11.18.2024

ગ્રાહક સુરક્ષા ધારો ડોકટર્સને લાગુ પડશે, પણ વકીલોને નહીં, કેમ? સુપ્રીમનાં રસપ્રદ તારણો

ગ્રાહક સુરક્ષા ધારો ડોકટર્સને લાગુ પડશે, પણ વકીલોને નહીં, કેમ? સુપ્રીમનાં રસપ્રદ તારણો




સાંપ્રત | કશ્યપ જોશી

ડોક્ટર પોતાના દવાખાનામાં કે હોસ્પિટલમાં સર્વેસર્વા હોય છે, જ્યારે એડવોકેટ કોર્ટમાં સર્વેસર્વા હોતો નથી, ન્યાયાધીશના નિર્ણયોને આધીન હોય છે. કેટલીક વખત એડવોકેટની રજૂઆતો અને દલીલોને જજ દ્વારા જ સીમિત કરી દેવામાં આવે છે. જ્યારે ડોક્ટર સ્વતંત્ર રીતે દર્દીની સારવાર કરી શકે છે

ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ દર્દીઓ દાક્તરના ‘ગ્રાહક’ છે, પણ અસીલો, વકીલોના ‘ગ્રાહક’ નથી. માટે વકીલોને ગ્રાહક સુરક્ષા અધિનિયમ લાગુ પડતો નથી, પણ ડોકટર્સને લાગુ પડે છે. આવું કેમ? મે-૨૦૨૪માં સર્વોચ્ચ અદાલતની બે ન્યાયમૂર્તિઓની (જસ્ટીસ બેલા ત્રિવેદી અને પંકજ મિત્તલ) બનેલી બેન્ચે આ બાબતને ત્રણ જજીસની બેન્ચ સમક્ષ મૂકવા માટે ચીફ જસ્ટીસને વિનંતી કરી, કારણ કે એડવોકેટ્સનો સમાવેશ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ થાય કે નહીં, તે પ્રશ્નની જ્યારે વિચારણા થઈ રહી હતી ત્યારે એ હકીકત પણ સામે આવી કે સુપ્રીમમાં ૧૯૯૫માં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન વિ. વી પી શાન્થાના કેસથી તબીબી વ્યવસાયને ગ્રાહક સુરક્ષા ધારો લાગુ પડે છે, તેમ ઠરાવાયું હતું અને ત્યારથી મેડિકલ પ્રેકશનર્સ - બેદરકારી કે સેવામાં ખામી માટે જવાબદાર બનતા રહ્યા છે. (જેમ કે તાજેતરમાં ખ્યાતિ હોસ્પિટલનો કાંડ) જે સંદર્ભમાં એડવોકેટ્સને પણ ગ્રાહક સુરક્ષા ધારો લાગુ પડે છે કે નહીં તે ચુકાદાને જાહેર કરતાં જસ્ટીસ બેલા ત્રિવેદીએ એવો અભિપ્રાય વ્યકત કર્યો હતો કે ગ્રાહક સુરક્ષા ધારાનો ઉદ્દેશ એ ગ્રાહકોને અયોગ્ય અને અનીતિપૂર્વકની વ્યાપારિક રીતરસમોથી રક્ષણ આપવાનો છે. છતાં આ કાયદામાં એવું કશું જ નથી કે જે એમ સૂચવે છે કે સંસદનો એવો ઈરાદો હતો કે કોઈ વ્યવસાય કે વ્યવસાયીઓનો આ કાનૂન હેઠળ સમાવેશ થાય. જેથી, ૧૯૯૫નો (ડોકટર્સને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ જવાબદાર ઠેરવતો) એ ચુકાદો ફરીથી જોઈ જવો જોઈએ અને તેની ફેરવિચારણા માટે અમે ચીફ જસ્ટીસને વિનંતી કરીએ છીએ. વ્યવસાય એ વેપારધંધાથી જુદો છે. તેમાં શિક્ષણ, તાલીમ, કેળવણી અને વિજ્ઞાનનો સમાવેશ થાય છે. તેમાં ખાસ કૌશલ્યની જરૂર પડે છે, જેમાં શારીરિક કરતાં માનસિક શકિતઓ વધુ ખર્ચાય છે. વ્યવસાયિકોને ઉચ્ચ શિક્ષણ અને સઘન તાલીમની જરૂર પડે છે. જેના વડે તેઓ નિપુણતા પ્રાપ્ત કરે છે.

