણ બોગસ બિનખેતીના હુકમો કરીને અલગ મિલ્કત કાર્ડ બનાવી વેચાણ દસ્તાવેજો થયા તે આ સુધારા કાયદાનો સાચા હેતુ માટે અમલ કરવાને બદલે ગેરરીતી આચરવામાં માધ્યમ બન્યું તે મુખ્ય બાબત છે. ખરેખર આ સુધારા કાયદાનું અમલિકરણનું મુલ્યાંકન કરવામાં આવે તો સાચી દિશામાં અમલિકરણ થયું નથી. અને કોઈ મહેસુલી અધિકારીઓને આ કામગીરી સિવાય કોઈ જગ્યાએ સ્થાપિત હિતોને ફાયદો કરાવી આપવો હોય તે સિવાય સાચા Bonafide મિલ્કત ધારકોને આ કાયદાની જોગવાઈ પ્રમાણે મિલ્કતોના આધારભુત મિલ્કત કાર્ડ આપવામાં આવ્યાં નથી. આવા વિસ્તારોમાં મિલ્કત ધારકો મહેસુલી રેકર્ડના આધાર પુરાવા સાથે બિનખેતીની જમીનોના ૭/૧૨ અને હક્ક પત્રકમાં નોંધ કરાવતા હોય છે અને ગામતળની મિલ્કતોના મિલ્કતકાર્ડ આપવાની બાબત છે તે ફક્ત કાગળ ઉપર કાયદાની જોગવાઈઓ છે.

ગુજરાત જમીન મહેસુલ સુધારા કાયદાની કલમ-૧૨૫એચ મુજબ મિલ્કત / જમીન ધારકે દાવેદાર તરીકે અરજી કરવાની છે. 'Application by claimants' અને તે સાથે વેચાણ દસ્તાવેજ, બાનાખત, વેચાણ માટેના કરાર, કબજા તરીકેના પુરાવાના ભાગ રૂપે અન્ય કોઈપણ દસ્તાવેજ હોય તો અને દાવેદાર કોઈપણ એક ઓળખ તરીકે આધાર પુરાવો રજુ કરવાનો છે તેમાં પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, મતદાતા ઓળખકાર્ડ આ દસ્તાવેજી પુરાવા રજુ કર્યેથી તમામ પાસાઓ ચકાસીને જેમ Recorde of Rightsમાં હક્કપત્રકની નોંધ પાડી મંજુર કરવામાં આવે છે તેમ કાર્યવાહી કરવાની છે. જેમ હક્કપત્રકમાં નોંધ પાડતી વખતે ૧૩૫સીની અરજી આપવાની છે તેમ આ અરજી ગણવાની છે. 

સુરતના ડુમસમાં જે ગેરરીતી આચરીને સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા મિલ્કતકાર્ડ આપી દેવામાં આવ્યું છે તેમાં તપાસ ચાલી રહી છે અને સબંધિત સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટને હુકમ રીવીઝનમાં લઈને રદ કરવાની કાર્યવાહી હાથ ધરાતી હશે. વાસ્તવિક બાબત શું છે તે જ્યારે સંપુર્ણ કાર્યવાહી થશે ત્યારે ખ્યાલ આવશે પરંતું જે આચરણ થયું છે તેમાં ગુજરાત જમીન સુધારા કાયદાની કલમ-૧૨૫એચમાં જે દાવાની અરજી કરવાની છે તેની પેટા કલમ-૧૨૫(૩)માં એવી જોગવાઈ છે કે કોઈ દાવાની અરજી ન કરે તો પણ મહેસુલી અધિકારી આવી જમીન બાબતે કલમ-૧૨૫આઈથી એલની જોગવાઈઓ પ્રમાણે પુરક મહેસુલી સર્વે કરી શકશે અને આવા મિલ્કતનો કબજો પુરક મહેસુલી સેટલમેન્ટથી અથવા કમ્પાઉન્ડ ફી જે લાગુ પડતી હોય તેની ચાર ગણી રકમ જમા કરવાની જોગવાઈ છે. 

આમ સુરતના ડુમસના આંટા ગામની જમીન આ વિસ્તારના ચોર્યાસી સુરત પ્રાન્ત તરીકે અમોએ લાંબો સમય ફરજ બજાવી છે અને જે તે સમયે આ વિસ્તાર Unserveyed and Unassessed બિન મોજણી અને બિન આકારણી તરીકે ગણી જમીનો હતી. આ વિસ્તારમાં ફાર્મિંગ સોસાયટીઓ પણ અસ્તિત્વમાં હતી. આ વિસ્તારની જમીનો ભાવ / કિંમત વધી હશે એટલે આવું કબજા માલિક બનાવવાનું આચરણ થયું હશે. આ સુધારા કાયદાના અમલિકરણ અંગે રાજ્ય સરકારે જે ઉદ્દેશથી સુધારા કાયદો ઘડયો છે તેનો સાચા અર્થમાં પ્રમાણિક કબજેદારોને સીટી સર્વેના બદલે મિલ્કત ઉપરના હક્ક આપવાની જોગવાઈઓનું પાલન પ્રજાહિતમાં થાય તે જરૂરી છે. 

No comments:

Post a Comment

Featured post

હરિયાણા RERA દ્વારા Ocean Seven Buildtech સામે કાર્યવાહી: ઘરખરીદારોને મુલતવી પઝેશન માટે વ્યાજ ચૂકવવા આદેશ

 હરિયાણા RERA દ્વારા Ocean Seven Buildtech સામે કાર્યવાહી: ઘરખરીદારોને મુલતવી પઝેશન માટે વ્યાજ ચૂકવવા આદેશ. હરિયાણા RERA દ્વારા Ocean Seven ...