6.29.2022

હવેથી અધૂરા પુરાવા હશે તો સબ રજીસ્ટ્રાર કચેરી માં દસ્તાવેજ નહીં થઈ શકે

 

ગેરરીતિ અટકાવવા સરકારે નવી ગાઈડ લાઈન બહાર પાડી, સબરજિસ્ટ્રાર માત્ર સાત દિવસ દસ્તાવેજ રાખી શકશે જો પુરાવા નહીં અપાય તો પરત કરી દેશે

દસ્તાવેજ પેન્ડિંગ રાખવાની કામગીરી બંધ

1લી જુલાઈથી નવા આદેશનો અમલ

પરિપત્ર માટે અહી કિલક કરો



રાજ્ય સરકારે જમીન તથા મિલકતોના દસ્તાવેજો જુદા જુદા કારણોસર પેન્ડિંગ રાખવાની જોગવાઈ તા.1લી જુલાઈથી રદ કરવામાં આવી છે. દસ્તાવેજ નોંધણી અર્થે રજૂ થાય ત્યારે તમામ જરૂરિયાત પૂર્ણ હોય અને કોઈ વાંધો ન હોય તો દસ્તાવેજની નોંધણી થઈ શકશે અને જો દસ્તાવેજ સામે વાંધો હોય તો દસ્તાવેજ કોઈપણ સંજોગોમાં થઈ શકશે નહીં અને દસ્તાવેજ કરવો હોય તો 7 દિવસની અંદર ખૂટતી બાબતોની પૂર્તતા કરે તેવી લેખિતમાં નોંધ આપશે તો દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં મૂકી રાખવામાં આવશે અને 7 દિવસમાં વાંધા દૂર નહીં કરે તો દસ્તાવેજ પરત કરી દેવામાં આવશે એવી નવી જોગવાઈ કરવામાં આવી છે.

દસ્તાવેજની નોંધણીમાં અત્યાર સુધી ઓછી સ્ટેમ્પ ડ્યૂટી ભરવાના કેસમાં દસ્તાવેજ પેન્ડિંગ કરવામાં આવતા હતા. આ ઉપરાંત પાનકાર્ડ, સાક્ષીઓની સહી, પાવર ઓફ એર્ટની હોલ્ડરની હયાતી વિગેરે જેવા મુદ્દાઓ ન હોવા છતાં સબ રજિસ્ટ્રાર એકવાર દસ્તાવેજ કરી તેનો નંબર જનરેટ કરી પછી તેને પેન્ડિંગ કરી દેતા હતા. આવા કિસ્સામાં સરકારને ઘણી ફરિયાદો મળી છે. તેમાં ગેરરીતિ થવાના કિસ્સા પણ સરકારને મળ્યા છે.

સરકાર સમક્ષ મળેલી રજૂઆતોમાં દસ્તાવેજના એન્ડોર્સમેન્ટ પેજ તેમજ મુલત્વી (પેન્ડિંગ) રજિસ્ટ્રારમાં પેન્ડિંગ બાબતે જરૂરી નોંધ કરવામાં આવતી નથી તેમજ દસ્તાવેજ પેન્ડિંગ હોવા બાબતે અરજદારને વાંધાનો નિકાલ કરવા માટે નિયત સમય મર્યાદામાં નોટિસ પાઠવવામાં આવતી નથી કે કોઈપણ રીતે જાણ કરવામાં આવતી નથી. આ ઉપરાંત સબરજિસ્ટ્રાર કચેરી ખાતે નોંધણી અર્થે રજૂ થયેલા દસ્તાવેજ મિલકતની બજાર કિંમત નક્કી કરવા તથા ખુટતી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યૂટીને અસલ દસ્તાવેજો મોકલી આપવામાં આવતા હોય છે. ત્યારબાદ ઘણા કિસ્સામાં અસલ દસ્તાવેજો કચેરીમાંથી ગુમ થઈ જાય છે અને ત્યારબાદ બીજી નકલના આધારે કાર્યવાહી કરવામાં આવતી હોવાના બનાવો પણ બનવા પામ્યા છે.

સબરજિસ્ટ્રાર કચેરી ખાતે એક જ પ્રકારની મિલકતના દસ્તાવેજમાં કોઈપણ યોગ્ય કારણ સિવાય દસ્તાવેજમાં કોઈપણ યોગ્ય કારણ સિવાય દસ્તાવેજ પેન્ડિંગ કરી દેવામાં આવે છે. જ્યારે બીજીબાજુ આવી જ મિલકતો દસ્તાવેજ કરી તેની નકલ પક્ષકારને પરત કરી દેવામાં આવે છે. આ અંગે કચેરીમાં બિનજરૂરી પ્રશ્નો ઊભા થાય છે અને અરજદારોને ઘણી હાડમારીઓ ભોગવવી પડે છે. દસ્તાવેજ નોંધણીનો મુખ્ય હેતુ જે જમીન કે મિલકતના વેચાણની નોંધણી થઈ છે. તેની જાહેરાત કરવાનો છે. જ્યારે દસ્તાવેજની નોંધણીની કાર્યવાહી પૂર્ણ થાય ત્યારે જ મિલકત તબદિલી કાયદા મુજબ થાય છે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતા જ્યારે કોઈ દસ્તાવેજ નોંધણી અર્થે રજૂ થાય તે તમામ જરૂરિયાતો પૂરી કરે છે તથા તેની આખરી નોંધણી સામે કોઈ વાંધો ન જણાતો હોય તેવા જ દસ્તાવેજની જ નોંધણીની કાર્યવાહી હાથ ધરવાથી લોકોની હાડમારી દૂર થશે અને છેતરપિંડીના બનાવો પણ અટકશે.

