વસિયતનામું કરનારનો દત્તક પુત્ર તેના કૌટુંબિક હેતુ માટે સવાલવાળી મિલકત તબદીલ કરી શકે નહીં
નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)
(૧) ભેટ આપવામાં છેતરપિંડીનો દાવો કરનાર ૫૨ છેતરપિંડી સાબિત કરવાનો બોજો ઃ દાદીએ તેમના પૌત્રને સવાલવાળી મિલકત ભેટમાં આપી હતી. દાન આપનાર વ્યકિત ૯૦ વર્ષનાં સ્ત્રી હતાં, પણ તેઓ બુદ્ધિશાળી હતાં, નબળાં ન હતાં. દાદીને તેમના પૌત્ર પ્રત્યે કુદરતી રીતે પ્રેમ હતો તેમજ દાન આપનારના પૌત્રએ તેની માતા ગુમાવી હતી અને તેની ઓરમાન માતા તેને ત્રાસ આપતી હતી. સવાલવાળી ભેટને પડકારવામાં આવી અને એવો દાવો કરવામાં આવ્યો કે ભેટ આપવામાં છેતરપિંડી થઇ છે. કોર્ટે ઠરાવ્યું કે જે પક્ષકાર સવાલવાળી ભેટ આપવામાં છેતરપિંડી થવાનો દાવો કરતો હોય તેણે તે સાબિત કરવાનું રહે કે સવાલવાળી ભેટ આપવામાં છેતરપિંડી થયેલી છે. (AIR Patna 1)
(૨) ‘Grant’ અને ‘Gift’ પ્રકારે રાજવી ઘ્વારા આપેલ જમીન ઃ અગાઉના રાજવીએ વાદીને સવાલવાળી જમીનનો અમુક ભાગ રહેવા માટે આપ્યો હતો. કરવામાં આવેલા દસ્તાવેજમાં એવું જણાવવામાં આવેલું કે વાદી અને વારસો તેમજ તેમના અનુગામીઓ સવાલવાળી જમીનનો ઉપભોગ કરશે અને જે તે સરકારી રેકર્ડમાં તેમનાં નામ ચડાવી શકશે. આમ, અગાઉના રાજવીએ એક કલ્યાણકારી ઈરાદે આ જમીન આપેલ અને તે ‘Grant’ અને ‘Gift’ પ્રકારે હતી. દસ્તાવેજની વિગતો જોતાં એવું જણાતું ન હતું કે અગાઉના રાજવીએ સવાલવાળી જમીન દાન આપનાર તરીકે ભેટમાં આપી હતી અને વાદીએ દાન લેનાર તરીકે તેનો સ્વીકાર કર્યો હતો. મિલકત તબદીલી અધિનિયમની કલમ- ૧૨૩ મુજબ સવાલવાળા વ્યવહારમાં કોઈ સાક્ષીએ હસ્તાક્ષર કર્યા ન હતા. કોર્ટે ઠરાવ્યું કે આવા વ્યવહાર અંગેની જોગવાઈઓ કે આવા દસ્તાવેજને રજિસ્ટર કરાવવો જોઈએ તે લાગુ પડતી નથી. (AIR 2008 Orissa 94 )
(૩) વહેંચણીના દાવામાં ભેટખત રદબાતલ જાહેર કરવાની દાદ ઃ વહેંચણીના દાવામાં એવી દાદ માગવામાં આવી હતી કે પ્રતિવાદીની તરફેણમાં જે ભેટખત થયું છે, તેને રદબાતલ ઠરાવવું. વાદીએ સાબિત કરેલ નહિ કે પ્રતિવાદીની તરફેણમાં કરવામાં આવેલ ભેટખત બનાવટી અને ઊભું કરેલું હતું. જો કે ભેટખતને રજિસ્ટર કરાવવામાં આવ્યું હતું. કોર્ટે ઠરાવ્યું કે કેસની હકીકતો જોતાં સવાલવાળા ભેટખતને રદબાતલ ઠરાવી શકાય નહિ. કેસની હકીકતો અને સંજોગો જોતાં વેહંચણીની દાદ મંજૂર કરી શકાય નહિ.( AIR 2014 Kerala 80)
