7.15.2024

સરકારે સંપાદિત કરેલી જમીન-મિલકતના વળતર માટે તેના માલિકને કાયમ અસંતોષ રહે છે

 

શહેરોની નજીક આવેલાં ગામડાં સૌથી વધુ પ્રભાવિતઃ વળતર માટેનાં ધારાધોરણ શું છે


તમારી જમીન,  તમારી મિલકત | નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

thelaw_office@yahoo.com

જમીન સંપાદનના કાયદામાં ફેરફાર કરવાનો જરૂરી લાગતા ભારત સરકારે સને ૨૦૧૩માં જમીન સંપાદન પુનઃસ્થાપન-પુનઃવસવાટ અને જેઓની જમીન-મિલકતનું સંપાદન (એક્વિઝિશન) થાય તેઓને યોગ્ય ન્યાય અને વળતર મળે તેવો ઉદ્દેશ રાખવામાં આવેલો હોવા  છતાં પણ સ્થાવર મિલકતો એટલે કે જમીન-મકાનો બાંધકામની કિંમતોમાં છેલ્લા દાયકાથી ઘણો જ વધારો થયેલો હોય અને જમીન-મિલકતની બજાર કિંમત ઘણી જ વધી ગયેલી હોઇ વ્યક્તિની મિલકત સામે તેઓને મળવાપાત્ર વળતર (કોમ્પેનસેશન) અંગે ખૂબ જ અસંતોષ રહે છે તેવું બનતું આવેલું છે, પરંતુ રાજ્યના વિકાસ માટે જમીન-મિલકતનું સંપાદન તેટલું જ જરૂરી બને છે.

(૧) જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિનિયમ-૨૦૧૩ની કલમ-૨૪ થી ૩૦ માં જમીન સંપાદન અંગેના વળતર અને એવોર્ડ સંબંધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. સંદર્ભ-(૧) આગળ દર્શાવેલા તા.૨૯-૦૭-૨૦૧૬ ના ઠરાવથી સંપાદિત જમીનનું વળતર નક્કી કરતી વખતે શહેરી વિસ્તારની જમીનની વળતરની રકમને ૧ (એક) ના ગુણાંક (factor)  થી જયારે ગ્રામ્ય વિસ્તારની જમીનનું વળતર નક્કી કરતી વખતે ર(બે)ના ગુણાંક (factor) થી ગુણવાની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તાર કોને ગણવો તેમજ શહેરી વિસ્તાર કોને ગણવો તેની વિગત નીચે દર્શાવ્યા મુજબની છે.

શહેરી વિસ્તાર ઃ (1) પૂર્વ યુએલસી વિસ્તાર, (2) મહાનગરપાલિકા વિસ્તાર (મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર), (3) શહેરી વિકાસ સત્તામંડળનો વિસ્તાર, (4) વિસ્તાર વિકાસ સત્તા મંડળનો વિસ્તાર, (5) નગરપાલિકા વિસ્તાર ( બરો નગરપાલિકા સહિત), (6) નોટીફાઈડ એરીયા, (7) કેન્ટોનમેન્ટ એરીયા છેલ્લા દાયકાથી ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં લેતાં સરકારના અતિ મહત્વના પ્રોજેક્ટોના કામે જમીન સંપાદન કરવા અંગેની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે, બીજી તરફ કેટલાક ખેડૂત આગેવાનો / અસરગ્રસ્તો દ્વારા એવી રજુઆત કરવામાં આવી રહી છે કે રાજ્ય સરકારના ઠરાવથી શહેરી વિસ્તારની વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ કેટલાંક ગામડાઓ શહેરી વિસ્તારથી ખૂબ જ દૂરના અંતરે આવેલા હોવા છતાં તેનો શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારમાં તથા વિસ્તાર વિકાસ સત્તા મંડળ વિસ્તારમાં સમાવેશ થઈ જતો હોવાથી તેઓને ૨ (બે)ના ગુણાંક ફેક્ટરનો લાભ મળતો નથી. જ્યારે તેમની જમીનની નજીક આવેલી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ થતો નથી તેવી સમાન પ્રકારની જમીનોના ખેડત ખાતેદારોને ૨ (બે) ફેક્ટરનો લાભો મળે છે. જે ધ્યાને લઈ ખેડુતોને મળવાપાત્ર વળતરની રકમ અંગે બાબતે અન્યાય ન થાય તે હેતુથી શહેરી વિસ્તાર કૌને ગણવો તે નીચેની વિગતે ફેરફાર કરવામાં આવેલ છે.

