8.01.2023

હવે મિલકતને BU પરમિશન મળ્યાના 45 દિવસમાં જ આકારણી કરાશે

 

એસ્ટેટ વિભાગ BU અપાયા બાદ ટેક્સ વિભાગને જાણ કરશે


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હવે મિલકતને BU પરમિશન આપ્યાના 45 દિવસમાં જ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા આકારણી કરવામાં આવશે. કોર્પોરેશનના એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા નવી મિલકતને BU આપ્યા પછી 10 દિવસમાં તે અંગેની વિગતો મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સ વિભાગને સુપરત કરી દેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા મોડ્યુલમાં પણ આ અંગે ફેરફાર કરવામાં આવશે, જેમાં એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા BU પરમિશન આપવામાં આવે તેની વિગતો પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ઓનલાઈન દેખાશે. આ પ્રક્રિયાના લીધે આકારણી કરવામાં થતો વિલંબ દૂર થશે અને નાગરિકોને સમયસર બિલ મળશે. 

કોર્પોરેશનમાં સોમવારે મળેલી રેવન્યુ કમિટીમાં આ નિર્ણય કરાયો હતો. GPMC એક્ટ હેઠળ મિલકતને BU પરમિશન આપવામાં આવે તે તારીખથી જ ટેક્સની આકારણી કરવાની થતી હોય છે. હાલમાં જે પદ્ધતિ છે તેમાં એસ્ટેટ વિભાગ દ્વારા મિલકતને BU પરમિશન આપવામાં આવ્યા બાદ તે અંગેની નકલ ટેક્સ ખાતાના સંબંધિત ઝોનમાં મોકલી દેવામાં આવતી હોય છે. ઝોનમાં ટેક્સ ખાતાને આ વિગતો મળ્યા બાદ સ્થળ પર જઈને મિલકતની માપણી કરવામાં આવે છે. ત્યારબાદ માલિકીના પુરાવા મેળવી મિલકતની આકારણી કરવામાં આવે છે. 

જોકે, આ કામગીરીમાં વિલંબ થતો હોવાને પગલે નવી મિલકતોની ઝડપથી આકારણી થાય તે માટે એસ્ટેટ વિભાગ દ્વારા BU પરમિશન અંગેની નકલ અને વિગત 10 જ દિવસમાં મોકલવા માટે સૂચના અપાઈ છે. આ વિગતો મળ્યા બાદ ટેક્સ વિભાગ દ્વારા 45 દિવસમાં આકારણી પૂરી કરવા માટે સરક્યુલર કરવામાં આવ્યું છે. જેથી વોર્ડ ઈન્સ્પેક્ટર દ્વારા BU પરમિશન મળ્યાના 45 દિવસમાં જ આકારણીની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. જો તેમાં વિલંબ થશે તો કર્મચારીની જવાબદારી નક્કી થશે અને તેમની સામે પગલાં પણ લેવાઈ શકે છે. 

નોંધનીય છે કે, કોર્પોરેશને 2021-22માં 671 મિલકતોને BU પરમિશન આપી હતી. જેમાંથી 492ની આકારણી કરાઈ હતી જ્યારે 179ની આકારણી હજુ બાકી હોવાનું જાણવા મળે છે

No comments:

Post a Comment

ગુજરાત ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ ટીપી યોજનાઓનું અમલીકરણ અગત્યનું-1

  ગુજરાત ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ ટીપી યોજનાઓનું અમલીકરણ અગત્યનું - લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.) - ગ્રામ્ય વિસ્તારોમાં પણ બિન...