તેમની પ્રવીણતા અમુક ચોકકસ ક્ષેત્રમાં હોય છે. તેમની સફળતાનો આધાર અનેક પાસાઓ પર હોય છે, જે તેમના નિયંત્રણની બહાર હોય છે. (જેમ કે, ડોક્ટર કદી રોગ મટાડવાની ચોક્કસ ખાતરી આપી શકતા નથી, પણ સારામાં સારી સારવાર કરવાની બાંહેધરી આપી શકે છે પણ હવે ડોક્ટર્સ વગર રોગે પણ સારવાર કરતા થઈ ગયા છે!) આથી, વ્યવસાયીઓને, વેપારીઓ, ધંધાદારીઓ કે ચીજવસ્તુઓ યા માલસામાન આપતા વાણિજ્યકોની સમકક્ષ મૂકી શકાય નહીં. એ સમયે સુપ્રીમ કોર્ટ નેશનલ કમિશનના એ ચુકાદા પર વિચાર કરી રહી હતી કે જેમાં એમ ઠરાવાયું હતું કે લોયર્સનો ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ સમાવેશ થઈ જાય છે, પણ આ નેશનલ કન્ઝ્યુમર કમિશનના ચુકાદાને સર્વોચ્ચ અદાલતે પલટી નાખ્યો અને ઠરાવ્યું કે એડવોકેટ્સ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ સેવામાં ખામી માટે જવાબદાર નથી. તેઓનો વ્યવસાય, વેપાર-ધંધાથી અલગ પ્રકારનો છે. આ જ સમયે એવી સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરવામાં આવી હતી કે કે જો તબીબી વ્યવસાય ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ આવતો હોય તો કાનૂની વ્યવસાય કેમ નહીં? આ તર્કને વાજબી ઠેરવવાનો પ્રયાસ કરતાં એમ પણ કહેવાયું કે દાક્તરોને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ સેવામાં ખામી કે બેદરકારી બદલ હેરાન કરવામાં આવે છે. આથી, તેમને પણ ગ્રાહક સુરક્ષા ધારો લાગુ ના પાડવો જોઈએ. કદાચ, આ જ દલીલના સંદર્ભમાં ૧૯૯૫ના ઉપરોકત કેસની ફેરવિચારણા કરવા માટે સુપ્રીમ કોર્ટની બે જજીસની બેન્ચે આ મુદ્દો ચીફ જસ્ટીસને રીફર કર્યો. પરંતુ, જ્યારે હાલ ૭ નવેમ્બરે સુપ્રીમ કોર્ટની ત્રણ જજીસની બેન્ચ સમક્ષ આ બાબતને ફેરવિચારણા માટે મૂકવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે ૧૯૯૫ના ઈન્ડિયન મેડિકલ એસોસિએશન વિ. વી પી શાન્થાના ચુકાદાની ફેરવિચારણા કરવાનો ઈન્કાર કર્યો. એટલું જ નહીં પણ ત્રણ જજીસની બેન્ચે (જસ્ટીસ બી આર ગવઈ, પ્રશાંતકુમાર મિશ્રા અને કે. વી. વિશ્વનાથને) એમ કહ્યું કે આ રેફરન્સ જ બિનજરૂરી હતો! તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે આ અદાલતે એમ ઠેરવી દીધું હોય કે કાનૂની વ્યવસાય એ વિશિષ્ટ અને અનન્ય છે અને તેનું સ્વરૂપ (અને કાર્યક્ષેત્ર) જોતાં તેની સરખામણી અન્ય કોઈ વ્યવસાય સાથે થઈ શકે એમ નથી.

