ખેડૂત કોણ બની શકે? બિનખેડૂત ખેતીની જમીન ખરીદે તો?
1. ખેડૂત – બિનખેડૂત – ખેતમજુર :
(એ) ખેડૂત :
ખેડૂત એટલે જમીનની જાતે ખેતી કરતી વ્યકિત. ખેતી કરવી એટલે કોઈ પણ ખેતી વિષયક કામકાજ કરવું અને જાતે ખેતી કરવી એટલે પોતાના શ્રમથી અથવા પોતાનાં કુટુંબની કોઈ વ્યકિતના શ્રમથી અથવા પોતાના કુટુંબની વ્યકિતના અંગત દેખરેખ હેઠળ જેમને રોકડ વસ્તુના રૂપમાં મજુરી આપવાની હોય પણ પાકના ભાગના રૂપમાં મજુરી આપવાની ન હોય તેવા નોકરો રાખીને અથવા દહાડિયા રાખીને અથવા પોતાના ખર્ચે ખેતી કરવી તે એટલે કે ખેડૂત.
(બી) બિનખેડૂત :
એવી વ્યકિત કે જેણે આજ દિન સુધી ખેતી અંગેનું કોઈ કામકાજ કર્યુ ન હોય અને તે વારસાગત ખેડૂત નથી.
(સી) ખેતમજુરો પોતાની જમીન ધારણ કરી શકે છે. :
સૌપ્રથમ તો ખેતમજૂર કોને ગણવો? જે વ્યકિત ૫ વર્ષથી ખેતમજૂરી કરતો હોય અને જે વ્યકિતના પોતાના નામે કે સંયુકત નામે કોઈ ખેતીની જમીન નથી કે વારસાઈમાં તેને આવી જમીન મળવાની નથી. ખેતમજૂર ખેતમજૂરી સિવાય અન્ય કોઈ વ્યવસાય કે આનુંસંગીક વ્યવસાય ન કરતી હોવી જોઈએ. આવી વ્યકિતની વાર્ષિક આવક રૂપિયા ૫૦૦૦થી વધુ હોવી ન જોઈએ.
આવી વ્યકિતઓએ મામલતદાર પાસેથી પ્રમણપત્ર મેળવી તેઓ પોતાની જાતને ખેતમજૂર પ્રસ્થાપિત કરીને ત્યારબાદ ખેતીની જમીન ખરીદી શકે છે.
2. બિનખેડૂત વ્યકિત પોતાની જમીન ખરીદ કરી શકે કે કેમ ? :
(એ) પરપ્રાંતનો ખેડૂત ગુજરાતમાં ખેડૂત ન ગણાય અને તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે નહી :
ખેડૂત સાથે બિનખેડૂત વ્યકિત સહભાગીદાર તરીકે પોતાની જમીન ખરીદી શકે નહી. મતલબ કે ખેડૂત સાથેનો બિનખેડૂત ભાગીદાર ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકે નહી. ગુજરાતનો વ્યકિત પણ આવા સંજોગોમાં ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતો નથી.
(બી) બિનખેડૂત વ્યકિત કે સંસ્થાને ખેતીની જમીન ખરીદવા માટે પણ નાયબ મદદનીય કલેકટરશ્રી પાસેથી ખેડૂત પ્રમાણપત્ર મેળવવું પડે છે. અને તે નીચે મુજબની પરિસ્થિતિમાં પમાણપત્ર મળી શકે છે :
૧. કોઈ વ્યકિતને ખેતીની જમીન બિનખેતીના કામ માટે જોઈતી હોય.
૨. તે જમીનના માલિકે કલમ-૫૫ના ઠરાવોનું પાલન કર્યુ હોય.
૩. કોઈ જમીન જે ગામમાં આવેલી હોય તે ગામનો કોઈ પણ ખેડૂત તે જમીનના માલિક પાસેથી તે જમીન પટે લેવાને તૈયાર ન હોય તેવા સંજોગોમાં.
૪. તે જમીન કોઈ ઔદ્યોગિક-વેપાર ધંધાના સાહસમાં લાભ લેવા માટે અથવા કેળવણી વિષયક કે ધર્માદા સ્થાપવા માટે જોઈતી હોય.
૫. તે જમીન સહકારી મંડળીને જોઈતી હોય.
૬. જમીન ગીરો લઈ શકાય છે. પરંતુ તે માટે ગીરો લેનારે કલેક્ટર પાસેથી ‘‘પોતે ખેડુતનો ધંધો કરવા ધારે છે અને જમીનને જાતે ખેડવા કબુલ થાય છે’’ એ મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે.
૭. જો કોઈ જમીનનો માલિક એવા કોઈ શખ્સને દાનમાં આપવા માંગતો હોય કે જે શખ્સ કોઈ પણ જમીનની માલિકી ધરાવતો ન હોય. પરંતુ તેણે પોતે ખેડૂતનો ધંધો કરવા ધારે છે. અને જાતે જમીન ખેડવા ઈચ્છે છે. એ મતલબનું પ્રમાણપત્ર મામલતદાર પાસેથી મેળવેલ હોય છે.