શહેરી વિસ્તાર : (૧) પૂર્વ યુએલસી વિસ્તાર, (૨) મહાનગરપાલિકા વિસ્તાર, (૩) નગરપાલિકા વિસ્તાર ( બરો નગરપાલિકા સહિત), (૪) નોટીફાઈડ એરીયા, (૫) કેન્ટોનમેન્ટ એરીયા આ સુધારા ઠરાવ બહાર પાડ્યાની તારીખ બાદ મંજુર કરવામાં આવનાર એવોર્ડને જ ઉપર મુજબની જોગવાઈઓ લાગુ પડશે તેવું નક્કી થયેલું છે.

(ર) જમીન સાથે જોડાયેલી અકસ્યામતો મિલકત અંગે વળતર નકકી કરવા બાબત   સંપાદન કરવાની જમીનની બજાર કિંમત નકકી કર્યા બાદ ક્લેકટર જમીન સાથે જોડાયેલી બધી અસ્કયામતો સહિત જમીન માલિકને ચૂકવવાના વળતરની રકમ નકકી કરશે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવશે.

(એ) જમીનનો કબજો લેતી વખતે તે જમીન પર ઊભો પાક હોય તો તે અંગે કૃષિ વિભાગના અધિકારીનો અભિપ્રાય મેળવી ઊભા પાકની કિંમત નક્કી કરવી, વૃક્ષો બાબતે સંપાદન કરેલી જમીન સાથે જોડાયેલા વૃક્ષો અને છોડની કિંમત નક્કી કરવા માટે વન અને પર્યાવરણ વિભાગના અભિપ્રાય મુજબ થતી કિંમત, જમીનનો કબજો લેતી વખતે આવી જમીનને બીજી જમીનથી અલગ પાડવાને કારણે હિત ધરાવતી વ્યકિતને થયેલું નુકસાન, જમીનનો કબજો લેતી વખતે બીજી સ્થાવર અને જંગમ મિલકતને નુકસાન થયેલું હોય અને બીજી કોઈ રીતે હિત ધરાવતી વ્યકિતને નુક્સાન થયું હોય તો તે અંગેની વિગત, જમીનનું સંપાદન કરવાથી હિત ધરાવતી વ્યકિતને તેનું રહેઠાણ અથવા વેપારનું સ્થળ બદલવાની ફરજ પડતા તે માટે થયેલું યોગ્ય ખર્ચ, કલમ-૧૯ હેઠળ આખરી જાહેરનામું યાને એકરાર પ્રસિદ્ધ થયાનો સમય અને કલેક્ટરે જમીનનો કબજો લીધાના સમય વચ્ચે જમીનના નફાનો ખરેખર ઘટાડો - નુક્સાન થયું હોય તો તે, અસરગ્રસ્ત કુટુંબોને સમાનતા, ન્યાય અને લાભના હિતમાં બીજું જે કારણ હોય તે,

સંપાદન કરવાની જમીન અથવા મકાન સાથે જોડાયેલું મકાન અને બીજી સ્થાવર મિલકત અથવા અસ્ક્યામતની બજાર કિંમત નકકી કરવા માટે ક્લેકટર માર્ગ અને મકાન વિભાગના ઈજનેર અથવા પ્રસ્તુત ક્ષેત્રના બીજા કોઈ તાંત્રિક તજજ્ઞની સેવાનો ઉપયોગ કરશે.