સરકારે નવી ગાઈડ લાઈન બહાર પડી પરિપત્ર કાર્યો છે અને રાજ્યભરમાં તેનો અમલ તા.1લી જુલાઈથી કરવાનો આદેશ કર્યો છે. નવા પરિપત્રમાં જણાવ્યું છે કે જ્યારે દસ્તાવેજ નોંધણી અર્થે રજૂ કરાવમાં આવે ત્યારે પ્રથમ તેની નોંધણી કાયદા મુજબ છે કે નહીં તે ચકાસવામાં આવશે અને ત્યારબાદ તમામ જોગવાઈ પરિપૂર્ણ જણાય તથા તેની આખરી નોંધણી સામે કોઈ વાંધો જણાતો તેવા જ દસ્તાવેજોની નોંધણી હાથ ધરવાની રહેશે અને દસ્તાવેજની ચકાસણી બાદ જ યોગ્ય જણાય તો દસ્તાવેજનો નંબર જનરેટ કરવાનો રહેશે અને જો દસ્તાવેજ તમામ જોગવાઈ મુજબ ના હોય તથા દસ્તાવેજની નોંધણી સામે વાંધો હોય તો તે દસ્તાવેજની નોંધણી સબ રજિસ્ટ્રારે કરવાની રહેશે નહીં અને આ સ્થિતિમાં દસ્તાવેજ કરાવનારને લેખિતમાં કારણ સાથે જાણ કરવાની રહેશે અને લેખિતમાં જાણ કર્યા અંગેની સહી પણ લેવાની રહેશે અને જો પક્ષકાર સહી કરવાની ના પાડે તો તેની નોંધ લખી સબ રજિસ્ટ્રારે શેરો મારવાનો રહેશે.

પરિપત્રમાં જણાવ્યું છે કે નોંધણી અર્થે રજૂ થતા દસ્તાવેજમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ કરી નો હોય તો સબરજિસ્ટ્રારે ગણતરી કરી ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીની ભરપાઈ કરવા માટે પક્ષકારને જાણ કરવાની રહેશે તથા દસ્તાવેજો પરત્વે તેનો પ્રકાર નક્કી કરવામાં કે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી ના થઈ શકતી હોય તો તેવા કિસ્સામાં યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી માટે નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કરવા પક્ષકારને જણાવવાનું રહેશે. દસ્તાવેજ પક્ષકારની કબૂલાત માટે પેન્ડિંગ રાખી શકાશે નહીં. દસ્તાવેજ રજૂ થાય ત્યારે એક જ કાગળમાં તમામ વાંધાઓ પક્ષકારને જણાવવાના રહેશે. ત્યારબાદ બીજા વાંધાઓ સબરજિસ્ટ્રાર ઉપસ્થિત કરી શકશે નહીં. તેમજ જ્યારે કોઈ દસ્તાવેજ નોંધણી અર્થે રજૂ થાય ત્યારે તે તમામ જરૂરિયાતો પૂર્ણ થાય કે નહીં તેના માટે એક એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે. તે પક્ષકારને બતાવવાનું રહેશે અને ચેકલિસ્ટ સિવાય કોઈ કારણ હોય તો તે અન્ય કારણની નોંધણી થઈ શકે તેમ નથી. તે લેખિતમાં જણાવવાનું રહેશે.રાજ્ય સરકારે ક્યા સંજોગોમાં દસ્તાવેજના થઈ શકે અને ક્યા મુદ્દો છે જેની પૂર્તતા કરવા જરૂરી છે તેનું ચેકલિસ્ટ બનાવવામાં આવ્યું છે તેના કેટલાક મુદ્દાઓ અહી પ્રસ્તુત છે.

ચેકલિસ્ટ

મિલકતના દસ્તાવેજમાં મિલકત ઓળખી શકાય તેટલા પુરાવા નથી.

રજિસ્ટ્રેશન એક્ટ મુજબ નિયત સમય મર્યાદામાં દસ્તાવેજ રજૂ કર્યો નથી.

દસ્તાવેજ રજૂ કરનારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા ફિંગર પ્રિન્ટ લાવી રજૂ કર્યા નથી.

જેના દસ્તાવેજની નોંધ કરાવવાની છે તેમણે અધિકૃત પુરાવા આપ્યા નથી.

દસ્તાવેજના દરેક પાના ઉપર પક્ષકારમાંથી કોઈ એકની સહી કે અંગુઠો નથી.

કુલમુખત્યારનામા ધારકે દસ્તાવેજ કરી આપ્યો હોય તેવા કિસ્સામાં મુખ્યત્યારનામુ કરી આપનાર હયાતી છે. જેવી સાબિતી જોડેલી નથી.

અંશાતધારાનું સર્ટિ. રજૂ કર્યું નથી.

તૈયાર મિલકત અંગે અધિકારીની પરવાનગી રજૂ કરાઈ નથી.

જાહેર ટ્રસ્ટની મિલકત હોય તો સમક્ષ અધિકારીની પરવાનગી જરૂરી છે.

કોર્ટ કેસ હોય તો તેનો નંબર.

દસ્તાવેજ સાથે ઝોનિંગ સર્ટિ. રજૂ કર્યું નથી.

સ્ટેમ્પનો સમય મર્યાદા 6 માસમાં ઉપયોગ કરેલ નથી

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...