૮. ખેતીવાડીનો માન્ય અભ્યાસક્રમ (બિહેવીયર ઓફ એગ્રીકલ્ચર) કરેલ વ્યકિત પોતાનો વ્યવસાય કરવા માંગતી હોય અને પોતે જાતે ખેતી કરવાની બાહેંધરી આપતો હોય.
(સી) ખેડૂત પ્રમણપત્ર મેળવનારે એક વર્ષમાં ઉપયોગ કરવો જરૂરી :
ખેતીની જમીનનો કબજો લીધાની તારીખથી ૧ વર્ષની મુદ્દતમાં જે કારણ સારૂં પરવાનગી મેળવેલ હોય તે કારણસરનું કામ શરૂ કરી દેવું પડે છે.
(ડી) પુરૂષ પોતે ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો :
પતિ ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો પત્નીએ સૌપ્રથમ પોતાના પિતાના ખાતામાં વારસાઈથી સહમાલિક તરીકે નામ દાખલ કરાવી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. ત્યાર બાદ તેણી પોતે ખેતીની જમીન ખરીદી શકે છે અને તેણીના વારસદારો પુત્ર, પુત્રી (પતિ નહી) વારસાગત રીતે ખેડૂત ગણાશે અને તેમના નામે પણ ખેતીની જમીન ખરીદી શકાય છે.
(ઈ) નર્મદા યોજનાના કારણે વિસ્થાપીત થતી વ્યકિત પછી તે ખેડૂત હોય કે બિનખેડૂત હોય મહેસુલ વિભાગના તારીખ ૧૩-૦૮-૯૧ના ઠરાવ ગણાતા – ૧૩૯૦ એમ.આર. ૧૫-જ મુજબ ગુજરાત રાજ્યમાં ખેડૂત તરીકે ગણાવાના રહે છે.
(એફ) ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરેલ ખેતીની જમીન જપ્ત થઈ શકે છે.
ઉપરોકત નિયમો અનુસાર જો કોઈએ ગેરકાયદેસર રીતે જમીન તબદિલ કરીને જમીનનો કબ્જો ધરાવતો હોય તો તેવી વ્યકિતઓને જમીન ખાલી કરાવવા માટે કલેક્ટરશ્રી કાર્યવાહી કરીને કલમ-૭૫થી મળેલ સમાનુસાર જમીન ખાલી કરાવી શકે છે.
પ્રશ્નોત્તરી :
પ્રશ્ન : કોઈ ખેડૂત/ખાતેદાર પોતાની જમીન વેચાણ/તબદિલ કરવા માંગતો હોય તો તે અંગે તેણે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ?
જવાબ : જૂના મુંબઈ રાજ્યનાં વિસ્તારમાં ગણોતધારાની કલમ ૬૩ અન્વયે, કચ્છમાં કચ્છ-ગણોતધારાની કલમ ૮૯ હેઠળ અન્વયે તથા જુના સૌરાષ્ટ્ર રાજ્યના વિસ્તારમાં સૌરાષ્ટ ઘરખેડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેનો ૧૯૪૯ના કાયદાની કલમ ૫૪, જે રાષ્ટ્ર લેન્ડ રીફોર્મસ એકટથી અમલી કરવામાં આવી છે. તેમાં ખેતીની જમીન બિનખેડૂતને તબદિલ/વેચાણ કરવા ઉપર પ્રતિબંધ છે. ખેડૂત અગર ગણોતિયો પણ જે તે વિસ્તારના ટોચ મર્યાદા કરતાં જમીન વધતી હોય તો આવી વધારાની ખેતીની જમીન વેચાણ રાખી શકે નહીં.
પ્રશ્ન : કોઈ બિનખેડૂતને જાત ખેતી કરવા માટે જમીન વેચાણથી રાખવી હોય તો કોઈ જોગવાઈ છે ?
જવાબ : હા, કોઈ બિનખેડૂત જો ખેતીના હેતુ માટે જ જમીન વેચાણથી રાખવા માંગતો હોય તો નાયબ કલેક્ટરશ્રી/કલેક્ટરશ્રી તરફથી ઠરાવવામાં આવે છે. તેવી શરતોએ વેચાણ, બક્ષીસ, પટા અથવા ગિરોથી તે બાબતનું પ્રામાણપત્ર મેળવી રાખી શકશે. એમાં જે તે વ્યકિતની વાર્ષિક આવક રૂ. ૫૦૦૦/- થી વધે નહીં તે તથા આવી બાબત ધ્યાનમાં રાખીને સક્ષમ અધિકારી નિર્ણય લે છે અને પોતાને સંતોષ થાય તો જ આવી પરવાનગી આપે છે.
No comments:
Post a Comment