8.18.2023

કોમર્શિયલ મિલકતના પ્રોપર્ટી ટેક્સ માટે બ્લડ રિલેશનના નિયમ સુધારાયા

 નવગુજરાત સમય, અમદાવાદ

 શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલી કોમર્શિયલ મિલકત ભાડે અપાતી હોય છે, તેમાં મ્યુનિ. દ્વારા ભાડૂઆતનાં ધોરણે આકારણી કરી ડબલ પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવે છે. તેથી કેટલાક લોકો ઓછો ટેક્સ ભરવો પડે તે માટે બ્લડ રિલેશન છે અને મિલકતમાં ચાલતી કંપની-પેઢીમાં પોતે ભાગીદાર છે તેવા દાવા કરતાં હોય છે, તેના કારણે સર્જાતાં વિવાદો અને આવા કિસ્સામાં બારોબાર વહીવટ કરીને મ્યુનિ.ની તિજોરીને નુકસાન પહોંચાડતા તત્ત્વો પર અંકુશ મેળવવા માટે રેવન્યુ કમિટીએ બ્લડ રિલેશન સહિતનાં નિયમો સુધાર્યા છે.

મ્યુનિ. રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, કોમર્શિયલ મિલકતોનાં ભાડૂઆતોનાં મામલે ખાસ કરીને બ્લડ રિલેશનનાં કિસ્સાઓમાં અને ભાગીદારી પેઢીના મામલે કેટલીક સ્પષ્ટતા કરવી આવશ્યક થઇ પડી હતી. તેમણે કહ્યું કે, ટેક્સ ખાતામાં અગાઉ એવો પરિપત્ર કરાયો હતો કે, કોમર્શિયલ મિલકતધારકનાં ભાઇ-બહેન, મા-બાપ, પતિ કે પત્ની તેમજ પુત્ર કે પુત્રીને ભાડૂઆત ગણી આકારણી કરી હોય તેવા કિસ્સામાં જરૂરી પુરાવા ચકાસીને માલિકીનાં ધોરણે આકારણી કરવી.

તેમણે કહ્યું કે, માલિકનાં બ્લડ રિલેશનની વ્યાખ્યામાં પણ કેટલીક વિસંગતતા ઉદભવે છે તેમજ ભાગીદારી પેઢી કે પ્રા.લિ. કંપનીમાં માલિક કેટલો હિસ્સો ધરાવે તો માલિકનાં ધોરણે આકારણી કરવી વગેરે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. આ સમસ્યાનાં ઉકેલ માટે જે કોઇ કોમર્શિયલ મિલકતનો વપરાશ માલિક અથવા તેના સબંધીની વ્યાખ્યામાં આવતાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતો હોય અને કોઇ જ પ્રકારનું ભાડું ચૂકવતા ન હોય (કંપનીમાં ઉધારતા ન હોય) તેવા કિસ્સામાં જ મિલકતની ટેક્સ આકારણી સેલ્ફનાં ધોરણે કરવાની રહેશે. 

જૈનિક વકીલે જણાવ્યું હતું કે, આ સિવાય કોમર્શિયલ મિલકતનો વપરાશ ભાગીદારી પેઢી-કંપની દ્વારા કરવામાં આવતો હોય અને મિલકતનો માલિક અથવા તેમનાં બ્લડ રિલેશનમાં હોય તેવી વ્યક્તિ પેઢી-કંપનીમાં ૨૦ ટકાથી વધુ ભાગીદાર હોય તેમજ કોઇ ભાડું ઉધારવામાં આવતું ન હોય તેવા કિસ્સામાં જ જરૂરી પુરાવા ચકાસીને સેલ્ફનાં ધોરણે આકારણી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો ભાગીદારી પેઢીમાં એક ટકાનાં ભાગીદારી નોંધાવીને પ્રોપર્ટી ટેક્સ ઓછો ભરવો પડે તેવા ખેલ કરતાં હોવાનું ધ્યાને આવ્યા બાદ ઇન્કમટેક્સ અને કંપની એક્ટનો અભ્યાસ કરીને આ જોગવાઇ કરવામાં આવી છે.

રેવન્યુ કમિટી ચેરમેને વધુમાં કહ્યું કે, મિલકત ભાડે આપવામાં બ્લડ રિલેશન અને કંપની-ભાગીદારી પેઢીમાં હિસ્સો વગેરે બાબતને લઇ નિયમોમાં સુધારણા કરવાથી કોર્પોરેટ તથા બિઝનેસ કરતાં કરદાતાઓને ખોટી હેરાનગતિ અટકશે.

ક્યા ક્યા પુરાવા રજૂ કરવા પડશે
રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, કોમર્શિયલ મિલકતમાં સેલ્ફનાં ધોરણે આકારણી માટે સી.એ.નું સર્ટિફિકેટ, ઇન્કમટેક્સ રિટર્ન, કોઇ પણ પ્રકારનું ભાડું નહિ ચૂકવતાં હોવાનું નોટરી કરાવેલું સોગંદનામું તથા બેલેન્સ શીટ, નફા-નુકસાન ખાતુ જેવા અન્ય પુરાવા રજૂ કર્યેથી ભાડૂઆતનાં ધોરણે પ્રોપર્ટી ટેક્સની આકારણી કરવામાં આવશે નહિ.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...