તો પછી તબીબી વ્યવસાયને ગ્રાહક સુરક્ષા ધારો લાગુ પડે છે, તેની ફેરવિચારણા જ અસ્થાને છે. વધુમાં, જ્યારે સુપ્રીમ કોર્ટે એમ ઠરાવ્યું છે કે એડવોકેટ દ્વારા આપવામાં આવતી સેવા એ ‘કોન્ટ્રાકટ ઓફ પર્સનલ સર્વિસ’ - વ્યકિતગત સેવાનો કરાર છે, જે સેવાની વ્યાખ્યામાં પડતો નથી. તો પછી એ બરાબર છે. આથી, તબીબી સેવા બાબતે ૧૯૯૫ના ચુકાદામાં જે કોઈપણ તારણો હોય તેનો રેફરન્સ આજે જરૂરી નથી. હા, આ બાબત બીજા કોઈ ઉચિત કેસીસમાં લક્ષમાં લઈ શકાશે, પણ હમણાં તેની ફેરવિચારણા આવશ્યક નથી. આમ, ડોક્ટર્સ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ રહ્યા પણ એડવોકેટસ તેમના વ્યવસાયની વિશિષ્ટતાને લીધે આ અધિનિયમના પરિઘમાં આવી શક્યા નહીં. અત્રે એ નોંધનીય છે કે જ્યારે કાનૂની અને તબીબી વ્યવસાયની સુપ્રીમ કોર્ટ સમક્ષ સરખામણી થઈ રહી હતી ત્યારે એવી દલીલ કરવામાં આવી હતી કે એક ડોક્ટર જ્યારે તેના દર્દીને સારવાર આપી રહ્યા હોય છે ત્યારે તે તેનું પોતાનું વાતાવરણ પસંદ કરી શકે છે.

જેમ કે, ઓપરેશન થિયેટર, દવાખાનામાંની સુવિધા વિગેરે વિગેરે. જ્યારે એડવોકેટ કોર્ટમાં કેસ ચલાવતી વખતે અદાલતના વાતાવરણ અને ન્યાયાધીશ પર નિર્ભર હોય છે. તેણે પોતે કેસની ગમે તેટલી તૈયારી કરી હોય, પણ ન્યાયાધીશ શું માને છે, તે કેસની હકીકતોને કઈ રીતે જુએ છે, તે મહત્વનું હોય છે. ડોક્ટર પોતાના દવાખાનામાં કે હોસ્પિટલમાં સર્વેસર્વા હોય છે. (જેના લીધે જ ખ્યાતિ કુખ્યાત થઈ ગઈ!) જ્યારે એડવોકેટ કોર્ટમાં સર્વેસર્વા હોતો નથી. તે ન્યાયાધીશના નિર્ણયોને આધીન હોય છે. કેટલીક વખત એડવોકેટની રજૂઆતો અને દલીલોને જજ દ્વારા જ સીમિત કરી દેવામાં આવે છે. જ્યારે ડોક્ટર સ્વતંત્ર રીતે દર્દીની સારવાર કરી શકે છે.

અદાલતમાં ઉપસ્થિત થતી પરિસ્થિતિ કોઈપણ વકીલના નિયંત્રણમાં હોતી નથી. તેણે તેની સાથે સમાધાન કરીને પોતાના અસીલના બચાવ માટે ઝઝૂમવું પડે છે. વળી, કોર્ટમાં બે પક્ષો હોય છે. એક તરફેણમાં તો બીજો વિરુદ્ધમાં. એક સાબિત કરવા મથે છે તો બીજો નાસાબિત કરવા માટેની કોશિશો કરે છે. આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે તેનો નિર્ણય છેવટે જજ કરે છે. આથી કોઈ એડવોકેટ કોઈપણ કેસમાં જીતવાની સો ટકા ગેરન્ટી આપી શકતો નથી.

જ્યારે તબીબી વ્યવસાયમાં આવું કશું હોતું નથી. અહીં કોઈ સામા પક્ષકાર હોતા નથી. અરે ... બીજા કોઈ વ્યવસાયમાં આવું હોતું નથી. આમ, આ અને આવા બીજા અનેક કારણોસર કાનૂની વ્યવસાયને બીજા વ્યવસાયોથી અલગ દર્શાવી ગ્રાહક સુરક્ષા ધારાના વર્તુળમાંથી બહાર મૂકવામાં આવ્યો છે.

(લેખક ગુજરાત હાઇકોર્ટના જાણીતા એડવોકેટ છે.)

No comments:

Post a Comment

*ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- ૨૦૨૪*

 *ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- ૨૦૨૪* મુસદ્દારૂપ જંત્રી-2024 માટે અહીં ક્લિક કરો/ Click here for Draft Jantri - 202...