આદિવાસી ને રહેઠાણ માટે તેમજ ખેતીના ઉપયોગ માટે મહત્તમ ૪ હેક્ટર સુધીની જમીનના હક્ક એનાયત કરવામાં આવે છે - વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬
વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬
પરિચય
વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ એ ભારત સરકારના આદિજાતિ મંત્રાલયે બનાવેલો કાનૂન છે અને ગુજરાત રાજયમાં તેનો અમલ થઈ રહ્યો છે. આ કાયદાની જોગવાઈ અંતર્ગત અનુસૂચિત જનજાતિઓના તથા અન્ય વનવાસીઓના પરંપરાગત રહેણાંકીય, સામાજિક, આર્થિક આજીવિક વિષયક અધિકારોની નોંધણી કરી તેવા અધિકારો તેમને એનાયત કરવામાં આવે છે. જંગલ અધિકાર અધિનિયમ, ૨૦૦૬ ની જોગવાઈઓ અંતર્ગત વ્યકિતગત, સામુદાયિક અને માળખાગત સુવિધાઓ સંબંધિત હક્કોની બાબત આવરી લેવાઈ છે.
કાયદાના અમલ માટે રાજ્યમાં આદિજાતિ વિકાસ વિભાગ નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે.
અધિકારો
વ્યક્તિગત અધિકારો
વ્યક્તિગત હક્કોના પ્રકારમાં કાયદા અનુસાર પાત્રતા ધરાવતા દાવેદારોને રહેઠાણ માટે તેમજ ખેતીના ઉપયોગ માટે મહત્તમ ૪ હેક્ટર સુધીની જમીનના હક્ક એનાયત કરવામાં આવે છે.
આ માટેના લાભાર્થી :
પરંપરાગત અનુસૂચિત જનજાતિની અથવા પરંપરાગત વનવાસી હોવા જોઈએ અને છેલ્લી ત્રણ પેઢઓથી અધિકૃત રીતે ખેતીની આજીવિકા માટે જંગલ પર નિર્ભર હોવા જોઈએ.
વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ હેઠળ આવા હક્કોની માન્યતા એ શરતને આધીન છે કે તેવા અનુસૂચિત જનજાતિની કે અન્ય પરંપરાગત વનવાસી વ્યક્તિ ૧૩ ડિસેમ્બર ૨૦૦૫ પહેલાં જંગલની જમીન ધરાવતા હોવા જોઈએ અને ૩૧મી ડિસેમ્બર ૨૦૦૭ ના દિવસે તે જમીનનો કબજો તેમની પાસે હોવો જોઈએ.
સામુદાયિક અધિકારો
જંગલ જમીન પર તેમજ જંગલની પેદાશ પર સમુદાયનો હક્ક ગૌણ જંગલ પેદાશો એકત્રિત કરવા માટે તેમજ તેનો ઉપયોગ કરવા માટે, માછીમારો માટે, જંગલમાં પશુઓ ચરાવવા માટે, જંગલમાં આવેલ જલસ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે તેમજ આદિજાતિ જૂથોના સંદર્ભે જંગલમાં વસવાટ કરવા માટેના સામુદાયિક હક માન્ય કરી શકાય છે.
માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે જંગલ જમીનનો ઉપયોગ
કાયદાની કલમ ૩(૨) માં કરેલી જોગવાઈ અનુસાર વિકાસ માટેના હક્કના પ્રકારમાં, શાળા, હોસ્પિટલ, લઘુસિંચાઈ, પેયજલ સુવિધા જેવી કુલ ૧૩પ્રકારની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે જંગલની જમીનની ફાળવણી કરવાની જોગવાઈ છે.
અમલીકરણ સ્થિતિ
વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ ના લાભાર્થીઓની દાવો રજૂ કર્યા પછીની સ્થિતિ
વન અધિકાર અધિનિયમ હેઠળના તા. ૬-૯-૨૦૧૨ ના સુધારેલ નિયમોનો નિયમ ૧૬ એમ સૂચવે છે કે દાવેદારે દાવો રજૂ કર્યા બાદ તેમને સમર્થન પૂરું પાડવું જોઈએ તેમજ
વન અધિકાર અધિનિયમના અધિકાર ધારકોને તમામ સંબંધિત ખાતાઓના વડાઓએ તેમજ જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ જારી કરી છે કે વન અધિકાર અધિનિયમના લાભાર્થીને સરકારી યોજનાઓનો લાભ પૂરો પાડવો.
કૃષિ વિભાગે ઈ-પોર્ટલ પર વન અધિકાર અધિનિયમ લાભાર્થીઓની યાદી જાહેર કરી છે.
દાવા નક્કી કરવા માટે પુરાવાઓ
દાવાની ખરાઈ પુરવાર કરવા માટે નીચેના પૈકી બે પુરાવા જરૂરી છે
જાહેર દસ્તાવેજો, ગેઝેટીયર, વસ્તી ગણતરી સેન્સસ, મોજણી અને વસવાટ સંબંધિત અહેવાલો જેવું સરકારી રેકર્ડ, નકશા, સેટેલાઈટ ઈમેજરી (ઉપગ્રહમાં ઝીલાતું છાયાચિત્ર), વર્કીંગ પ્લાન, માઈક્રો પ્લાન, જંગલ તપાસ અહેવાલો, અન્ય જંગલ સંબંધિત અહેવાલો.
સરકારે અધિકૃત કરેલ દસ્તાવેજ જેમકે મતદાતા ઓળખપત્ર, રેશનકાર્ડ, પાસપોર્ટ, ઘરવેરા પાવતી, વતન સંબંધિત પ્રમાણપત્ર, આવાસ, ઝૂંપડું, બંધ, ચેકડેમ (બંધપાળા) જેવી કાયમી લાક્ષણિકતાઓ
અર્ધ ન્યાયિક અને ન્યાયિક રેકર્ડ, અદાલતી હુકમો અને ચુકાદા
અધિકાર સંબંધિત, રાહત સંબંધિત, અગાઉના રાજા રજવાડા દ્વારા કૃપાની રાહે કરવામાં આવેલ તરફેણનું રેકર્ડ
વન અધિકાર સંબંધિત રીત રીવાજો કે પરંપરાઓના સંશોધન અભ્યાસો
પરંપરાગત માળખા - જેવાં કે કુવા, સ્મશાન ગૃહ, પવિત્ર સ્થાન
જાતિના વયોવૃધ્ધ વ્યકિતનું નિવેદન
પધ્ધતિ
ગ્રામ સભાએ નિયુક્ત કરેલી વન અધિકાર સમિતિ દાવા અરજી સ્વીકારે છે, તેની ચકાસણી કરે છે, રેકર્ડની નોંધ કરે છે અને દાવા અરજીના નિર્ણય માટે ગ્રામસભા તરફ રવાના કરે છે.
ગ્રામસભા તે દાવા અરજીની સ્વીકાર કે અસ્વીકારની ભલામણ સાથે પેટાવિભાગીય કક્ષાની સમિતિ સમક્ષ મોકલે છે.
પેટા વિભાગીય સમિતિ દાવા અરજી અને તેની સાથે મોકવામાં આવેલા પુરાવાની ચકાસણી કરે છે અને દાવા અરજી સંબંધિત ભલામણ સાથે નિર્ણય અર્થે જિલ્લા કક્ષાની સમિતિ તરફ રવાના કરે છે.
જિલ્લા કક્ષાની સમિતિ આ સંબંધિત નિર્ણય લેવા માટે આખરી સત્તા ધરાવતું તંત્ર છે.
No comments:
Post a Comment