જમીન મહેસુલ કાયદાની ક્લમ-૭૩(અ) લાગુ પાડવામાં આવી હોય તેવી જમીનો સંપાદન થતા વળતર નકકી કરવા બાબત ઃ નવી શરતની જમીનોમાં જમીન મહેસૂલ અધિ[નિયમ-૧૮૭૯ ની કલમ-93(અ) વાળી જમીન, ગણોતધારાની જોગવાઈ હેઠળ ગણોતિયાને મળેલી નવી અને અવિભાજ્ય સત્તા પ્રકાર હેઠળની જમીન અને સરકારે નવી શરતથી અથવા પ્રતિબંધિત શરતથી ગ્રાન્ટ કરેલી જમીનોનો સમાવેશ થાય છે. જે ગામોમાં જમીન મહેસૂલ અધિનિયમ -૧૮૦૯ની કલમ-૩(અ) લાગુ પાડવામાં આવી છે તેવી જમીનો સંપાદન થતાં તેનું વળતર નવી શરતની જમીન ગણીને ન આપતાં જૂની શરતની જમીન ગણીને આપવું. નિયંત્રિત સત્તા પ્રકારની નવી શરતની જમીનની કિંમત નિયંત્રણ વગરની જૂની શરતની કિંમત પ્રમાણે નકકી કરીને તેમાંથી લેવાના સરકારી હિસ્સાની રકમ સરકારમાં જમા કરાવીને બાકીની રકમ જમીન માલિકને ચૂકવવાની જોગવાઈ છે.

(સી) આવા ગામોમાં જો સરકારે કોઈ વ્યકેતઓને નવી અને અવિભાજય શરતના ખાસ હુકમો ઘ્વારા સરકારી જમીન આપી હોય તેવી જમીનનું વળતર નવી શરતની જમીન ગણીને જ આપવું.

(ડી) નવી શરતની જમીનોના કિસ્સામાં લેવાપાત્ર થતું પ્રીમીયમ જમીનોના વળતરમાંથી ૫% ની રકમ પ્રમાણે સરકારમાં જમા કરાવવાનું થાય છે.

(૪) એવોર્ડની રકમની ચૂકવણી કરવા બાબત ઃ (૧) એવોર્ડમાં જણાવેલ વળતરની રકમની ચૂકવણી કરવા માટે સ્થળ, સમય અને તારીખની જાણ હિત સબંધ ધરાવતી વ્યકિતઓને કરવાની હોય છે અને જે વ્યકિત હાજર નહીં રહે તેની વળતરની રકમ રેવન્યુ ડિપોઝિટમાં જમા કરવામાં આવશે અને તેના ઉપર કોઈપણ જાતનું વ્યાજ ચૂકવવામાં આવશે નહીં આવે તેવી પણ જાણ કરવાની રહેશે. આ જાતની કાર્યવાહી ક્ષતિપૂર્ણ થતી હોવાથી વળતરની ચુકવણી માટે ત્રણ વખત પ્રયત્નો કરવા અને ત્યારબાદ નિયત નમૂનાના પ્રમાણપત્ર સાથે રકમ રેવન્યુ ડિપોઝિટમાં જમા કરવા સંબંધિત મામલતદારને મોકલવી. ગુજરાત સરકારે જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ, ૨૦૧૩ ના કાયદામાં સુધારેલો કાયદો નંબરઃ ૧૨/૨૦૧૬ પસાર કરીને મામલતદાર ઓફિસમાં રેવન્યુ ડિપોઝિટમાં રકમ જમા કરવાને બદલે હવે વળતરની રકમ મુકરર કરેલી કચેરીમાં અથવા સત્તાતંત્રમાં જમા કરાવવાની રહે તેવી જોગવાઈ કરેલી છે. સામાન્ય રીતે હવે જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વાજબી વળતર અને પારદર્શેતાનો અધિકાર અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈઓ મુજબ જેટલી વળતરની રકમ અસરગ્રસ્ત ખેડૂતો અને અસરગ્રસ્તોને બેન્ક એકાઉન્ટ દ્વારા ચૂકવાઈ જાય તે સિવાયની બાકી રહેતી રકમ કે જે ખેડૂતોની ગેરહાજરીને કારણે, ખેડૂતો પરદેશ જવાને કારણે, સંપાદન થયેલી જમીનની માલિકી અંગે વારસદારો વચ્ચે તકરાર હોવાને કારણે, વારસાઈ ન થવાને કારણે, અન્ય કારણોસર ચૂકવાઈ ન હોય તેવી રકમ હવે બારોબાર જ સત્તાતંત્રમાં જમા કરવાની રહેતી હોઈ મામલતદાર કચેરીમાં જમા કરાવવનો પ્રશ્ન ભાગ્યે જ ઉપસ્થિત થશે.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

No comments:

Post a Comment