(૪) ભેટમાં આપેલી મિલકત અને તેની સ્વીકૃતિ ઃ એક મિલકતના માલિકે પોતાની માલિકીની મિલકત ભેટમાં આપી તેનો કબજો જે વ્યકિતને ભેટ આપી હતી તેને સોંપી દીધો હતો. જમીન મહેસુલ તેઓ ભરતા હતા તેવું રેકર્ડ પરથી જણાતું હતું. સવાલવાળી મિલકત અંગેનો સ્વીકાર કરવામાં આવેલો હતો. કોર્ટે ઠરાવ્યું કે, કેસની હકીકતો અને સંજોગો જોતાં તેમજ રેકર્ડ પરના પુરાવા જોતાં જણાય છે કે, ભેટની સ્વીકૃતિ પુરવાર કરવામાં આવી છે. (AIR 2014 Gauhati 19 )
(૫) વ્યવહારની વિગતો પરથી ગિફટ કે વસિયતનામું તે નકકી થાય ઃ એક દસ્તાવેજથી એક મિલકત અન્ય વ્યકિતને આપવામાં આવી અને દસ્તાવેજની વિગતો મુજબ જે વ્યકિતની તરફેણમાં તબદીલીથયેલી તેને તે મિલકતનો માલિક ઠરાવવામાં આવ્યો. દસ્તાવેજ કરનાર માલિકે સવાલવાળા મકાનમાં જીવનપર્યત રહેવાનો હક્ક પોતાને રહેશે તેમ જણાવ્યું હતું. વધુમાં એમ પણ જણાવેલું કે આ દસ્તાવેજ થયા પછી દસ્તાવેજ કરનાર વ્યકિત આ તબદીલી ફેરવશે નહિ યાને Reverse નહિ કરે. પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે સવાલવાળો દસ્તાવેજ ગિફ્ટ કહેવાય કે વસિયતનામું કહેવાય ? કોર્ટે ઠરાવ્યું કે, દસ્તાવેજની વિગતો જોતાં સવાલવાળો દસ્તાવેજ ગિફટ કહેવાય, નહિ કે વસિયતનામું.( AIR 1972 Guj. 74)
(5) જમીનમાલિક ઘ્વારા ટ્રસ્ટ બનાવીને તેમાં પોતાની ટ્રસ્ટી તરીકેની જાહેરાત ઃ એક જમીનના માલિકે એક ટ્રસ્ટ બનાવ્યું તેમાં તેણે પોતાની જાતને તે ટ્રસ્ટનો ટ્રસ્ટી જાહેર કર્યો. જયારે આવી રીતે ટ્રસ્ટ ઊભું કરવામાં આવે ત્યારે તે અમુક વસ્તુ જાહેર કરવા બરાબર ગણાય અને આ અધિનિયમની કલમ -૧૨૨ હેઠળ તેને એક ભેટ ગણી શકાય નહિ. આવી રીતે ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જાહેર થવાથી ઈન્ડિયન ટ્રસ્ટ એકની કલમ -6 ની જોગવાઈ મુજબ પરિસ્થિતિ ઉભી થાય છે.( 1980 GLR 232: AIR 1980 Guj. 165)
(૭) ભેટના વ્યવહારની પ્રક્રિયા તેનું રજિસ્ટ્રેશન અને અન્ય શરતો પરિપૂર્ણ થાય ઃ ત્યારે પૂરી થઈ ગણાય. મિલકત તબદિલીના અધિનિયમની કલમ ૩ ના સંદર્ભમાં ગિફટ ટેક્સ લાગુ પાડવા માટે ભેટની પ્રક્રિયા ક્યારે પૂરી થઈ ગણાય. કોર્ટે ઠરાવ્યું કે, આ અધિનિયમની કલમ ૧૨૨ અને ૧૨૩ સાથે વાંચતાં એમ જણાય છે કે ભેટના વ્યવહારની પ્રક્રિયા તેનું રજિસ્ટ્રેશન થાય અને અન્ય શરતો પરિપૂર્ણ થાય ત્યારે પૂરી થઈ ગણાય.( 1981 GLH 114)
(૮) વસિયતનામું કરનારનો દત્તક પુત્ર તેના કૌટુંબિક હેતુ માટે સવાલવાળી મિલકત તબદીલ કરી શકે નહીં ઃ એક મિલકતના માલિકે પોતાની સ્વપાર્જિત મિલકત તેની પત્નીને ભેટ યાને (ઊં1) થી આપી. ત્યારપછી તેની પત્નીએ એક રજીસ્ટર્ડ વિલ યાને વસિયતનામાથી તેણીના દત્તક પુત્રના બાળકોને આપી. દાનપત્ર અને વિલની ખરાઈ સાબિત થઈ હતી. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે, વસિયતનામું કરનારનો દત્તક પુત્ર તેના કૌટુંબિક હેતુ માટે સવાલવાળી મિલકત તબદીલ કરી શકે નહિ.( AIR 1996 SC 1474)
