GSTના કાયદાથી સંબંધિત હાઇકોર્ટનો સીમાચિહનરૂપ ચુકાદોઃ સરકાર પર સાતથી આઠ હજાર કરોડનો બોજો પડી શકે - લીઝ હોલ્ડ પ્રોપર્ટીના થર્ડ પાર્ટી વેચાણ ઉપર 18% GSTની ડિમાન્ડ કરતી ઓથોરિટીની હજારો નોટિસોને પણ હાઇકોર્ટે ચુકાદામાં રદ કરી.
GST સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટો ઝાટકો આપતો સિમાચિહ્ન રૂપ ચુકાદો હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં ઠરાવવામાં આવ્યું છે કે GIDCએ લીઝ પર આપેલા પ્લોટને જો કોઇ ઔદ્યોગિક એકમ થર્ડ પાર્ટીને વેચે તો તેના ઉપર સરકાર 18% GST(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) વસૂલી શકે નહીં. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અન્ય અરજદારોએ હાઇકોર્ટમાં કરેલી રિટ પિટિશન જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયા અને જસ્ટિસ નિરલ આર. મહેતાની ખંડપીઠે સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખી હતી અને આ મામલે ઓથોરિટી દ્વારા જેમને પણ 18% GSTની વસૂલાત માટેની નોટિસ પાઠવવામાં આવી છે, તે નોટિસોને પણ રદબાતલ કરી છે. સાથે જ ચુકાદા ઉપર સ્ટે આપવાની રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે કરેલી વિનંતી પણ ફગાવી કાઢી છે. આ ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર રૂ. સાતથી આઠ હજાર કરોડનો બોજો પડી શકે છે.
GSTના કાયદાની જોગવાઇઓનો ઓથોરિટી દ્વારા ભંગ કરીને 18% GSTની વસૂલાતની પ્રક્રિયાને પડકારતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરવામાં આવી હતી. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે,‘GIDC દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક એકમોને લીઝ પ્રોપર્ટી આપવામાં આવે છે. આ પ્રોપર્ટી કે પ્લોટ જે કિસ્સામાં ૯૯ વર્ષની લોંગ ટર્મ લીઝ ઉપર આપવામાં આવી હોય તે એકમો જ્યારે થર્ડ પાર્ટીને એ પ્લોટ કે પ્રોપર્ટી વેચે ત્યારે GSTના કાયદા મુજબ એ એક રીતે સંપત્તિનું વેચાણ જ કહેવાય. તેથી તેના ઉપર 18% GST વસૂલી શકાય નહીં. પરંતુ ઓથોરિટી દ્વારા રાજ્યભરની વિવિધ GIDCમાં ઔદ્યોગિક એકમો દ્વારા જ્યારે પણ થર્ડ પાર્ટીને વેચાણ અંગેનું ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહાર કરવામાં આવે ત્યારે એના પર ઉપર 18% GSTની ડિમાન્ડ કરવામાં આવતી હતી. તેથી ઓથોરિટીના નિર્ણયને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો અને આ નિર્ણયને ગેરકાયદેસર,મનસ્વી અને ગેરવ્યાજબી જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. જે એકમોને 18% GSTની ડિમાન્ડ અંગેની નોટિસો પાઠવવામાં આવી હતી એને રદ કરવાની દાદ પણ માગી હતી.’
ખંડપીઠે આ મામલે લંબાણપૂર્વક સુનાવણીના અંતે શુક્રવારે ખુલ્લી અદાલતમાં ચુકાદો વાંચી સંભળાવ્યો હતો અને ચેમ્બરની પિટિશનને સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખતાં ઠરાવ્યું હતું કે,‘GIDC દ્વારા લીઝ હોલ્ડ રાઇટ્સના ટ્રાન્સફર અને સેલ પર 18% GSTની ડિમાન્ય અયોગ્ય છે. કેમ કે જ્યારે પણ GIDC જોડેથી લીઝ પર લીધેલી પ્રોપર્ટી કે પ્લોટ કોઇ ઔદ્યોગીક એકમ થર્ડ પાર્ટીને વેચે ત્યારે એ થર્ટ પાર્ટી મૂળ ઔદ્યોગિક એકમના બદલે GIDCનો લીઝ ધારક બની જાય છે. એ સંજોગોમાં લીઝ હોલ્ડ રાઇટ્સ હેઠળ પ્લોટ અથવા તો પ્રોપર્ટીના આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઉપર GST લાગે નહીં. પરિણામે અરજદારોની પિટિશન ગ્રાહ્ય રાખવામાં આવે છે અને એકમોને GSTની વસૂલાત માટે આપવામાં આવેલી નોટિસોને રદ કરવામાં આવે છે.’ ચુકાદો જાહેર કર્યા બાદ એડવોકેટ જનરલ દ્વારા તેના પર સ્ટેની માગ કરાઇ હતી. ત્યારે ખંડપીઠે એને રદ કરતાં નોંધ્યું હતું કે,‘રાજ્ય સરકાર દ્વારા ચુકાદા પર સ્ટેની માગ થઇ હતી, જેને તથ્યો અને એના આધારે સામે આવેલા નિષ્કર્ષને ધ્યાને લેતાં રદ કરાય છે.’
ચુકાદાની નકલ માટે અહી ક્લિક કરો
No comments:
Post a Comment