એક સમાન ધર્મના અરજદારો માટે અશાંતધારાની મંજૂરીનો હુકમ હવે નાયબ કલેક્ટર હવે સબ રજિસ્ટ્રારને મોકલી આપશે.
એસડીએમ કચેરી અને જન સેવા કેન્દ્ર બહાર ક્યૂ આર કોડથી પણ હુકમની નકલ મેળવી શકાશે :રાજ્યમાં સૌપ્રથમ અમલ.
વડોદરા જિલ્લા કલેક્ટરના તાબા હેઠળ આવતી સિટિ પ્રાંતની કચેરી દ્વારા ફેસલેસ અને પેપરલેસ કચેરી બનાવવાના નિર્ણયના ભાગરૃપે મિલકત તબદીલી કરવા હવે સમાન ધર્મ માટે અશાંત ધારાની મંજૂરી સરળતાથી મળી રહે તે માટે ક્યૂઆર કોડ સિસ્ટમ અમલમાં લાવવાનો નિર્ણય રાજ્યમાં સૌપ્રથમ વખત લેવામાં આવ્યો છે.
અશાંતધારાની મંજૂરી માટે સિટિ પ્રાંતની કચેરીએ દર મહિને ૨૦૦૦ જેટલી અરજીઓ આવતી હોય છે. આ અરજીઓ પૈકી મોટાભાગની અરજીઓ સમાન ધર્મના માટેની હોય છે તેમ જણાવી નાયબ કલેક્ટર વી. કે. સાંબડે જણાવ્યું હતું કે એક સમાન ધર્મ માટેની અરજીઓમાં અરજદારોને અરજીઓની મોટી સંખ્યાઓના કારણે હેરાન થવું પડતું હતું પરંતુ અરજદારોને હેરાન ના થવું પડે તે માટે નવી સિસ્ટમ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી સુવિધાઓ માત્ર સમાન ધર્મની અશાંતધારાની અરજીઓ માટેની છે. આ અરજીઓ જનસેવા કેન્દ્રમાં સ્વિકારવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી આ અરજીઓનો મેન્યુઅલી નિકાલ કરવામાં આવતો હતો. તેના બદલે હવે કોઇ પણ અરજદારે સિટિ પ્રાંત કચેરીની મુલાકાત લીધા વગર, દરેક અરજી માત્ર ૧૦ દિવસમાં જ મંજૂર થયા બાદ સંકલિત હુકમ કરીને મોકલી આપવામાં આવશે. અત્રેની કચેરીએ કોઇ પણ પક્ષકારે આવવાની જરૃર નહીં રહે. તેમ છતાં કોઇ પક્ષકાર અરજી કરવા માંગતો હશે, તો ઓનલાઇન અપલોડ કરેલો હુકમ મેળવી શકશે. ક્યૂઆર કોડ કચેરીની બહાર તેમજ જનસેવા કેન્દ્ર પર મૂકાશે તેને સ્કેન કર્યા બાદ તે હુકમ મેળવી શકાશે.
તેમણે ઉમેર્યું હતું કે અશાંતધારાની મંજૂરીના ઓર્ડરમાં છેડછાડ ના થાય તે માટે હવે અશાંતધારાની મંજૂરીનો હુકમ સીધો સબ રજિસ્ટ્રાર કચેરીને જ મોકલવામાં આવશે જેથી જ્યારે દસ્તાવેજ અથવા ભાડાકરાર કરવો હોય ત્યારે સબ રજિસ્ટ્રાર જાતે જ હુકમ જોઇને મંજૂરી આપી દેશે. એસડીએમ કચેરીમાં હુકમની કોપી ઓપન પ્લેટફોર્મ પર મૂકાશે તેનો ફોટો પાડીને સબ રજિસ્ટ્રારને બતાવતા તેની ખાત્રી પણ સબ રજિસ્ટ્રાર કરી શકશે. આ નિર્ણયથી કાગળની બચત થશે, અરજદારોને સમયસર હુકમની નકલ મળી રહેશે. આ માત્ર સમાન ધર્મની અરજીઓ માટે જ છે. બાકીની અરજીઓ માટે અગાઉની પ્રક્રિયા યથાવત રહેશે.
No comments:
Post a Comment