(૯) દાનપત્ર અને સંયુક્ત મિલકત ધરાવનાર લાયસન્સ વચ્ચેનો તફાવત ઃ એક વ્યકિતએ એક મિલકત ભેટથી આપી. દાનપત્રમાં એવી જોગવાઈ કરવામાં આવી કે ભેટ આપનાર વ્યકિત તેના જીવનપર્યત દરમિયાન સવાલવાળી મિલકત પોતાની પાસે રાખશે અને તેનો ઉપભોગ કરશે અને ત્યારપછી તેના મૃત્યુ પછી તે મિલક્ત ભેટ મેળવનાર વ્યકેતના નામે થશે. ભેટ સ્વીકારનાર વ્યકિતએ માલિકના જીવનપર્યત દરમિયાન સવાલવાળી મિલકતનો કબજો સંભાળી લીધો ન હતો. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે, આવો દસ્તાવેજ દાનપત્ર ગણી શકાય નહીં. સામાવાળી વ્યકિત મૂળ માલિકની સાથે સંયુકત રીતે મિલકત ધરાવવા લાયસન્સ ધરાવે છે તેમ કહી શકાય. (1997 (2) SCC 636)
(૧૦) મિલકતોની તબદીલી કેવી રીતે થઈ શકશે? ઃ સ્થાવર મિલકત બક્ષિસ કરવા માટે તબદીલી, દાતાએ અથવા તેના વતી કોઈ વ્યકિતએ સહી કરેલા અને ઓછામાં ઓછા બે સાક્ષીઓએ સાખ કરેલા અને કરેલા લખાણથી જ કરવી પડશે. જંગમ મિલકતની બક્ષિસ કરવા માટે તબદીલી ઉપર જણાવ્યા પ્રમાણે સહી કરેલા અને રજિસ્ટર્ડ કરેલા લખાણથી અથવા ડિલિવરી આપીને કરી શકશે. એવી ડિલિવરી, વેચેલા માલની ડિલિવરી આપવામાં આવે એ પ્રમાણે આપી શકાશે. જેથી લખાણ રજfસ્ટર્ડ જવું જરૂરી નથી.
(૧૧) દાન હેઠળ મિલકતમાં ભાગ ના મળેલa હોય, તો દાવામાં કોઈ ભાગ મળવાપાત્ર નથી ઃ દાન આપનારની વ્યકિતની પત્ની કે તેના દીકરાને સવાલવાળી ભેટ હેઠળ કોઈ મિલકત કે મિલકતમાં ભાગ આપવામાં આવ્યો ન હતો. દાન આપનારના મૃત્યુ પછી સવાલવાળી મિલક્તમાં વહેંચણી માટે દાવો કરવામાં આવ્યો. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે, કેસની હકીકતો જોતાં દાન આપનારની પત્ની અને દીકરાને દાવાવાળા મકાનમાં કોઈ ભાગ મળવાપાત્ર નથી. (AIR 1987 SC 240: )
(૧૨) સંબંધિત તારીખે આપવામાં આવેલી ભેટ : એક વ્યક્તિએ તેની હયાતી દરમિયાન તેના હિસાબી ચોપડામાં અમુક રકમની ભેટ આપવાનું નક્કી કરી ભેટ આપી હતી. ત્યારપછી તે વ્યકિતનું મૃત્યુ થયું. જે તે વખતે વિગતો જોતાં જણાયેલ કે મરનારના ખાતામાં કોઈ રોકડ રકમ સિલક હતી નહીં, જેને જે વ્યકિતને દાન કરવામાં આવ્યું હતું તેને આપી શકાય. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે સંબંધિત તારીખે કોઈ ભેટ આપવામાં આવી હોય તેવું કહી શકાય નહિ. (AIR 1987 SC 791 )
(નોંધ) : (જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા)
No comments:
Post a Comment